Thursday, November 7, 2024
Homeઓપન સ્પેસશિક્ષણ અને નોકરીઓ માટે અનામતની માંગણી સાથે પટેલો યુદ્ધ મેદાને

શિક્ષણ અને નોકરીઓ માટે અનામતની માંગણી સાથે પટેલો યુદ્ધ મેદાને

પટેલ અથવા પાટીદાર સમુદાયના યુવાનો શૈક્ષણિક સંસ્થાઓ અને નોકરીઓમાં અનામત મેળવવાના હેતુસર પોતાના સમાજને અન્ય પછાત વર્ગોમાં સામેલ કરવાની માંગણી સાથે યુદ્ધમેદાને પડયા છે. ૨૨ વર્ષીય હાર્દિક પટેલના નેતૃત્વ હેઠળ પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ની રચના કરી યુવાનો સંગઠીત થયા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પોતાનો વ્યવસાય કરતા હાર્દિક જેવા જવાનિયાએ જાણે ગાંધીનગર સ્થિત ભાજપ સરકારના મૂળીયા હલાવી દીધા છે. મધ્ય જુલાઈથી લઈને બારેક મુકામો પર PAASની રેલીઓને યુવાનોએ જે જબ્બર પ્રતિસાદ આપ્યો છે તેનાથી ગભરાઈને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નારાજ સમુદાયને રીઝવવા સાત સદસ્યોની એક સમિતિ નિયુક્ત કરી છે. પરંતુ હાર્દિક પટેલ આ સમિતી પાસે કોઈ સત્તા ન હોવાની દલીલ કરીને તેમની સાથે વાટાઘાટો કરવાનો ઇન્કાર કરી દીધો છે. તેણે મુખ્યમંત્રી સાથે સીધી વાતચીત કરવાની માંગણી કરીને મામલો વધુ ગુઢ બનાવી દીધો છે. જુલાઈ ૧૫ના રોજ વિસનગરની રેલી દરમ્યાન થયેલ હિંસા માટે શરૃઆતમાં તો રાજ્ય સરકારે પટેલ આગેવાનો વિરુદ્ધ ફોજદારી કેસ નોંધ્યું પરંતુ તે પછી રેલીઓમાં પટેલોએ જે પ્રતિસાદ આપ્યો તેનાથી સરકાર પણ ઠંડી પડી ગઈ છે.

રાજ્યભરમાં રોજ બે સ્થળોએ રેલીનું આયોજન થઈ રહ્યું છે અને ૨૫મી ઓગષ્ટના રોજ અમદાવાદ ખાતે મહારેલીની ઘોષણા કરવામાં આવી છે જેમાં PAASના આગેવાનો ૨૦ લાખની જનમેદનીની અપેક્ષા કરી રહ્યા છે. આ પહેલા તેઓએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના મત વિસ્તારો અનુક્રમે ઘાટલોડીયા અને નારણપુરા ખાતે રેલીઓ યોજવાની જાહેરાત કરી છે.

પ્રદર્શનકારીઓનો દાવો છે કે તે કોઈ પણ રાજકીય સંગઠન સાથે સંકળાયેલ નથી. તેમણે તે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેમને કોઈ પણ રાજકીય પક્ષનો સહકાર નથી. કોંગ્રેસ પક્ષ તેમનો દોરીસંચાર કરી રહી છે તેવા આક્ષેપો સામે તેમણે આ સ્પષ્ટતા આપી છે.

જો આ મામલાને યોગ્ય રીતે સંભાળવામાં નહીં આવે તો આ ભાજપ માટે પટેલોના તેમના પક્ષ પરના પ્રભાવના કારણે રાજકીય કટોકટીમાં પરિણમશે. એટલું જ નહીં પરંતુ આગળ વધીને બીજા સમૂદાયના પોતાના સંભવિત ઘટતા આરક્ષણને કારણે હિંસક અથડામણો સુધી પહોંચે તેવી સંભાવનાઓ છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે આ અભિયાનનું કંઇ પણ થાય પરંતુ એક બાબત નક્કી છે કે ભાજપનો સાથ આપનાર સમુદાયોમાં ચોક્કસપણે ભાગલા પડશે. જો પટેલોને અનામત માટે પછાત વર્ગોમાં સમાવી લેવાય તો અન્ય પછાત વર્ગોમાંનું એક મોટું સંખ્યા બળ ભાજપ વિરોધી થઈ જશે અને જો પટેલોને આ દરજ્જો ન મળ્યો તો તેમની સારી એવી સંખ્યા ભાજપથી દૂર થઈ જશે. બંને સંજોગોમાં ભાજપને મોટું રાજકીય નુકસાન થશે.

આખાય પ્રકરણમાં રાજ્યની ૨૦% વસ્તી ધરાવનાર પટેલોની અનામત માટેની માંગણી એટલા માટે ખૂબ જ અચરજ પમાડે તેવી છે કારણે કે તેઓ રાજ્યમાં આર્થિક અને રાજકીય ક્ષેત્રે સૌથી શક્તિશાળી છે અને તેમનો સમુદાય વિશ્વભરમાં ફેલાયેલો અને વ્યવસાયમાં સમૃદ્ધ છે. રાજ્યના કુલ ૧૮૨ વિધાયકોમાં ૪૪ (ભાજપના ૪૦) પટેલ સમુદાયના છે અને વળી કુલ ૧૬ મંત્રીઓમાં આઠ તો પટેલ સમુદાયના છે. મુખ્યમંત્રી પોતે પટેલ છે. આ ઉપરાંત તેઓ પાસે રાજ્યભરમાં જમીનો અને કૃષિ જમીનો પુષ્કળ માત્રામાં છેે. પટેલો મસમોટા ધંધાઓના માલિક પણ છે. એશિયાની સૌથી મોટી જામનગરની રીલાયન્સ રીફાઇનરીના માલિક મુકેશ અંબાણી હોય, તેમનો ભાઈ અનિલ અંબાણી હોય, કોકીલાના પંકજ પટેલ હોય કે નિરમાના કરશન ભાઈ પટેલ હોય તમામ આ સમુદાયથી આવે છે. આ ઉપરાંત તેઓ સૂરતના હીરા ઉદ્યોગનું નિયંત્રણ કરે છે. પટેલોએ પોતાના કૌશલ્ય વડે ગાર્ડિયન અખબારના અહેવાલો પ્રમાણે બ્રિટનમાં પણ ધનાઢય લોકોમાં ગણાય છે. અહેવાલ પ્રમાણે આ મહેનતકશ અને સાહસિક વૃત્તિ ધરાવનાર સમુદાયમાં ૩૭ મલ્ટી મિલીયોનેર પટેલો છે અને ૫૦૦ મિલીયોનેર છે (આ ગણતરી યુકેના પાઉન્ડ્સ પ્રમાણે થઈ છે.).

પટેલોનું યુ.એસ.ની હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ નિયંત્રણ છે. ગુજરાતમાં ઘણાં પટેલો મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમાં બાબૂભાઈ જશભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલનો સમાવેશ થાય છે. હિંદુઓનો સૌથી ધનિડ પંથ સ્વામીનારાયણ પણ મુખ્યત્વે પટેલો દ્વારા જ ચલાવવામાં આવે છે.

આ બધુ જોતા તેમની પછાત વર્ગોમાં સમાવેશ કરવાની માંગણી સાવ વાહિયાત લાગે તેવી છે. પરંતુ પાટીદારો માને છે કે ગુજરાતમાં માત્ર તેમનો નહીં પરંતુ અન્ય સમૂદાયનો પણ વિકાસ થયો જ છે. જ્યાં ગ્રામિણ અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ બીજા સમૂદાયને આરક્ષણનો લાભ મળ્યો છે ત્યાં તેમના જેવા બીજા પાટીદારો વંચિત રહ્યા છે. તેઓ કહે છે કે આ કારણે યુવાઓમાં ખૂબ આક્રોશ છે. અને તેના કારણે જ તેઓ અનામતની માંગણી કરી રહ્યા છે. પટેલ સમુદાયના એક યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નામ નહીં આપવાની શરતે કહે છે કે પછાત વર્ગોના ઉમેદવારના સારા માર્ક્સ હોય તો તેને સામાન્ય ક્વોટામાં પ્રવેશ આપી દેવામાં આવે છે અને આમ સામાન્ય સમુદાયની વ્યક્તિ માટે અન્યાય થાય છે. તેમના કહેવા પ્રમાણે અનામત બેઠકો ભરાયા પછી સામાન્ય વિદ્યાર્થીઓે માટે માત્ર ૨૫% બેઠકો જ બાકી રહે છે. તેમના કહેવા પ્રમાણે પટેલોમાં ઉપેક્ષાની ભાવનાનો જન્મ થયો છે જેના કારણે આ વિરોધપ્રદર્શન થઈ રહ્યો છે.

પટેલોના પ્રદર્શન માટે તેમને ઘણા ખૂણેથી સમર્થન મળી રહ્યું છે. ફાઈનાન્સિયલ એક્ષપ્રેસના પૂર્વ તંત્રી અને કટાર લેખક હરિભાઈ દેસાઈ જે હાલમાં ચરોતર એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સંકળાયેલ છે તેમણે આ આંદોલનને ખૂલ્લું સમર્થન આપ્યું છે. તેઓ કહે છે કે પટેલોની સ્થિતિ ગ્રામીણ ક્ષેત્રે એટલી સારી નથી જેટલી શહેરી વિસ્તારોમાં છે. તેમનું કહેવું છે કે જો આસપાસના રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેમને પછાત દરજ્જો આપવામાં આવી રહ્યો છે તો ગુજરાતમાં કેમ નહીં. દેસાઈ કહે છે કે ઉત્તર ગુજરાતના અંજાના પટેલ પહેલેથી અન્ય પછાત વર્ગોમાં શામેલ છે. આમ અન્ય જ્ઞાાતિઓ જેવી કે લેઉવા અને કડવા પટેલોનો સમાવેશ કરવામાં કંઇ વાંધો આવવો જોઈએ નહીં.

પરંતુ રાજકીય વિશ્લેષક અચ્યુત યાંજ્ઞિાક પટેલોના આ આંદોલન સાથે અસહમત છે. તેઓ કહે છે કે કોઈ પણ પરિબળ પ્રમાણે પટેલોની માંગણી વાજબી નથી. જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીને પણ આવી માંગણીઓમાં કોઈ ગુણવત્તા દેખાતી નથી.

ગુજરાતને અન્ય પછાત વર્ગો અંગે પોતાનો ઇતિહાસ રહેલો છે. અન્ય પછાત વર્ગો માટે ક્વોટા રાખવાનો ખ્યાલ ૧૯૭૩માં ગુજરાતની રચનાના ૧૩ વર્ષ બાદ માધવસિંહ સોલંકી જેઓ પોતે ઓ.બી.સી. છે પાસે આવ્યો હતો.

રીટાયર્ડ જસ્ટીસ અનંત પ્રસાદ બક્ષીના નેતૃત્વ હેઠળ ગુજરાત યુનિવર્સીટીના સમાજશાસ્ત્રના પ્રોેફેસર ડો. તારાબેન પટેલ અને એમ.એસ. યુનિવર્સીટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર સી.એન. વકીલની સમિતિની રચના કરવામાં આવી હતી જેમણેે અન્ય પછાત વર્ગો અંગેની ભલામણ કરી હતી. કમિશને પોતાનો અહેવાલ ૧૯૭૬માં આપ્યો હતો. જેમાં ૮૨ જ્ઞાાતિઓને અન્ય પછાત વર્ગોમાં ઉલ્લેખવામાં આવી હતી. ૧૯૮૧માં રાજ્ય સરકારે અન્ય પછાત માટે ૧૦% અનામતની જોગવાઈ કરી હતી. રાજ્ય સરકાર આ પછી ગોપાલકૃષ્ણ કમિશન અને રાને કમિશન બેસાડયા હતા. જેઓએ વધૂ જ્ઞાાતિઓ અન્ય પછાત વર્ગોમાં શામેલ કર્યા હતા. હવે ગુજરાતમાં હાઈકોર્ટ જજ સુજ્ઞાા ભટ્ટના નેતૃત્વમાં કાયમી બક્ષી કમીશન છે. રાજ્યની કુલ ૧૪૬ જ્ઞાાતિઓ હવે ઓ.બી.સી.માં ગણાય છે. જે છેલ્લી જ્ઞાાતિ ઉમેદવારમાં આવી તે દરજીની છે. મોઠ ઘાંચી જ્ઞાાતિ પણ આ સૂચીમાં છે જેમાંથી પ્રધાનમંત્રી આવે છે. આ ઉપરાંત બીજી જ્ઞાાતિઓમાં રબારી, ભરવાડ, પ્રજાપતિ, પંચાલ, કોળી, ઠાકોર, ઘાંચી, સિપાહી અને પીંજારાઓનો પણ સમાવેશ થાય છે. રાજ્યની વસ્તીમાં આ જ્ઞાાતિઓનો કુલ ૫૨% હિસ્સો છે.

ભાજપના એક વરીષ્ટ નેતા જેમને PAAS સાથે વાટાઘાટો માટે જવાબદારી સોંપાઈ છે તે કહે છે કે રાજ્ય સરકાર પાસે પટેલોની આવી માંગણી સ્વીકારવા માટે સત્તા જ નથી. આવી માંગણી કરવા હેતુ તેમણે બક્ષી કમીશન પાસે મજબૂત દલીલો સાથે પોતાની અરજી કેરવી પડે તેમ છે. આમાં જૂના દસ્તાવેજો અને લોકકથાઓનો પણ સમાવેશ થાય છે. આ પછી કમિશન એક સર્વેક્ષણ કરાવે જેમાં તેમની શૈક્ષણિક અને આર્થિક સ્થિતિનો ચિતાર કાઢવામાં આવે. મહિલાઓમાં શિક્ષણ તે એક આગવુ પરિબળ ગણાય જો કમિશનને વાતમાં દમ લાગે તો તે સમૂદાયની અન્ય પછાત વર્ગોમાં સમાવેશ કરી શકે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments