કહે છે કે લોકતંત્રમાં કાનૂન ઘડનાર, અર્થાત્ સંસદ અથવા વિધાનસભા, વહીવટીતંત્ર અને ન્યાયાલય એ રાજ્ય (કે દેશ)ના વ્યવસ્થા તંત્રની ત્રણ મુખ્ય સંસ્થાઓ અથવા સ્તંભો છે, જે લોકતાંત્રિક વ્યવસ્થાના આધાર છે. અલબત્ત, ચોથો સ્તંભ એ જીવંત અંતરાત્મા અને સંતુલિત મીડિયા છે, જે આ સમગ્ર વ્યવસ્થા-તંત્રને ભૂલોથી સુરક્ષિત રાખવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. આ પ્રમાણે આ ચારેય સ્તંભો મળીને ભવ્ય લોકતાંત્રિક ઇમારતને રહેવા લાયક બનાવવામાં સહાયરૃપ બને છે. એક તરફ લોકશાહી દેશ, રાજ્યના વિકાસ અને સમૃદ્ધિ, લોકોના કલ્યાણ અને તેમની ઉન્નતિ, નિર્માણ અને સંવર્ધન, શાંતિ, કાનૂન-વ્યવસ્થા અને અનુશાસનના સ્થાયિત્વ તેમજ અધિકારો અને ફરજોના પાલનમાં ઉલ્લેખિત ત્રણ સંસ્થાઓની ભૂમિકા મુખ્ય હોય છે; બીજી તરફ શુદ્ધ અને નિષ્કલંક વહીવટી-તંત્ર, સુશાસન (Good Governance) અને જાહેર ખુશહાલી માટે એ ખૂબ જ આવશ્યક છે કે મીડિયા પણ ઉત્તમ રીતે પોતાની જવાબદારી નિભાવતું રહે.
વાસ્તવમાં પત્રકારત્વ કોઈપણ મામલાની તપાસ અને પછી તેને શ્રાવ્ય, દૃશ્ય કે લેખન સ્વરૃપે વિશાળ પાયે વાચકો, દર્શકો કે શ્રોતાઓ સુધી પહોંચાડવાના કાર્યનું નામ છે. તેની સાથે પત્રકારત્વ સરકારી એકમોની કારકિર્દી તથા વેપાર, વ્યવસાય અને વાણિજ્યિક પરિસ્થિતિની માહિતી અને સામાજિક પ્રવૃત્તિઓને પણ ઉજાગર કરે છે. પરંતુ સૌથી મહત્ત્વનો મુદ્દો, જે પત્રકારત્વથી સંબંધિત છે, તે સ્પષ્ટ, નિર્ભેળ અને તદ્દન ન્યાયોચિત રીતે લોકોને ઘટતી ઘટનાઓ અને સમાચારોથી માહિતગાર રાખવાનો છે. આ પશ્ચાદભૂમિમાં પત્રકારત્વ એક પવિત્ર વ્યવસાય છે અને જે વ્યક્તિ આ કાર્ય કરે, તે સન્માનનીય ઠરે છે. કુઆર્ની શિક્ષાઓના પ્રકાશમાં પત્રકારત્વને સમજવાની કોશિશ કરવામાં આવે, તો સૂરઃ નિસા અને સૂરઃ માઈદાની નીચે દર્શાવેલ આયતોને જોઈ શકાય છે, મહિમાવાન અલ્લાહ ફરમાવે છે ઃ
”હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! ન્યાયના ધ્વજવાહક અને અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરુધ્ધ અસર સ્વયં તમારા પર અથવા તમારા માતા-પિતા અને સગાઓ પર જ કેમ ન પડતી હોય. મામલાથી સંબંધ ધરાવનાર પક્ષકારો ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તમનો હિતેચ્છુ છે. તેથી પોતાની મનેચ્છાઓના અનુસરણમાં ન્યાયથી ચલિત ન થાઓ અને જો તમેે અધૂરી અને પક્ષપાતપૂર્ણ વાત કહી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઈ તમેે કરો છો અલ્લાહને તેની ખબર છે.” (સૂરઃ નિસા, ૧૩૫)
વધુમાં ફરમાવ્યું, ”’હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! અલ્લાહ માટે સચ્ચાઈ ઉપર કાયમ રહેવાવાળા અને ન્યાયની સાક્ષી આપવાવાળા બનો, કોઈ જૂથની દુશ્મનાવટ તમને એટલા ઉત્તેજિત ન કરી દે કે તમે ન્યાયથી ફરી જાઓ. ન્યાય કરો, આ તકવા (અલ્લાહથી ડરવા) સાથે વધુ સુસંગત છે.” (સૂરઃ માઈદા, ૮) સૂરઃ નિસાની આયત ૧૩૫ની સમજૂતી આપતાં મૌલાના મૌદૂદી રહ. લખે છે ઃ ”આ આયતમાં એટલું ફરમાવવું પૂરતું સમજવામાં ન આવ્યું કે ન્યાયના માર્ગ પર ચાલો, બલ્કે એવું ફરમાવવામાં આવ્યું કે ન્યાયના ધ્વજવાહક બનો. તમારું કામ કેવળ ન્યાય કરવાનું જ નથી, બલ્કે ન્યાયનો ઝંડો લઈને ઉઠવાનું છે. તમારે એ વાત પર કમર કસવી જોઈએ કે અન્યાય અને અત્યાચાર સમાપ્ત થાય અને તેની જગ્યાએ ન્યાય અને સમાનતાની સ્થાપના થાય. ન્યાય અને સમાનતાને પોતાની સ્થાપના માટે જે સહાયતાની આવશ્યકતા છે, મોમિન હોવાની હેસિયતે તમારું સ્થાન એ છે કે તે સહારો તમે બનો. તદુપરાંત, તમારી સાક્ષી માત્ર અલ્લાહ માટે હોવી જોઈએ, કોઈની લાગણી કે પક્ષપાત તેમાં સામેલ ન હોય, કોઈ અંગત સ્વાર્થ કે અલ્લાહ સિવાય કોઈની મરજી કે પ્રસન્નતા તમારી દૃષ્ટિ સમક્ષ ન હોય.”
આ પશ્ચભૂમિમાં ત્યાં સુધી કોઈપણ સમાજ બાહ્ય સાજિશો, ખુફિયા યોજનાઓ અને હાનિકારક તત્ત્વોથી સુરક્ષિત રહી શકે છે, જ્યાં સુધી કે સત્ય અને ન્યાયનું કર્તવ્ય નિભાવનારા પોતાની જવાબદારી સારી રીતે નિભાવતા રહે. આનાથી વિપરીત અમલના પરિણામે જે વ્યક્તિઓ અને સંસ્થાઓ, જેઓ સત્ય અને ન્યાયની સ્થાપનામાં સહાયતા કરનારાં છે, ન કેવળ સ્વયં અપમાનિત અને લજ્જિત થશે, બલ્કે પોતાની દીર્ઘકાલીન નકારાત્મક અસરો પણ છોડશે. પરંતુ સત્ય અને ન્યાયની સ્થાપના અત્યંત મુશ્કેલ કામ છે, તેથી સમાજ અને સરકારની જવાબદારી છે કે એક એવી વ્યવસ્થા ઊભી કરે, જેમાં કોઈપણ વ્યક્તિ આલોચનાથી પર ન હોય; ચાહે એ વ્યક્તિ કે સંસ્થાની પાસે સત્તા હોય, સરકારથી સંલગ્ન હોય, ધાર્મિક બાબતોમાં પોતાની વિશેષ ઓળખ રાખતો હોય અથવા એ સંસ્થાઓથી જોડાયેલ હોય જે સ્વયં આ વ્યવસ્થાની સ્થાપના અને તેની મજબૂતાઈમાં સહાયક અને મદદગાર હોય. આ પશ્ચાદભૂમિમાં લોકશાહી વ્યવસ્થામાં કાનૂન, અર્થાત્ કાનૂન-ઘડતરના ગૃહો અને પત્રકારત્વથી સંલગ્ન લોકો અગ્રક્રમે આ જવાબદારી કરનારા લોકો છે; અને તે પછી ધર્મનો દરજ્જો આવે છે, જે વર્તમાન કાનૂનની દૃષ્ટિએ વ્યક્તિનો અંગત મામલો છે. લોકશાહીને તેનાથી કોઈ સંબંધ નથી કે કોઈ વ્યક્તિ ધર્મનું પાલન કરી રહ્યો છે કે નહીં તથા ધાર્મિક શિક્ષાઓ અને ધાર્મિક લોકોને સન્માનની નજરે જૂએ છે કે નહીં, અને આ જ એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે, જે આજે કોઈપણ વ્યવસ્થાને ભૂલોથી સુરક્ષિત રાખવામાં નિષ્ફળ છે. વર્તમાન લોકશાહી વ્યવસ્થાની નિષ્ફળતાનું એક કારણ જ્યાં ઇલાહી (ઈશ્વરીય) આદેશોથી અંતર રાખવાનું છે, તો ત્યાં એ હકીકત પણ છે કે લાંબા ગાળાથી ઇસ્લામી શિક્ષાઓ સિવાય કોઈ અન્ય ઈશ્વરીય માર્ગદર્શન અસ્તિત્વમાં પણ નથી. પરંતુ નોંધપાત્ર વાત એ છે કે સત્તાધારી લોકો અને શક્તિઓ આ દયા અને કૃપાની વ્યવસ્થાને પોતાની જાત અને સ્વાર્થને લઈને પરેશાની અને કષ્ટ સમજે છે, અને એવું જ તેઓ આજે કરી રહ્યા છે.
વર્તમાન ભારત અને તેનું સામાજિક માળખું ખૂબ નબળું થઈ ગયું છે. લોકશાહી, જે પ્રિય દેશમાં લાગુ છે અને લોકશાહી વ્યવસ્થા, જેના પર લાંબા ગાળાથી અમલ કરવામાં આવી રહ્યો છે, તેની નિષ્ફળતાઓ ખુલીને સામે આવી ગઈ છે. આ તમામ નિષ્ફળતાઓનું કોઈ એક કારણ નથી, બલ્કે અનેક નિષ્કાળજીઓ અને ખામીઓ છે, જેને લઈને આ વ્યવસ્થા સ્વયં પોતાના વિનાશ તરફ આગળ વધી રહી છે. પરંતુ ધ્યાન આપવા લાયક બાબત એ છે કે જો ખરેખર આવું છે, જે વાસ્તવિકતા પણ છે, તો પછી એ વખતે જ્યારે કે આ વ્યવસ્થા વધારે બગાડમાં ગ્રસ્ત થઈ જશે, ત્યારે તેનો વિકલ્પ શું હશે ? આ એ પ્રશ્ન છે, જેના પર ચિંતન-મનન કરનારાઓએ ચોક્કસ વિચારવું જોઈએ. આપણે-સૌ જાણીએ છીએ કે વર્તમાન લોકશાહી વ્યવસ્થા અન્યાય અને અતિરેકને ફેલાવવામાં સહાયરૃપ છે,, ન કેવળ વ્યક્તિનું શોષણ તેની ખાસિયત છે, બલ્કે સમાજના મૂલ્યો, જે કમજોર પડી રહ્યા છે, તેમાં તેનું ભરપૂર યોગદાન છે, અને જે ઘટનાઓ ગત અમુક દિવસોમાં ભારતમાં દૃષ્ટિગોચર થઈ રહી છે, તેમણે આ ચિંતાને વધારે મજબૂતાઈ પ્રદાન કરી છે. આ જ ઘટનાઓમાં જ્યાં એક તરફ ભારતની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પર એક મહિલા વકીલે જાતીય શોષણનો સંગીન આરોપ લગાવ્યો છે, ત્યાં સમાજના સંઘરક્ષક અને પછાત જાતિઓને સમાનતાનો અધિકાર અપાવનાર રાજકીય ઓગેવાન અને સંસદસભ્ય ધનંજયસિંગ પર ધારાસભ્ય બનાવવાની લાલચ આપીને પોતાના સાથીદારની પત્નીની સાથે બંદૂકની અણીએ શારીરિક સંબંધ બનાવવાનો આરોપ છે. ધાર્મિક ગુરુ આસારામ અને તેના પુત્ર પર જાતીય અત્યાચારના આરોપો અને હવે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર ‘તેહલકા’ સામયિકના તેજ, હોશિયાર અને ચાલાક એડીટર તરુણ તેજપાલ પર તેમના જ કાર્યાલયની એક જુનિયર મહિલા પત્રકારે જાતીય શોષણનો જે આરોપ લાગવ્યો છે, તેણે સમગ્ર પત્રકાર જગતને કઠેરામાં ઊભું કરી દીધું છે; અને તાજેતરનો મામલો એટલા માટે પણ સંગીન અને ગંભીર છે, કેમ કે પીડિતા તરુણ તેજપાલની પુત્રીની મિત્ર છે. આ સંજોગોમાં મુસલમાનો જે સ્થાને અને જે પણ હેસિયતે મોજૂદ હોય, અનિવાર્ય છે કે દરેક વ્યક્તિ ઇસ્લામી શિક્ષાઓને સમજે, વ્યવહારથી તેનો પ્રચાર કરે અને તેના સાથે-સાથે ઇસ્લામને એક દયા અને કૃપાની સંપૂર્ણ વ્યવસ્થા સમજતાં તેના દરેક પાસા પર અમલના રસ્તાઓ ન માત્ર શોધે, બલ્કે ભરપૂર સહયોગ પણ આપે ચાહે મુસલમાન અસત્ય (બિનઇસ્લામી) વ્યવસ્થામાં હોય કે દારુલ-કુફ્રમાં, બંનય સ્થળે ઇસ્લામી જીવન-વ્યવસ્થાનો પ્રસાર અને તેની સ્થાપનાની સંગઠિત અને વ્યવસ્થિત મહેનત અને કોશિશની જવાબદારી દરેક વ્યક્તિ પર છે. તેથી આજે ચહેરાઓની તબદીલીના બદલે વ્યવસ્થામાં પરિવર્તન અને વ્યક્તિના બદલે વ્યવસ્થાની સુધારણા વધારે આવશ્યક અને અનિવાર્ય કાર્ય છે.
Website : maiqbaldelhi.blogspot.in