રોહિત વેમુલા નામનો તેજસ્વી વિદ્યાર્થી આત્મહત્યા કરે તે ખુબજ દુઃખદ છે. આત્મહત્યા માટે પ્રેરનારા પરિબળો માનસિક ત્રાસના શિખરે હશે નહીંતર પોતાના જીવને ખતમ કરી નાખવું ખૂબ મુશ્કેલ છે. દેશમાં આત્મહત્યા હવે સામાન્ય બની ગઇ હોય તેવું લાગે છે. ગરીબી, બેકારી, ધંધામાં નુકશાન અને બીજી અંગત બાબતોથી કંટાળીને આત્મહત્યા કરવાનું પ્રમાણ વધતું જ જાય છે. વિદ્યાર્થીઓમાં પણ આત્મહત્યા કરવાનું પ્રમાણ વધ્યું છે. જેના મૂળમાં શૈક્ષણિક વ્યવસ્થા અને તેની સાથે જોડાયલા લોકો જવાબદાર છે. પરંતુ જ્યારે ૨૬ વર્ષનો લાઈફ સાયન્સનો પી.એચ.ડી.નો વિદ્યાર્થી આત્મહત્યા કરે ત્યારે વિશિષ્ટ પરિબળો અને સંજોગોની તપાસ કરવી અનિવાર્ય બની જાય છે.
રોહિત ખૂબજ ગરીબ અને દલિત પરિવારથી સંબંધ ધરાવતો હતો. તેનું સ્વપ્ન વિજ્ઞાાન લેખક બનવાનું હતું. ખૂબજ મહેનત અને પરિશ્રમ દ્વારા તેણે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ની ફેલોશિપ મેળવી હતી. તેનામાં સારા લેખકના ગુણો ઉપરાંત નેતાગીરીના ગુણો પણ હતા. તે આંબેડકર સ્ટૂડન્ટ્સ એસોસીએશન (એ.એસ.એ.)નો મેમ્બર પણ હતો. યુનિવર્સિટીમાં થતા વિવિધ ચર્ચાગોષ્ટિ કાર્યક્રમોમાં વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિ તરીકે તે જોડાતો પણ હતો. વિદ્યાર્થી સંગઠનના વિચારો અને કાર્યપ્રણાલીની શૈલીમાં વિરોધાભાસ હોવાના કારણે એ.બી.વી.પી. સાથે કયારેક બોલાચાલી પણ થઈ જતી. ઓગષ્ટમાં યાકૂબ મેમણને ફાંસી આપવાના વિરોધમાં આંબેડકર સ્ટૂડન્ટ્સ એસોસીએશને પ્રદર્શનો કર્યા જેના કારણે એ.બી.વી.પી. સાથે ઘર્ષણ વધયું. ‘મુઝફફરકનગર બાકી હૈ’ નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મને યુનિવર્સિટી કેમ્પસમાં એ.એસ.એ. એ દેખાડવાનો પ્રયત્ન કર્યો. જેને પ્રદર્શિત થવાના કારણે એ.બી.વી.પી.એ વિરોધ નોધાવ્યો હતો. યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનો દરમ્યાન ચાલી રહેલ ઘર્ષણને કેન્દ્રીય મંત્રી બંડારૃ દત્તાત્રેયે કંઇક ખાસ નજરે જોયું અને ખાસ રસ લીધો. તેમણે એચ.આર.ડી. મિનિસ્ટર સ્મૃતિ ઇરાનીને પત્ર લખીને જણાવ્યું કે કેમ્પસમાં જાતિવાદી અને રાષ્ટ્ર વિરોધી રાજનીતિ ચાલી રહી છે. એચ.આર.ડી. મિનિસ્ટ્રીએ પણ તડને ફડ યુનિવર્સિટીના વી.સી.ને પત્ર લખી તપાસ કરવાનો આદેશ આપી દીધો. યુનિવર્સિટીએ પ્રાથમિક તપાસના અંતે પાંચ વિદ્યાર્થીઓને એક સેમેસ્ટર માટે સસ્પેન્ડ કર્યા અને રોહિત વેમુલાને મળતી ૨૫ હજારની માસિક ફેલોશિપ બંધ કરવામાં આવી. સાત મહિનાના સંઘર્ષ બાદ અનેક કારણો અને પરિબળોથી કંટાળીને રોહિતે પોતાનું જીવન ટુંકાવી દીધું. આપઘાતની પાછળ રહેલ મુખ્ય કારણોની સમીક્ષા કરવી રહી કે જેથી બીજો કોઈ રોહિત આપઘાત ન કરે.
જ્યારે વિરોધ પ્રદર્શનો થાય છે ત્યારે નારેબાજીઓ, ઘેરાવો, આવેદનપત્રો, લાઠીચાર્જ, ધરપકડ અને છુટકારો વગેરે ઘટનાક્રમો બનતા હોય છે. પરંતુ અહિંયા ઘટનાક્રમ બિલ્કુલ વિચિત્ર છે. પ્રાથમિક અહેવાલમાં એ.બી.વી.પી.ના નેતા સુશિલ કુમારે મુકેલા આરોપ (કે તેને એ.એસ.એ.ના ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ તેની મારપીટ કરી)ને સાવ રદિયો અપાયોે હોવા છતાં વિદ્યાર્થીઓને (કદાચ તેમના દલિત હોવાના કારણે) સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તેમને યુનિવર્સિટીમાં જવાની અને લાયબ્રેરીમાં ઘુસવાની મનાઈફરમાવવામાં આવી અને ફેલોશીપ બંધ કરવામાં આવી. આવી સજા આપવાનો કોઈ તર્ક લાગતો નથી.
બીજું, કેન્દ્રીય મંત્રીની જાતિવાદી અને રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓની ટિપ્પણી અને એચ.આર.ડી. મિનિસ્ટ્રીનું આંધળું અનુકરણ. કોલેજ કેમ્પસમાં સામાજીક કે રાજકીય નિર્ણયો સામે પ્રદર્શનો કરવા કોઈપણ રીતે રાષ્ટ્રવિરોધી ગણી શકાય નહીં. લોકશાહી દેશમાં દરેકને પોતાના વિચારો અને ખ્યાલોની અભિવ્યક્તિ કરવાનો જે અધિકાર સાંપડયો છે તેના મુજબ દરેકે બીજાના વિચારોથી ભલે સંમત ન હોય છતાં તેનો સહિષ્ણું બની સમાવેશ કરવો જોઈએ. તેની અંદર દેશની એકતા અને સંગઠિતતાના બીજ રોપાયેલા છે. જેમ દેશમાં યાકૂબની ફાંસીના સમર્થનમાં ધરણા કરવાનો અધિકાર છે તેમ તેના વિરોધમાં ધરણા કરવાનોય અધિકાર છે. ‘મારી તરફેણમાં ન હોય તે તમામ રાષ્ટ્રવિરોધી અને મારી વિચારધારા જ એકમાત્ર દેશભક્ત’ વાળી માનસિકતા દેશમાં ખૂબજ તેજ ગતિએ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે આપણે ફરી એકવાર સામંતશાહી અને હિટલરશાહીના દોરમાં ધકેલાઈ જઈશું.
ત્રીજું, જાતિવાદી માનસિકતા. એ.એસ.એ. ના રાજકીય કે સામાજિક મુદ્દાઓ સાથે એ.બી.વી.પી.નો વિરોધ હોવા પાછળ અને રોહિતને ત્રાસ આપવા પાછળ તેનું દલિત હોવું વધારે કારણભૂત હોઈ શકે. એ.બી.વી.પી.એ આર.એસ.એસ.ની વિદ્યાર્થી પાંખ છે અને આર.એસ.એસ. સમાજની વર્ણવ્યવસ્થાને દૃઢપણે માને છે. આ વર્ણવ્યવસ્થામાં દલિતને અંતિમ સ્થાન છે. દલિતો બ્રહ્મણોની સાથે ખભેખભા ઉભા રહે તે તેમને ક્યારેય મંજૂર નથી. આ માનસિકતા જ નફરત અને દ્વેષની ભાવનાને જન્મ આપે છે. જ્યારે હકીકત આ છે કે અલ્લાહે બધાને મનુષ્ય જ પેદા કર્યો છે. કોઈને જન્મજાત કોઈ વિશિષ્ટતા પ્રાપ્ત નથી. વ્યક્તિ પોતાના કર્મોથી મહાન અને વિદ્વાન બને છે અને પોતાના કર્મોથી જ નીચ અને બદમાશ બને છે.
ચોથું, શૈક્ષણિક સંસ્થાનોમાં વિદ્યાર્થીઓનો રાજકીય હાથા તરીકે ઉપયોગ. સ્વતંત્રતા પછી દેશની શૈક્ષણિક સંસ્થાઓમાંથી સારી નેતાગીરી પ્રાપ્ત થતી રહે તે હેતુથી કેમ્પસ ઇલેકશનની નીતિ અમલમાં મુકવામાં આવી. પરંતુ ખુબજ ટુંકા સમયગાળામાં શૈક્ષણિક સંકુલો વિદ્યાના ધામની જગ્યાએ રાજકીય અખાડા બની ગયા. મારપીટ, ગુંડાગર્દી અને ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદના કારણે ઘણા શૈક્ષણિક સંકુલોમાં રાજકીય પ્રવૃત્તિઓ પર સદંતર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું અને ઇલેકશનની જગ્યાએ સીલેકશન થવાની શરૃઆત થઈ. વિદ્યાર્થીઓને કંઇ પણ કરીને પોતાની રાજકીય પાર્ટી સાથે જોડવાના ખ્યાલે વિદ્યાર્થી પાંખોને જન્મ આપ્યો. કોંગ્રેસે એન.એસ.યુ.આઈ., આર.એસ.એસ. એ એ.બી.વી.બી., ડાબેરીઓએ એસ.એફ.આઈ. વેગેર પાર્ટીઓએ વિદ્યાર્થી પાંખોની સ્થાપના કરી અને તેમનો ઉપયોગ રાજકીય લાભ લેવા માટે થાય છે. નૈતિકતાનું સિંચન, ગંભીરતા લાવવા અને સંકુલોને બદીઓ અને બુરાઈઓથી પાક કરવા કેટલાક સંગઠનો સક્રિય છે. પરંતુ તેમની ઉપસ્થિતિ જૂજ છે.
હૈદરાબાદ યુનિવર્સિટીમાં છેલ્લા ૬ મહિનાથી એ.બી.વી.પી. અને એ.એસ.એ. વચ્ચે જે ઘર્ષણ ચાલ્યું તેણે એક તેજસ્વી અને દેશના એક સારા ભવિષ્યનું ગળુ આટોપી દીધું. રોહિત સામે ગમે તેટલા માનસિક ત્રાસ આપનારા પરિબળો હતા છતાં તેણે જીવન ટુકાવવાની જરૃર ન હતી. જીવન એ સઘર્ષનું બીજું નામ છે. નિષ્ફળતામાંથી સફળતાનો માર્ગ મળે છે. અંધકાર પછી પ્રકાશમય દિવસની શરૃઆત થાય છે. આ રીતે જો દરેક વ્યક્તિ આર્થિક, સામાજીક, શૈક્ષણિક, રાજકીય કે વ્યવસ્થાકીય કારણોસર આપઘાત કરી લે તો દુનિયામાં કોઈ વ્યક્તિ બાકી નહીં રહે. તેથી આપઘાત એ સમાધાન નથી પરંતુ મુશ્કેલીઓ અને સમસ્યાઓને જન્મ આપે છે. આપઘાતથી દૂર રહો અને જીવનને તેના અંત સુધી જીવો. પોતાના અલ્લાહ અને ઇશ્વર પર સંપૂર્ણ ભરોસો રાખો કે પરિસ્થિતિને બદલવા માટે એ સક્ષમ છે. પરિસ્થિતિને બદલવા પરિશ્રમ કરો. અલ્લાહની મદદ નજીક છે. રોહિતનું મૃત્યુ લોકોમાં પ્રાણ બની દેશમાં ફુંકાઈ રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે વિરોધના ભણકા વાગી રહ્યા છે. દેશમાં હકારાત્મક બદલાવની અપેક્ષા સેવાઈ રહી છે. સરકારની ભૂમિકા કેવી રહે છે તે જોવું રહ્યું.