Thursday, September 12, 2024
Homeમનોમથંનસાંપ્રદાયિક સૌહાર્દ : આપણી જવાબદારી

સાંપ્રદાયિક સૌહાર્દ : આપણી જવાબદારી

દેશના વિકાસ અર્થે જરૂરી છે કે શાંતિ, સલામતી અને સ્વતંત્રતા પ્રાપ્ત થાય, લોકશાહી અને બિનસાંપ્રદાયિક માહોલનું સર્જન થાય અને ધંધા રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં આવે. વિકાસરૃપી રથમાં બીજા અનેક મુદ્દાઓને ઉમેરી શકાય પરંતુ મૂળભૂત રીતે જોઈએ તો આ મુદ્દાઓ મુખ્ય અને અનિવાર્ય છે.

શાંતિનો ભાવાર્થ છે કે દેશમાં અસામાજિક તત્વો, ગુંડા તત્વો, માથાભારી શખ્સો અને એનકેનપ્રકારેણ કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને ડહોળવાનો પ્રયાસ કરનારા લોકોને ઉગતા જ ડામી દેવામાં આવે. કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને એટલી મજબૂત કરવામાં આવે દરેક કે નાગરિક પોતાને સલામત અનુભવે, પછી તે અસલામતીનો ઉદ્ભવ સ્થાન આતંકવાદ હોય, બળાત્કાર હોય, ચોરી લૂંટફાટ કે હત્યા હોય.!

સ્વતંત્રતા એટલી હદે આપવામાં આવે એક બીજાની સ્વતંત્રતા પર તરાપ સમાન ન હોય. લોકોને બોલવાની, લખવાની, પોતાનો સૂર અન્યાયની સામે બુલંદ કરવાની છૂટ મળે, અને લોકોની ગોપનીયતાને સુરક્ષિત રાખવામાં આવે. લોકશાહીના ત્રણેય સ્થંભો લોકતંત્ર, વ્યવસ્થાતંત્ર અને ન્યાયતંત્ર સ્વતંત્ર હોવા જોઈએ. તમામ બંધારણની રૃએ મળેલ જવાબદારીને દરેક પ્રકારના પુર્વગ્રહથી મુક્ત કરીને અદા કરે, એક બીજા પ્રત્યે આદરભાવ અને સમ્માન જાળવે અને એકબીજાના પ્રભાવથી પોતાને અળગુ રાખે.

બિનસાંપ્રદાયિક માહોલનો અર્થ છે દેશમાં વસ્તા વિવિધ ધર્મો, જાતિઓ, વર્ગો અને સંપ્રદાયના લોકોને સમાન તકો પુરી પાડવામાં આવે. દરેક પ્રકારના પુર્વગ્રહથી પોતાને દૂર રાખવામાં આવે. સાથેસાથે જાતિ, રંગ, ધર્મ અને ભોગોલિકતાની દ્રષ્ટિએ ભેદભાવ ન થાય તે પણ જોવું રહ્યું. કેમકે આવો ભેદભાવ દુર્ભાગ્યપુર્ણ આલેખાશે. દેશમાં વસ્તા લોકોને એકબીજા પ્રત્યે માનસમ્માન હોય અને ધાર્મિક, સાસ્કૃતિક, સાંપ્રદાયિક અને જાતીયતાની વિભિન્નતા હોવા છતાં સમજવા અને સમજાવવા જેટલો સંવાદ થવો જરૂરી છે.

હાલમાં સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા અને બનારસ હિંદુ યુનિવર્સિટિના રાજનૈતિક વિજ્ઞાાન વિભાગના સંયુક્ત ઉપક્રમે “સાંપ્રદાયિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણ”ના શિર્ષક હેઠળ એક આંતરરાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે આવા વિષયો સાથે ખુબ ઓછા કાર્યક્રમો યોજાય છે. કાર્યક્રમમાં વકતા તરીકે આવનારા લોકોનો ધર્મ, રાજકારણ અને સામાજીક સંસ્થાઓ સાથે જોડાણ ધરાવતા લોકોમાં સમાવેશ થાય છે. વક્તાઓમાં વૈચારિક વિભિન્નતા હોવા છતાં એક સ્ટેજ પર પોતાના વિચારો પ્રગટ કરવા એકઠા થવું સકારાત્મકતા દર્શાવે છે. કેટલાક ટીકાકારોએ એસ.આઈ.ઓ.ને આ બાબતે વખોડયું છે. ટીકાકારોની દ્રષ્ટિએ કદાચ તેમનો મુદ્દો સાચો હોય પરંતુ દેશની હાલની પરિસ્થિતિને જોતા આવા કાર્યક્રમો વારંવાર યોજાવવા જોઈએ અને વૈચારિક દ્રષ્ટિએ તફાવત હોવા છતાં ચર્ચા ગોષ્ટિનું આયોજન કરવું જોઈએ. આનો લાભ સાંપ્રદાયિક સૌહાર્દ સ્વરૃપે મળે તેવી આશા રાખવી જોઈએ.

દેશની શાંતિને ડહોળવાના પ્રયાસ કરતા લોકો મહદઅંશે ધાર્મિક લાગણીને ઉશ્કેરે છે અને ઠેરઠેર નાના મોટા રમખાણો થકી પોતાનો રાજકીય રોટલો શેકે છે. દેશમાં છેલ્લા એક વર્ષમાં જોઈએ તો રાજકીય તેમજ કટ્ટરવાદી ધાર્મિક વિચારધારા ધરાવતા લોકો દ્વારા સાંપ્રદાયિક ઉશ્કેરણીના ઘણા બનાવો બન્યા છે. જેમાં ઘરવાપસી, બહુ લાવો બેટી બચાવો, અને તાજેતરનો હરિયાણાનો વલ્લભપૂરનો કિસ્સો મુખ્ય છે.

સોશિયલ મીડિયા પર ધાર્મિક વડાઓ વિશે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ અને પોતાના જ ધાર્મિક સ્થળોએ ગૌ માસ ફેંકીને વૈમનસ્ય ઉભંુ કરવાના દાખલાઓ ઘણાં છે. મારા દેશની કરુણા આ છે કે રાષ્ટ્રભક્તિના નામે જ રાષ્ટ્રની એકતાનું વિભાજન કરવામાં આવી રહ્યું છે. દેશના સળગતા પ્રશ્નો જેવા કે ગરીબી, બેકારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને નેવે મુકીને યોગા, સૂર્ય નમસ્કાર જેવી વ્યક્તિગત વસ્તુને લોકોની ધાર્મિક નીતિમત્તાને ઠેસ પહોંચાડીને ઠોકી બેસાડવાનો તદ્દન હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમની બાંગો પોકારતા રાજનેતાઓ અને ધાર્મિક કટ્ટરપંથીઓને યાદ રહે કે જો રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હોત તો સુષ્મા સ્વરાજનું નામ લલિત મોદી જેવા ભ્રષ્ટાચારીના ઇમીગ્રેશન પેપર ક્લિરીએન્સ સાથે ન જોડાયું હોત. રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હોત તો રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેના પનોતા પુત્ર દુશ્યંતનું નામ પણ લલિત મોદીની કંપનીમાંથી સિક્યુરીટી વગર કરોડોની લોન લેનારમાં શામેલ ન થયું હોત. જો રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હોત તો ભાજપ અને સંઘના સીનીયર નેતા અડવાણીએ ફરીથી ‘કટોકટી’ (Emergency) લાગુ થવાનો ડર વ્યક્ત કર્યો ન હોત.

આ એવા રાજનેતાઓ છે જે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમના નામે મતો ઉઘરાવતા રહ્યા અને રાજ કરતા રહ્યા. તેઓની શાનદાર અને ધુંઆદાર વાકછટાની અડફેટમાં આવી ભોળી જનતા મતો આપે છે અને માથે ચઢાવે છે. આ દેશ વિરોધીઓને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રેમથી કોઈ નિસ્બત નથી, તેમને નિસ્બત છે ફકત સત્તા હાંસલ કરવાથી. આ દેશના લોકો ભોળા અને સંવેદનશીલ છે. ધાર્મિક બાબતે જલ્દીથી ઉત્તેજીત થઈ જાય છે. આ હકીકત ધર્મના ઠેકેદારો સારી પેઠે જાણી ચુક્યા છે. તેથી ધાર્મિક બાબતો દ્વારા ઉશ્કેરે છે અને સાંપ્રદાયિકતા ભડકાવે છે. આજે વિવિધ સંપ્રદાયના લોકો વચ્ચે સંવાદનો સેતુ તુટી ગયો છે, સમાજ જુદો પડી ગયો છે, રહેણાંકના વિસ્તારો ધર્મ અને જાતિના આધારે વહેંચાઈ ગયા છે. આવા સમય સંવાદ સધાય, એકબીજાને જાણવાનો અને સમજવાનો મોકો મળે, ધાર્મિક બાબતોની માર્મિક ચર્ચાઓ થાય, કે જેથી ગેરસમજની ખાઈને પુરી શકાય. એક શાયરે સાચુ જ કહ્યું છે,

પાસ આઓ ગે તો શાયદ સમજ લો ગે
વરના યે ફાસલે તો દુરીયાં બઢાતે હૈં

દેશના લોકોને સમજાવવાની તાતી જરૃર છે કે તમારુ ભલું ચાહનારા લોકો તમને પ્રેમ શીખવાડવાને બદલે ત્રીશુલ નહીં વહેંચે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments