Thursday, November 7, 2024
Homeઓપન સ્પેસવર્તમાન યુગની ગંભીર નૈતિક સમસ્યા ... લગ્નમાં વિલંબ

વર્તમાન યુગની ગંભીર નૈતિક સમસ્યા … લગ્નમાં વિલંબ

વર્તમાન સમયમાં માનવ  સમાજમાં જે ઘણા બધા નવિન  વલણોએ સમસ્યાઓ ઊભી કરી દીધી છે. જેમાં એક સળગતી સમસ્યા મોડા લગ્ન કરવાની છે. કેરીયર પ્લાનીંગના નામે લગ્નમાં અસામાન્ય વિલંબ કરવામાં આવી રહ્યો છે અને તેના પરિણામે સમાજમાં અનહદ સમસ્યાઓ અને મુઝવણો પેદા થઈ રહી છે. નવયુવાનોમાં સ્વછંદતા અને પથભ્રષ્ટતાના વલણો વધતા જઈ રહ્યા છે. વિવાહીત જીવન વ્યવસ્થા વેરવિખેર થતી જઈ રહી છે. વ્યક્તિગત સ્વાર્થિપણાની હદથી વધી ગયેલી તૃષ્ણા સામાજિક જવાબદારીઓને બોજ બનાવી દીધી છે. સામાજિક વ્યવસ્થાને ભારે નુકશાન પહોંચી રહ્યું છે, બલ્કે વિશ્વના અમુક ભાગોમાં તો લગભગ મૃતપાય થઈ ગઈ છે. શિક્ષણ સંસ્થાનોમાં યુવકો યુવતીઓનું સ્વતંત્ર મિલનથી પારિવારિક વ્યવસ્થાની રોનક અર્થહીન બની ગઈ છે. પહેરવેશ પરિધાનની હદો, સ્ત્રી પુરુષનું વિના સંકોચ મળવું અને અનૈતિકતાએ નૈતિક મુલ્યોને પાયમાલ કરી દીધા છે. આ સંજોગોમાં મુસલમાન નવયુવકોની જવાબદારીઓ અનેકઘણી વધી જાય છે. મુસલમાનો જેમની પાસે ઈશ્વરીય માર્ગદર્શન પોતાના સાચા સ્વરૃપમાં સુરક્ષિત છે, જેમના પાસે તે જીવન વ્યવસ્થાના નિયમો છે જે વિશ્વની તમામ સમસ્યાઓનો હલ છે અને પરલોકના જીવનમાં સફળતાની ખાત્રી આપે છે. તેમની ખાસી જવાબદારી થઈ પડે છે કે તેઓ નૈતિક સ્વછંદતા અને સામાજિક પડકારો માટે આગળ આવે અને ઇશ્વરીય માર્ગદર્શનને વાણી-વર્તન બંનેથી પરિચિત કરાવે. ખાસ કરીને તે સામાજિક બગાડને જેણે માનવોમાં વ્યક્તિત્વ લક્ષી અને સામાજિક જવાબદારીથી પીછો છોડાવવાનું વલણ પેદા થઈ ગયું છે તેનો પ્રતિકાર કરવાની સખત જરૂરત છે. માનવી સામાજિક સર્જન છે. સમાજના બહાર તેનું અસ્તિત્વ શક્ય નથી. સિદ્ધ થયેલ સામાજિક વ્યવસ્થા અને કાર્યરત કાનૂની વ્યવસ્થામાં એવા લોકો પેદા થઈ રહ્યા છે જેઓ આ વ્યવસ્થાનો સૌથી વધારે લાભ ઉઠાવી રહ્યા છે અને પોતાના વાણી-વર્તનથી આ વ્યવસ્થાના આધાર સ્તંભોને ધ્વસ્ત કરવા પ્રવૃત્ત છે. છોકરા-છોકરીઓ સામાજિક જવાબદારીઓથી દૂર ભાગી રહ્યા છે અને તેના પરિણામે લીવ ઈન રીલેશનશિપ અને સજાતીય સંબંધો ઊભા થતા જઈ રહ્યા છે. જે વાસ્તવમાં વૈવાહિક જીવન માટે ઘાતક છે. એવું નથી કે અત્યારે સમાજ પૂરી રીતે બગાડનો શિકાર થઈ ગયો છે પરંતુ ઉપરોક્ત વલણો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને તે માટે કાયદાનું સમર્થન પ્રાપ્ત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ વલણ ખરેખર જો પ્રભુત્વ જમાવી દે તો કોઈ સમાજ પછી ટકી નહીં શકે.

કેરીયર પ્લાનીંગ અને આર્થિક સદ્ધરતાના નામ ઉપર સામાન્ય રીતે લગ્નમાં વિલંબ કરવામાં આવે છે અને આ વિલંબ વધુ લંબાય તો વિવિધ પ્રકારના નૈતિક દૂરાચારો જન્મ લે છે. એટલા માટે લગ્નના મામલામાં કારણ વગરનો વિલંબ કોઈ પણ સમાજ બલ્કે ધર્મના પણ વિરૂદ્ધ છે. ઇસ્લામ તે એક માત્ર ધર્મ છે જે લગ્નને ઈબાદતનો દરજ્જો આપે છે અને લગ્ન ઘણી બધી દુન્યવી અને પરલોકની સફળતા અને સમૃદ્ધિનો દરવાજો ખોલે છે. કુઆર્નમાં એક જગ્યાએ કહેવામાં આવ્યું છે, “તમારામાંથી જે એકાકી કે અવિવાહિત હોય, અને તમારા દાસ-દાસીઓમાંથી જે સદાચારી હોેેય, તેમના નિકાહ (લગ્ન) કરી દો. જો તેઓ ગરીબ હોય તો અલ્લાહ પોતાની કૃપાથી તેમને સમૃદ્ધ કરી દેશે, અલ્લાહ મોટો ઉદાર અને સર્વજ્ઞ છે.” (સૂરઃ નૂર-૩૨)

લગ્ન  દ્વારા ન માત્ર દુનિયાની ભલાઈઓ પ્રાપ્ત કરે છે બલ્કે આખિરતની (પરલોક) સફળતાના પણ સમીપ થઈ જાય છે. એટલા માટે અલ્લાહના અંતિમ પયગંબર મુહમ્મદ સ.અ.વ.નું એક કથન છે કે, “જેણે લગ્ન કરી લીધા તેનું ઈમાન પરિપૂર્ણ થઈ ગયું.” લગ્ન માટે આર્થિક સાધનો ઉપલબ્ધ હોવા શરત તો નથી પરંતુ પસંદપાત્ર છે. એટલા માટે જ્યાં સુધી આર્થિક સમસ્યાનું કાયમી કે આંશિક સમાધાન ન થાય ત્યાં સુધી છોકરાઓ માટે લગ્નમાં વિલંબ કરવો યોગ્ય હોઈ શકે છે. કુઆર્નમાં અન્ય જગ્યાએ કહેવામાં આવ્યું છે, “અને જેઓ લગ્નની તક ન મેળવી શકે તેમને સુચરિત્ર રહેવું જોઈએ, ત્યાં સુધી કે અલ્લાહ પોતાની કૃપાથી તેમને સંપન્ન કરી દે.” (સૂરઃ નૂર-૩૩) અલ્લાહના રસૂલ સ.અ.વ.ના એક કથન પણ આ જ અર્થમાં છે, “હે નવયુવાનોની જમાઅત! તમારામાંથી જે વ્યક્તિ ઘરગૃહસ્થી વસાવવા માંગતો હોય તેણે લગ્ન કરી લેવો જોઈએ. એટલા માટે કે લગ્ન નજરોને નીચે કરવામાં અને ગુપ્તાંગોની સુરક્ષા કરવામાં સહાયભુત બને છે અને જે હજૂ આમ કરવા સમર્થ ન હોય તેણે રોઝા રાખવા જોઈએ, રોઝા તેના માટે ઢાલનું કામ કરશે.” (હદીસ સંગ્રહ બુખારી ૫૦૯૧)

પુરુષો માટે આર્થિક રીતે સ્વાયલંબી હોવું પસંદપાત્ર છે. વાસ્તવમાં જો પુરુષ આર્થિક રીતે સ્વાયલંબી નહીં હોય તો તેનાથી સામાજિક સમસ્યાઓ ઊભી થવાનો સંભવ છે. વૈવાહિક સંબંધોની મજબૂતી પણ પ્રભાવિત થઈ શકે છે. એટલા માટે પુરુષોએ સ્વાલંબી થવાના પ્રયત્નો કરવા પોતે જ એક ભલાઈ અને ખૂબી છે. કેરીયર પ્લાનીંગની જો સમીક્ષા કરવામાં આવે તો સામાન્યપણે હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક પછી વધારે પડતા વિદ્યાર્થીઓ આમાં પ્રવૃત થઈ જાય છે. એક સંખ્યા ગ્રેજ્યુએટ અને થોડી સંખ્યા પોસ્ટ ગ્રેજ્યુએટ દ્વારા પોતાનું કેરીયર બનાવવા મથામણ કરે છે. આ પ્લાનીંગમાં જો કોઈ મોટો અવરોધ ન આવે તો પચીસ વર્ષની ઉંમર સુધી આર્થિક રીતે પગભર થવાના સાધનો ઉપલબ્ધ થઈ જાય છે. અમુક અસામાન્ય સંજોગોમાં આના કરતાં વધારે સમય લાગે છે પરંતુ આમ સમાજમાં ૩૫ વર્ષ અથવા તેનાથી પણ વધારે સમય સુધી લગ્નમાં વિલંબ સામાન્ય વાત થઈ જાય છે. એટલા માટે આ આર્થિક પગભરતાને ત્યાં સુધી જ સીમિત રાખવામાં આવે, મનેચ્છાઓની પુરી જ ન થઈ શકે ત્યાં સુધી ઇચ્છાપૂર્ણ માટે નહીં.

જ્યાં સુધી સ્ત્રીઓના શિક્ષણનો પ્રશ્ન છે ઇસ્લામે સ્ત્રીઓના શિક્ષણ માટે કોઈ સીમા નિર્ધારીત નથી કરી. જે રીતે પુરુષોને કેરીયર પ્લાનીંગનો હક છે તે જ રીતે સ્ત્રીઓને પણ પૂરા હક છે. ઉચ્ચ શિક્ષા માત્ર પુરુષો માટે નહીં સ્ત્રીઓ માટે પણ છે. સ્ત્રીઓ સાથે એક વધારાની સહુલત એ છે કે આર્થિક પ્રવૃત્તિઓ તેમની ફરજિયાત જવાબદારી નથી. સ્ત્રીઓના આર્થિક ભરણપોષણનો ઇસ્લામે પુરુષો ઉપર જવાબદારી નાંખી છે. લગ્ન અગાઉ આ જવાબારી સ્ત્રીના પિતા ઉપર હોય છે અને લગ્ન પછી પતિ ઉપર. આર્થિક સંઘર્ષ બાબતે સ્ત્રી સ્વતંત્ર છે. જો તે કોઈ નોકરી કરે છે અથવા આર્થિક ઉપાર્જન કરે છે તો તેને તેની સ્વતંત્રતા છે અને તેની આવક તેની પોતાની હશે જેમાં તેના પતિ કે કોઈ બીજી સગાવ્હાલાનો કોઈ ફરજિયાત અધિકાર નહીં હોય. સ્ત્રીને ઉચ્ચ શિક્ષણનો સમાન તક તો છે અને આર્થિક જવાબદારીથી તે મુક્ત છે.

આર્થિક સદ્ધરતા કે કેરીયર પ્લાનીંગના નામે લગ્નમાં વિલંબ થાય છે જેનાથી બચવાનો સરળ ઉપાય એ છેે કે પ્રથમ તો એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે લગ્ન એક મહત્ત્વની સામાજિક અને દીનની જવાબદારી છે. જેને કારણ વગર ટાળવી ન જોઈએ. બીજી વાત એ હંમેશા યાદ રાખવી જોઈએ કે આર્થિક પગભર થવું માનવીની જરૂરત છે મકસદ નથી. માનવીનું જીવન ધ્યેય તેનાથી બુલંદ છે કે સમગ્ર જીવન જે કુદરતનું ઉધાર લીધેલું છે તે માત્ર નાન રોટી પાછળ વેડફી નાંખવામાં આવે. મહાન ધ્યેય એટલે કે માનવસેવા અને અલ્લાહની ઈબાદત જો નજર સમક્ષ રહે તો સાધન સામગ્રીની હૈસિયત ગૌણ કક્ષાની બની જશે અને જરૂરત પુરતી રહેશે. સામાન્ય રીતે લોકો આર્થિક સદ્ધરતાના નામ ઉપર જીવનની જાહોજલાલીને પોતાનો ધ્યેય બનાવી લે છે. આ પ્રકૃતિ વિરુદ્ધની વાત છે માણસ તમામ સાધન સંપન્ન એકલો જ પ્રાપ્ત કરી શકતો નથી એટલે અત્યંત સામાજિક જરૂરતને માત્ર આ આધારે ટાળતા રહેવું યોગ્ય નથી.

ત્રીજી મહત્ત્વની વાત એ છે કે રોજીની વહેંચણી માનવીના અધિકારમાં નથી બલ્કે આ માત્ર અને માત્ર અલ્લાહનો અધિકાર છે. કુઆર્નમાં વારંવાર એ વાત ઉપર ભાર મુકવામાં આવ્યો છે કે આ સૃષ્ટિના પાલનહારે માનવો દરમ્યાન આર્થિક બાબતોની વહેંચણી કરી છે અને રોજીની વહેંચણી પોતાના પાસે રાખી છે. તે સાથે એ પણ કે તમામ જીવંત સર્જનોને રોજી આપવાનું પોતાની જવાબદારીમાં રાખ્યું છે. નવયુવાનોએ કુઆર્નના આ શિક્ષણને હંમેશા પોતાના સામે રાખવું જોઈએ. માનવીને જે કંઈ પ્રાપ્ત થાય છે તે અલ્લાહની મહેરબાનીથી પ્રાપ્ત થાય છે. સાધન સામગ્રી મુખ્ય કારણ નથી. મુખ્ય કારણ અલ્લાહ છે. જો દેખાતા કારણો જ મુખ્ય હોત તો સમાન સાધનો ધરાવતા લોકો વચ્ચે આર્થિક અસમાનતા ન હોય. ચોથી મહત્ત્વની વાત એ છે કે માનવીએ પોતાનું જીવનધ્યેય હંમેશા પોતાના સામે રાખવું જોઈએ. જીવન કંઇ આપણી કમાણી નથી. બલ્કે આ ઈનામ છે અને ઈનામ આપનારે તેનો એક ઉચ્ચ ધ્યેય નક્કી કર્યો છે. જો આ ઉચ્ચ ધ્યેય માટે આપણે કામ કરતાં રહીશું તો બાકીની તમામ બાબતો વ્યવસ્થિત થઈ જશે. પરંતુ જો આ ધ્યેયને ભુલી ગયા તો જીવનની યાત્રા તો એમ પણ પૂરી થઈ જ જશે. પરંતુ જીવન વ્યર્થ જેવું રહેશે અને માનવીના હાથમાં પછતાવા સિવાય કંઇ જ નહીં આવે.

આમ તાત્પર્ય એ છેે કે લગ્નમાં અસામાન્ય વિલંબ એક મોટી બુરાઈ છે. જેના પરિણામે ઘણા બધા નૈતિક દુરાચારો જન્મ લે છે. જેના કારણે જીવન વિકટ બની જાય છે. શિક્ષણધામોમાં સહશિક્ષણના સ્વતંત્ર વાતાવરણે આ નૈતિક અદ્યપતનને વધારે ગંભીર બનાવી દીધું છે. અને માનવી સામાજિક જવાબદારીઓને બોજ સમજવા લાગ્યો છે. આ નૈતિક કટોકટીના માહોલમાંથી બહાર નીકળવા માટે જરૂરી છે કે માનવી પોતાના જીવન ધ્યેયને હંમેશા સામે રાખે. સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરે અને સમાજની નવરચના કરવા કાજે પોતાની ભૂમિકા નિખાલસપૂર્વક ભજવવા હંમેશા તૈયાર રહે. એ વાત ખાસ યાદ રાખવી જોઈએ કે ઉદ્યાન હરિયાળુ રાખવા મહેનત કરવી પડે છે ઝાડી ઝાંખરાને ઉગાડવા માટે કોઈ મહેનતની જરૃર નથી પડતી. જીવનને શણગારવું હોય તો મહેનત તો કરવી પડશે અને જો બરબાદ કરવું છે તો કોઈ જ મહેનત ની જરૂરત નથી, આપો આપ બરબાદ થઈ જશે.*

લે. ડૉ. મુહમ્મદ મુશ્તાક તજાવરી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments