Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપવેલ્ફેર પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા ચૂંટણીપંચને સુધારણાનો પ્રસ્તાવ

વેલ્ફેર પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા ચૂંટણીપંચને સુધારણાનો પ્રસ્તાવ

અહેવાલ :

લો કમીશનના ૨૦૧૩ના કનસલટેશન પેપરને પ્રતિભાવ આપનારા બે રાષ્ટ્રીય રાજકીય પક્ષો પૈકી વેલ્ફેર પાર્ટી ઓફ ઇન્ડિયા (WPI) એક છે. વર્તમાન ચૂંટણી કાયદાઓમાં સુધારણા માટે રાજકીય પક્ષો પાસેથી લો કમીશન દ્વારા સુચનો માગવામાં આવ્યા હતા. પરંતુ તેનો બિલ્કુલ ઉદાસીન પ્રતિભાવ મળ્યો છે, બીજા રાષ્ટ્રીય પક્ષમાં ફકત કોંગ્રેસનો સમાવેશ થાય છે. ‘બિયોન્ડ હેડલાઇન્સ’એ કોંગ્રેસ અને WPI સુધી આ મુદ્દે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોંગ્રેસે કોઇ પ્રતિભાવ ન આપ્યો. જ્યારે WPIએ સુચનો અને ભલામણોના પેપરો અમને મોકલ્યા છે જે અહિંયા પ્રસ્તુત કરવામાં આવી રહ્યા છે. – તંત્રી

WPI સ્વિકારે છે કે દેશ પાસે મજબૂત લોકશાહીની પરંપરા છે અને લોકોને તેનો ગર્વ પણ છે. પરંતુ આ પણ સ્વીકારવું રહ્યું કે લોકશાહીના જે મુલ્યો સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓએ મુક્યા હતા તેને મરોડીને તેનો જીવ કાઢી લેવામાં આવ્યો છે. મુક્ત અને પ્રમાણિક ચૂંટણી, સાચા દસ્તાવેજો અને ભાવનાઓ આપણા દેશની લોકશાહી વ્યવસ્થાને પુનઃજીવીત કરશે અને આપણા દેશને પગભર કરશે. ચૂંટણી પદ્ધતિની સુધારણાનો મુખ્ય હેતુ વ્યવસ્થાને તમામ પ્રકારના ભ્રષ્ટ આચરણો અને ઘટનાઓથી પવિત્ર કરવાનો હોવો જોઇએ. આ ધ્યાનમાં રાખીને પક્ષે પોતાના સુચનો અને ભલામણોને તૈયાર કર્યું છે. પક્ષ દ્વારા કનસેપ્ટ પેપરમાં સમાવિષ્ટ પ્રશ્નો ઉપરાંત કેટલાક બીજા સુચનો અને ભલામણો પણ કરવામાં આવ્યા છે.

ગુનારહિત રાજકારણ અને ઉમેદવારોની ગેરલાયકાત

પ્ર. ચૂંટણી લડવા માટે ગેરલાયકાતની વર્તમાન બંધારણીય અને કાનૂની જોગવાઇઓને સુધારવાની જરૃર છે ?
ઉ. હા.

પ્ર. ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા ગુનાની સાબીતિ પછી અમલમાં મુકવી જોઇએ (જે વર્તમાન કાયદાનુસાર છે) કે પછી કોર્ટ દ્વારા તોહમતનામુ ઘડાતાની સાથે અમલમાં મુકવા જોઇએ કે પછી તપાસ અધિકારી દ્વારા કોડ ઓફ ક્રિમીનલ પ્રોસીજર, ૧૯૭૩ની કલમ ૧૭૩ મુજબ આપવામાં આવેલી રીપોર્ટને આધારે અમલમાં મુકવી જોઇએ?
ઉ. ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા તોહમતનામું ઘડાતાની સાથે અમલમાં મુકવી જોઇએ.

પ્ર. ગેરલાયક ઠેરવવાની વર્તમાન પદ્ધતિમાં વધારાની નવી જોગવાઇઓને દાખલ કરવાની જરૃર છે ? જેમાં ઉમેદવારની યોગ્યતાનું મુલ્યાંકન એક સ્વતંત્ર એજન્સી કરે ?
ઉ. હા. ઉમેદવારે રજૂ કરેલા આંકડાઓની માહિતીની ખરાઇ કરવા માટે કાનૂની એજન્સીની રચના કરવી આવશ્યક છે. ગેરલાયક ઠેરવવાના કારણો આ એજન્સી દ્વારા તપાસવામાં આવે અને નિશ્ચિત કરવામાં આવે.

પ્ર. જો હા તો ઉમેદવારની યોગ્યતા નક્કી કરવા માટે જાહેર જીવનના ક્યા ધારાધોરણો હોવા જોઇએ ?
ઉ. ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધાવતી વખતે તેના દાવાઓની ચકાસણી થવી જોઇએ. ઉમેદવાર કાયદા પાલન કરતી વ્યક્તિ હોવી જોઇએ. તે સરકાર કે સરકારી એજન્સી હેઠળ કોઇપણ રીતે કસુરવાર ન હોવો જોઇએ અને તેની છબી સામાજીક અને જાહેર કાર્યકર્તાની હોવી જોઇએ.

ગેરલાયક ઠેરવવાના સમયગાળાને લગતી જોગવાઇઓનું મજબુતીકરણ

પ્ર. ગેરલાયક ઠેરવવાની હાલની જોગવાઇઓને સુધારવાની જરૃર છે ?
જ. હા. જોગવાઇઓ સખ્તાઇ અને કડકાઇથી અમલમાં મુકવાની જરૃર છે.

પ્ર. ગેરલાયક ઠેરવવા માટે કેટલાક ગુનાઓ, જે અત્યાર સુધી સામેલ ન હતા, સામેલ કરવાની જરૃર છે?
ઉ. સામાન્ય રીતે ‘વ્હાઇટ કોલર ગુનેગારો’માં સામેલ લોકો મુક્ત રીતે ફરતા રહે છે. આ ખતમ થવું જોઇએ. આદર્શ આચરસહિંતાનો ભંગ ગંભીરતાથી લેવો જોઇએ અને કાનૂનનું ઉલ્લંઘન સમજવું જોઇએ. આદર્શ આચારસંહિતાનું પાલન કાયદામાં સમાવિષ્ટ કરવા જેવી બાબત છે.

પ્ર. ગેરલાયકાતની જોગવાઇઓનું કડકાઇથી અમલ થાય તે માટે કઇ કાર્યપદ્ધતિ હોવી જોઇએ?
ઉ. ગેરલાયકાતને લગતા કેસોના નિકાલ માટે સમય હોવો જોઇએ. આવા કેસોની તપાસ સ્વતંત્ર એજન્સીઓ દ્વારા થવો જોઇએ. જેની પાસે ન્યાયીક સત્તા હોય.

ચૂંટણી ખર્ચમાં રાજ્યનો ફાળો અને રાજકીય પક્ષોના આચરણના નિયમો

પ્ર. રાજકીય પક્ષોના ઉમેદવારોના ચૂંટણી ખર્ચ માટે રાજ્યનો ફાળો હોવો જોઇએ ?
ઉ. હા.

પ્ર. જો હા તો ફાળાનો હિસ્સો અને માપદંડ શું હોવો જોઇએ?
ઉ. જાહેરાતની જે રીતો રાજ્યની માલીકિ હેઠળ હોય તેને ઉમેદવાર માટે ઉપલબ્ધ હોવી જોઇએ. બીજા જાહેરાતના ખર્ચાઓ પણ એક હદ સુધી નક્કી થવા જોઇએ.

પ્ર. આવા ફાળાનો ક્યા સ્વરૃપે જવાબ માગવો જોઇએ?
ઉ. એક તંદુરસ્ત અને મજબૂત લોકશાહી મુક્ત અને પ્રમાણિક ચૂંટણી દ્વારા ઘડી શકાય છે. આ બાબતો માટે કરવામાં આવેલો ખર્ચ રાષ્ટ્ર નિર્માણનો ખર્ચ છે. તેથી આવા ફંડ કર અને ઉપકર દ્વારા ઉઘરાવવા જોઇએ. રાજ્યની માલીકિ હસ્તકના મીડિયા જેમ કે ટી.વી., રેડીયો અને જાહેરાત સંબંધિત ખર્ચાઓની જે રકમ મળવા પાત્ર હોય તેને ઉમેદવારના બેંક ખાતા દ્વારા મોકલવું જોઇએ. કોર્પોરેટ અને મોટી નાણાંકીય સંસ્થાઓ આ ફંડમાં ફાળો આપે નહીંકે રાજકીય પક્ષને. (બીજા સાધનોનો ઉપયોગ ગુનો ગણાશે જે ગેરલાયકાત ભણી દોરી જશે.)

ફાળો

પ્ર. રાજકીય પક્ષોને આપવામાં આવતા સ્વૈચ્છિક ફાળાની વર્તમાન જોગવાઇઓને સુધારવાની જરૃર છે?
ઉ. હા કોર્પોરેટ દ્વારા રાજકીય પક્ષોને આપવામાં આવતા ફાળા પર બિલ્કુલ કાપ મુકવો જોઇએ.

પ્ર. જો હા તો કઇ પદ્ધતિ વિકસાવવું જોઇએ કે જેથી ફાળાના આપ-લેથી પારદર્શકતા વિશે ખાતરી કરી શકાય?
ઉ. રાજકીય પક્ષો દ્વારા આવકના સાધનોની પારદર્શકતા માટે તેમના નાણાંકીય પત્રકો ઓડીટ થવા જોઇએ અને ઇલેકશન કમીશન પાસે રજૂ થવા જોઇએ. આ નાણાંકીય પત્રકો સ્વતંત્ર ન્યાયીક એજન્સી તપાસે કે જેવી રીતે સી.એ.જી. તપાસે છે. વ્યક્તિગત રીતે આપવામાં આવેલા દસ હજાર કરતા વધારે રકમના ફાળા ફકત ચેક દ્વારા સ્વિકારવામાં આવે તેવો નિયમ બનવો જોઇએ.

ખોટા સોગંદનામા

પ્ર. કાયદાની કલમ ૧૨૫-એ હેઠળ રજૂ કરવામાં આવેલા ખોટા સોગંદનામાને ગેરલાયકાત માટે પુરતા સમજવા જોઇએ?
ઉ. હા.

પ્ર. જો હા તો સોગંદનામાની ચોકસાઇના ફેંસલા માટે કઇ પદ્ધતિ બનાવવાની જરૃર છે?
ઉ. એક સ્વતંત્ર એજન્સી દ્વારા ખાતરી થવી જોઇએ કે ભૂલ આકસ્મિક હતી કે ઇરાદાપૂર્વકની. જો સાબિત થાય કે ભૂલ ઇરાદાપૂર્વકની હતી અને હકીકતોને છુપાવીને અને દેશના લોકોને છેતરવાની હતી તો તેવા ઉમેદવારોને ગેરલાયક ઠેરવવા જ જોઇએ.પરંતું જો તે આકસ્મિક હોય તો તેને સુધારવાની અને ખુલાસો કરવાની તક આપવી જોઇએ.

ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા

પ્ર. બનાવટી સમાચાર (પેઇડ ન્યૂઝ)ની અસરોથી ચૂંટણીની અખંડતાને કેવી રીતે બચાવી શકાય?
ઉ. સામાન્ય રીતે સમાચાર અને બનાવટી સમાચારમાં ભેદ કરવો અત્યંત મુશ્કેલ છે. તેથી એક સક્ષમ સત્તા હોવી જોઇએ જે બનાવટી સમાચાર પર દેખરેખ અને કાર્યવાહી કરે.

પ્ર. રાજકીય પક્ષો કે ઉમેદવારો પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા ધરાવતા હોય છે કે તેમનો સીધો કે આડકતરી રીતે નિશ્ચિત રસ હોય છે. તેવા રાજકીય પક્ષો કે ઉમેદવારોના તેમના મીડિયા હાઉસથી થતા પ્રસારણથી મુક્ત અને પ્રમાણિક ચૂંટણીને પ્રતિકુળ અસર પહોંચાડવાનું પ્રયત્ન કરે છે. તો બંધારણના માળખા અંતર્ગત આ ‘મુક્તવાણી’ માટે કઇ કાર્યવાહી કરવી જોઇએ?
ઉ. એક સક્ષમ સત્તા હોવી જોઇએ જે ઝીણવટ સમાચારોનું બનાવટી સમાચારો સાથે મિશ્રણ થતા જુવે અને દેખરેખ રાખે. ચૂંટણી પહેલા ચૂંટણી સર્વેક્ષણ પર સદંતર પ્રતિબંધ મુકવો જોઇએ. કેમકે આવા સમાચારો બનાવટી જેવા હોય છે જે મતદારોના માનસને મચડીને એક તરફ વાળવાનો પ્રયત્ન કરે છે.

પ્ર. સરકારી જાહેરાતો કે જેમાં પોતાની સિદ્ધીઓને ઉજાગર કરવામાં આવે છે તેને સરકારની અવધી પુરી થવાના અંતિમ છ મહિના પહેલા પ્રતિબંધ લગાવવો જોઇએ?
ઉ. હા. આવો પ્રતિબંધ સરકારની અવધી પુરી થવાના એક વર્ષ પહેલા લગાવવો જોઇએ.

પ્ર. આ પ્રતિબંધના ઉલ્લંઘનને સજાપાત્ર ગણવા જોઇએ?
ઉ. હા બિલ્કુલ.

ચૂંટણી સંબંધિત ગુનાઓની સજામાં વધારો

પ્ર. ચૂંટણી સંબંધિત ગુનાઓ અને સજાની વર્તમાન જોગવાઇઓની સમીક્ષા કરવાની જરૃર છે?
ઉ. હા.

પ્ર. જો હા તો ક્યા ફેરફારો યોગ્ય હશે?
ઉ. ચૂંટણી પંચને વધુ શક્તિશાળી બનાવવું જોઇએ. તેને એટલો અધિકારયુક્ત બનાવવું જોઇએ કે જેથી તે નાણાંકીય દંડ લઇ શકે અને એક સ્વતંત્ર ન્યાયીક એજન્સી કે મંડળની રચના કરવાની જરૃર છે. જે ચૂંટણી સંબંધિત ગુનાઓ અને ગેરલાયકાત અંગેના નિર્ણયો લઇ શકે.

ચૂંટણી સંબંધિત વિવાદને લગતા નિર્ણયો

પ્ર. ચૂંટણી સંબંધિત વિવાદના નિર્ણયો લેવાની તેમજ કેસોની સમયસર નિકાલની હાલની પદ્ધતિની પુનઃતપાસ કરવાની જરૃર છે?
ઉ. હા. સમય અને મર્યાદા નક્કી થવી જોઇએ અને આરોપીને કોઇપણ સરકારી હોદ્દો સંભાળવાનો મોકો ન આપવો જોઇએ જ્યાં સુધી ફેંસલો ન થઇ જાય.

પ્ર. જો હા તો ચૂંટણી સંબંધિત વિવાદોના ઝડપી નિકાલ માટે કઇ નવી વ્યવસ્થા અમલમાં મુકવી જોઇએ?
ઉ. ખાસ અદાલતોની સ્થાપના.

અન્ય મુદ્દાઓ

પ્ર. એક વ્યક્તિ એક જ મતવિસ્તારથી ચૂંટણી લડે તે માટે કાયદાને બદલવાની જરૃર છે?
ઉ. વ્યક્તિ એક કરતા વધારે મતવિસ્તારથી ચૂંટણી લડી શકે પરંતુ શરત હોવી જોઇએ કે એક મતવિસ્તારનો ચૂંટણી ખર્ચ તે ઉમેદવાર દ્વારા કરવામાં આવે અને રાજીનામાને કારણે જો પેટા ચૂંટણી યોજવી પડે તેનો ખર્ચ પણ તે જ ઉમેદવારથી વસૂલવામાં આવે.

પ્ર. કિંમતોમાં કે પડતરમાં થયેલા વધારાના કારણે ચૂંટણીના સમયગાળામાં ખર્ચની મર્યાદામાં વધારો કરવાની જરૃર છે?
ઉ. ના. ચૂંટણી ખર્ચમાં રાજ્યનો હિસ્સો હોવો જોઇએ. તેથી મર્યાદામાં વધારો કરવાની કોઇ આવશ્યકતા રહેતી નથી.

પ્ર. ચૂંટણી ખર્ચની અધુરી, ખોટી અને ભૂલચૂકવાળી વિગતોને ઉમેદવારને ગેરલાયક ઠેરવવા પુરતી સમજવું જોઇએ?
ઉ. હા અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ખુલાસો કરવાની તક આપવી જોઇએ.

કનસલ્ટેશન પેપરમાં જે મુદ્દાઓને આવરી લેવાયા નથી પરંતુ ચૂંટણી સુધારા માટે નિર્ણાયક અને મહત્વ ધરાવતા હોવાના લીધે વેલ્ફેર પાર્ટી ઓફ ઇન્ડિયા ગંભીરતાથી નીચેના સુચનો અને ભલામણો રજૂ કરે છે.

* અમે એવા અહેવાલો જોઇ ચુક્યા છીએ જેમાં ઉમેદવારો પાસેથી તેમના એજન્ટો, રાજકીય આગેવાનો અને મંત્રીઓ મોટા પ્રમાણમાં પૈસા આંચકીને તે પૈસાનો ઉપયોગ મતદારોને લાંચ આપવામાં કરે છે.પાછળથી આવા કેસોની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં નથી આવતી. એકવાર ચૂંટણીનો ગરમાવો પુરો થઇ જાય છે કે પંચ શાંતિથી બેસી જાય છે એવું ન થવું જોઇએ. ગેરકાનૂની અને કાળાનાણાંને બહાર લાવવા માટે ચૂંટણી સમયે પાડવામાં આવતા દરોડાની સઘન પુછપરછ થવી જોઇએ કે જેથી આવા નાણાંની પાછળ છુપાયેલા લોકોને કાયદાના કઠેડામાં લાવી શકાય.

* ઉમેદવારને નકારવાનો હક હોવો જોઇએ. વર્તમાન ચૂંટણી પ્રથા ઉમેદવારોની પસંદગી બાબતે પુરી સ્વતંત્રતા નથી આપતી. પરંતુ તેમાંની કોઇ એકને પસંદ કરવા માટે મજબૂર કરે છે પછી ભલેને તેમાથી કોઇપણ મતદારને તે ઉમેદવાર પસંદ ન હોય. જો મતદારને એવું લાગતુ હોય કે ઉમેદવારોની યાદીમાંથી કોઇને મત આપવા જેવું નથી તો તેને નકારવાનો હક આપવો જોઇએ. જો ૫૦ ટકા કરતા વધારે મતદારો બધા જ મતદારોને નકારે તો તે મત વિસ્તારમાં ફરીથી ચૂંટણી થવી જોઇએ.

* જો ધારાસભ્ય કે સંસદસભ્ય પોતાની જવાબદારીને અદા કરવામાં નિષ્ફળ જાય તો તેને ‘પાછો બોલાવવાનો અધિકાર’ (રાઇટ ટૂ રીકોલ) મતદારોને હોવો જોઇએ. આપણા ઘણા ધારાસભ્યો અને સંસદસભ્યો વિધાનસભા અને લોકસભામાં ખૂબ ઓછા જોવા મળે છે. તેઓ તેમના મતવિસ્તારને લગતા પ્રશ્નોને તથા ફાળાને લગતી બાબતોને પ્રસ્તુત નથી કરતા કે જે મત વિસ્તારના વિકાસ માટે જરૂરી છે. ધારાસભ્યો અને સંસદસભ્યોની કામગીરી ઉપર દેખરેખ અને માપદંડ માટે એક અધિકૃત ભેદભાવમુક્ત પદ્ધતિ હોવી જોઇએ. પાછો બોલાવવાનો નિર્ણય લેવા માટે ચોક્કસ સમય હોવો જોઇએ. દા.ત. સભ્યને ચૂંટાયાના એક વર્ષ પછી ‘ખરાબ કામગીરી’ની કક્ષામાં આવતા તમામ સભ્યોનું સભ્યપદ રદ થવું જોઇએ. મુક્ત અને પ્રમાણિક ચૂંટણી વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ઉપરના મુદ્દાઓનો અમલ કરો. નીચેનો પ્રસ્તાવ એક વૈકલ્પિક વ્યવસ્થા માટે છે.

આપણે વ્યવસ્થાને બદલવા માટે ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ વ્યવસ્થાને દાખલ કરવી જોઇએ. વર્તમાન ચૂંટણી વ્યવસ્થામાં રહેલ ઘણી બુરાઇઓને ખતમ કરી શકાશે, સાફ કરી શકાશે અથવા ઓછી કરી શકાશે. લોકોની તાકાતને ખતમ કરવા માટે નાણાંનો ઉપયોગ અને બળ પ્રયોગ બંધ થશે. તેને ઊંડાણમાં ચર્ચા કરીને નાના મુદ્દાઓને નિશ્ચિત કરી શકાશે. રાજકીય પક્ષોનો રસ્તો અને કાર્યપદ્ધતિ બદલાશે. ધારાસભામાં સક્ષમ વ્યક્તિઓને પ્રવેશવામાં મદદ મળશે. દરેક મતનું મુલ્ય અને ભાર સમજાશે અને વેડફાશે નહીં. આ વ્યવસ્થા લોકશાહીની નજીક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments