Thursday, November 7, 2024
Homeઓપન સ્પેસશું લોકશાહી પોતાનો આધાર ગુમાવતી જઈ રહી છે!?

શું લોકશાહી પોતાનો આધાર ગુમાવતી જઈ રહી છે!?

આજે સમગ્રવિશ્વ આતંકથી પરેશાન છે. આતંકના ધ્વજવાહકો દરેક યુગમાં આતંકને પ્રોત્સાહન, શાંતિ અને સલામતીની સ્થાપનાના નામે કરતા આવ્યા છે અને આજે પણ કંઇક આવું જ થઈ રહ્યું છે. અત્યારે “શાંતિ અને સલામતી”ના નામે આતંકને પ્રોત્સાહનનુું દૃષ્ટાંત અમેરિકાનું છે. આ અમેરિકા ઇચ્છે છે કે દુનિયામાં તે જેને શાંતિ કહે તેને બધા શાંતિ કહે… અને તે જેને આતંક કહે બધા પણ તેને જ આતંક કહે! અને બધા જાણે છે કે સમગ્ર વિશ્વ આજે અમેરિકા અને તેની પ્રવૃત્તિઓથી કેટલી હદે પરેશાન છે. પ્રશ્ન એ છે કે જે દેશ ઘણા લાંબા સમયથી માનવોને રંગ-વંશ અને જાતીના આધારો ઉપર વિભાજીત કરતો રહ્યો અને આ જ આધારો પર જુલ્મ-બર્બરતા અને શોષણમાં વૃદ્ધિ કરતો આવ્યો છે. તે પોતાના અંદર ઝાખીને કેમ જોતો નથી? અને તેમાંથી નિકળવાનો પ્રયાસ કેમ કરતો નથી? આ અફસોસ છે આવા શામૃગ અને તેમના સહયોગી ઉપર જેઓ પોતાને છોડીને બીજાઓના પ્રશ્નોમાં માથું મારે છે અને તેમની ખામીઓ શોધવામાં પ્રવૃત્ત રહે છે. આના સામે વાસ્તવિકતા એ છે કે આજના કહેવાતા ‘સભ્ય’ યુગમાં જ્યારે કે માનવ અધિકારોની વાતો દરેક વ્યક્તિ અને જૂથ જોરશોરથી કરે છે, પોતાના જ દેશ અને સમાજમાં થઈ રહેલા માનવ અધિકારોના ભંગને નજરઅંદાજ કરી દે છે. કંઇક આવા જ પ્રકારનો મામલો વધુ એક વખત વંશીય પૂર્વગ્રહ અને ભેદભાવના પરિણામે અમેરિકામાં સામે આવ્યો છે. જેના પરિણામે એક તરફ સભ્ય કહેવાતા લોકો અને તેમનો દેશ કાળા લોકોની હત્યાઓ કરી રહ્યો છે અને આતંકનો જવાબ આતંકથી આપવામાં આવી રહ્યો છે. પરિણામ એ છે કે માનવ અધિકારોનો ધ્વજવાહક અને શાંતિ-સલામતીના ઇચ્છુક અમેરિકાનું રાજ્ય ડલાસમાંં માત્ર ૩૨ કલાકની અશાંતિમાં ૭ વ્યક્તિઓ હત્યાની ભોગ બની ગઈ. અત્યારે આ હુમલાથી અમેરિકનો દુઃખદ છે અને આ મુશ્કેલ ક્ષણોમાં તેઓ કહે છે કે અમોને અમેરિકન પ્રજાની હિમાયત જોઈએ છે. આ સમગ્ર બનાવ ત્યારે બન્યો જ્યારે બે કાળા વ્યક્તિઓને પોલીસ દ્વારા મારી નાંખવામાં આવ્યા. તે પછી અમેરિકાના રાજ્ય મેટસ્યુટામાં કાળા વ્યક્તિ ફીલીન્ડો કાસ્ટને ગાડીમાંથી ડ્રાઇવીંગ લાયસન્સ કાઢતી વેળા પોલીસે ગોળી મારી દીધી અને બીજા જ દિવસે એલ્ટન સ્ટર્લીંગ નામક વધુ એક કાળાને લોસ્યાના રાજ્યમાં મારી નાંખવામાં આવ્યો. ત્યાં જ અશ્વેત અમેરિકન પ્રમુખ બરાક ઓબામાએ અશ્વેત અમેરિકન નાગરિકો વિરુદ્ધ પોલીસના આતંકની ટીકા કરી અને કહ્યું કે પોલીસના હાથે જ આતંક એક ‘સંગીન સમસ્યા’ છે. અશ્વેત ઓબામાના મુજબ સંસ્થાઓ અને પ્રજા દરમ્યાન વિશ્વાસની કમી છે. જેના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓ રોકાવાનું નામ નથી લેતી. તેઓ ઇચ્છે છે કે કાયદો લાગુ કરનારી સંસ્થાઓ પોતાના પૂર્વગ્રહ પ્રેરિત વ્યક્તિઓને બરતરફ કરી દે. આ બનાવો તકલીફદાયક અને અફસોસજનક છે. અને અમને પણ માનવો દરમ્યાન રંગ અને વંશના આધારે સારા અને નરસાનો ભેદ ઊભો કરવા બાબતે અફસોસ છે. સાથે જ માર્યા ગયેલાઓ અને ઘાયલોથી હમદર્દી પણ છે. આ બધું છતાં આ એક બનાવ તે તમામ વ્યક્તિઓ અને જૂથોને ચિંતન-મનન કરવાનો મૌકો આપે છે, જે અમેરિકા અને ત્યાંની વર્તમાન લોકશાહીના ગુણ ગાતા થાકતા નથી. એ વાત ઠીક છે કે જે રીતે આપણા દેશમાં આતંક જોવા મળે છે અને જે પ્રકારના બિભત્સ અપરાધો અને અપકૃત્યો થઈ રહ્યા છે અને લોકોની આસ્થા સન્માન સાથે ચેડાં થઈ રહ્યા છે અને જે રીતે ખુલ્લેઆમ માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે તેના સામે ત્યાં ખુલ્લેઆમ આ બધું નથી થતું તેમ છતાં એ વાત ચોક્કસ છે કે પરિસ્થિતિ ન તો ત્યાંની સારી છે ન અહીંની – કેમકે એક દૃષ્ટિબિંદુ. માનવોનો માનવો જ વિરુદ્ધ જુલ્મ અને અત્યાચાર – શોષણ અહીં પણ છે અને ત્યાં પણ છે. અહીં તેનું મૂળ મનુવાદી વિચારસરણીમાં છે. જેમાં એક બ્રહ્મણ છે તો બીજો શુદ્ર છે તે રીતે ત્યાં રંગ અને વંશના આધારે સન્માન અને હીણપતના માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. એ અલગ વાત છે કે બંને જગ્યાઓએ ઇસ્લામી શિક્ષણની રોશનીમાં અચુક માનવ અધિકારો પણ નક્કી કરવામાં આવ્યા છે તેમ છતાં અમલી રીતે જે દેખાય છે તે એ જાહેર કરે છે કે તેમની પ્રકૃતિમાં જુલ્મ અને લોકોને દબાવીને રાખવાનું ગુંથાઈ ગયું છે. પરિણામે બંને જગ્યાઓ ઉપર માનવોનું એક જૂથ બીજા જૂથ ઉપર અત્યાચાર કરવામાં સક્રીય છે.

વાસ્તવિક્તા એ છે કે આપણા પ્રિય દેશમાં ઇસ્લામના આગમન પહેલાં દરેક પ્રકારના અત્યાચારો થઈ જ રહ્યા હતા. જે તે સમયના શાસકો પોતાની પ્રજા ઉપર દરેક જાતનો સિતમ આચરી રહ્યા હતા. પ્રચલિત વાત એ હતી કે દેશનો રાજા ઇશ્વરનો અવતાર છે જેથી ઇશ્વરનો આદેશ અને શાસકનો આદેશ સમાન કક્ષાનો ગણવામાં આવતો હતો. હિન્દુસ્તાનના ઇતિહાસમાં સૌથી મોટું અને સૌથી પ્રથમ રાજ્ય મોર્ય વંશનું હતું. જેનો સ્થાપક ચંદ્રગુપ્ત મોર્ય હતો. મોર્ય બ્રાહ્મણોના વર્ચસ્વને માનતા નહોતા. તેઓ હિન્દુ ધર્મની પ્રચલિત સામાજીક-ધાર્મિક અને રાજકીય માન્યતાઓનો વિરોધ કરતા હતા. અને જાતીવાદના વિરોધી હતા. તેમ છતાં મોર્ય સત્તા તે સમયની અન્ય હિન્દુ સત્તાઓની જેમ વ્યક્તિલક્ષી અને વંશ પરંપારીક હતી. રાજા દેવતાનો પ્રતિનિધિ અને તેની શક્તિઓનું નિશાની ગણાતો. તમામ ન્યાયિક, વ્યવસ્થાકીય અને સૈન્ય અધિકારો માત્ર તેને જ પ્રાપ્ત હતા. ત્યાં જ હિન્દુસ્તાનમાં ઇસ્લામથી અગાઉ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પણ હતા તેમજ આ યુગમાં ખૂબજ ઓછા પ્રમાણમાં બ્રાહ્મણવાદી ધર્મ પણ જોવા મળતો હતો. પરંતુ એટલી વાત ચોક્કસ પ્રમાણિત છે કે તે સમયે આર્ય ધર્મનું કોઈ ખાસ મહત્ત્વ ન હતું. બલ્કે બૌદ્ધ પોતાનું દાન વહેંચણી વખતે બીજા જરૂરતમંદોને જેમ લાઈનમાં ઊભા રાખતા હતા ત્યાં જ બ્રહ્મણોની પણ લાઈન લગાવવામાં આવતી હતી. (ભારતીય ઇતિહાસનો ટૂંકસાર ૧૧૭-૧૧૮. લે. હંટર) તેમ છતાં બ્રાહ્મણ બૌદ્ધ ધર્મને નાબૂદ કરીને આર્ય ધર્મની સ્થાપના કરવા માંગતા હતા. ઇસ્લામી ઇતિહાસકાર અકબરશાહ ખાનના હવાલાથી ચીનના પ્રસિદ્ધ પ્રચારક ‘હ્યુંગ વ્યાંગ’એ હિન્દુસ્તાનના પ્રવાસમાં પંદર વર્ષ (ઇ.સ. ૬૩૦ થી ૬૪૫) ગાળ્યા અને આ સમયગાળામાં હિન્દુસ્તાનનું ભ્રમણ કર્યું. તેઓ દરેક જગ્યાઅ પોતાના માનનારાઓ નો ઉલ્લેખ કરે છે પ્રવાસ દરમિયાન અનેક જગ્યાએ ડાકુઓના પંજામાં ફસાઈજવાનો ઉલ્લેખ પણ કરે છે. અને હંમેશા આ લૂંટારાઓને કાફીર અને દીન વગરના કહીને બોલાવે છે. જ્યારે કે તેઓ બ્રહ્મણ ધર્મના અનુયાયીઓ હતા અને બૌદ્ધ ધર્મના વિરોધીઓ હતા. ગૌતમબુદ્ધ અને સમ્રાટ અશાક પછી તે વખતનો સમાજ મૂર્તિપૂજા અને ખોટી આસ્થાઓ વાળઓ અને ઉગ્રપંથી બની ગયો હતો. જાદુનો ખૂબજ પ્રભાવ હતો અદૃશ્યની વાતો અને શુકન-અપશુકનની અસરો બતાવનારા જ્યોતિષોની બોલબાલા હતી. પોતાના જ કુટુંબની સ્ત્રીઓ સાથે લગ્ન સંબંધો સામાન્ય વાત હતી. જેમકે રાજા દાહીરે પોતે ધર્મ પંડિતોની સલાહ અનુસાર પોતાની સગી બહેન સાથે લગ્ન કર્યું હતું. લૂંટફાટ ઘણા લોકોનો રીતસર ધંધો જ બની ગયો હતો. સૃષ્ટિના સર્જનહારની કલ્પના ખોવાઈ ગઈ હતી અને નાના મોટા પથ્થરોની મૂર્તિઓ ઉપાસના કેન્દ્રો બની ગયા હતા. આ યુગનો ઉલ્લેખ કરતાં પ્રસિદ્ધ ઇસ્લામી વિદ્વાન મૌલાના અબુલહસન અલીમીયાં નદવી “મનુશાસ્ત્ર”ના હવાલાથી લખે છે કે તે વખતે સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં નીત નવા દેવતાઓ ત્યાં સુધી કે લીંગ સુદ્ધાંની પૂજાને ખૂબજ મહત્ત્વ પ્રાપ્ત હતું. (અને આજે પણ આ પૂજા હિન્દુઓમાં પ્રચલિત છે.) જાતીભેદ ઉગ્રચરણમાં હતો ત્યાં સુધી કે એક જાતી ‘શુદ્ર’ નામક જેના સંબંધે મનુશાસ્ત્રમાં છે “જો કોઈ શુદ્ર કોઈ બ્રાહ્મણને હાથ લગાવે અથવા ગાળ દે તો તેની જીભ તાળવામાંથી ખેંચી નાંખવામાં આવે, અથવા તેનોે દાવો એ હોય કે તે કોઈ બ્રહ્મણને શિક્ષણ આપી શકે છે તો ઉકળતુ તેલ તેને પાવામાં આવે, કૂતરો, બિલાડી; ગરોળી, દેડકો, કાગડો અને ‘શુદ્ર’ ને મારવાનો દંડ એક સરખો છે. એટલે કે કોઈ બ્રાહ્મણ વ્યક્તિ બીજી જાતવાળાની હત્યા કરી નાંખે તો તેની સજા માત્ર એટલી જ કે તેના માથે મંડન કરી દેવામાં આવે અને તેના સામે બીજી જાતીવાળો બ્રહ્મણ સામે ઉગ્રતાથી બોલે તો પણ તેનો મૃત્યુઘંટ વાગી જાય. આ તે સમયની પરિસ્થિતિ હતી જે કદાચ આપણા પ્રિય દેશનો ભૂતકાળ હતો પરંતુ આધુનિક યુગમાં પણ પછાત અને કમજોર વર્ગો અને દલિતોના સાથે તેમજ દેશની લઘુમતિઓના સંબંધે જે દૃષ્ટિબિંદુ અને વિચારસરણી જોવા મળે છે તે પણ કંઇ સારી અને સ્વચ્છ તો નથી જ. આ સંદર્ભે જે બનાવો સામે આવી રહ્યા છે તે અત્યંત ચિંતાજનક છે.

બીજી બાજુ સત્ય એ છે કે આધુનિક અમેરિકા હોય કે આધુનિક ભારત બંને દેશો વિશ્વની સૌથી મોટી લોકશાહી કહેવાય છે. આ સંદર્ભમાં આ દેશમાં જે બનાવો બની રહ્યા છે અને જેનાથી અહીંના લોકો સંઘર્ષમય છે, તે દેશના રાજકર્તાઓ એ વાત કેવી રીતે સાબિત કરી શકશે કે લોકશાહી ખરેખર અમુક ખાસ વિચારસરણી ધરાવતા જૂથોની ઘરની દાસી કે નોકરાણી નથી બની ગઈ?! જે નિર્લજ્જ બનાવો બની રહ્યા છે તેના પ્રકાશમાં શું એ વાત કહી શકાય તેમ છે કે લોકશાહી પોતાની અસલ હૈસિયત સાથે, ન્યાય અને સમાનતાના તકાદાઓને પુરા કરવા અને યથાવત જાળવી રાખવા સાથે લોકોના માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે?? અને જો એમ માની લેવામાં આવે કે આજે લોકશાહી જેનો ઢંઢેરો પીટવામાં આવે છે – તે સામ્રાજ્યવાદ, મૂડીવાદ અને આપખુદશાહીમાં પરિવર્તિત થઈ ચૂકી છે તો પછી પ્રજા પાસે વિકલ્પ શું છે? ખાસ કરીને એવા સંજોગોમાં જ્યારે કે ઇસ્લામ, ઇસ્લામી શિક્ષણ અને ઇસ્લામના ઉદ્ઘોષકો ઉપર પ્રતિબંધોની જાળ ફેલાવી દેવાની વાતો થઈ રહી હોય!

આજના વિશ્વની કહેવાતી લોકશાહીના જે હાલ હવાલ થઈ ગયા છે અને થઈ રહ્યા છે જ્યાં પ્રજાના અવાજ કે સમસ્યાનું મૂલ્ય જ બાકી રહ્યું નથી અને તદ્દન સાચી લોકશાહી જે ઇશ્વરીય દેન છે અને ઇસ્લામ જેને સમગ્ર વિશ્વ માનવો સામે મૂકીને પ્રસ્થાપિત કરવા સમજાવી રહ્યું છે, તેને પણ જો નિર્જીવ બનાવી દેવાના પ્રયત્નો થતા રહેશે તો પછી માનવ સમૂદાય પાસે સિવાય આપખૂદ તંત્રના શું બાકી રહી જશે. આ આજનો સૌથી અમૂલ્ય યક્ષ પ્રશ્ન છે…*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments