Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસરમઝાન પ્રશિક્ષણનો માસ

રમઝાન પ્રશિક્ષણનો માસ

અનસ ઇસરાયલી ✍️

કૃપાનો માસ, બરકતોનો માસ, માફીનો માસ, રમઝાન મુબારક આપણી ઉપર દિવ્ય પ્રકાશની ચાદર પાથરી ઊભો છે. એક સાચો મો’મિન જે માફીનો ઇચ્છુક હોય, જે કૃપાની યાચના કરતો હોય, તે રમઝાનની રાહ એવી જ રીતે જુવે છે જેવું કે પ્રેમમાં ડૂબેલું  હૃદય પોતાના પ્રિયને મળવા આતૂર હોય છે. બલ્કે તેથી પણ કંઈક વધુ. આપે સાંભળ્યું હશે કે અલ્લાહના રસૂલ  રજ્જબ માસનો ચાંદ જાેઈ રમઝાનને પામવાની દુઆ કરવા લાગતા હતા. રમઝાનના સ્વાગત માટે રોઝામાં વૃદ્ધિ અને ઇબાદતમાં ઓર વધારો કરતા હતાં. (અલ્લાહુમ્મા બારિક લના ફી રજબ વ શાઅબાન વ બલ્લિગના રમઝાન)નો તરાનો આપના હોઠે જારી થતો હતો. અને કેમ ન થાય. જ્યારે કે જન્નતોના દરવાજા ઉઘાડા કરી દેવાય છે. અને તેનો માર્ગ શણગારવામાં આવે છે. શૈતાનોના માર્ગમાં અવરોધ ઊભો કરવામાં આવે છે. નર્કને સીલ કરી દેવાય છે. તો આમ નૂર (પ્રકાશ)નો એક માહોલ આકાર લે છે. જેના કારણે ઇબાદતમાં માધુર્ય-લહેજત આવે છે. રાત્રી જાગરણ ગમવા લાગે છે. આમ અલ્લાહ સમક્ષ ઊભા રહી અલ્લાહના રટણમાં આનંદ અનુભવે છે. અલ્લાહથી અંતરની વાતો કરવામાં નિકટતમ થવાનો એહસાસ અનુભવે છે. આમ માહોલ આકાર લે છે સહનશીલતાનો, ભૂખ સહેવા પર સબ્ર, ઇચ્છાઓ પર લગામ, સ્વાદ પર અંકુશ, ધનના પ્રેમ પર અંકુશ.

બધે ભૂખ્યો રહે છે જાે કે પ્રિય વાનગીઓ પાસે હોય છે. છતાં પેટ ભરી આરોગવાના મુકાબલે ભૂખ્યા રહેવાને પસંદગી આપે છે. હલાલ શરબતો હોય છે, પણ હોઠથી દૂર હોય છે. તો પછી કેમ ન ગમે તે ગંધ તે અલ્લાહને જે અલ્લાહના ખાતર બંદો આ બધું કરે છે.

કહેવાય છે કે જ્યારે જઠર ખાલી હોય છે ત્યારે મોંમાંથી એક દુર્ગંધ નિકળે છે. હદીષમાં વર્ણન જાેવા મળે છે કે રોઝા રાખનારના મોંમાંથી નીકળનારી દુર્ગંધ અલ્લાહની નજીક મુશ્ક-કસ્તૂરીથી વધુ પવિત્ર હોય છે. કેમ કે રોઝા એક રહસ્ય છે જે ખુદા અને તેના બંદા વચ્ચે હોય છે. અન્ય ઇબાદતોમાં મનુષ્ય રિયા-દેખાડો કરી શકે છે. પણ આ એક માત્ર એવી ઇબાદત છે જે ખુદાની બીક વિના અસ્તિત્વમાં આવી શકતી નથી.

જણાવો કે તે એવી કઈ વસ્તુ છે જે અંધકારમાં સામે મોજૂદ પ્રિય વસ્તુઓને આરોગવાથી રોકી શકે છે. અને તે કઈ બીક છે જે એકાંતમાં મનુષ્યની આડે આવી જાય છે. તે એ જ રહસ્ય છે જે ખુદા અને બંદો જાણે છે. તેનું દિલ તે રહસ્યને અનુભવે છે. તેથી જ અલ્લાહ ફરમાવે છે. અર્થાત્‌ મનુષ્યનો પ્રત્યેક અમલ તેના સ્વયંના માટે, સિવાય રોઝાના. તે તો મારા માટે છે. અને હું જ તેનો બદલો આપીશ. પ્રત્યેક નેકીનો બદલો દશ ગણાથી સાતસો ગણા સુધી. સિવાય રોઝાને, કેમકે તે મારા માટે છે. તો તેનો બદલો પણ હું જ આપીશ.

પણ ક્યારેય વિચાર્યું કે છેવટે કયું કારણ છે જેના સબબે આ માસ અલ્લાહના દરબારમાં વિશેષ નિકટનું સ્થાન પામ્યો છે? અલ્લાહ મહાને પોતાના કુઆર્નના અવતરણનો વિચાર કર્યો તો કેમ આ માસની પસંદગી કરી? કેમ આ માસના અમલનું વજન વધારી દીધું?

હકીકતમાં પ્રશિક્ષણ એ સફળતાનું પ્રથમ ડગ હોય છે. પ્રશિક્ષણ વિના જીવન વેર-વિખેર હોય છે. જાે કોઈ ઘોડો પ્રશિક્ષણથી અજાણ હોય તો તેનો માલિક તેને મેદાનમાં તો શું તબેલામાં પણ વધુ સમય રાખવાનું પસંદ નહીં કરે. જ્યારે કે તે જ ઘોડાને જાે પ્રશિક્ષિત કરાય તો તેનો માલિક તેના પર ગર્વ કરશે. જેમકે પ્રશિક્ષિત કૂતરો પોતાના માલિક તથા પોતાના શિકારમાં ભેદ સમજે છે. જેવું કે પ્રશિક્ષિત પક્ષી સંદેશ પહોંચાડવાનું કામ કરે છે. આવી જ રીતે જાે એક મનુષ્ય પોતાની લિજ્જતો ઉપર અંકુશ મેળવવાનું પ્રશિક્ષણ મેળવી લે તો ન માત્ર તે પોતાનું જીવન આયોજીત કરી શકે છે બલ્કે જગત માટે એક ઉપદેશક, એક વ્યવસ્થાપક, એક સુધારક અને એક વિજયી બની શકે છે.

મનેચ્છા મુજબ જીવનારા, ઇચ્છાઓને વશ થઈ જનારા, ભલાઈ અને બૂરાઈનો ભેદ ન કરી શકનારા લોકો દુનિયાના કેટલાક દિવસોની મોજ-મસ્તી કરી શકે છે. પણ દુનિયાને ન કોઈ સંદેશ આપી શકે છે કે ન દુનિયા ઉપર પોતાની કોઈ છાપ છોડી શકે છે.

તેથી જરૂરી છે કે મુસલમાનના પ્રશિક્ષણ માટે એક કાર્ય યોજના બનાવવામાં આવે. જેમાં ઇચ્છાઓથી બાથ ભીડવા અને તેના પર સરસાઈ મેળવવા અભિયાન ચલાવવામાં આવે. અંકુશ ભૂખ-પ્યાસ ઉપર, અંકુશ ધનના પ્રેમ પર, અંકુશ મનેચ્છાઓ ઉપર, રોઝા આ બધી ભોગ-વિલાસની ઇચ્છાઓ ઉપર અંકુશ મેળવવામાં સહાયક હોય છે. જેમ કે અલ્લાહના રસૂલ   એ ફરમાવ્યું ઃ “જે હાલ નિકાહ કરવાની ક્ષમતા ન ધરાવતો હોય તેણે જાેઈએ કે રોઝા રાખે. રોઝા એક ઢાલનું કામ કરે છે.”

અલ્લાહ રમઝાનના રોઝા દ્વારા મુસલમાનોને હલાલથી રોકાવાની પ્રેકટીસ કરાવે છે. જેથી રમઝાન પછી હરામથી રોકાવવું સરળ બની જાય. બસ આનું જ નામ ‘તકવા’ છે. કૃપાશીલ રમઝાન દ્વારા અલ્લાહ પાક પોતાના બંદાઓમાં એ ભાવના પેદા કરવા ઇચ્છે છે. દુનિયાને ભોગાવવા-મજા લેવાની બાબત અલ્લાહના આદેશોને તાબે છે.એટલે કે જ્યારે તમને જમવાનું કહેવામાં આવે તો જમો અને જ્યારે જમવાથી રોકાવવાનું કહેવામાં આવે તો રોકાઈ જાવ. આવી જ રીતે જે વસ્તુ ખાવા કહેવાય તે જ ખાય. અને જે વસ્તુથી રોકાવવાનું કહેવાય તેનાથી રોકાઈ જાય. આમ જ્યારે રોકાવાનું કહેવાય ત્યારે રોકાવું ઇબાદત થશે અને જ્યારે જમવાનું કહેવાય ત્યારે જમવું ઇબાદત હશે.

પણ આ આદેશો અને સારા-નરસાની ઓળખ, આ બદી અને ભલાઈની વિગત આપણને કોણ આપશે. આના માટે અલ્લાહે કુઆર્ન પાકની વ્યવસ્થા કરી છે. આ સઘળું અલ્લાહે અવતરિત કરેલ કાનૂનમાં પ્રાપ્ત થશે. જેનું નામ કુઆર્ન પાક છે. કેમ કે કુઆર્નના પરિચય-વ્યાખ્યામાં અલ્લાહ ફરમાવે છે. હુદલ લિન્નાસ વ બય્યેનાતુમ મિનલ હુદા વલ ફુર્કાન.

અને આ જ કારણ છે કે અલ્લાહે પોતાના કલામના અવતરણ માટે રમઝાન માસને પસંદ કર્યો. જેથી કુઆર્ન આપણને દેખાડે કે આપણે શું કરવું ને શું ન કરવું. અને રમઝાન આપણા માટે કુઆર્નના માર્ગદર્શન-દોરવણી પર ચાલવાનું વાતાવરણ અર્પે. આવી જ રીતે રમઝાન અને કુઆર્ન બન્ને મળીને એક સાચા પાકા મો’મિન બનવાનો માર્ગ મોકળો કરે છે.

શું આપે જાેયું નહીં કે અલ્લાહે લૈલતુલ કદ્રને હજાર રાતોથી ઉત્તમ બનાવી દીધી. એટલા માટે કે આ જ એ રાત્રિ છે કે જેમાં કુઆર્ને કરીમના અવતરણનો નિર્ણય લેવાયો અને આ એક નિર્ણયે માનવજાતની તકદીરને બદલી નાખી. આ જ એક નિર્ણય પશ્ચાત્‌ મનુષ્ય સારા-નરસાની ઓળખ કરવા લાયક બન્યો.

અલ્લાહ મનુષ્ય ઉપર રમઝાન દ્વારા બોજ નાખવા નથી માંગતો. તે તો મનુષ્યને કૃતજ્ઞ બનાવા ઇચ્છે છે. આટ આટલા ઉપકારો પછી પણ કોઈ તેનો આભાર-શુક્ર ન કરે તો તેની ખલકતમાં કોઈ હરજ થશે નહીં, તદ્દન નહીં. લાભા-લાભ તો મનુષ્ય માટે બનાવેલ માપદંડ છે ખુદાના માટે નહીં. મનુષ્ય માટે જરૂરી છે કે તે આ માપદંડોના આધારે પોતાનું મૂલ્યાંકન કરે અને વાસ્તવિક નફા નુકસાન જે પરલોકમાં જણાશે તેની તૈયારી કરે. અલ્લાહ આપણા સૌને રમઝાનથી લાભ ઉઠાવવાની તૌફીક આપે. આમીન. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments