Friday, April 19, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપલોકશાહીના મહાપર્વમાં મતનું મુલ્ય

લોકશાહીના મહાપર્વમાં મતનું મુલ્ય

દેશમાં લોકસભાની ચૂંટણી ચાલુ થઇ ગઇ છે. આ લખાય છે ત્યાં સુધી ૧૬મી લોકસભાની ૫ તબક્કાની ૨૩૨ સીટોની ચૂંટણી થઇ ગઇ હશે. અહીં ગુજરાતમાં ૩૦ એપ્રિલના રોજ ચૂંટણી યોજવાની છે. દિવસે દિવસે નવા નવા સમીકરણો ઉમેરાતા જાય છે. કોઇ સિદ્ધાંત – નિતિ નિયમ, નિતિમત્તા કે નૈતિકતા જેવું કંઇ દેખાતંુ નથી. કાલે પેટ ભરી ગાળો ભાંડનાર આજે વ્હાલા અને યોગ્ય વ્યક્તિ બની ગયા છે.

ચૂંટણીઓ તો દર પાંચ વર્ષે આવે જ છે. વિધાનસભા કે સંસદની એ હકીકત છે. પણ અત્યારે આ ૧૬મી લોકસભાની ચૂંટણીનો જે માહોલ ઉભો કરવામાં આવ્યો છે. તે ગણી બધી રીતે ગણો સુચક અને સમજવા લાયક છે. મોટા અને નાના દરેક પક્ષો અને કેટલીક ખાસ વ્યક્તિઓને પોતાના અસ્તિત્વનો સવાલ છે. કમરતોડ મોંઘવારી – અકલ્પનીય ભ્રષ્ટાચાર – વહીવટમાં પારદર્શકતાનો અભાવ – નેતાઓના અતાર્કિક અને બેજવાબદારીભર્યા નિવેદનો – હલકી કક્ષાની કોમેન્ટ – વ્યક્તિગત આક્ષેપોથી મતદારો મુંઝવણ અનુભવી રહ્યા છે. સમજદાર વર્ગ જાણે છે કે આ બેફામ નિવેદનબાજીમાં દેશની પ્રજાના મૂળ પ્રશ્નો કિનારે મુકી દેવામાં આવ્યા છે.

સૃષ્ટીના સર્જનહાર અને પાલનહાર અલ્લાહ તઆલાએ આપણને અન્યના માર્ગદર્શન અને સુધારણા માટે ઉભા કર્યા છે. આપણને ખૈરે ઉમ્મત તરીકે નવાજ્યા છે. ત્યારે આપણા દેશના અને દેશની સામાન્ય પ્રજાના પ્રશ્નોને વાચા આપવા – સમજવા – આપણી જવાબદારી થઇ પડે છે. રાષ્ટ્રીય પ્રશ્નોથી અલિપ્તતા – ગફલત અને નિષ્ક્રિયતા આપણા માટે ઘાતક છે અને ચૂંટણીમાં તો મહાઘાતક. આપણે આપણા દેશના લોકો ઉપર બોજો બનીને નહીં પણ જરૂરત બનીને રહેવાની-જીવવાની જરૂરત છે. ઘરમાં કોઇ જુનો સામાન કે કચરો હોય છે તો તે આપણે સાચવી રાખતા નથી, બને તેટલા જલ્દીથી ફૈકી દેવાની કોશીષ કરીએ છીએ પણ નવો સોફા કે નવી જરૂરતની કોઇ ચીજને બહુ સાચવીને મુકીએ છીએ. તેમ આપણે જો આપણા દેશ ઉપર બોજો બનીને રહીશું તો દેશની પ્રજા આપણને ફૈંકી દેશે પરંતુ જો આપણે આપણા દેશની જરૂરત બનીને રહીશું – દેશના અને પ્રજાના પ્રાણ પ્રશ્નોને પોતાના પ્રશ્નો સમજી તેને સુધારવાના પ્રયત્ન કરીશું – એકબીજાની સાથે હળીમળી પ્રાણ પ્રશ્નો માટે લડીશું તો આપણા અસ્તિત્વ માટે અન્ય લોકો મદદમાં દોડી આવશે.

હાલમાં આપણે જોઇએ છીએ ગુજરાતમાં હિન્દુ – મુસ્લિમ બંને સમાજ વચ્ચે ન પુરી શકાય તેવી ખાઇ ઉભી કરવામાં આવી છે. અને આ મોડેલને દેશમાં લાગુ કરવા આપણા સાહેબ નીકળ્યા છે ત્યારે આપણે સૌએ સાથે મળી ગુજરાતની સાચી હકીકત દેશની જનતા સામે લાવવી જોઇએ. ગુજરાતના નીડર અને નિષ્પક્ષ કર્મવીરો આ કામ કરી રહ્યા છે. તેમને આપણે સહકાર આપવો જોઇએ.

આપણે જોઇએ છીએ કે ગુજરાતમાં નર્મદાયોજના મૂળ સિંચાઇ માટે ઉભી કરવામાં આવેલ પણ આજે તેનું પાણી ઉદ્યોગોને અપાય છે. સાહેબને સરકારી અધિકારીઓ કે કર્મચારીઓમાં સહેજે વિશ્વાસ અને રસ નથી એટલે તેમણે સરકારના ખાતાઓ – બોર્ડઝ – નિગમોમાં કન્સલ્ટન્ટ ઉભા કરી તગડી કમાણી કરી આપી. જેમકે સંઘના એક જાણીતા નિષ્ણાંત ગુરૃમૂર્તિની કોઇક સંસ્થાને અમદાવાદના પતંગ ઉદ્યોગ વિશે અભ્યાસ કરવાની કન્સલ્ટન્સી આપીને લાખો રૃપિયા આપી દેવાયા.

૨૦૦૨ થી ૨૦૦૭ સુધીમાં ઉદ્યોગોને ૩૭૦૦૦ કરોડની સબસીડી આપી. ૨૦૦૭ થી ૨૦૧૨ના ગાળામાં આ સબસીડી બમણા કરતા વધુ આપી. આમ આ લાભો મેળવનાર ઉદ્યોગપતિઓ અને કન્સલટન્ટોનો બોલકો વર્ગ કે જેને સરસ બોલતા અને સરસ લખતાં આવડે છે એટલે એ મોદીની પ્રશંસાના ગુણગાન દુનિયાભરમાં ગાયે રાખે છે અને ગાય જ ને કારણે કે કરોડોના લાભ મળતા હોય પછી !

કેગના અહેવાલો ઉપર વિધાનસભામાં પણ ચર્ચાનો સમય નથી અપાતો, માહિતી અધિકાર ધારાનો અમલ પાંગળો છે, એક્ટીવિસ્ટોને મોતને ઘાટ ઉતારવામાં આવે છે, કાંતો ધાક ધમકી આપી ડરાવી દેવામાં આવે છે, કાં ખરીદી લેવામાં આવે છે. મુખ્યમંત્રી રાહત ભંડોળનો ઉપયોગ પારદર્શક નથી. ભ્રષ્ટાચાર વિરોધી કચેરીને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. ગેર વહીવટને કુશાસનના બદલે સુશાસન તરીકે ખપાવવામાં આવે છે. પછાત વિસ્તારો ઉપર ધ્યાન નહીં, કેન્દ્રથી કરોડોની ગ્રાન્ટ વાપર્યા વિના પરત થાય છે. દલિતો આદિવાસીઓ માટે વિકાસ યોજના કાગળ ઉપર અમલમાં જીરો, દલિતો ઉપર અત્યાચાર અને ભેદભાવ, આદિવાસીઓને જમીન આપવામાં નખરા, આદિવાસી પછાત વિસ્તારમાં સિંચાઇનુ નામ નહીં, વિકાસમાં અન્યાય, મનરેઘાના વહીવટમાં ગોટાળા, વાયદા મોટા અમલ ઓછા, દાવાઓ મસમોટા હકીકત જુદી, માનવ વિકાસમાં પછાત, ખેડૂતો અને ગરીબોના ભોગે ઉદ્યોગોને સસ્તી જમીન, ભારતમાં ક્યાંય ક્યારેય આટલી સસ્તી જમીન ઉદ્યોગોને અપાઇ નથી, ઉત્સવો પાછળ તિજોરી ખાલી, મળતીયા ને બેંક બેલન્સ, હાઉસિંગ બોર્ડ બંધ કરી બિલ્ડરોને ફાયદો, શિક્ષણમાં શાળા-કોલેજોનોના નામે હાટડીઓ ખોલાવી ખાનગી ટ્રસ્ટોને ઘી કેળા, હરિજન, આદિવાસી, મુસ્લિમને શિક્ષણથી વંચિત રાખવાનું ષંડયંત્ર.

રાજ્યની પરિસ્થિતિની સાથે આપણે આપણી પરિસ્થિતિને પણ ધ્યાનમાં લઇએ. સમયને સમજનારનું વર્તમાન અને ભવિષ્ય સલામત રહે છે. સાંપ્રદાયિક – ધર્મગુરૃની વિચારધારા બદલાતી નથી. ૨૦૦૨નો માનવસંહાર, કોમી તોફાનો, લૂંટફાટ, બળાત્કાર, બાળકો સ્ત્રીઓ નબળા લોકો ઉપર જુલ્મ, અત્યાચાર, ગરીબી, બેકારી, શિક્ષણ આરોગ્ય. રાંચી – ગુજરાત – આસામ – મુઝફ્ફરનગર – રાજસ્થાનમાં કોમી તોફાનો, બેગુનાહ યુવાનોને જેલ હવાલે, મદ્રેસા, દારૃલ ઉલુમોમાં ઇન્ક્વાયરીના નામે પરેશાની, નેતાઓના ઇશારે અધિકારીઓ દ્વારા કનડગત, વિકાસના કામોમાં અન્યાય – એમ.પી.-એમ.એલ.એ.ની ગ્રાન્ટોમાં અન્યાય, સરકારી નોકરીમાં અન્યાય, ભેદભાવ, દબાણ હટાવવામાં ટાર્ગેટેડ રીતે અન્યાય, હાઉસિંગ સ્કીમમાં અન્યાય, ગુજરાતમાં મુસ્લિમ સમાજ માટે કોઇ ક્ષેત્રમાં ન્યાયી વલણ દેખાતુ નથી.

આવી પરિસ્થિતિ નજરે જોઇ આપણે ઉકળી ઉઠીએ છીએ. આપણું ખૂન ગરમ થાય છે. ક્યારેક આપણે આવેશમાં આવી જઇએ છીએ. પરંતુ આપણે હોશ-હવાશમાં રહી લૉ-એન્ડ-ઓર્ડરમાં રહી સમસમી શાંત થઇ જઇએ છીએ કારણ કે જો કંઇક રજૂઆતો કરીએ તો જ્યાં બેગુનાહ – બેકસૂર ફુટપાથ પર સૂતેલા રસ્તે ચાલતા કે બસ ટ્રેનમાં સફર કરતા યુવકોને જેલ હવાલે કરવામાં આવે છે. તેમના ઉપર ઝુલ્મ અત્યાચાર કરવામાં આવે છે તો પછી કંઇક આક્રમક રજૂઆતો કરનારની તો હાલત જ શી થાય ? અને આપણે ક્યારેય કાયદો હાથમાં ન લેવો જોઇએ કાયદાની મર્યાદામાં રહી આપણે રહેવું જોઇએ.

આપણા દેશના બંધારણ ઘડવૈયાઓએ આપણને આપેલા બંધારણીય અધિકારોના આધાર ઉપર આપણે વર્તવું જોઇએ. લોકશાહી પ્રક્રિયામાં દર પાંચ વર્ષે આપણને આપણા નેતા ચૂંટવાનો અધિકાર છે. તેમાં આપણને કોઇ રોકી શકતુ નથી – અટકાવી શકાતું નથી. હા, અત્યારના માહોલમાં ધાક-ધમકી – લોભ-લાલચ દ્વારા અવનવી તરકીબો અજમાવવામાં આવે છે, પણ આપણે આપણી પ્રાથમિક જવાબદારી સમજી અલ્પ સમયના લાભ-લાલચથી પ્રેરાયા વિના હકીકતોને સામે રાખી આપણે આપણા કિંમતી મતનો ઉપયોગ કરવો જોઇએ.

આપણે આપણને કનડતા પ્રશ્નો બાબત કે અન્ય ઉપર થતા ઝુલ્મ કે અત્યાચારોથી પરેશાન થઇ જઇએ છીએ પણ સત્તા આગળ શાણપણું નકામું તેમ આપણે કંઇ કરી શકતા નથી. પરંતુ આવા સમયે આપણે કચકચાવી તનતોડ મહેનત કરી જાતે અને આપણાં મહોલ્લા – શેરીઓ – કસ્બાઓ – સોસાયટીઓ કે આપણા ગામડાઓમાં ઘરે ઘર ફરી પુરૃં મતદાન કરાવવું જોઇએ. આપણે તલવાર કે હથિયારથી બદલો લઇ શકવાના નથી અને લેવો પણ ન જોઇએ. પણ તેનાથી પણ આ ઘણું મોટું હથિયાર છે. જેનાથી ગમે તેવા ઇન્ટરનેશનલ જુઠાને કે અત્યાચારીને આપણે તેનું સ્થાન બતાવી શકીએ છીએ.

આપણા મતોનું શું મહત્વ હોય છે તે ટુંકમાં જોઇએ. ૨૦૧૨ની વસ્તી ગણતરી મુજબ આપણા દેશમાં આપણી ૧૫ ટકા વસ્તી બતાવવામાં આવી છે. લોકસભામાં ૩૫ સીટો ઉપર ૩૩ ટકા, ૩૮ સીટો ઉપર ૨૧ થી ૩૦ ટકા અને ૧૪૫ સીટો ઉપર ૧૧ થી ૨૦ ટકા મત ધરાવીએ છે. આમ ૨૧૮ સીટો ઉપર આપણા મતો અસરકારક છે. જો આપણે સમજદારી પૂર્વક અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી મતદાન કરીએ કરાવીએ. આપણા મતોનું વિભાજન ન થવા દઇએ તો આપણે આપણા પસંદગીના સારા સ્વચ્છ પ્રતિભા ધરાવતા ૨૧૮ સાંસદોને લોકસભામાં મોકલી શકીએ.

અને આ કામ મુશ્કેલ પણ નથી ૨૦૦૭માં યુ.પી.ના પરિણામોએ મતોનું વિભાજન કર્યા વિના સમજદારી પુર્વક મતદાન કરી બી.એસ.પી.ને સ્પષ્ટ બહુમત આપ્યો. ૨૦૧૨માં આ પ્રકારે જ એસ.પી.ને સ્પષ્ટ બહુમત આપ્યો. ૨૦૦૪ અને ૨૦૦૯માં દેશભરમાં સમજદાર વર્ર્ગે સમજપૂર્વક મતદાન કરી કોમવાદી પરિબળોને સત્તાથી દૂર રાખી.

આ પરિસ્થિતીમાં આપણે કોઇના હાથા બનીને કે પાંચ – પચાસ હજાર રૃપિયાના લોભમાં આવીને કે બદલાની ભાવના સાથે ઉમેદવારી કરી ૫૦૦ કે ૧૦૦૦ મત મેળવીને કે ડિપોઝિટ ગુમાવીને બિનસાંપ્રદાયિક કે સંનિષ્ઠ સેવાભાવી કાર્યકરને હરાવી સાંપ્રદાયિક અને જુલ્મીઓના હાથમાં આ સત્તાના સુત્રો આપી વર્ષો સુધી પોતે પોતાના સમાજ અને જરૂરતમંદ વર્ગને યાતનાઓમાં ધકેલી આપણે અલ્લાહના અઝાબનો ભોગ બનીએ છીએ. ઝુલ્મી અને અત્યાચારીને સ્પર્ધા કે આડકતરો સહયોગ આપે તે પણ ઝુલ્મી જેટલો જ ગુનેગાર છે. આ હકીકતને ધ્યાનમાં રાખી આપણે આપણી સહજ જિમ્મેદારી સમજી આગામી ૩૦ એપ્રિલના રોજ સ્વચ્છ પ્રતિભા ધરાવતી આપણા અને સમગ્ર પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપનાર બિનસાંપ્રદાયિક અને ભ્રષ્ટાચાર રહીત અને ફાસીવાદી તાકાતો ને મ્હાત આપી શકે, તેવા ઉમેદવારને મત આપી અપાવી દેશ પ્રત્યેની વફાદારી અને જવાબદારીને અદા કરીએ.

ઘણી વખતે ગોબલ્સ પ્રચાર અને પ્રચાર માધ્યમોના કે ઓપિનિયન પોલોના આધારે (કે જે મતદાતાઓને ગુમરાહ કરવા – ભ્રમમાં આવી હરકતો કેટલાકના ઇશારાઓ ઉપર ઇરાદાપુર્વક કરતા હોય છે – જેમ અત્યારે કરી રહ્યા છે.) આપણે મન બનાવી લઇએ છીએ કે હવે પરિણામો તો એકતરફી આવી રહ્યા છે. આપણો મત આપવા નહીં જઇએ તો પણ શું ફેર પડવાનો છે અને આપણા એક બે કે પાંચ મતોથી પરિણામો ઉપર શું અસર પડવાની છે. પરંતુ એક એક મતની કિંમત હોય છે અને આપણી આ નિષ્ક્રિયતા આખા દેશના ભાવિને અસર કરે છે.

૧૯૯૬માં વડોદરાની સીટ ઉપર કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડ ૧૭ મતે જીત્યા હતા. ગાયકવાડને ૧૩૧૨૪૮ મત મળ્યા. ભાજપના સુખડીયાને ૧૩૧૩૩૯ મત મળ્યા હતા. ૧૯૯૮માં લોકસભામાં બાજપાઇની સરકારને વિશ્વાસનો મત મેળવવામાં વિશ્વાસની તરફેણમાં ૨૬૯ મત પડ્યા અને અવિશ્વાસની તરફેણમાં ૨૭૦ મત પડ્યા. એક મતના ફેરફારમાં બાજપાઇ સરકાર ગઇ અને વિરોધપક્ષમાં બેસવું પડ્યું. ૧૯૧૭માં સરદાર પટેલ અમદાવાદ મ્યુ. કાઉન્સિલમાં એડ. ગુલામ મોઇયુદ્દીન નકમાવાલા સામે એક મતે જીત્યા નરમાવાલાને ૩૧૩ મત મળ્યા. સરદાર પટેલને ૩૧૪ મત મળ્યા. રાજસ્થાનમાં ૨૦૦૮માં ધારાસભામાં નાથ દ્વારાની સીટ ઉપર સી.પી.જોષી કલ્યાણસિંહ ચૌહાણ સામે એક મતે હારી ગયા. કલ્યાણસિંહ ચૌહાણને ૬૨૨૧૬ મત મળ્યા અને સી.પી. જોષીને ૬૨૨૧૫ મત મળ્યા. સરકાર કોંગ્રેસની થઇ અને સી.પી. જોષી મુખ્યમંત્રી બનતા અટકી ગયા. ૧૯૨૩માં નાઝી પાર્ટીના પ્રમુખપદે એડોલ્ફ હિટલર એક મતે જીત્યા અને આપણે જોઇએ છીએ તેમ હિટલર યુગનો જન્મ થયો.

આપણા ગુજરાતમાં ૩૦ એપ્રિલે સંસદની ચૂંટણી છે. અહીં ૨૬ સીટો છે. ભરૃચ (૩૨૫૦૦૦), સૂરત (૧૬૦૦૦૦), વડોદરા (૨૧૦૦૦૦), આણંદ (૧૭૦૦૦૦), ખેડા (૧૫૮૦૦૦), કચ્છ (૨૭૮૦૦૦), બનાસકાંઠા (૧૭૫૦૦૦), સાબરકાંઠા (૧૬૦૦૦૦), મહેસાણા (૧૮૦૦૦૦), જુનાગઢ (૨૬૦૦૦૦) જેમાં આ દસ સીટોના જ આંકડા આપ્યા છે અન્ય સીટો ઉપર પણ આપણે એવરેજ ૧૦ ટકા મતો તો ધરાવીએ છીએ.

હવે જો આપણે આદિવાસી – હરિજન અને આ દેશને એક અને અખંડ રાખવા પ્રયત્નશીલ કર્મવીરો મળી સમજપૂર્વક – સ્વચ્છ પ્રતિભા ધરાવતા ભ્રષ્ટાચાર રહીત – બિન સાંપ્રદાયિક અને આપણી મુશ્કેલીઓને સમજનારા આપણા સુખ દુઃખમાં સાથે રહેનાર અને આપણા પ્રશ્નોના ઉકેલમાં રસ દાખવનારા ઉમેદવારને જીતતા કોણ રોકી શકે? આમ, આપણે આપણી પસંદગીના ઉમેદવારને આસાનીથી વિજયી બનાવી શકીએ. પરંતુ અત્યારે આપણે કોઇ લોભ-લાલચ કે આળસ વગર મતદાન આપણો હકક છે, આપણી જવાબદારી છે આપણી જરૂરત છે તે સમજી કાળજીપૂર્વક મતદાન કરીએ અને કરાવીએ તો આ દેશમાં આપણે આપણી પસંદગીની સરકાર લાવી શકીએ.

આ માટે આપણે આ દેશની જુની-પુરાણી રમતો કબડ્ડી અને ખો કે જે અત્યારે ક્રિકેટના કારણે ભુલાઇ ગઇ છે. પણ આપણે તેને સામાજિક રીતે જીવંત રાખી છે. આ દેશમાં આપણે મુસલમાનો કબડ્ડીની રમતની માફક દરેક ક્ષેત્રમાં એક બીજાના ટાંટીયા ખેંચવામાં જ રહીએ છીએ અને ‘ખો’ની માફક આપણે આપણી જવાબદારી સમજ્યા વગર એક બીજા ઉપર આપણી જવાબદારીઓ ઢોળી દેતા હોઇએ છીએ. તો હવે સમગ્ર ઉમ્મતની ભલાઇ અને આ દેશની એકતા – અખંડીતતા અને સર્વાંગી વિકાસ માટે આપણે બહાર આવવું પડશે. આપસના નાના મોટા ભેદભાવ ભુલી પોતની ઇગોને દફનાવી દઇ એક બની વધુમાં વધુ મતદાન કરી-કરાવી આપણે સમાજ અને દેશ પ્રત્યેની આપણી ફરજ અદા કરવી પડશે. નહીં તો, સમાજ કે દેશની ભાવિ પેઢી આપણને માફ નહીં કરે.
અલ્લાહ તઆલાથી દુઆ છે કે આપણને સહી સમજ સૂઝ બુઝ આપે અને સમજદારીપૂર્વક નિડર પણે ૧૦૦ ટકા મતદાન કરવાની હિંમત અને તાકત આપે. અલ્લાહ આપણી સૌની મદદ કરે.

abdulqadirmemon123@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments