Thursday, October 10, 2024
Homeઓપન સ્પેસશ્રી રામચંદ્ર ગુહા! હવે તમારે બિંદી, મંગલસૂત્ર અને સિંદૂર વિશે પણ લખવું...

શ્રી રામચંદ્ર ગુહા! હવે તમારે બિંદી, મંગલસૂત્ર અને સિંદૂર વિશે પણ લખવું જોઈએ

તમે ક્યારે જોયું છે કે કાપડનો કોઈ ટુકડો કોઈ મનુષ્યને મારી શકે, તેના આંતરડા ખેચી શકે કે ખોપડી ફાડી નાખે? આવો હું તમને મળાવું શ્રી રામચંદ્ર ગુહા સાથે જે માને છે કે બુરખો આવું કરી શકે છે, ત્રિશુલની જેમ જ.

“જો બુરખો એ કોઈ શસ્ત્ર નથી, પરંતુ સાંકેતિક રૃપે તે ત્રિશુલ સમાન છે. તે શ્રદ્ધાનું પ્રાચિનતમ પ્રત્યાઘાતી સ્વરૃપ છે. તેના જાહેરમાં પ્રદર્શનો વિરોધ એ અસહિષ્ણુતાની નિશાની નથી, પરંતુ ઉદારમતવાદ અને સ્વતંત્રતાની તરફેણ છે.” હર્ષમંદરના ભારતીય રાજનીતિમાંથી મુસ્લિમોની ઉત્તરોત્તર લુપ્તતા ઉપરના લેખનો જવાબ આપતાં લેખમાં ગુહાએ ઉપરોક્ત વિધાન કર્યું.

ત્યાર પછી તેમની ટ્વીટમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે,”ઘરમાં કે કુટુંબીજનો વચ્ચે બુરખો પહેરવાથી મને કોઈ વાંધો મુસ્લિમ સ્ત્રીઓથી નથી, પરંતુ રાજકીય રેલીઓમાં તેમનું બુરખો પહેરીને નીકળું એ સમસ્યારૃપ છે. બુરખો પણ પાઘડી કે વિભૂતિની જેમ જ સ્વીકાર્ય છે, આ કોઈ જમણેરી કે ડાબેરી વલણ બનાવવાનો ઉદ્દેશ્ય નથી, પરંતુ ટીકાત્મક રંગ છે.”

બુરખો ઘરની બહાર પહેરવા માટેનું જ વસ્ત્ર છે, ના કે ઘરે. લાગે છે શ્રી ગુહા વાસ્તવિકતાથી અજાણ છે. તે ક્યારેય કોઈ હિજાબી સ્ત્રીને મળ્યા નથી. કદાચ અને ફકત દૂરથી બુરખો જોઈને તેમને કંપારી છુટે છે. જો તેઓ મળ્યા હોત તો સંવાદ કર્યો હોત. તો જાણતા કે હિજાબી મુસ્લિમ સ્ત્રીઓ પણ આત્મવિશ્વાસથી ભરપૂર બુદ્ધિજીવી તેમજ વિનોદી હોય છે. પરંતુ તેમનું બુરખાને ત્રિશુલ સાથે સરખાવવું જ એ દર્શાવે છે કે તેઓ બુરખાથી ડરે છે.

તેમના બિનજરૂરી અને બિનસ્થાપિત ભયના કારણો તેમણે સમજાવવા જોઈએ. ઉદારમતવાદીઓનો મુસ્લિમો તરફનો પૂર્વગ્રહ સર્વસામાન્ય છે. મુસ્લિમ સ્ત્રીઓ શરીર પરના બુરખાથી તેઓ ભ્રમિત છે. મારો બુરખો ન તો કોઈને મારી શકે છે કે ન નુકસાન પહોંચાડી શકે છે તે માત્ર એક પહેરવેશથી વધુ કંઈ જ નથી છતાં તેઓ કેમ આ બુરખા ગ્રહિત સ્ત્રીઓથી આટલા ડરેલા છે? શું તેઓ આટલી મોટી સંખ્યામાં એકત્રિત મુસ્લિમ સ્ત્રીઓની શક્તિ ભાંપી ગયા છે?

હું તમને તેમના પૂર્વગ્રહના એક-બે ઉદાહરણ આપવા માગુ છું. એક પ્રસિદ્ધ વિશ્વ વિદ્યાલયમાં બુરખો મારા માટે જાણે અવરોધ બની ગયો હતો જ્યાં હું લગભગ બધી જ શૈક્ષણિક સ્પર્ધાઓમાં વિજયી બની હતી, ત્યાં ત્યાંની જજ આશ્ચર્ય અને નફરત સાથે બોલી ઊઠી. “તમે કઈ રીતે આ સ્પર્ધા જીતી શકો?” જાણે મને લોકોએ બુરખા પાછળની શોષિત સ્ત્રીથી વધુ કંઈ જ સમજી ન હતી. એક અન્ય કોન્ફરન્સમાં જ્યારે હું ડિબેટમાં ભાગ લેવા સ્ટેજ પર પહોંચી ત્યારે એક વયોવૃદ્ધ જજ ગુસ્સા અને નફરત સાથે કહેવા લાગ્યા, “મને બુરખાથી ઘણી જ નફરત છે, મારા માટે સૌથી વધુ નિંદનીય સ્ત્રીને બુરખામાં કેદ કરવી છે.” પાછળથી તેમણે કબુલ્યું કે મને એક ‘હિજાબી’ સ્ત્રી પાસેથી આ પ્રકારની ડિબેટની આશા ન હતી. મારો પાર્ટનર જે ડાબેરી વિચારધારાથી પ્રેરિત હતો તેણે કહ્યું કે મને તમારા આ પહેરવેશથી જરાપણ મુશ્કેલી નથી. હું મનમાં હસવા લાગી જો તમને તકલીફ નથી તો કહેવાની પણ ક્યાં જરૃર છે?બુરખા તરફનો પૂર્વગ્રહ સમાજના દરેક જનમાનસમાં ઘર કરાવવાના પ્રયત્નો કરવામાં આવે છે. લોકોની બુરખા પ્રત્યેની બેચેની મને અગવડતા જાણે હવે સ્પર્શ થવા લાગી છે. છેલ્લા ૧૨ વર્ષથી જ્યારથી હું બુરખો પહેરવાનું શરૃ કર્યું છે આ મુદ્દાઓને હવે સ્વીકારી લીધા છે.

જો શ્રી ગુહાનો વાંધો ‘Identity Politics’ પર હોય તો તેમણે તેમનો આગામી લેખ બિંદી, શિંદુર, મંગલસૂત્ર કે કપાળ પરના ટીકા વગેરે પર લખવો જોઈએ. શું આ બધું કોઈ એક વર્ગની ધાર્મિકતાનો ભાગ નથી? તો પછી મારા બુરખા પહેરવા પર શા માટે વાંધો? શું તે મારી ધાર્મિકતાનો ભાગ ન હોઈ શકે?  જેમ બિંદી અને શિંદુર એ એક હિંદુ યુવતિની રોજબરોજના જીવનનો ભાગ છે, તેમ હિજાબ એ મારો અનભિગ્ન ભાગ છે. જો શિંદુર કે મંગલસૂત્રનું જાહેરમાં પ્રદર્શન એ કોઈ ગુનો કે અજુગતુ નથી તો શા માટે મારો પહેરવેશ એ જાહેર જીવનમાં લોકો માટે  સમસ્યા હોઈ શકે અને તેને ત્રિશૂલ સાથે સરખાવવું કેટલું વ્યાજબી છે? ગુહાએ મહાત્મા ગાંધીના ૧૯૨૦ના વિધાનને ટાંકતા લખ્યું, બુરખો એ આપણી નબળાઈ, દ્વિધા, સંકુચિતતા અને લાચારીનું પ્રદર્શન છે. ચાલો આપણે ‘પરદા’ને એક સશક્તિ પ્રયત્ન વડે દૂર કરીએ જો કે આપણે ગાંધીને તેમના કાર્યો  અને પ્રયત્નો માટે મહાત્મા તરીકે સ્વીકારીએ છીએ. પરંતુ આપણે શું પહેરવું કે કેવી રીતે જીવવું તે બધું જ તેમની પાસેથી શીખવું જરૂરી નથી. જાણે તે દિવસોમાં ‘પરદા’ની આડમાં સ્ત્રીઓની સ્વતંત્રતા પર અને સ્વતંત્ર રહેણીકરણી પર અંકુશ હતો. જ્યારે આજે બુરખા સાથે સ્ત્રી પોતાની સ્વતંત્રતાને પણ જીવી રહી છે અને બુરખા સાથે જ રાજકીય રેલીઓમાં ભાગ લઈ રહી છે. શું ગાંધીજી તેને પણ રોકતા? આજે વાસ્તવિકતા એ છે કે બુરખો સ્ત્રી પર કોઈ અંકુશ નથી, તે તેણીને શિક્ષણ મેળવવા, ડીગ્રી હાંસલ કરવા કે નોકરી કરવા પર પ્રતિબંધ નથી. એથી ઊલટું, બુરખા સાથે સ્ત્રી જાહેર જીવનમાં બધા જ કાર્યો સલામતી અને સહજતા સાથે કરી શકે છે.

ઉદારમતવાદ કે જે એમ માને છે કે બુરખો એ કોઈની સ્વતંત્ર પસંદગી ન હોઈ શકે તે વૈચારિક અસહિષ્ણુંતા જ છે. મારો વાંધો શ્રી ગુહાની બુરખા વિરુદ્ધની ટિપ્પણી પર છે. તેમાં તેમનો ભય છતાં થાય છે ઉચ્ચજાતિના વર્ગનો પછાત વર્ગ અન્યાય સામે અવાજ ઉઠાવવા સંગઠિત થવા અને તેના દ્વારા સશક્ત બનવા સામેનો ભય. બુરખા તરફ આ પ્રકારનો સામુહિક ભય ઊભો કરવો એ તેમના કાલ્પનિક તુક્કાથી વધુ કંઈ નથી અને સવર્ણ ગ્રંથિને ઉજાગર કરે છે. એ સાદા કપડાના ટુકડાને ભયંકર ત્રિશૂલ સાથે સરખાવવું એ તેમનો પૂર્વગ્રહ છે. તેમણે ખરેખર અમને સલાહ આપવાની જગ્યાએ તે લોકોને સમજાવવા જોઈએ જે એક ચોક્કસ વર્ગને તેમની ખાણી-પીણી તેમજ રહેણી-કરણીને મુદ્દો બનાવીને ક્રૂરતાનો ભોગ બનાવે છે.

છેલ્લે હું આ ઇતિહાસકાર અને તેમના જેવા અન્ય બુદ્ધિજીવીઓને મહત્ત્વનો પ્રશ્ન પૂછવા માગુ છું કે શું અમે બુરખો છોડી દઈશું તો મુસ્લિમો પ્રત્યેનો ભેદભાવ બંધ થઈ જશે? શું કોમવાદી તત્ત્વો દ્વારા તોફાનો દરમ્યાન મુસ્લિમ સ્ત્રીઓ ઉપર બળાત્કાર બંધ થઈ જશે? શું સરકાર મુસ્લિમ સ્ત્રીઓને શિક્ષણ અને નોકરીમાં આરક્ષણ આપશે? વાસ્તવિકતા એ છે કે અમે અમારા આ પહેરવેશને જે અમારી ઓળખ પણ છે, અમારી પસંદગીથી ગ્રહણ કરીએ છીએ અને એટલે જ તેને છોડવાના નથી.

હવે સમય થઈ ગયો છે કે તમે આ સર્વ ઉદારમતવાદીઓ પાસેથી તમારા ‘Narrative’ (વર્ણન) પાછા લઈ લો, અને આપણી પવિત્ર માન્યતાઓની વ્યાખ્યા તેમને કરવા ન દઈએ. ‘બુરખો’ એક એવો મુદ્દો છે જ્યાં જમણેરી અને ડાબેરી બંને વિચારધારાના સમર્થકો તેની પર હુમલો કરવા એક થઈ જાય છે. અમારી માન્યતાઓ અને આચરણો ઉપર ચર્ચા કરવા અમે તૈયાર છીએ પરંતુ ઉદારમતવાદીઓની વ્યાખ્યાઓ અને વ્યાખ્યાનો અમને હવે સ્વીકાર્ય નથી. “સબકો સંમતિ દે ભગવાન”  (અનુ. ડૉ. નૌશીન મલિક)

(ડૉ. અસમા અંજૂમ મહારાષ્ટ્રના છે અને તે અંગ્રેજી ભાષા ભણાવે છે સાથે એક પ્રેરક વકતા પણ છે. તે એક એનજીઓ FEEL (ફાઉન્ડેશન ફોર ઇંગ્લિશ ઍન્ડ એથિકલ લર્નિંગ) પણ ચલાવે છે. તેમને @AsmaAnjumKhan દ્વારા Twitter પર સંપર્ક કરી શકાય છે.)

(Disclaimer : લેખકના વિચારોથી સંગઠન અથવા સંપાદકમંડળનું સહમત હોવું જરૂરી નથી.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments