Sunday, September 8, 2024
Homeઓપન સ્પેસસંકલ્પ શક્તિ

સંકલ્પ શક્તિ

નવા વર્ષની પુર્વસંધ્યાએ વિશ્વના ઘણાબધા લોકો રીજોલ્યુશન (સંકલ્પ) કરે છે જેમાંથી મોટાભાગના ડાયટીંગ કરવાના, કસરત કરવાના, જીમમાં જઇ બોડી બનાવવાના, ડાયરી લખવાના, આટલી સંખ્યામાં દર મહિને પુસ્તકો વાંચવાના, આટલી બચત કરવાના… વિગેરે વિગેરે હોય છે. પ્રથમ એક બે અઠવાડીયા સુધી તો આ સંકલ્પો પ્રમાણે બધું બરાબર ચાલે છે.પરંતુ ત્રીજા કે ચોથા અઠવાડીયા થી રાબેતા મુજબ થઇ જાય છે. અર્થાત આ સંકલ્પોનું ફીંડલું વળી જાય છે. વહેલા ઉઠાતું નથી,કસરત કરાતી નથી, અને જીમ જઇને પરસેવો પાડવો એ તો નરી મુર્ખામી લાગે છે, ડાયરી દસ પંદર દિવસ બરાબર લખાય છે. પછી આખી ડાયરી કોરી જ રહી જાય છે… અને પુસ્તકો મહિનામાં જેટલા વાંચવાનો સંકલ્પ કર્યો હોય છે એ તો આખા વર્ષ દરમિયાન પણ વંચાતા નથી. અને બચત… એ તો ક્યારેય થતી જ નથી. શા માટે આવું થાય છે? એનો સીધો સાદો જવાબ એ જ હોઇ શકે સંકલ્પ શક્તિનો અભાવ. અંગ્રેજીમાં Will Power કહેવાય છે એ સંકલ્પ શક્તિ ખરેખર તો મનોવિજ્ઞાાનનો વિષય છે પરંતુ જીવનમાં સફળતા માટે એની ભુમિકા અતિમહત્વની છે. તેથી એના વિશે જાણવું જોઇએ.

આની વ્યાખ્યાઓ ઘણીબધી અપાય છે.પરંતુ સૌથી સીધીસાદી વ્યાખ્યા આ છે કે ’’(Will Is) The Power Of Self Direction’’ અર્થાત “સંકલ્પ શક્તિ એટલે સ્વંયને કોઇ પણ કાર્ય માટે વાળવાની શક્તિ”. કોઇ પણ કાર્ય કે બાબત માટે મનને અને શરીરને એના પ્રત્યે વળાવવું કે કાર્યાન્વિત કરવું. જે લોકો આવું કરી શકે છે તેઓ ન જ માત્ર સમયનો સદઉપયોગ કરે છે બલ્કે સ્ત્રોતોનો પણ યોગ્ય ઉપયોગ કરે છે. અને ઝડપથી કાર્ય પુર્ણ કરી સફળતા મેળવે છે.

થોડા સમય અગાઉ અમેરીકન સાયકોલોજીસ્ટ એસોસિએશને એક સર્વેક્ષણ હાથ ધર્યું હતું. એમાં બીજી ઘણી બોબતોની સાથે આ બાબત પણ પૂછવામાં આવી હતી કે તમારી કુટેવોને છોડીને તંદુરસ્ત જીવનપધ્ધતિ માટે તમે કેેવા પરિવર્તન કરશો. એ આખા સર્વેનો નિચોડ હતો… લોકો એવું માનતા હતા કે એમનામાં સંકલ્પ શક્તિનો અભાવ છે જેથી તેઓ જીવનમાં કોઇ પરિવર્તન કરી શક્યા ન હતા કે કરી શક્ય ન હોતા? તો ઘણા લોકોએ અધુરી સંકલ્પ શક્તિને પોતાની પસંદગીના જીવન માટે આડશ ગણાવી હતી. જો કે માટા ભાગના લોકો માને છે કે સંકલ્પશક્તિ કેળવી શકાય છે. એ નવા સર્વેક્ષણમાં પણ એ વાત સામે આવી છે કે પ્રેક્ટિસથી સંકલ્પશક્તિ વધારી શકાય છે.

પરંતુ એ વાત પણ યાદ રાખવી જોઇએ કે સંકલ્પશક્તિ પોતાની મેળેે જ વિક્સિત થતી નથી. સંકલ્પ શક્તિના અભાવે તમે તમારા જીવનના લક્ષ્યાંકો સુધી ન પહોંચી શકો એ પણ બની શકે છે. સંકલ્પ શક્તિ વિશે સંશોધન કરનાર ફ્લોરીડા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર રોય બોમીસ્ટરના મત મુજબ જીવનના લક્ષ્યાંક પ્રપ્ત કરવા માટે ત્રણ બાબતો આવશ્યક છે. પ્રથમ જીવનમાં હકારાત્મક પરીવર્તન માટેના પ્રેરણા સ્ત્રોતની શોધ અને સ્પષ્ટ ધ્યેય નક્કી કરવું. બીજું લક્ષ પ્રાપ્તિ માટેના સાધનો અને માધ્યમો શોધી કાઢો તો તમારો ‘વિલ પાવર’ તમને ત્યાં પહોંચાડવામં મદદ કરશે. લાંબાગાળાના લક્ષ્યાંકોની પૂર્તિ માટે સંકલ્પશક્તિ તમારા નાના નાના પ્રલોભનોને રોકવાનું માધ્યમ બની શકે છે.

સંકલ્પશક્તિ અને પોતાની જાત ઉપરનો કાબુ કે સ્વંય -શિસ્ત લગભગ એક-બીજાના પૂરક છે એમ કહેવામાં કોઇ અતિશ્યોક્તિ નથી. પેનીસ્લીવીયા યુનિ.ના સંશોધકોએ એક રસપ્રદ સર્વેક્ષણ હાથ ધર્યું હતું એમાં વિદ્યાર્થિએ વર્ષ દરમ્યાન પોતાની જાત ઉપર કેવી રીતે કાબુ રાખી શકે છે એ નોંધવામાં આવ્યું. એનું તારણ એ નિકળ્યું કે જે વિદ્યાર્થિઓ સ્વંય-શિસ્ત પાળતા હતા તેમને ગ્રડે ઊંચા મળતા હતા અને પરિક્ષામાં વધારે ગુણ મેળવતા હતા, ઉપરાંત શાળાની સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં વધુ હિસ્સો લેતા હતા. સૌથી મહત્વની વાત આ સામે આવી કે શૈક્ષણિક સફળતા માટે બુદ્ધિઆંંક (IQ) કરતાં સ્વંય-શિસ્ત વધારે મહત્વની હોય છે.

માધ્યમિક કે ઉચ્ચમાધ્યમિકમાં જે બાબત લાગુ પડે છે એ કોલેજ કાળમાં અને ઉચ્ચ અભ્યાસ દરમિયાન જોવા મળે છે કે નહીં એની ખાતરી કરવા ડયુક યુનિ. ના ટેરી મોફીટ અને સાથીદારોએ ન્યુઝીલેંડમાં સર્વેક્ષણ કર્યું તો જણાયું કે જે વિદ્યાર્થિઓ બાળપણમાં શિસ્તબધ્ધ રીતે ભણતા હતા, પુખ્ત વયમાં પણ તેઓ શારીરીક અને માનસિક રીતે તંદુરસ્ત હતા, ગુનાખોરીનું પ્રમાણ ઓછું હતું, બચત કરવાની વૃત્તિ ધરાવતા હતા અને પોતાને આર્થિક રીતે સુરક્ષિત મહેસુસ કરતા હતા.

દૃઢ સંકલ્પશક્તિ હોય તો આપણે ઓછા લાલચુ અને ન હોય તો વધારે પ્રલોભની બનીએ છીએ. આ વાત મિઠાઇના પ્રયોગ ઉપરથી સાબિત થઇ ચુકી છે. આ પ્રયોગમાં રૃમમાં એકલા બાળકને એક મિઠાઇનો ટુકડો આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી સંશોધક આવે નહીં. ત્યાં સુધી ખાવું નહીં. જો ખાઇ લેશે તો આવ્યા પછી બીજો ટુકડો મળશે નહી. મોટા ભાગના બાળકો ટુકડો ખાઇ ગયા હતા.બહુ ઓછા બાળકો ધીરજ રાખી મન મનાવી સંશોધકની પ્રતિક્ષા કરી શક્યા હતા. જો કે એમની પ્રતિક્ષાનું એમને મીઠું ફળ મળ્યુ જ હતું. કુલ એમને બે મિઠાઇના ટુકડા મળ્યા હતા!. ઘણા વર્ષો પછી લગભગ ૪૦ વર્ષની આસપાસની ઉંમરમાં એમની ઉપર આ જ પ્રયોગ કરવામાં આવ્યો તો જણાવ્યુ કે જે બાળકો મન ઉપર કાબુ રાખી શક્તા ન હતા તેઓ મોટા થઇને પણ બેકાબુ જ રહ્યા હતા!. અને જેઓ બાળપણમાં કાબુ રાખી શક્તા હતા તેઓ હજુ પણ કાબુ રાખી શક્તા હતા. એનો અર્થ એ થયો કે પ્રથમ વર્ગના લોકોએ ક્યારેય પોતાની સંકલ્પશક્તિ વધારવાના પ્રયત્નો કર્યા ન હતા. અને બીજા વર્ગના લોકોની સંકલ્પશક્તિ હજી પણ અતુટ જ હતી.

જીવનમાં સફળતા માટે સંકલ્પ શક્તિનો ફાળો નાનો સુનો નથી. એ ઘણા ક્ષેત્રોમાં અનુભવ કરી શકીએ છીએ.જેઓમાં સંકલ્પશક્તિનો અભાવ હોય છે. તેઓ ખાવા પીવાની બાબતમાં પણ પોતાની જીભ ઉપર કાબુ રાખી શક્તા નથી. પરિણામે ઠાંસીઠાંસીને ખાવાને લીધે એમના શરીર ઉપર ચર્બીના થર વધતા જાય છે. કારણ કે કસરત કરવાનું મન પણ એમને થતું નથી. અને આજના યુગમાં બધા જ જાણે છે સ્થુળતાના ક્યા ક્યા ગેરલાભ છે?? બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડિપ્રેશન, પગના અને ગોઠણના દુખાવા, કમરનો દુખાવો જેવી નાની મોટી બીમારીઓનો ભોગ બને છે. આનાથી વિરૃધ્ધ જે લોકો મજબુત સંકલ્પશક્તિ ધરાવે છે તેઓ ખાવા-પીવામાં તો કંટ્રોલ કરી શકે છે, એવા લોકો કસરત કરવામાં કે મહેનત કરવામાંય પાછા પડતા નથી પરિણામે તેઓ જીવનને વધુ સારી રીતે માણી શકે છે.

ખાવા પીવાની જેમ જ વસ્તુઓની ખરીદીની બાબતમાં પણ આવું જ બને છે.નબળી સંકલ્પશક્તિવાળા લોકો વધુ ખરીદી કરે છે, સબળ સંકલ્પ શક્તિવાલા ઓછી. આજના મોટાભાગના બ્રાંડ અન એડવર્ટાઇઝીંગ ગુરૃઓને લોકોની માનસિક્તાની ખબર છે એટલેજ એનો ભરપુર ફાયદો ઉઠાવે છે. વસ્તુઓની જરૃર ના હોય કે કામની વસ્તુ ન હોય તો પણ ઘણા લોકો એના પ્રલોભનથી મુક્ત થઇ શક્તા નથી. અને ખરીદી લે છે.પછી એ જ વસ્તુ માળીયા ઉપર પડી રહે છે અને આખરે ભંગારવાળાના ભાગ્યમાં એ લખાયેલી હોય છે.

આધુનિક યુગમાં હવે પ્લાસ્ટિક કરન્સી અર્થાત ડેબિટ તથા ક્રેડિટ કાર્ડની પણ ઘણા લોકો ન ખરીદવાનુંય ખરીદે છે. નાનકડા ડિસ્કાઉંટની લાલચમાં ચુકવણી અને વ્યાજના મોટા ચક્કરમાં પડે છે. વાત સંયમની છે. સંયમ એટલે જ સંકલ્પશક્તિ.સંયમ ખોઇને અનાવશ્યક વસ્તુઓની ખરીદીમાં પછી એવું ન થાય કે આવશ્યક વસ્તુની ખરીદી માટે તમારી પાસે પૈસા જ ન હોય કે બેંક બેલેન્સ જ પુરૃ થઇ જાય!

સંકલ્પશક્તિ માત્ર ખાવી-પીવા પહેરવા, ખરીદવા, બચત કરવા માટે જ આવશ્યક નથી પરંતુ જીવનના મહત્વના કાર્યો માટે, મોટા તો ઠીક નાના કામ માટે પણ ખૂબ આવશ્યક છે. કારણ કે નબળી સંકલ્પશક્તિને લીધે કેટલાક મહત્વના કાર્યો પાછળ ઠેલાતા જાય છે. નાની લાગતી બાબતો પછી વિકરાળ રૃપ ધારણ કરે છે ત્યારે આપણે આમથી તેમ દોડઘામ કરવા લાગીએ છીએ.આગ લાગે ત્યારે કુવો ખોદવા નિકળીએ છીએ.એના કરતાં નિયમિત રૃપે તુચ્છ લાગતા નાના કાર્યો ને પણ પુરા કરવા જોઇએ જેથી મોટા કાર્યો સરળતાથી થઇ શકે. વિક્ટર હ્યુગોએ કહ્યું હતું કે લોકોમાં શક્તિ નથી એવું નથી પરંતુ એમનામાં સંકલ્પનો અભાવ છે.

સંકલ્પશક્તિના આ પુરાણ પછી કોઇને એવો પ્રશ્ન થાય કે તો પછી સંકલ્પશક્તિ વધે એ માટે શું કરવું?? એનો જવાબ પણ મનોવિજ્ઞાાનીઓએે આપ્યો છે.

* સંકલ્પશક્તિ વધારવાની સૌથી સારી રીત આ છે કે જે વસ્તુ કે બાબતની લાલચ થાય એના પ્રત્યે વધારે ધ્યાન આપવું નહીં. દષ્ટિ સમક્ષ હોય તો વધારે લાલચ થાય. ચોકલેટને તમારા ટેબલ ઉપર મુકો એના કરતા ડ્રોવરમાં રાખો તો કદાચ એને ખાવાનું બહુ મન થાય, કારણ કે તમારૃ ધ્યાન તેના તરફ ન પણ જાય.

* જે કામમાં આળશ આવતી હોય એને પહેલા કરો અથવા તો વારંવાર કરો તમે ઓફીસથી ઘરે આવો અને ટી.વી. ચાલુ હોય તો સ્વભાવિક રીતે તમે ટી.વી. જોવા બેસી જશો. તમને નહાવું છે પણ મન નથી કરતું તમે વિચારો છો કે થોડોક થાક ઉતરે પછી જવું આવા સમયે સોફા પર બેસવા કરતા તરત જ નહાવા જતા રહવું જોઇએ. મનને મકક્મ બનાવો સંકલ્પશક્તિ વધશે.

* નાના નાના પ્રલોભનોનો ઉપર કાબુ મેળવવાથી મોટા પ્રલોભનો ઉપર કાબુ મેડવી શકાશે.

* શ્રધ્ધા, અડગ વિશ્વાસ, માન્યતા અને હકારાત્મક અભિગમથી સંકલ્પશક્તિ વધારી શકાય છે.

* દર વર્ષે ઘણાબધા નવા સંકલ્પો કરવા કરતાં એક સમયે માત્ર એક લક્ષ પર ધ્યાન કેન્દ્રીત કરવું વધુ હિતાવહ છે. એક સાથે ઘણબધા લક્ષ્ય પુરા કરવાની લાહય માં પડયા વિના એક પછી એક લક્ષ્ય પૂરા કરતા જાઓ તો સફળતા તમારા કદમ ચુમશે.

* ટેન્શન અને સ્ટ્રેસ (તાણ)ને દૂર કરો

* તમારા લક્ષ્યને પુરૃ કરવા તમારી જાતને પ્રોત્સાહિત કરો.

* પૂરતી ઉંઘ લો, જે લોકો સાડા છ થી આઠ કલાક જેટલી ઉંઘ લે છે તેઓ, વધુ તંદુરસ્ત, વધુ પ્રસન્ન વધુ સુખી અને વધુ કાર્યક્ષમ હોય છે.

* દરરોજ થોડો સમય ધ્યાન ધરો પ્રાર્થના કરો.

* દરરોજ કસરત કરો સારૃ જમવાનું લો.

* મહત્વના કાર્યો પહેલા કરો, ઓછા મહત્વના પછી.

તમારી સફળતા અને વૃદ્ધિ માટે સંકલ્પશક્તિ અને સ્વંય-શિસ્ત આવશ્યક છે એને કેળવો, નહીંતર એવું ન થાય કે અફસોસ રહી જાય કે સફળ થવા માટે અપણે પુરતા પ્રયાસ કર્યા જ નહીં. જો એવું થાય તો એ જીવનની દુઃખદ નિષ્ફળતા ગણાય. અંતે ચીની કહેવત થી પૂર્ણ કરીએ. “મહાન આત્માઓ દૃઢ સંકલ્પ અને નિર્બળ આત્માઓ માત્ર ઈરછાઓ ઘરાવે છે”. આ બે માંથી તમે કયા ગ્રુપ માં છો?

(મો. ૯૬૨૪૦૪૬૬૭૭)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments