Monday, October 2, 2023
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપલોકશાહી અને વાણીસ્વાતંત્ર્ય

લોકશાહી અને વાણીસ્વાતંત્ર્ય

લોકશાહી એટલે લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. જેમાં લોકોને વાણી-સ્વાતંત્ર્ય અને વિચાર-સ્વાતંત્ર્ય હોય છે. લોકો મુક્તપણે પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. લોકશાહીમાં દરેક વ્યક્તિના મૂળભૂત અધિકારો પર કોઈ બંધન હોતુ નથી. ભારત દેશ એ વિશ્વની સૌથી મોટી પ્રતિનિધી લોકશાહી ગણવામાં આવે છે.

રાજ્યસત્તાનો એક નમૂનો રાજાશાહી છે. જ્યાં રાજા રાજ ચલાવે છે અને લોકો તેની પ્રજા ગણાય. આવા રાજ્યો એક હથ્થુ શાસક અને બળનો ઉપયોગ કરી સુશાસન પણ ચલાવતા હોય છે પરંતુ સ્વશાસન હોવું જરૂરી છે. લોકો પાસે સુખસુવિધા હોય પણ તેમાં તેનું સ્થાન ક્યાં છે તે મહત્ત્વનું છે. દરેક વ્યક્તિ સ્વતંત્ર વિચાર ધરાવે છે ત્યારે તેના વિકાસનો વિચાર બીજા કઈ રીતે કરી શકે? લોકોની જરૂરીયાતો સંતોષાતી હોય તોય લોકોને સ્વતંત્ર સ્વવિકાસની ઝંખના રહે જ છે. મનુષ્ય માત્ર મળેલું જીવન જીવવા જ અસ્તિત્વ ધરાવતો નથી. તેના માટે સ્વવિકાસ જરૂરી છે અને, તે ત્યારે જ ફળીભૂત થઈ શકે જ્યારે મનુષ્ય સ્વતંત્રતા ભોગવતો હોય અને તંત્રમાં લેવાતા કાર્યોમાં તેની ભાગીદારી હોય. સ્વશાસન ન હોય ત્યાં સુધી સુશાસન કદી શક્ય ન બની શકે. લોકશાહીનો ખ્યાલ વિકસતો વિકસતો હવે કલ્યાણ રાજ્યથી આગળ વધીને વિકાસ રાજ્ય સુધી પહોંચ્યો છે.

લોકોનો વિકાસ માટે સ્વાતંત્ર્ય જરૂરી છે. તેનામાં ખુદનો આવાજ વ્યક્ત કરવાની અને પોતાના વિચારો અમલમાં મૂકવાની શક્તિ હોવી જોઈએ અને આ સિદ્ધાંતો આધારીત શાસન પદ્ધતિ ઉભી કરવાનો મૂળભૂળ ઉદ્દેશ્ય પણ આ જ હોવો જોઈએ પરંતુ કમનસીબે જોવું મળતુ હોય છે કે સંસ્થાકીય માળખું મહત્ત્વનું બની જાય છે અને તેનું હાર્દ મરી જાય છે. માત્ર લોકશાહીનું માળખું જ રહે એ અગત્યનું નથી પરંતુ આ માળખા દ્વારા લોકોનું સ્વશાસન સિદ્ધ થયુ છે કે નહીં તેની તપાસ થવી જરૂરી છે. લોકશાહીનો ખ્યાલ આદર્શને સિદ્ધ કરવા માટેનો છે. સંસ્થાકિય માળખું અને લોકશાહી ત્યારે જ સફળ થાય, જ્યારે આદર્શ અને માળખુ બન્ને એક બને.

બંધારણનું આમુખ મૂળભૂત અધિકારો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ ત્રણેય ભાગો બંધારણનો આત્મા છે. તેનો ઉદ્દેશ્ય સુશાસન અને સ્વશાસન સ્થાપવાનો છે. માત્ર લોકશાહી રાજ એટલું જ પુરતું નથી લોકશાહી સમાજ હોવો જરૂરી છે. બંધારણ લોકશાહી રાજ્ય સ્થાપે છે કુટુંબ સહિત સમાજના દરેક ભાગમાં લોકશાહીની ભાવના વ્યક્ત થવી જોઈએ અને તેમાં ભાગીદારીપૂર્વક લોકશાહીએ લોકશાહીનો આદર્શ હોવો જોઈએ. આપણે આ મુદ્દાઓ આધારિત બંધારણ તો બનાવ્યું પણ તે મુજબનો સમાજ નહતો. ઊંચ-નીચના ભેદ, ધર્મ-સંપ્રદાયના પ્રશ્નો, આદિવાસી-દલિતના પ્રશ્નો, બહુમતી-લઘુમતિના પ્રશ્નો, ભાષાના વિવાદો વગેરે અનેક સમસ્યાઓ હતી. ખ્યાલ એવો હતો કે વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ દેશમાં પરિવર્તન લાવવાનું બળ બનશે અને તે માટેના પ્રયત્નો કરવામાં આવશે પરંતુ બન્યું એવું કે સામાજીક માળખું એટલી હદે બળવત્તર રહ્યું કે બંધારણને હડપ કરી નાખ્યું.

આમ તો આપણે લોકશાહી રાષ્ટ્ર છીએ પણ છેલ્લા ઘણા વર્ષોથી લોકશાહીનું ટોળાશાહીમાં પરિવર્તન થઈ રહ્યું છે. જીસ્કી લાઠી ઉસ્કી ભેંસનો ધમાકેદાર મંત્ર પોલીટીક્સથી પીપલ સુધી છૂટથી વપરાય છે. લોકશાહી દેશની વિચારધારાથી હટીને ટોળાશાહી વિચારધારાના પાપે અરાજકતા વધે એવા બનાવો બને છે. પછી ભલેને એ સામાજીક સ્તરે હોય કે પછી રાજકીય સ્તરે પરંતુ સરવાળે તો we the united citizenથી સાવ ઉલ્ટી વાત છે.

બંધારણમાં લોકશાહીની વ્યાખ્યા છે ટોળાશાહીની નહીં. દેશનો નાગરીક એવી પ્રણાલી  ઇચ્છે છે કે જેમાં ખરેખર ટોળાશાહી દ્વારા લેવાતાં નાગરીક ધર્મોના ભંગ જેવી ઘટનાઓ અટકે. બહુમતી અને લઘુમતીના રાજકીય ખેલના ઓથે લોકશાહીનું ટોળાશાહીમાં પરીવર્તન થઈ રહ્યું છે ત્યારે લોકશાહી ગત વિચારધારાને મજબૂત કરવાનો આપણો નાગરીક ધર્મ આપણે બજાવવો પડે.

આપણા બંધારણે આપણને સમાનતાનો અધિકાર તો આપી દિધો છે, પણ આજે આઝાદીના ૭૦ વર્ષ થવા આવ્યા તો પણ સમાનતાનો સાચો અર્થ આપણે શોધી રહ્યા છીએ, તો આ સમાનતા શાની? વિચારોની, સામાજીક સ્તરની કે પછી પ્રગતિની? જવાબ હજુએ અનુત્તર જ છે. કમીશનો અને કમીટીઓ રચાતી જાય છે. સામાજીક સમરસતાનો હલ શોધવા માટે પણ ખાયા પીયા કુછ નહીં ગિલાસ તોડા બારહ આને જેવો ઘાટ છે.

લોકશાહી દેશની સરકારની પહેલી ફરજ છે કે સામાજીક સમરસતા બનાવી રાખે પણ અત્યારે તો જે કોઈ પણ નેતા મોઢુ ખોલે કે તરત જ ગંદકી ઓકે છે. પ્રશ્ન એ નથી કે તમારું રાજકીય હિત શેમાં છે પણ સવાલ એ છે કે તમારા વાણીવિલાસથી સામાજીક સમરસતામાં પડતી તિરાડો એ બીજું કઈ નહીં પણ બંધારણે આપેલ વાણી-સ્વાતંત્ર્યના હક્કનો ખુલ્લેઆમ શિરસ્છેદ છે. As we the people સમય આવી ગયો છે આવા બકવાસ વીરોને પ્રોત્સાહન ન મળે ટેકો ન મળે કે એમના પદ્ચિન્હો પર કોઈ પથભ્રષ્ટ ન થાય ત્યારે જ સાચી બંધારણીય સમાનતા આવ્યાની શરૃઆત થઈ ગણાશે.

સ્વતંત્રતાના હક અંતર્ગત બંધારણમાં અનુચ્છેદ ૧૯, ૨૦, ૨૧, ૨૧(ક) અને ૨૨નો સમાવેશ કરવામાં આવ્યો છે.

અનુચ્છેદ ૧૯ અંતર્ગત બંધારણમાં કુલ ૬ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે.

(૧) જાહેર સ્થળોએ શસ્ત્રો વગર એકઠા થવાનો અધિકાર

(૨) સંગઠનો સ્થાપવાની સ્વતંત્રતા

(૩) ભારતમાં કોઈ પણ સ્થળે મુક્તપણે ફરવા સ્વતંત્રતા (અરૃણાચલ પ્રદેશ)

(૪) ભારતમાં જમ્મુ કાશ્મીર સીવાય કોઈ નવા સ્થળે સ્થાયી થવાની સ્વતંત્રતા

(૫) ભારતમાં કોઈ પણ સ્થળે કામ કરવાની સ્વતંત્રતા

(૬) વાણી અને મુક્તપણે વિચારવાની સ્વતંત્રતા

બંધારણે જ્યારે વાણી સ્વતંત્રતા આપેલ છે ત્યારે વાણી સ્વાતંત્ર્ય અને વાણી સ્વચ્છંદતા કે વિલાસ વચ્ચેનો ભેદ પારખવો પણ નાગરીક કર્તવ્ય છે. આ બન્ને વચ્ચેની પાતળી ભેદ રેખાને જાળવવી એ બંધારણ પ્રત્યેનું આપણું કર્તવ્ય છે.

પ્રજાના અવાજનું વજન દેશની રાજકીય વ્યવસ્થા પર પડે છે તે દૃષ્ટિએ વાણીસ્વતંત્રતા લોકશાહીએ આપેલી પ્રજાને સૌથી સબળ અને મોટી ભેટ છે.         સ્વાતંત્રતાને નામે કોઈની લાગણીઓ ન દુભાય અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જ લોકશાહીમાં તેનો સાચો ઉદ્દેશ્ય જાળવી શકાય.

લોકશાહીએ દેશની દરેક વ્યક્તિને એવો અબાધિત અધિકાર નથી આપ્યો કે એવું બોલે કે તેથી કોઈનું દિલ દુભાય કે તેના કારમો વર્ગવિગ્રહ ઉભો થાય કે કોમી સંવાદિતા જોખમાય.

દેશમાં વસતા દરેક નાગરીકને ચાહે તે નાનો હોય કે મોટો, ગામડાનો હોય કે શહેરનો, લઘુમતિથી સંબંધ ધરાવતો હોય કે બહુમતીથી તેને તેના વિચારો વ્યક્ત કરવાનો સમાન અધિકાર છે. તેને અધિકાર છે કે અન્યાય, જુલ્મ અને બંધારણીય હક્કોના જાતાં ઉલ્લંઘન કે Atrocities રાખે તે અવાજ બુલંદ કરે અને લોકશાહીની રાહે આ લડાઈ લડે.

લોકશાહી દેશમાં દરેક નાગરીકને પોતાના વિચારો અને ખ્યાલોની અભિવ્યક્તિ કરવાનો અધિકાર સાંપડયો છે. તેના મુજબ તેને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાનો અધિકાર સાંપડયો છે. એ શરતો કે તેનાથી સામાજીક સમરસતાને તથા દેશના સ્વભૌમિત્વને નુકસાન ન થતું હોય પરંતુ તેની સાથે જ બીજાના વિચારો અને વાતો પ્રત્યે સહિષ્ણુતાનું પ્રદર્શન પણ જરૂરી છે.

જ્યારે લોકશાહી દેશનું વાતાવરણ એવું થઈ જાય કે એક ચોક્કસ વર્ગ જે ઇચ્છે તે બોલે તે વાણી સ્વાતંત્ર્યના હક્કમાં ગણાય અને બીજો વર્ગ જે કઈ બોલે બધું જ દેશદ્રોહ અને વાણીસ્વાતંત્ર્યના અધિકારનો દુરૃપયોગ ગણાય તે ખરેખર લોકશાહીની વિડબના છે.  તાજેતરમાં દેશમાં બની રહેલા બનાવો અને તેની સાથે થતો વાણીવિલાસ ખરેખર એક તમાશો બની રહ્યો છે જેને કારણે મોટાપાયે હિંસાનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અને સાથે જ કેટલાક ચોક્કસ વર્ગ અને નીતિ વિરુદ્ધનું વૈમનસ્યપૂર્વક વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે.

બીજી તરફ કોઈ બંધારણની જોગવાઈઓ હેઠળ પણ પોતાના અવાજબુલંદ કરે કે વિચારો વ્યક્ત કરે તેને દેશદ્રોહનું પ્રમાણપત્ર આપવામાં આવે અને તેની વિરુદ્ધ સરકારી તંત્ર અને પોલીસ વિભાગ સુદ્ધા અતિરેક કરે ત્યારે આપણો લોકશાહી અર્પેલ વાણી સ્વાતંત્ર્યના અધિકારની પરિભાષા ઉપર ફેરવિચારણા કરવી પડે એમ છે.

૧૯૭૫ની કટોકટી કે જ્યારે સમગ્ર દેશમાં બંધારણે અર્પેલ સ્વતંત્રતાના હક્કની છડેચોક અવહેલના કરી. અનુચ્છેદ ૧૯ અંતર્ગત બંધારણે અર્પેલ દરેક સ્વતંત્રતાની ગુલામીની જંઝીરમાં બંધ કરી દીધેલ અને વાણી સ્વાતંત્ર્યના હક્કનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. તેવી જ કઇક આંતરિક કટોકટીના દિવસોમાંથી આજે આપણે પસાર થતા હોઈએ એવું લાગી રહ્યું છે.

આપણા બંધારણે બિનસાંપ્રદાયિક એવો પણ એક શબ્દ રાખ્યો જ છે. પણ દિલ પર હાથ રાખીને જવાબ આપો કે શું આપણે કે આપણો દેશ બિનસાંપ્રદાયિક છે ખરો? જવાબ નહીં આપો તો પણ ચાલશે કેમ કે આઝાદીથી અત્યાર સુધીનો ભારતનો  સાંપ્રદાયિક ઇતિહાસ સામે જ છે. પ્રગતિશીલ ભારત નિર્માણનો મંત્ર જે બંધારણે આપણને આપેલ છે. તેને વળગી રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. આજની પરિસ્થિતિમાં દરેકને પોતાનો ધર્મ પાળવાની છુટની બંધારણીય કલમની સાથેસાથે હવે સમય આવી ગયો છે કે બીજાના ધર્મોનો આદર કરવાની એક કલમનો ઉમેરો પણ આપણા બંધારણમાં કરી દેવામાં આવે.

આવો આપણે ભેગા થઈને આપણા બંધારણ અને તેને અર્પેલ સ્વતંત્રતાના અધિકારનું જતન કરીએ અને તેની વિરુદ્ધ વર્તન કરનારને સાચી દિશા તરફ લઈ આવવાનો સામુહિક પ્રયત્ન કરીએ.

આજે લોકશાહી અને બંધારણની રક્ષા અને જતન અને તેના ઉપર અમલ એ જ આપણી સામુહિક જવાબદારી છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments