Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસસમાજ સુધારણા અને આપણી જવાબદારી

સમાજ સુધારણા અને આપણી જવાબદારી

સમાજ વ્યક્તિઓનો સમૂહ છે. બીજા શબ્દોમાં કહેવાય કે વ્યક્તિઓના મળવાથી સમાજ રચાય છે. એટલે કે સમાજનો અંગ વ્યક્તિ છે. જેથી વ્યક્તિથી શરૃઆત કરીને જે કાર્ય હાથ ધરાશેે તેની અસર સમાજમાં દેખાશે. સમાજ સુધારણા અંતર્ગત ક્યારેક સામૂહિક તો ક્યારેક વ્યક્તિગત જરૃર મુજબ સુધારણાનું કાર્ય હાથ ધરાય છે. તાત્પર્ય એ કે પ્રયત્ન થવા જોઈએ. કેમકે પ્રતિ વર્ષ નવી નવી વ્યક્તિઓ સમાજમાં પુખ્ત વયે પહોંચી સમાજનો ભાગ બને છે. જેમ કોઈ વ્યક્તિ અનાજ કે શાકભાજી કાચી જ ખાઈલે તો તેનું પાચનતંત્ર ખરાબ થઈ જશે એમા શંકાને સ્થાન નથી. એવી જ રીતે હાલમાં યુવાનીના ઉંબરે ડગ માંડનાર નવયુવાનોને તેમની જવાબદારીઓ, રેહણીકરણીની ઢબ અને જીવનધ્યેય વિગેરેથી વાકેફ ન કરવામાં આવે તો આ લાખો-અસંખ્ય નવયુવાનો સમાજમાં ઉપદ્રવરૃપ બની જશે. આનાથી એ પરીણામ તારવી શકાય કે સમાજ સુધારણાની પ્રવૃત્તિ એ સતત કરવાની પ્રક્રિયા છે. તેને કુઆર્નના બોધ અનુસાર શબ્દે શબ્દ મેળ ખાય છે.

“અલ્લાહે સર્વોત્તમ વાણી અવતરિત કરી છે, એવો ગ્રંથ જેના તમામ ભાગો સુસંગત છે અને જેમાં વિષયો વારંવાર દોહરાવવામાં આવ્યાં છે. તેને સાંભળીને તે લોકોના રૃંવાડાં ઊભા થઈ જાય છે જેઓ પોતાના રબ (પ્રભુ)થી ડરનારા છે અને પછી તેમના શરીર અને તેમના હૃદય નરમ પડીને અલ્લાહના સ્મરણ તરફ વળી જાય છે. આ અલ્લાહનું માર્ગદર્શન છે જેના દ્વારા તે સન્માર્ગ ઉપર લઈ આવે છે, જેને ચાહે છે, અને જેને અલ્લાહ જ માર્ગદર્શન ન આપે તેના માટે પછી કોઈ માર્ગદર્શક નથી.” (સૂરઃ ઝુમર-૨૩).

કહેવાય છે કે જગતમાં સૌથી મુશ્કેલ કાર્ય પોતાની જાતની સુધારણા છે અને સૌથી સરળ કાર્ય અન્યોની ટીકા-ટીપ્પણી છે. તેથી જરૃર આની છે કે સમાજ સુધારણા અંતર્ગત દરેક વ્યક્તિ પોતાની સુધારણા જાતે જ કરવાનો પ્રયત્ન આદરે. જો આપણે આવું કરી લઈએ તો ન માત્ર સમાજ ઉપર બલ્કે પોતાની જાત ઉપર એક મહાન ઉપકાર થશે. અત્રે એક ગેરસમજની સ્પષ્ટતા, ઘણા લોકો એમ કહેતા સંંભળાય છે કે બોધ-પ્રવચન, જુમ્આના ખુત્બા છતાં સમાજમાં ભલાઈ અને સફળતા નહીંવત અને બુરાઈ અને ફિત્નાનો વ્યાપ કેમ છે? જોકે આ નિરાશાની વાત છે. વાસ્તવમાં આ અજ્ઞાનતા અને નાસમજીની વાત છે. કેમકે સમાજ અને મિલ્લતની સુધારણાના જવાબદાર અલ્લાહવાળા, વિદ્વાનો, ઉલેમા, સત્યના સંદેશકો, પ્રચારકાની સફળતા માત્ર તેમના નિર્મળ પ્રયત્નો, નિખાલસતા, મહેનત અને કાર્ય પદ્ધતિ પર અવલંબીત ન હોઈ શ્રોતાગણ કે જેમને નિમંત્રણ સંદેશ-બોધ અપાય છે. એ વ્યક્તિમાં બોધ અને શિખામણ ગ્રહણ કરવાની ક્ષમતા, આવડત, લાયકાત, સત્યને પામવાની તડપ અને સીધા માર્ગે ચાલવાની ધગશ, શોખ ઉપર પણ આધારિત હોય છે. તેથી જ કહેવાયું છે કે,
સમજના ગર ન હમ ચાહેં તો પયગમ્બર ભી આજિઝ હૈ,
યે કિસને કેહ દિયા વાઇઝ કો સમજાના નહીં આતા.

તારણ એ કે સમાજમાં ભલાઈને પ્રસરાવવા, બુરાઈને નિયંત્રીત કરવાને અસરકારક બનાવવામાં નિમંત્રક ની મહેનત અને જેને નિમંત્રણ અપાઈ રહ્યું છે, તેની ગ્રહણ કરવાની તત્પરતા બન્ને અનિવાર્ય છે. હઝરત નૂહ (અલૈ.)ની ૯૫૦ વર્ષ લગી મહેનત છતાં ૮૦ કે ૮૨ વ્યક્તિઓ જ હિદાયત પામ્યા. આનાથી એ પરિણામ ન તારવી શકાય કે નૂહ (અલૈ.)ની મહેનત નિષ્ફળ નિવડી. તેથી સમાજ સુધારણાનું કામ કરતી વ્યક્તિઓ માટે અનિવાર્ય છે કે તેઓ પરિણામની ચિંતા કર્યા વગર નિખાલસભાવ-અલ્લાહખાતર પોતાની જવાબદારી એટલે કે બિનમુસ્લિમો સુધી ઇસ્લામની દાવત અને શહાદત અને મુસ્લિમો વચ્ચે ભલાઈનો આદેશ અને બુરાઈ ખતમ કરવાની જવાબદારી નિભાવતા રહે, અને હંમેશા એ દ્રષ્ટિ સમક્ષ રહેવું જોઈએ કે દાવત એ દાવત આપનારની જ જરૂરત છે. અરૃચિ દાખવનારાને પણ નિઃસ્વાર્થ મને દીન અને ઈમાનની દાવત સંપૂર્ણ ભાન અને ગણત્રીપૂર્વક આત્મવિશ્વાસ સાથે આપે. આના માટે પ્રેરણા અને કર્મથી પણ મદદ મેળવે. મામૂન રશીદને કોઈ વ્યક્તિએ કર્કશ વાણીમાં બોધ આપ્યો. તેમણે કહ્યું જરા નરમાશથી કહો. આનું કારણ આ છે કે અલ્લાહ તમારાથી શ્રેષ્ઠ હઝરત મુસા (અલૈ.) અને હઝરત હારૃન (અલૈ.)ને મારાથી વધુ ખરાબ એવા ફિરઓન પાસે મોકલ્યો હતો. અને કહ્યું હતું કે તેનાથી નરમાઈથી વાત કરશો. શક્ય છે કે તે તમારી નસીહતને કબૂલ કરી લે. સમાજ સુધારણા એક ઊંડી પરિભાષા છે. આ માત્ર કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ કરવા અને કેટલાક કુરિવાજો અને બદીઓને નાબૂદ કરવા મહેનત નથી. ટુંકમાં તેના ધ્યેય અને હેતુઆનું વર્ણન કરવું હોય તો કહી શકાય કે દરેક વ્યક્તિનું આલોક અને પરલોક સુધારવી. બીજા શબ્દોમાં આ ઇકામતે દીનનું કાર્ય છે, દીનની સ્થાપનાનું કાર્ય છે. એટલે કે જીવનના બધા ક્ષેત્રો દા.ત. ઈમાન સંબંધી બાબતો, ઇબાદતો, વ્યવહારો, નૈતિકતા, કૃતિઓ, ઘડતર, અનવેષણ, લેખન અને ટીકા બધી બાબતોમાં દીનનું અનુકરણ કરવું. કેટલીક મર્યાદિત બાબતને લઈ તેને સમાજ સુધારણાનું નામ આપવું એ તો તેની મજાક કહેવાય. જેમ માનવ શરીરમાં એક જ સમયે અનેક તંત્રો કાર્યરત હોય છે. દા.ત. રૃધિરા-ભષરણ, શ્વસનક્રિયા, ચેતાતંત્ર વિગેરે અને બધાનું સ્વસ્થ રીતે કાર્યરત રહેવા પર જ એક શરીરના તંદુરસ્ત હોવાનો આધાર હોય છે. બસ એ જ રીતે સમાજ તે જ અવલંબીત અવસ્થામાં આદર્શ સમાજ ગણી શકાય જ્યારે કે સમાજના બધા વિભાગો અને ક્ષેત્રોમાં કોઈ પણ પ્રકારની બુરાઈ કે બદી ન હોય.

એક હદીસમાં હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નું વર્ણન છે કે મારા વતી ઇસ્લામનું નિમંત્રણ આપો પછી ભલે ને એક જ વાત જાણતા હોવ. આ હદીસના પ્રકાશમાં કહી શકાય કે સમાજ સુધારણાનું કાર્ય દરેક વ્યક્તિની જવાબદારી છે. તેની ક્ષમતા મોભા-સ્થાન પ્રમાણે છે. પણ કેમ કે આલિમો પયગમ્બરોના વારસદાર છે. તેઓ દીનની બધી જ બાબતોેથી વાકેફ હોય છે. દીનનું સ્પષ્ટ જ્ઞાન તેમને પ્રાપ્ત હોય છે. તેથી દીનની સ્પષ્ટતા અને સમજૂતીમાં અતિશ્યોક્તિ કરતા નથી. દીન અને દુનિયાનું સમતોલ જ્ઞાન ધરાવે છે. આથી જ સામાન્ય માણસ માટે આ જરૂરી છે કે આલિમોની દોરવણી અને આગેવાનીમાં તેમની દેખરેખ હેઠળ આ કાર્યમાં ભાગ લે. નહીંતર લાભને બદલે નુકશાન થશે. દા.ત. મારૃફ કા હુકમ ઔર મુન્કર સે રોકને કા અમલ એટલે કે ભલાઈનો આદેશ અને બુરાઈથી રોકવાની પ્રવૃત્તિ સમાજમાં કરોડરજજુ સમાન છે. આ કાર્યના બે ભાગ છે. ભલાઈનો આદેશ આપવો અને બુરાઈથી રોકવું. પણ સામાન્યજન એ વિચારશે કે ભલાઈનો આદેશ કરવાથી ભલાઈઓ ફેલાતી જશે એટલી હદે કે બુરાઈઓના પ્રગાઠ વાદળો પોતે જ ખતમ થઈ જશે. અથવા તો કેટલાક લોકો એમ વિચારે છે કે મુન્કર એટલે બુરાઈ ઉપર ઘા કરવાથી સમાજમાં ઉપાય આકાર લેશે. આવી ભ્રમણાઓ વ્યાજબી ન કહેવાય. પ્રથમ તો આ કે હદીસમાં બન્ને બાબતો ભલાઈનો આદેશ અને બુરાઈનો ખાત્મો બાબતે સ્પષ્ટ આદેશ છે. સાર એ કે બન્ને કાર્યો એકી સાથે કરવા અનિવાર્ય છે. જો આવું ન કરવામાં આવે તો હદીસની સામે પોતાના મતને મહત્ત્વ આપવાનો ગુનો સર્જાશે. અલબત્ત જરૂરી છે કે આ કામ ને શિખ્યા પછી હાથ ધરવામાં આવે. જેવું કે ઉપરના લખાણમાં વર્ણન છે.

સહાબાએ કિરામ જ્યારે પણ કોઈ દેશ કે પ્રદેશમાં પ્રવેશતા દીનની દાવત આપતાં. વિટંબણા આ છે કે ઈમાનવાળા પોતાના અમલ અને કર્મોથી વિશ્વની કોમોને દીન તરફ નિમંત્રણ આપવાની સ્થિતિમાં નથી. તેમ છતાં ઉમદા સમાજની ઘડતર-રચના કે જે કુઆર્ન અને હદીસ પ્રમાણે હોય કે જ્યાં જગતના અન્ય લોકોને પોતાની જોઈતી વસ્તુ સત્ય-હક પ્રાપ્ત થઈ શકે. આ ઈમાનવાળાનું લક્ષ્ય અને જવાબદારી છે આને જ દીન બાબતે નિર્મળ-નિખાલસ થવું છે. જેની માંગ અલ્લાહ તરફથી તેની પવિત્ર કૃતિ-કુઆર્ન મુબારકમાં છે. “અલબત્ત, જે લોકો પોતાના રબથી ડરીને રહ્યા, તેમના માટે ઊંચી ઇમારતો છે, મજલા-પર-મજલાવાળી, જેમના નીચે નહેરો વહી રહી હશે. આ અલ્લાહનો વાયદો છે, અલ્લાહ ક્યારેય પોતાના વાયદાના વિપરીત નથી કરતો.” (સૂરઃ ઝુમર-૨૦)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments