Friday, November 22, 2024

વાતચીતની કળા

ઇશ્વરે માણસને ‘અશરફુલ મખ્લુકાત’ અર્થાત ‘સર્વશ્રેષ્ઠ સર્જન’ બનાવ્યો છે. સ્વભાવિક રીતે જ માણસને બીજા પ્રાણીઓ અને સર્જનોથી અલગ પાડે છે. એને એમનાથી અલગ પાડવાની સૌથી મહત્વની બાબત છે એની બોલવા અને સંવાદની કળા, આપણે ગમે તે કામ,ધંધા,નોકરી કે વ્યવસાય સાથે સંકળાયેલા હોઇએ, બીજા લોકો સાથે સંપર્કમાં આવવું પડે છે. એટલે વાતચીત પણ કરવી પડે છે. વાતચીતની કળા વિશે પંશ્ચિમમાં ઘણા બધા લખાયા છે અને લખાઇ રહ્યા છે. વાતચીત એક કળા છે. દુર્ભાગ્ય આપણે આ કળા ભૂલતા જઇએ છીએ. એના વિશે લખાયું પણ એવું છે. શાળા કોલેજોમાં આના વિશે ભણાવવામાં પણ આવતું નથી. જે કંઇ થોડું ઘણું લખાય છે એ પણ ઇન્ટરવ્યુ આપનારા ઉમેદવારો માટે હોય છે.

ધંધા રોજગાર કે વ્યવસાયની સફળતાનો આધાર માણસની જીભ ઉપર હોય છે. માણસ મોઢું ખોલે એ સાથે જ એનું લેવલ શું છે એ સામેવાળાને ખબર પડી જાય છે. મુસ્તન્સર હુસૈન તારડ નામના પાકિસ્તાની નિબંધકારે સરસ સલાહ આપી છે કે જ્યારે આપણી બુદ્ધી વધારે ન ચાલતી હોય તો મોઢું બંધ રાખવું જોઇએ. મોઢું ખોલવાની સાથે આપણું દિમાગ પણ સામેવાળા સમક્ષ ખુલ્લું  થઇ જવાની સંભાવના છે. મુર્ખ માણસો બોલીને વિચારે છે અને બુદ્ધીશાળીઓ વિચારીને બોલે છે. જીભ એક એવી વસ્તુ છે જે સંબંધો બનાવે પણ છે અને બગાડે પણ છે, શક્ય હોય તો એવું જ બોલવું  જોઇએ કે જેનાથી સંબંધો નવા ન બને તો ઓછામાં ઓછું સંબંધો સચવાઇ તો રહે, બગડે નહીં.

વાતચીતની કળામાં સૌથી મહત્વની બાબત આ છે કે આપણે જ કંઇ બોલીએ એ સાચું બોલીએ, જો કે સત્ય કડવું હોય છે તોય એને નરમાશથી શાંતિથી કહી જ દેવું જોઇએ. અસત્ય બોલીને આપણે આપણી જાતને વધારે નુકશાનમાં નાખીએ છીએ. મુસ્લિમ સંત અબ્દુલકાદીર જિલાનીના બાળપણમાંનો કિસ્સો બધા જાણે છે, રસ્તામાં ડાકુઓએ કાફલાને લુંટી લીધો ત્યારે નાનકડા અબ્દુલકાદીરે પોતાની કોટીમાંએ સીવેલી સોનાની અશરફીઓ વિશે ડાકુઓને જણાવી દીધું. ડાકુઓના મન ઉપર આની એટલી અસર થઇ કે લુંટમારનો ધંધો છોડી પ્રમાણિક્તા અને ઇમાનદારીનો ધંધો શોધી લીધો. સત્યની આ તાકત છે.

વાતચીતનો બીજો સૌથી મહત્વનો મુદ્દો છે, સામેવાળાને રસ પડે એવી વાતો કરવી એ માટે ધીરજની પણ જરૃર હોય છે. સામેવાળી ‘વ્યક્તિ વિશે’તમે બોલો અને એ કલાકો સુધી વાતો કરશે, જો તમે તમારા વિશે જ બોલ બોલ કરશો તો એ જલ્દીથી કંટાળી જશે તમારી વાતોનો કઇ અર્થ નહીં રહે.

કોઇને કડવા વેણ ક્યારેય ન કહેવા. કોઇ આપણને કડવા વેણ કહી જાય તો આપણે સહન કરી શકીએ? જવાબ નકારમાં આવશે. વોટ્સએપ ઉપર મેસેજ ફરે છે કે મીઠું બોલનારાના મરચાં પણ વેચાઇ જાય છે અને કડવું બોલનારાનું મધ પણ વેચાતું નથી.

સામેવાળાની રૃચી પ્રમાણે વાતચીત કરવી જોઇએ. મુદ્દાસર બોલવું જોઇએ. સાદી ભાષામાં વાત કરવી જોઇએ, ભારેખમ શબ્દોનો ઉપયોગ કરી પંડિતાઇ દાખવવા જતા મુર્ખ બનવાના ચાન્સ વધુ હોય છે. જે કાંઇ પુછવામાં આવે એના વિશે જ જવાબ આપવો જોઇએ. ઇન્ટરવ્યુમાં આ બાબત ખૂબ મહત્વની હોય છે. કેટલાક લોકોને નાનકણી બાબત પુછવામાં આવે તો પણ લાંબાબચક જવાબ આપે છે. આમાં સમયની બર્બાદી ઉપરાંત મૂળ મુદ્દો બાજુ પર હડસેલાઇ જવાની શક્યતા હોય છે, વાક્યો ટુંકા અને ટચ હોય તો વધારે અસરકારક હોય છે.  લાંબાવાક્યો કંટાળાજનક હોઇ શકે. કોઇ મુશ્કેલ વિભાવના (કોન્સેપ્ટ) હોય તો ઉદાહરણ આપીને સમજાવવું જોઇએ વાતચીતમાં ઉત્સાહ હોવવું જોઇએ. કશું પણ બોલતા પહેલા સામેવાળાને ધીરજથી સાંભળવું જોઇએ. એ પોતાની વાત પુરી કરી લે પછી જ બોલવું જોઇએ. એનાથી તમને તમારા જવાબ તૈયાર કરવા માટે સમય મળશે. અને તમે સામેવાળાની વાત વચ્ચે કાપી નથી તેથી એને તમારા પ્રત્યે માન પણ થશે. જો તમે એની વાત વચ્ચેથી કાપી નાખો તો જરૃર એને ખોટું લાગશે. સામેવાળી વ્યક્તિ જે કઇં કહેતી હોય એ વાતને સમજવાનો પ્રયત્ન કરવો જોઇએ, ન કે એના ગુઠાર્થ શોધવા જોઇએ.

દલીલો ન કરવી જોઇએ. દલીલોથી વાત બગડે છે. સંબંધો પણ બગડી શકે છે. દલીલોને અટકાવવાનો સૌથી સરળ ઉપાય છે ચુપ થઇ જવું. અથવા તો કોઇ બીજા મુદ્દા ઉપર ચર્ચા કરવી. આપણી પાસે સાચી માહિતી અને જ્ઞાાન હોય તો જ ચર્ચા કરવી જોઇએ.

વાતચીત કરતી વખતે બોડી લેંગ્વેજ ખૂબ મહત્વની હોય છે. એક સંશોધન પ્રમાણે તમારા બાહ્ય દેખાવ અને બોડી લેંગ્વેજનો સંવાદમાં ફાળો ૫૫% હોય છે. અવાજ અને ટોન (લહેજા)નો ૩૮% અને તમે જે ખરેખર કહો છો એનો ફાળો માત્ર ૭% જ હોય છે. વાતચીત દરમિયાન સ્મિત પણ કરવું જોઇએ, આનાથી વાતાવરણ હણવું રહે છે, વાતચીતમાં થોડો વિનોદ કે ઢીકલ પણ જરૂરી છે નહિંતર  આખી પ્રક્રિયા સુસ્ત અને રસહીન બની શકે છે. સામેવાળી વ્યક્તી વિશે કોઇ પણ પુર્વગ્રહ રાખ્યા વિના વાતચીત કરવી જોઇએ. અને જ્ઞાાનનું ઘમંડ તો ક્યારેય કરવું જ ન જોઇએ. શક્ય છે એ તમારા કરતા વધારે જ્ઞાાની અને ડાહ્યો હોય.

પુછતા નર પંડિતએ ગુજરાતી કહેવત બહુ સાર્થક છે, પ્રશ્નો પુછવાથી જ્ઞાાનમાં વધારો થાય છે. પણ પ્રશ્નો વાતચીતના મુદ્દા સંબંધીજ હોવા જોઇએ. નિરર્થક પ્રશ્નો કરી પોતાને મુર્ખ સાબિત ન કરવા. વાતચીત દરમિયાન આંખોનો સંપર્ક રાખવો જોઇએ, આજુ બાજુ કે ઉપર નિચે જોવાથી તમને એની વાતમાં રસ નથી તે સ્પષ્ટ થઇ જશે. સામેવાળો ક્યા હોદ્દા ઉપર છે કે શું સ્ટેટસ ધરાવે છે એનાથી અંજાયા વિના આપણે જે કઇં કહેવું હોય એ કહેવું જોઇએ. આખરે એ પણ તમારા જેવો જ માણસ છે એ વાત યાદ રાખવી.

રીલેક્ષ થઇ નિરાંતે વાતચીત કરવી જોઇએ. ઉતવળા ન થવું. સમજી વિચારીને બોલવું, બહુ ધીમા આવાજે ન બોલવું નહીં તો સામેવાળા વારંવાર તમને પ્રશ્નો કરશે અને જરા જોરથી બોલો એવી વિનંતી કરશે. બહુ જોરથી ઘાંટા પાડીને પણ ન બોલવું નહિંતર આજુબાજુના લોકો તમને જંગલી ધારી લેશે અથવા તમે  લડી રહ્યા છો એવું અનુમાન કરી બેઠશે. મધ્યમ અવાજમાં જેટલા લોકો તમારી પાસે કે સામે બેઠા હોય એ બધાને વ્યવસ્થિત રીતે સંભળાય એટલા જ જોરથી બોલવું જોઇએ.વાતચીતની શરૃઆત ખબરઅંતર પુછીને કે બીજો કોઇ પ્રશ્ન પુછીને કે વાતાવરણ કેટલું સરસ છે એ રીતે કરવી જોઇએ. જ્યારે પણ સામેવાળાને તમે શિખામણ આપતા હોવ એ રીતે વાતનો પ્રારંભ ન કરવો, આ નરી મુર્ખતા છે. શિખામણ કોઇને ગમતી નથી. તમારી વાત શરૃ થતાની સાથે જ  પુરી થઇ જશે અથવા દલીલો ઉગ્ર બની જશે.

દરેક શબ્દ ચોખ્ખે ચોખ્ખું બોલવું જોઇએ, કેટલીક વખત સંજોગો એવા હોય છે અથવા સામેવાળી એટલી પ્રભાવશાળી હોય છે કે એને સિધેસીધું કહી શકાતું નથી એવા સમય ઉદાહરણ આપીને કે પરોક્ષ રીતે કહેવું પડે છે. ત્રણ કેસમાં સામેવાળી વ્યક્તિ આપણી વાત સમજી પણ જાય છે. આ બાબતે એક કિસ્સો યાદ આવે છે. અમારા એક સંબધીને વડોદરાના એક મોટા પ્રભાવશાળી માણસને ત્યાં દાવતમાં જવાનું થયું. ગણ્યા ગાંઠયાજ માણસો હતા, ડાઇનિંગ ટેબલ ઉપર ખાણું પિરસવામાં આવ્યું. જમવાનું શરૃ થયું. વાતચીતનો દોર પણ સાથે સાથે ચાલતો રહ્યો જમવાનું પુરૃં થવામાં હતું પરંતુ ટેબલના ખુણે પડેલી ખીરનો પ્યાલો કેમેય કરીને કોઇ અમારા સંબંધી પાસે આપતો ન હતો. એમણે એક તરકીબ કરી. ખીર એમને બહુ પસંદ હતી અને એમણે એ યજમાનને સીધે સીધું કહી શકે એમ ન હતું કે ભાઇ જરા ખીર તો આપો અમને. એટલે એમણે જરા ક્લાત્મક રીતે ખીર માંગી. એમણે કહ્યું કાલે રાત્રે સપનાંમાં મને સાપ દેખાયું. સાંપ એટલો લાંબો હતો, સમજોને કે આ મારી પ્લેટથી સામે પેલો ખીરનો પ્યાલો પડયો છે ને… હા… એ ખીરનો પ્યાલો સુધી… એટલો લાંબો તો હશે જ… હોં..  ખીરનું નામ સાંભળી યજમાનનેતરત ખીર યાદ આવી અને એનો પ્યાલો આગળ વધારી દીધો. કશું માંગવાની આ પણ આડતકરી એક કલા છે.

આશ્ચર્યજનક રીતે વાતચીતની કલા આપણે ભુલતા જઇએ છીએ. ખરૃ પુછો તો દિવસમાં આપણે કેટલીય વાર લોકો સાથે વાતચીત કરીએ છીએ પરંતુ ઉપર જણાવેલી બાબતોને આપણે ગંભીરતાથી લેતા નથી. વાતચીતની કલા તો ઠીક આપણે રૃઢી પ્રયોગો અને કહેવતો પણ ભુલતાં જઇએ છીએ. જે વાક્ય તમે ૧૦ વાક્યોમાં કહો એને માત્ર એક રૃઢીપ્રયોગ કે કહેવત દ્વારા કહી શકાય છે. વાતચીત તો ઠીક, આપણા લેખકોના લખાણોમાંથી હવે રૃઢીપ્રયોગો અને કહેવતો ગાયબ થઇ રહ્યા છે. જો આવું જ ચાલતું રહ્યું તો અમુક વર્ષો પછી આપણી પેઢીઓ આપણને પુછશે કે એ વળી કઇ બલા છે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments