Thursday, October 10, 2024
Homeઓપન સ્પેસલઘુતાગ્રંથિ છોડીએ

લઘુતાગ્રંથિ છોડીએ

એક દંપત્તિ એમના છોકરાને લઈ સાયકોલોજીસ્ટ પાસે ગયું અને  છોકરા વિશે ફરિયાદ કરવા લાગ્યું. ડૉક્ટર સાહેબ, હવે આ દસમાં ધોરણમાં જશે પણ અમને એના ભણવામાં કોઈ ભલીવાર લાગતી નથી. નવ સુધી તો માંડ માંડ ઉપર ચઢીને આવ્યો પણ હવે આ મહત્ત્વનું વર્ષ છે એમાં પાસ નહીં થાય તો એની જિંદગી બગડી જશે. સાવ ડફોળ જ રહી ગયો ઃ આવી ઘણી વાતો એમણે ડૉકટરને કહી. ડૉકટરે બહુ શાંતિથી બધું સાંભળ્યું અને પછી છોકરાને અલગ જઈને કેટલાક પ્રશ્નો પૂછ્યા. થોડીવાર પછી ડૉકટરે એ દંપત્તિને કહ્યું, “તમે માનો છો એટલો બુધ્ધુ નથી તમારો છોકરો. પ્રોબ્લેમ એનામાં નથી પરંતુ તમારા વ્યવહારમાં છે. સૌથી પહેલાં તો તમે એને ડફોળ, બુધ્ધુ, નકામો, યુઝલેસ કહેવાનું છોડી દો. એની ટીકા ન કરો. દરેક વાતમાં બોલ બોલ ન કરો. એનું મૂલ્ય નીચું ના આંકો. તમારા આવા વર્તન અને વ્યવહારને કારણે એનામાં લઘુતાભાવ જન્મે છે. આ લઘુતાગ્રંથિમાંથી બહાર કાઢવાની જવાબદારી તમારી પણ છે.” એ પછી થોડા ઘણા સેશનમાં ડૉકટરે એ દંપત્તિ અને બાળકને ઘણા ઉપાયો સૂચવ્યા પરિણામે એ છોકરો દસમામાં જ નહીં પરંતુ ૧૧, ૧૨ અને કોલેજમાં પણ સારા માર્ક્સ સાથે પાસ થયો. એની લઘુતાગ્રંથિ દૂર થઈ અને એ સફળ થયો.

આપણા સમાજમાં આપણે ઘણા બધા એવા લોકોને જોઈએ છીએ જેઓ લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે. એના મૂળ એમના બાળપણમાં પડયા હોય છે. જ્યારે મા-બાપ એમને વાતવાતમાં ડફોળ કહેતા હોય છે અને એને યુઝલેસ-બિનઉપયોગી જાણતા હોય છે. બાળક મોટો થાય ત્યારે પણ એ લઘુતાગ્રંથિ એનામાંથી જતી નથી. શંકા અનિશ્ચિતતા અને બીજાના પ્રમાણમાં પોતે પુરા ન ઉતરી શકયાની લાગણી અને પોતે બીજા કરતા હલકાં કે વ્યર્થ છે એની ભાવના લઘુતાગ્રંથિ કે લઘુતાભાવને પોષતી રહે છે. હતોત્સાહ અને નિષ્ફળતાની લાગણી ઘેરી બનતી જાય છે અને લઘુતાભાવ મોટો થતો જાય છે. જે લોકો નિરાશા કે ડીપ્રેશનનો ઇતિહાસ ધરાવતા હોય છે એમનામાં લઘુતાભાવ વ્યાપક જોવા મળે છે. આગળ જણાવ્યું એમ જે મા-બાપ હંમેશા બાળકની ટીકાટીપ્પણી કર્યા કરે છે, અને તેને દરેક વાતમાં ઉતારી પાડે છે, બીજા હોશિયાર બાળકોની સાથે એની સરખામણી કર્યા કરે છે એવા બાળકો લઘુતાભાવનો શિકાર બને છે. અને ખાસ કરીને મોટા ઘરના બાળકો કે જ્યાં એમના બધા જ કામ નોકરો કરતા હોય છે, માત્ર હુકમ કરે તો બધી વસ્તુઓ હાજર કરી દેવામાં આવે છે. એવા બાળકોને જ્યારે જીવનની વાસ્તવિકતાઓ અને સમસ્યાઓ સાથે પનારો પડે છે ત્યારે સામનો કરી શકતા નથી અને હતાશ થઈ જાય છે. અને લઘુતાભાવથી પીડાવા માંડે છે. આવા બાળકોને લોકો કોઈ કામ બતાવે તો કહેશે હુંં આ નહીં કરી શકું, મારાથી નહીં થાય, હું આમા નિષ્ફળ જઈશ. આવા લોકોમાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. બીજા લોકોની એમને ઇર્ષ્યા આવતી હોય છે. તેઓ મારા કરતાં આગળ નીકળી ગયા અને હું અહીં જ રહી ગયો એ વિચાર એમને સતત કોસ્તો રહે છે. નકારાત્મક વિચારોથી તેઓ ઘેરાયેલા રહે છે. આવા લોકો દુખી હોય છે કેમકે તેઓ પોતાની જાત કરતા બીજા વિશે વધુ વિચારતા હોય છે. બીજા લોકો એણને સફળ, ધનવાન અને સુખી દેખાતા હોય છે. એની ઇર્ષ્યા એમને વધારે દુખી કરતી રહે છે. બીજાની સાથે પોતાની જાતને સરખાવવી એક મોટી ભૂલ છે. ઇશ્વરે દરેક માણસને યુનિક-અજોડ બનાવ્યો છે.

દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિશેષતા ઇશ્વરે રાખી છે. પોતાની જાતને બીજા સાથે સરખાવતા પહેલા એ પણ વિચારજો કે જે એની પાસે છે કદાચ વધુ અને સારૃ મારી પાસે પણ છે. માત્ર બાહ્ય દેખાવ, મોટર-બંગલો   જોઈ બીજાની ઇર્ષ્યા કરી લઘુતાભાવથી જીવવા કરતા એ પણ યાદ રાખવું જોઈએ કે ઇશ્વરે તમને જે સુખ કે જે ભેટો આપી છે એ કદાચ એની પાસે ન હોય. માત્ર બાહ્ય દેખાવના આધારે બીજાના સુખની કલ્પના કરી પોતે દુખી થવું યોગ્ય નથી. દરેક માણસની પોતાની સમસ્યાઓ હોય છે. બની શકે કે જેને તમે ખૂબ જ સુખી માનતા હોવ એ અંદરથી બહુ દુખી હોય! તમે જેને સફળતા માનતા હોવ એને મન એ નિષ્ફળતા પણ હોય!  એના મનની મુશ્કેલીઓ અને દુખોને તમે જાણો છો? અરે કદાચ એવું પણ બને કે તમે જેને સુખી અને સફળ માનતા હોવ એ પોતે તો નિષ્ફળ અને દુખી હોય અને એ તમારા સુખને જોઈને લઘુતાભાવ ધરાવતો હોય! બીજાની ઇર્ષ્યા કરવામાં તમે એ ભૂલી જાવ છો કે તમારૃં જીવન ચારિત્ર્ય બળ, મૂલ્યો અને અંગત વિચારસરણી સાથે જીવો છો. ઇર્ષ્યા જેવી એક નાનકડી બાબત તમને હલબલાવી દે એ કેવું?

લઘુતાભાવ અંદરથી જન્મે છે તેથી બાહ્ય દુનિયા બદલવાનો પ્રયત્ન કરશો તો પણ બધુ વ્યર્થ છે.

લઘુતાભાવ ધરાવતા લોકો નકારાત્મક વિચારોથી ઘેરાયેલાં હોય છે. એમને બધી જ બાબતોમાં નકારાત્મકતા જ દેખાય છે. સફળતા માટેનો આ સૌથી મોટો અવરોધ છે. મનના કોચલામાં ગુંચવાયેલા લોકો બીજાનું સારૃં જોઈ શકતા નથી. બીજી બાબતોમાં સકારાત્મકતા જોઈ શકતા નથી. બીજા બધા લોકો એમને વ્યર્થ લાગે છે. અને એમની પાસેથી તેઓ કોઈ કામ પણ કઢાવી શકતા નથી. બીજા સાથે સારી રીતે વાતચીત કરવી એક કલા છે. એ કલાથી આવા લોકો અજાણ હોય છે. લઘુતાગ્રંથિ ધરાવતા લોકોની સૌથી મોટી ખામી હોય છે બીજાની ઇર્ષ્યા કરવી. ‘પેરેડાઈઝ લોસ્ટ’ એક વિશ્વ વિખ્યાત મહાકાવ્ય છે. મહાકવિ મિલ્ટને એમાં જગતની ઉત્પત્તિ અને વિકાસનું અદ્ભૂત વર્ણન કર્યું છે. એમાં શેતાન (લ્યુસીફર)ના કારનામાઓ પણ આલેખાયાં છે જેમાં એક જગ્યાએ શેતાન કહે છે, “હું દુખી છું. હું જ્યાં જાઉં છું ત્યાં દુખી થઈ જાઉં છું. નાસીને હું ક્યાં જાઉં? હું જ્યાં જાઉં ત્યાં નરક બની જાય છે. હું ખુદ નરક બની ગયો છું.” મિલ્ટને શેતાનની હૃદયવ્યથાનું આબેહૂબ વર્ણન કર્યું છે. ઇર્ષ્યાવાળા માણસની સ્થિતિ પણ આવી જ હોય છે. એ કોઈની સુખ સમૃદ્ધિ જોઈ શકતો નથી. બીજાનું સુખ ન જોઈ શકવાની એની વૃત્તિ ખરેખર તો વિકૃતિને લીધે પોતાનામાં રહેલું સુખ પણ એ જોઈ શકતો નથી!

નાના બાળકો, વિદ્યાર્થીઓથી લઈ, સામાન્ય સ્ત્રી-પુરૃષો જ નહીં મોટા મોટા કલાકારો, એકટરો, કવિઓ અને સાહિત્યકારો પણ આ અજબગજબ મનોવૃત્તિથી પીડાય છે. કેટલાક ગુજરાતી સાહિત્યકારોમાં આ લઘુતાભાવ અને ઇર્ષ્યા એટલા વ્યાપક છે કે જેની કોઈ હદ નથી. જો કે કેટલાક ગુજરાતી સાહિત્યકારો લઘુતાગ્રંથિની વિરોધી ગુરૃતાગ્રંથિથી પીડાઈ રહ્યા છે. આવા ‘તેજાબી તત્વચિંતકો’ની મોટાઈ અને ગુરૃતાના ભારમાં સાહિત્ય બે પૂંઠા વચ્ચે દબાઈને દમ તોડી રહ્યું છે. માત્ર સાહિત્યકારો જ શા માટે, આપણા દેશના કેટલાક નેતાઓ પણ ગુરૃતાગ્રંથિથી પીડાઈ રહ્યા છે. આ ગુરૃતાગ્રંથિ વાસ્તવમાં તો એમની લઘુતાગ્રંથિની પ્રતિક્રિયારૃપે બહાર આવી છે. પરિણામ આપણી સામે છે.

તો લઘુતાગ્રંથિને દૂર કરવા શું કરવું? એક મનોવિજ્ઞાનીને એક માણસે પૂછ્યું કે લઘુતાગ્રંથિના મૂળ ક્યાં છે? એ મનોવિજ્ઞાનીએ એને જવાબ આપ્યો કે ભાઈ આની ફિલુસૂફી સમજવામાં સમય બરબાદ કરવા કરતા તમારા આત્મવિશ્વાસને સબળ બનાવવા પ્રયત્ન કરો એ વધુ યોગ્ય છે.

ફિલ્મ થ્રી ઇડીયટ્સમાં આત્મવિશ્વાસ વધારવા અને મુશ્કેલીઓનો સામનો કરવા લેખક અભીજીત જોશીએ સરસ નુસ્ખો આપ્યો છે. આવા સમયે સતત રટણ કરવું – ‘ઓલ ઇઝ વેલ’

માણસે પોતાનામાં છુપાયેલી શક્તિઓને ઓળખવાની છે. રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું, “માનવજીવનનું મુખ્ય ધ્યેય પોતાની ઓળખાણના રાજમાર્ગ પર આગળ વધવાનું છે.” ડૉ. રોલો મે એ પણ યોગ્ય જ કહ્યું છે, “આપણું મુખ્ય ધ્યેય પોતાના વિશેની આપણી સભાનતાને સબળ બનાવવું એ છે. આપણી ચારે તરફ ગમે તેટલી અવ્યવસ્થા અને અંધાધૂંધી હોય તેની વચ્ચે પણ આપણને અચળ ઊભા રાખી શકે એવા જે શક્તિ કેન્દ્રો આપણી અંદર પડેલા છે  એને શોધવાનું કર્તવ્ય મુખ્ય છે.”

જ્યારે આ કર્તવ્ય આચરીશું તો આપણી લઘુતાગ્રંથિઓ ત્રુટિઓ અને નિર્બળતાઓ દૂર થશે. લઘુતાગ્રંથિ દૂર કરવા હિંમતથી કામ લેવું જોઈએ. બીજાથી ડરવાની કોઈ જરૃર નથી. વિચારોને બદલો, દૃષ્ટિકોણને બદલો, આત્મવિશ્વાસ કેળવો, મનને સ્વચ્છ અને સ્વસ્થ્ય બનાવો, નવા રસ, નવી મૈત્રી, નવી પ્રવૃત્તિઓ, નવી વિચારધારાઓ અને નવા અભિગત જ સ્વસ્થ્ય અને સફળ જીવન તરફ દોરી જશે. જીવન ઇશ્વરની ભેટ છે, એની કદર કરીએ અને ઉત્કૃષ્ટતા તથા પ્રમાણિકતાથી જીવીએ – એ જ સફળ જીવન છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments