એસ. આઇ. ઓ – ગુજરાત અને મર્કઝી તાલીમી બોર્ડ – ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને પત્ર
આપણો દેશ એક ધર્મ પ્રધાન દેશ છે, અને આપણે ધર્મ આધારિત નૈતિક મુલ્યોના જતન અને ઈશ્વરીય આદેશો આધીન જીવન પ્રણાલીને અનુસરવા કટિબદ્ધ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે યુવા પેઢીનું માનસ ધાર્મિક નીતિ-નિયમોથી નિર્મિત થાય જેથી એક ઉત્કૃષ્ટ સમાજનું નિર્માણ થઇ શકે.
શિક્ષણનિતી – ૨૦૨૦ અંતર્ગત હાલ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨ માં ભગવદ્ ગીતાનું શિક્ષણ અનિવાર્ય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનો હેતુ ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ અને જ્ઞાનની પરંપરાઓ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી વિદ્યાર્થીઓમાં વિકાસ પામે તેવો છે. પરંતુ આપ જાણો જ છો કે આપણો દેશ એક મિશ્રિત સમાજ છે, અને જાત જાતના ધાર્મિક મૂલ્યોથી આપણું આ ઉપવન મહેકી રહ્યું છે. દરેકે દરેક પુષ્પની અનેરી સોડમથી બધાને લાભાન્વિત થવાનો અધિકાર છે. જુદા જુદા ધાર્મિક ગ્રંથો છે જે પોતાના નૈતિક મૂલ્યોથી યુવામાનાસનું સિંચન કરી શકે છે. ઈશ્વરીય ગ્રંથ કુર્આન પણ છે, જે સમસ્ત માનવજાતિના પથ પ્રદર્શન માટે ઈશ્વર તરફથી અવતરિત છે, જેના પ્રેમ અને શાંતિના ઉપદેશોથી મોટા ભાગનું વિશ્વ પ્રભાવિત થયું છે. આ સિવાય પવિત્ર બાઈબલ, ગુરુ ગ્રંથ સાહેબ અને અવેસ્તા જેવા બીજા ધર્મ ગ્રંથો પણ છે, જે પ્રેમ, શાંતિ, ક્ષમા, દયાળુતા, સહનશીલતા અને ભાઈચારાનો સંદેશ આપે છે. આપણે સૌ એક જ ઈશ્વર દ્વારા નિર્મિત અને એક જ આદમનાં સંતાન છીએ. આપણે આ બધા ગ્રંથોના શિક્ષણ માટે અવકાશ રહેવો જોઈએ તેવું વાતાવરણ નિર્માણ પામે તેવા પગલાં લેવાઇ તેવું થવું જોઇએ. યુવા પેઢીને આ પ્રકારે જ પરસ્પરના ધર્મ, સંસ્કૃતિ, અને રીતરિવાજોને જાણવાનો અને સમજવાનો અવસર પ્રદાન થઈ શકે છે, જેના થકી જ આપણે આજના આ ઘૃણા અને નફરતના વાતાવરણથી બહાર આવી સહઅસ્તિત્વ કેળવી બહુસાંસકૃતિક ભારતીય સમાજની વિભાવનાને પરિપૂર્ણ કરી આપણા ભારત વર્ષને જગત ગુરુ બનાવવા તરફ આગળ લઇ જઈ શકીએ છીએ.
આ માટે આપથી અમારો અનુરોધ છે કે કુર્આન અને બીજા ધર્મગ્રંથોના શિક્ષણને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે જેથી આપણે આ વિવિધતામાં એકતા સ્વરૂપે એવા અનેરા સમાજની સ્થાપના કરી શકીએ જેમાં બધા ધર્મોના આદર સાથે દરેક સમૂહ પોત પોતાની આગવી ધર્મ શૈલી, વિચાર વ્યવસ્થા અને પરંપરાઓનું પાલન કરી શકે.