દેશમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું વધ્યું છે. ૨૦૦૧માં સાક્ષરતાનું પ્રમાણ ૬૪ ટકાની આસપાસ હતું. જે ૨૦૧૧માં વધીને ૭૪.૦૪ ટકા થઈ ગયું છે. દેશની મોટાભાગની એટલે કે ૭૫ ટકા જેટલી વસ્તી સાક્ષર છે અને શિક્ષણનું મહત્ત્વ સમજે છે. સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે શિક્ષણ જાગૃતિ અભિયાન, સર્વ શિક્ષા અભિયાન વગેરે નામોથી લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત અને સભાન કરવાના કાર્યક્રમો દર વર્ષે થાય છે. શિક્ષણની જરૃરિયાતને સંતોષવા માટે જરૂરી માળખાગત સુવિધાઓ જેવી કે, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો, પ્રોફેસરો, ખેલના મેદાનો, શૈક્ષણિક અભ્યાસક્રમો અને શૈક્ષણિક નીતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે અને રોજગાર પુરા પાડવામાં આવે. આપણે જોઇએ છીએ કે શિક્ષકો અને પ્રોફેસરોની જરૂરીયાતને સંતોષવા માટે બી.એડ. અને એમ.એડના અભ્યાસક્રમો થાય છે. જેના દ્વારા શિક્ષકો અને પ્રોફેસરો તૈયાર થાય છે. સરકારી સ્કૂલો શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં છે જ્યાં વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરીયાતને સરકારી શાળાઓ પુરી ન કરી શકતા ખાનગી શાળાઓને પરવાનગી આપવામાં આવે છે કે જેથી કોઈ નિરક્ષર ન રહે.
લોકોમાં શિક્ષણ મેળવવાનો મુખ્ય હેતુ સારી નોકરી મેળવવાનો સારો હોદ્દો પ્રાપ્ત કરવાનો અને સારો ધંધો ચલાવવાનો જોવા મળે છે. સરકારની અને શૈક્ષણિક સંસ્થાનોની નીતિ પણ રોજગારલક્ષી અને ઉદ્યોગજગતની જરૂરીયાત સંતોષવાની રહી છે. શિક્ષણ હાંસલ કર્યા પછી રોજગાર પ્રાપ્ત થાય તે અતિ આવશ્યક છે. પરંતુ તે મુખ્ય હેતુ કે ઉદ્દેશ્ય ન બનવો જોઈએ. શિક્ષણનો મુખ્ય હેતુ જવાબદાર નાગરિકો બનાવવાનો હોવો જોઈએ. જવાબદાર નાગરિક ત્યારે જ બની શકે જ્યારે પ્રાથમિક શૈક્ષણિક અભ્યાસક્રમોમાં એકેશ્વરવાદને, નૈતિકતાને, મૂલ્યોને અને ઉત્તરદાયિત્વને દાખલ કરવામાં આવે.
હાલના અભ્યાસક્રમોમાં નૈતિકતાના કેટલાક પાઠો ભણાવવામાં જરૃર આવે છે પરંતુ તેમાં મૂલ્યો, એકેશ્વરવાદ અને ઉત્તરદાયિત્વનો અભાવ છે. જેના કારણે લૂંટ, ચોરી, દગો, હત્યા, અપહરણ, બળાત્કાર, નાણાંકીય ઉચાપત, કૌભાંડો વગેરેમાં ભણેલા લોકોની સંડોવણી વધુ જોવા મળે છે. હર્ષદ મહેતા, કેતન પારેખ, તેલગી અને રાજૂ વગેરે ઉદાહરણ તરીકે જોઈ શકાય. અવાર-નવાર છપામાં આવતા કેસોથી પ્રતીત થાય છે કે સાક્ષરતાનું પ્રમાણ વધવાના સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે. ઘરેલું હિંસા, ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ, સાઇબર ક્રાઇમ વગેરેના આંકડા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો પર જોઈ શકાય છે. જે આશ્ચર્યજનક રીતે વધ્યા છે.
સામાજીક ક્ષેત્રે જોઈએ તો મા-બાપને જવાબદારી અને તેમના હક્કો આપવામાં બાળકો સદંતર નિષ્ફળ જઈ રહ્યા છે. પરિણામ સ્વરૃપે ઘરડા ઘર અને વૃદ્ધાશ્રમની સંખ્યા ઉત્તરોત્તર વધતી જઈ રહી છે, નજીકના મળતાવડા લોકો જ અપહરણ, બળાત્કાર અને હત્યાના કેસોમાં સંડોવાયેલા જોવા મળે છે, ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાને બદલે આત્મહત્યા કરી બેસે છે. યુવાનોમાં ખાઓ-પીઓે અને મોજ કરોની માનસિકતાએ પગપેસારો કર્યો છે. તેઓ પોતાની સામાજીક જવાબદારીઓથી છટકવાનો પ્રયાસ કરે છે. આ તમામ બાબતો શિક્ષણની ખામીથી પેદા થઈ છે. શિક્ષણની નીતિ સરેઆમ નિષ્ફળ જઈ છે. જેના પાયામાં અનૈતિકતા, નાસ્તિકતા અને બિનઉત્તરદાયિત્વ છે.
પ્રાથમિક શિક્ષણમાં જ વિદ્યાર્થીઓને શિખવવું જોઈએ કે આ ધરતી ઉપર તેનું આગમન કેવી રીતે થયું? તેનું આગમન શા માટે થયું છે?, દુનિયામાં તેનું સ્થાન શું છે? દુનિયાની હકીકત શું છે? આ દુનિયાનો શું અંજામ થશે? મૃત્યુ પછી તેનું શું થશે? આમ બાળકને તેનો અને દુનિયામાં હકીકતનો પુરતો અંદાજ મળશે. આ પ્રશ્નોના ઉત્તર જ્યાં સુધી તેને નહીં મળે અને પોતાની જવાબદારીનો એહસાસ પેદા નહીં થાય ત્યાં સુધી શિક્ષણનું પ્રમાણ વધવાની સાથેસાથે ગુનાખોરીનું પ્રમાણ પણ સતત વધતું રહેશે અને શાંતિ, સલામતિ અને સુખાકારી સુધી ક્યારેય પહોંચી શકાશે નહીં.
જે કંઇ પણ મળે છે તે અલ્લાહ દ્વારા મળે છે. અને અલ્લાહ સૌથી મોટો દિર્ઘદૃષ્ટા છે. તે જાણે છે કોને કેટલી રોજી (જીવનનો ગુજરાન ચલાવવા માટે જરૂરી વસ્તુઓ) આપવી જોઈએ. આ ખ્યાલ પેદા થાય તો વ્યક્તિની રોજગાર સંબંધિત ચિંતાનો જ અંત આવી જાય અને મર્યા પછી જીવનની એક એક પળનો હિસાબ આપવાનો છે અને દુનિયામાં વ્યતિત કરેલા જીવનના સારાનરસા પાસાના આધારે કાં તો સ્વર્ગ મળશે જે સુખાકારીની પરાકાષ્ટા હશે. કાંતો સજા મળશે જે નર્ક સ્વરૃપે ખૂબજ ભયાનક અને અસહ્ય હશે.
રોજી અને મૃત્યુ પછીની સજા અને ઇનામનો ખ્યાલ દિવસ અને રાત જેટલો જ સાચો અને નિશંક છે.આ બે ખ્યાલોને શૈક્ષણિક અભ્યાસક્રમોનો ભાગ બનાવવો જોઈએ કે જેથી શૈક્ષણિક સંકુલોમાંથી નિઃસ્વાર્થ અને જવાબદાર નાગરિકો બહાર આવે.
એસ.આઈ.ઓ.નો શિક્ષણ જાગૃતિ અભિયાન આ જ મુદ્દાને ઉજાગર કરવા અને શિક્ષણને પવિત્ર કરવા તારીખ ૧ થી ૧૦ જૂન ૨૦૧૫ દરમિયાન પ્રાદેશિક ક્ષેત્રે મનાવી રહી છે. આ અભિયાનમાં આપ તમામ પ્રકારે સહભાગી બની શકો છો.