ભારતીય રાજકારણમાં અશિસ્ત ભાષાનો પ્રયોગ, બિન લોકશાહી, અનૈતિકતા અને અસભ્ય શબ્દોનો ઉપયોગ કોઈ નવી વાત નથી. આ દાયકાઓ જૂની પરંપરા છે જેના પર અમલ કરવું રાજકીય નેતાઓનો શોખ છે એટલું જ નહીં બલ્કે હવે તો જાણે એ એમની પ્રકૃતિ જ બની ગઈ છે. તેઓ એકબીજા માટે એવા એવા શબ્દો અને એવી વાતો કહી દે છે કે જેની કલ્પના એક સુસભ્ય અને સુસંસ્કૃત સમાજમાં કરી પણ ન શકાય. કયારેક કયારેક તો આ બાબત હદ વટાવી જાય છે. જેવું કે હાલમાં જ રાજ્યસભામાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ વિશે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું. તેમણે રેઇનકોટ પહેરી ન્હાવાની કળા મનમોહનસિંહ પાસેથી શીખવાની નિમ્ન સ્તરની ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી ભૂલાઈ પણ ન હતી કે ફરીથી દેશના વડાપ્રધાનને કયારેય ન શોભે એ રીતે વિપક્ષી નેતાઓ વિશે કહ્યું હતું કે, ‘લોકો મોઢું સંભાળીને વાત કરે, હું તેમની કર્મ-કુંડળી મારી પાસે ધરાવું છું.’ તો શું એક રીતે લોકોને ધમકાવવાની કે બ્લેકમેઈલ કરવાની વાત તેઓ કહેવા માગતા હતા ? આ તો વડાપ્રધાન જેવો ઉચ્ચ હોદ્દો ધરાવનારના કેટલાક ઉદાહરણ હતા. આ અગાઉ જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ૨૦૦૨ના રમખાણગ્રસ્ત અને કેમ્પસમાં રહેતા મુસ્લિમો વિષે પણ અને ત્યાર બાદ પણ ‘ગલૂડિયા’ જેવા અભદ્ર શબ્દનો પ્રયોગ પણ તેઓ કરી ચૂક્યા છે. બાકી તો મંત્રી કક્ષાના તો કેટ-કેટલાય રાજકારણીઓ એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય છે કે જેને લઈ ખૂબ જ અફસોસ થાય છે.
ચૂંટણીઓ વખતે આરોપ-પ્રતિ આરોપ કે ઉશ્કેરણીજનક શબ્દોનો પ્રયોગ તો વર્ષોવર્ષથી થતો આવ્યો છે, પરંતુ હાલમાં તો જાણે કે આ બાબતે તમામ હદો પાર કરી નાખી છે. સાથે એ કે કેટલાક નેતાઓની છબી તો પ્રથમથી જ એવી હોય છે કે તેઓ ગમે ત્યાં, ગમે ત્યારે અને ગમે તેવી અભદ્ર, અસભ્ય કે અશોભનીય ભાષાનો ઉપયોગ કરી બેસશે, અને તેઓ એવું કરતા પણ હોય છે. જો કે તેઓ પણ પ્રજાના પ્રતિનિધિ અને જવાબદાર હોઈ આવી વાતોથી બચવાની જરૃર છે. પરંતુ વડાપ્રધાન વિ. જેવા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન જવાબદાર વ્યક્તિથી એવી આશા નથી હોતી. તે કોઈ એક કોમ, કોઈ ખાસ વર્ગ કે કોઈ એક પક્ષના નહીં બલ્કે સમગ્ર દેશના વડા હોય છે. તેમનાથી એ પ્રમાણેની જ આશા રાખવામાં આવે છે; કેમ કે દેખીતી રીતે જ જ્યારે આવા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ કોઈના વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરશે તો સામી વ્યક્તિ પણ તેના જવાબરૃપે એવી ભાષાનો ઉપયોગ કરી શકે છે અને પરિણામે આવા ઉચ્ચ હોદ્દાની ગરિમા કલંકિત થશે. રાજકારણનું તો છેલ્લા ઘણા લાંબા સમયથી જ સ્તર નીચું જઈ રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. પરંતુ હવે તો સંસદ કે વિધાનસભા ગૃહોમાં પણ આવી નિમ્નકક્ષાની ભાષાનો પ્રયોગ તેના સ્તરને વધુ નીચે લઈ જવાના પ્રયત્ન સમાન છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ના સૂત્ર સાથે સત્તા સંભાળવનાર વડાપ્રધાન મોદીએ આનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.
દેશના વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દાને શોભે તેવી ભાષા, તેવું વર્તન અને તેવી નીતિઓની તેમનાથી આશા રાખવામાં આવે છે. વિશ્વના આટલા મોટા લોકશાહી દેશના હોદ્દાની ગરિમા જાળવવી એ તેમની પ્રથમ ફરજ છે. તે કોઈ ખાસ પક્ષના વડા ન હોઈ સમગ્ર દેશના વડાપ્રધાન છે એ ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. *