Friday, March 29, 2024
Homeઓપન સ્પેસસપના જોવાનું છોડશો નહીં

સપના જોવાનું છોડશો નહીં

આજની દોડધામમાં જીંદગીમાં લોકો સપનાં જોવાનું ભૂલી ગયા હોય એવું લાગે છે. રાત્રે અબોધ મનમાં આવતા સપનાની આ વાત નથી. એ તો દિનભર જે કાર્યો કે વિચારો આપણે કરીએ છીએ એના અનુસંધાનમાં મન પોતે જ કાલ્પનિક વિશ્વમાં લઈ જાય છે. એના ઉપર આપણો કોઈ કાબૂ નથી. અહીં વાત કરવી છે આપણે પોતે ધારેલા સપનાની, જેને આપણે ખુલી આંખોએ જોઈએ છે એને દિવાસ્વપ્ન કહેવામાં આવે છે. આજના તણાવ વધારનારા યુગમાં સપનાઓ પ્રેશર રીલીફ વાલ્વ જેવું કામ કરે છે.

તમારી પાસે જે નથી અને તમે એને મેળવવા માગો છો અથવા તો એ વસ્તુ તમારી પાસે હોય તો કેવું એ વિચાર જ મનને ટાઢા આપે છે. અને શક્ય છે કે આવા વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો એક દિવસ એ વસ્તુ તમારી પાસે હોય પણ. કારણ કે આપણું અબોધ મન શરીરના ચેતાતંત્રને એ સપનંું પૂરૃ કરવા માટે જે કાર્ય કરવાનું છે એની સતત પ્રેરણા આપે છે.તમારી જાણ બહાર જ, તેથી સપના જોતા રહો. સપના જોવાનું છોડશો નહીં. સપના છે તો જીવન છે. જેઓ સપના જુએ છે તેઓ જ સફળ થાય છે. એટલું જ નહીં બીજાને ફાયદો પણ પહોંચાડે છે. એના ઘણા ઉદાહરણો આપણી પાસે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ટેકનોક્રેટ સામપિત્રોડાની મદદથી ભારતમાં સંચાર ક્રાંતિનું સપનું જોયું અને પૂરૃં કર્યું. ધીરૃભાઈ અંબાણીએ સપનું જોયું હતું કે દરેક ભારતીય પાસે મોબાઈલ ફોન હોય. રીલાયન્સે એ સપનું પુરૃં કર્યું અને આજે મુકેશ અંબાણી પોતાના સપનાને જીવી રહ્યા છે. દરેક ભારતીય ઇન્ટરનેટ વાપરતો થઈ જાય એમનું સપનું પુરૃં થઈ રહ્યું છે. રતન ટાટાએ મધ્યમ વર્ગના માણસ પાસે પણ કાર હોય એ સપનું જોયું હતું અને ટાટાનેનોએ એ સપનું પુરૃ કર્યું. બિલગેટ્સનું સપનું હતું કે દુનિયાના દરેક માણસ પાસે કોમ્પ્યુટર હોય. માઈક્રોસોફ્ટે એ સપનું પુરૃં કર્યું.

સપનું એક માણસ જુએ છે પરંતુ એનો લાભ એને પોતાને તો મળે જ છે પરંતુ સમાજ અને દેશને પણ મળે છે. સપના જોવામાં આમ તો ફાયદો જ છે. એમાં નુકસાન શું છે? તો પછી સપના નાના શા માટે જોવા? મોટા જ જોવા જોઈએ. આપણું સપનું સાકાર થશે તો બીજાને પણ લાભ થશે અને નહીં થાય તો બીજાને નુકસાન થવાનું નથી અને એમને ખબર પડવાની પણ નથી. સપનું તમારી નવી દુનિયાના નિર્માણનું પ્રથમ પગલું છે. તમે તમારી નવી દુનિયાનું નિર્માણ કરવા ઇચ્છો છો. એ તમે કેવા સપના જુઓ છો એના ઉપર આધાર રાખે છે.

આ દુનિયામાં જેટલા પણ સુંદર ઇમારતો, શિલ્પો,મૂર્તિઓ, ચિત્રો કે કલાકારીગરીના શ્રેષ્ઠ નમૂના છે એ ક્યારેક તો કોઈના સપનામાં જ હતા. કોઈપણ રચના ધરતી ઉપર અસ્તિત્વમાં આવે છે એ પહેલા એના રચનાકારની કલ્પનામાં હોય છે પછી પેન્સિલ દ્વારા કાગળ ઉપર અને ત્યાંથી ધરતી ઉપર એનું નિર્માણ થાય છે. એટલે સપનાની અવગણના કરશો નહીં. આજની આધુનિક શોધો દ્વારા આપણે જે સુખસગવડો ભોગવી રહ્યાં છીએ એ એમના શોધકોના સપનાને આભારીછે.

સપના જોવાનો અર્થ આ છે કે દિવસમાં ઘણી વખત તમારી પોતાની કલ્પનાઓ અને ઇચ્છાઓ દ્વારા તમારા માનસપટલ પર પિકચર ઉતારવી/ મુવી બનાવવી એવો થાય છે. સપના આડેધડ ન જોવા જોઈએ. નિષ્ણાંતો કહે છે કે તમે શું મેળવવા માગો છો, એના વિશે જ સપના જુઓ. તમે તમારા સપનાના સર્જન છો – સ્થાપતિ છો. તમને જીવનમાં ઘણું બધું મેળવી લેવાની ઇચ્છાઓ હશે પરંતુ સપનામાં કોઈ એક બાબત ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. ઘણી બધી બાબતો એકસાથે વિચારી મનને મુંઝવણમાં મુકશો નહીં. એક નવયુવાનને સફળતા વિશે સોક્રેટીસે સલાહ આપી હતી કે જીવવા માટે જેમ ઓક્સિજનની સખત જરૃર છે એમ સખત ઇચ્છા નહીં રાખો તો સફળતા મળશે નહીં. ‘ઇચ્છાધારી સપનાઓ’ જોશો નહીં તો એ વાસ્તવિકતામાં બદલાશે નહીં. અમેરિકન કવિ કાર્લ સેન્ડબર્ગ તો કહે છે કે સપના વિના કશું જ નિર્માણ પામતું નથી.

માણસે સપના જોવાનું ચાલુ રાખવું જોઈએ. એમ લાગે છે કે હું તો ઘણા વર્ષોથી આ સપનું જોઉં છું પરંતુ પુરૃં થતું નથી. ત્યારે પણ ધીરજ રાખજો. કેમકે સપના જેવું વાસ્તવિક બીજું કશું નથી. તમારી આસપાસનું વિશ્વ બદલાઈ શકે છે. પરંતુ તમારા સપના નહીં. જવાબદારીઓ એને નાબૂદ નથી કરી શકતી. કારણ કે સપનું તમારી અંદર હોય છે એને બીજો કોઈ માણસ છીનવી શકતો નથી. આ મંતવ્ય પ્રસિદ્ધ લેખક ટોમ ક્લેન્સીનું છે.

આપણા મોટાભાગના સપના પૂરા થતા નથી એ પણ એક વાસ્તવિકતા છે. કારણકે આપણે એવા લોકોની વચ્ચે જીવીએ છીએ જેઓ બીજાના સપનાઓને છીનવી લેવા માગે છે અને નષ્ટ કરવામાં લાગેલા હોય છે. સપના જોનારાઓ સ્વપ્નદૃષ્ટાઓને આવા સ્વપ્નનષ્ટાઓ સાથે સંઘર્ષમાં આવવું પડે છે. અનુભવ કરવો હોય તો સપનાઓ વિશે તમારા મિત્રો, સ્વજનો કે અગત માણસોને વાત કરી જોજો. સત્ય સમજાઈ જશે. તમને નિરાશા જ હાથ લાગશે પરંતુ જો તમે તમારા સપનાને વળગી રહેશો તો એક દિવસ એ જરૃર પૂરૃં થશે. એ માટે તમારે તમારી સ્ટ્રેટેજી કે યુક્તિઓ બદલવી પડશે. સ્વ્પનદૃષ્ટાઓ પોતાનું સપનું જીવે છે એટલા માટે નહીં કે તેમની સામે કોઈ પડકારો હોતા નથી, પરંતુ એટલા માટે કે આ પડકારોને પહોંચી વળવા માટેની ઘણી યુક્તિઓ એમની પાસે હોય છે.

સ્વપ્નદૃષ્ટાઓ સફળ થાય છે કારણ કે તેઓ કામ કરે છે. શિસ્તવાળા હોય છે અને કુરબાની આપે છે. જે લોકો નિષ્ફળ જાય છે એમણે મનન કરવું જોઈએ કે ત્રુટી ક્યાં રહી ગઈ. આ વિશ્વમાં સૌથી મુશ્કેલ બાબત હોય છે કોઈપણ કાર્યની શરૃઆત કરવી. પરંતુ જો એકવાર શરૃઆત થઈ જાયતો આગળનો માર્ગ સરળ થઈ જાય છે. મોટાભાગના લોકો મોટી મોટી વાતો કરે છે. મોટા સપના જુએ છે પરંતુ એક નાનકડી શરૃઆત કરતા નથી. નાનકડા કાર્ય થકી જ મોટા કાર્યોની શરૃઆત થાય છે આટલી સાદી વાત તેઓ  સમજતા નથી. પરિણામે એમના સપના પૂરા થતા નથી. લીન ગોલ્ડ બ્લેટે યોગ્ય જ કહ્યું હતું, “સફળતા, સપનાઓ અને સખત પરિશ્રમનું સંમિશ્રણ છે.”

જો તમે સપનાને માત્ર સપના સમજતા હોવ તો જેમ્સ એલનનું સૂત્ર યાદ રાખજો “સપનાઓ વાસ્તવિકતાના બીજમાંથી અંકુરિત થયેલા છોડ છે.”

તેથી સપના જોવાનું છોડશો નહીં, નહિંતર તમે જીંદગી જીવવાનું છોડી દેશો. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments