ફહીમ અને સાજિદ ખાસ મિત્રો હતા. એક સાથે ભણતા અને રમતા. એક દિવસે બંને દોસ્ત ફરવા નીકળ્યા. ગામની બહાર ખેતરોની વચ્ચે ફરી રહ્યા હતા. એક જગ્યાએ જોયું કે એક મજૂર બેઠો બેઠો ઘાસ કાપી રહ્યો હતો. તેણે પોતાના જૂતા રસ્તાના સેઢા પર એક તરફ મુક્યા હતા.
સાજિદે કહ્યું, અરે યાર ફહીમ હવે ખૂબ મજા આવશે! જો આપણે આ ઘાસવાળાના જૂતા ધીમે રહીને છુપાવી દઈએં – જ્યારે તે જોશે કે તેના જૂતા ગાયબ થઈ ગયા તો ખૂબ પરેશાન થઈ જશે – એ જોઈને મજા આવશે.
ફહીમે કહ્યું – ના, ભાઈ બીજાઓને પરેશાન કરીને આનંદ મેળવવો કંઈ સારી વાત ન કહેવાય.
અરે યાર! આપણે કંઈ તેના જૂતા લઈ થોડા લેવાના છે. જયારે તે પરેશાન થઈને ઘરે જતો રહેશે તો આપણે ચૂપકે ચૂપકે તેનો પીછો કરીને જૂતા તેના ઘરે મૂકી આવશું.
પણ ભાઈ! તને આનાથી શું ફાયદો થશે. તે બિચારો નાહક કેટલો પરેશાન થશે – ગરીબ માણસ છે.!
અરે, ફાયદાની ક્યાં વાત છે આ તો બે ઘડી મજા આવી જાય બસ!!
સારૃં તો સાજિદ! હું તને મજા માટે એક બીજી યુક્તિ બતાવું છું આપણને તો મજા જ જોઈએ છે ને! શું બીજાઓને પરેશાન કરીને જ મજા લૂંટી શકાય ખેલકૂદ અને દીલચશ્પીના બીજી રીતો પણ હોઈ શકે છે ને?
તે યુક્તિ શું છે – સાજિદે પૂછ્યું
તે એ કે જો આપણે કોઈક રીતે તેને વધારે ખુશ કરી શકીએ તો આપણને મજા નહીં આવે?
આવશે કેમ નહીં – અરે ચોક્કસ આવશે – એ શું યુક્તિ છે?
આ મારા પાસે પાંચ રૃપિયાના બે સિક્કા છે તદ્દન નવા ચકચકતા. આપણે ચૂપચાપ એક એક સિક્કો જુતામાં નાંખી દઈએ જોઈએ શું થાય છે?
આ વાત સાજિદની સમજમાં આવી ગઈ. તેમણે ધીમેથી ઘાસવાળાના બંને જૂતામાં બે સિક્કા નાંખી દીધા અને દૂર છૂપાઇને બેસી ગયા કે હવે શું થાય છે?
થોડીવારમાં ઘાસવાળો પોતાના ઘાસના ભારાને બાંધીને પોતાના જૂતા પહેરવા આવ્યો. એ જૂતા પહેરવા ગયો તો પગમાં કંઈક ખૂંચ્યું. જોયું તો બંને જૂતામાં ચમકદાર સિક્કા જોયા. બહાર કાઢીને જોવા લાગ્યો. આસપાસ જોયું – કોઈ દેખાયું નહીં તેની સમજમાં જ ન આવ્યું કે આ સિક્કા ક્યાંથી આવ્યા. આકાશમાંથી વરસ્યા – અરે આ તો અલ્લાહની કૃપા જ થઈ ગઈ આજે! તેનો ચહેરો ખુશ અને આનંદથી ચમકી રહ્યો એ તો દિવસભર મજૂરી કરતા હતો ત્યાં માંડ બે-પાંચ રૃપિયાની ઘાસ વેચાતી હતી અને આજે મહેનત વગર આ બે પાંચ રૃપિયાના સિક્કા મળી ગયા. વાહ ભાઈ તેને ખૂબ જ આનંદ થઈ ગયો. તેણે જલ્દી જલ્દી ભારો માથે ચડાવ્યો અને ઘર તરફ જાણે દોટ મૂકી.
જ્યારે ઘાસવાળો પોતાના ઘરે પહોંચ્યો તો ઘાસનો ભારો દરવાજા પાસે જ નાંખી દીધો. તેના બંને બાળકો ત્યાં જ રમી રહ્યા હતા. બંને તેને જોઈને તેના તરફ દોડ્યા. ઘાસવાળાએ એક એક સિક્કો દિકરા-દિકરીના હાથમાં મુકી દીધો. બાળકો દોડતા પોતાની મા પાસે પહોંચ્યા. મા એ બંનેના હાથમાં ચળકતા સિક્કા જોયા તો ખૂબ જ ખુશ થઈ ગઈ. અર્થાત્ આજે ઘાસવાળાનું સમગ્ર પરિવાર ખૂબજ આનંદિત હતું. સાજિદ અને ફહીમ દૂર ઊભા રહીને આ દૃશ્ય જોઈ રહ્યા હતા. તે લોકોને જોઈને આ બંને બાળકોને પણ અનહદ ખુશી થઈ કે તેમની એક નાનકડી યુક્તિથી એક ગરીબ પરિવારમાં આજે કેટલી ખુશી આવી ગઈ.
આજે સાજિદની સમજમાં આવ્યું કે બીજાઓને હેરાન કરીને કે ચિંતામાં નાંખી દઈને ખુશ થવાના બદલે તેમને ખુશ કરી દઈને ખુશ થવામાં કંઈ બીજી જ મજાઓ છે અને વધારામાં અલ્લાહ પણ આપણાથી કેટલો ખુશ થાય છે.
સામાન્ય રીતે હરવા ફરવા જતી વખતે મિત્રો એકબીજાની છેડછાડ કરતા હોય છે, સતાવે છે, બીવડાવે છે. ક્યારેક ક્યારેક વાત એટલી વધી જાય છે કે ખુશીઓમાં આનંદના બદલે અફસોસ અને રંજ પેદા થઈ જાય છે દુઃખી થઈ જવાય છે. અને વધારામાં આપસના સંબંધ ખરાબ થઈ જાય છે. તેના બદલે જો હરવાફરવામાં આ પ્રકારના કામ કરવામાં આવે જેનાથી બીજાઓને લાભ થાય અને ખુશી થાય તો આપણી પોતાની ખુશી અનેકગણી વધી જાય છે અને આપણો પાલનહાર પણ આપણ કામથી ખુશ થઈ જઈને આપણને વધુને વધુ આનંદ પ્રદાન કરે છે. /