Thursday, October 10, 2024
Homeમનોમથંનસુરત દુર્ઘટના : રાંડયા પછીનું ડહાપણ

સુરત દુર્ઘટના : રાંડયા પછીનું ડહાપણ

પપ્પા હું આગમાં ફસાઈ છું, પણ ચિંતા ના કરતા. ગમે તેમ કરીને હું બહાર આવી જઈશ. પછી થોડીવાર પછી એ જ બાળકી ફોન કરીને કહે છે કે પપ્પા હું આગ અને ધુમાડામાં ફસાઈ ગઈ છું. ખાંસતા અવાજે બોલે છે કે બહાર નીકળી નહીં શકું. પપ્પા, મને ભૂલી જજો. ઉફ્‌ફ…!!! પપ્પા મને ભૂલી જજો…કેવી રીતે એ પિતા પોતાની લાડલીના આ શબ્દોને ભૂલી શકશે?

એક ક્ષણ વિચારો કે જ્યારે રૂમ આગ અને ધુમાડાથી ભરાઈ ગયો હશે ત્યારે એ માસૂમ બાળકોએ કેટલું કલ્પાંત કર્યું હશે?. કેટલી બૂમો પાડી હશે? માતાને બૂમ પાડી હશે, પિતાને પણ પોકાર કર્યો હશે. બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં આવે છે ત્યારે સૌથી પહેલાં મમ્મી -પપ્પાને જ તો બોલાવે છે. આ બાળકો એ સમયે કેટલા નિઃસહાય હશે અને તેમને જન્મ આપનારી જનની પણ.

કોઈ બાળકની આંગળીમાં સહેજ પણ કાપો પડે તો પણ માતા-પિતાનું દિલ ચીરાઈ જતું હોય છે. આવા બાળકોના બળીને રાખ થઈ ગયેલા શરીર જોઈને તેમના પર શુ વીતી હશે તેની તો કલ્પના પણ થઈ શકે તેમ નથી. નાની ઠોકર વાગે અને બાળક પડી જાય તો તેના મોંઢેથી એટલું જ નીકળે છે- ઓ મા. માતા પણ દોડીને તેને ઉઠાવી લે છે, અને પૂછે છે કે કંઈ વાગ્યું તો નથી ને? હવે એક ક્ષણ માટે વિચારો, જ્યારે આ માસૂમો ચોથા માળેથી કૂદી રહ્યા હતા, પડી રહ્યા હતા ત્યારે તેમના દિલોમાં શું શું આવ્યું હશે? આપણે આ દર્દ, પીડા, અસહાયતાની કલ્પના પણ કરી શકીએ તેમ નથી.

તેઓ નાના માસૂમ બાળકો હતા. માતા -પિતાની આંખોના તારા હતા. જે આંખોએ બાળકોના સોનેરી ભવિષ્યનાં સપનાં જોયા હતા તેઓ આજે બાળકોની ચિતા જોઈ રહ્યા હતા. કાલ સુધી આ બાળકોને હસતા- રમતાં, મસ્તી કરતા જોનારાને આજે તેમને આમ ચૂપચાપ જતા જોઈ રહ્યા હતા. સુરતના તક્ષશિલા બિલ્ડિંગમાં ગત ૨૪મી મે ના રોજ જે કંઈ થયું તેની પીડા ભૂલતાં દિવસો, મહિનાઓ અને વર્ષો પણ ઓછા પડશે. આ સપનાને રાખ કરવાની જવાબદારી કોણ લેશે? સરકાર, મહાનગરપાલિકા, ફાયરબ્રિગેડ, બિલ્ડર?, કોચિંગ કલાસ સંચાલક? કોઈ નહીં. કારણ કે, આ તમામ નિર્લજ્જતાના સોદાગરો છે. ન તો તેમનામાં સંવેદના છે કે ન તો શરમ. તેમને કોઈ ફરક પડતો નથી. બાળકોના મૃત્યુના સમાચાર સાંભળી હોનારતમાં હોમાયેલા બાળકોના મા-બાપ અને વાલી-વારસો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા સાથે તેમના આ હૃદયદ્રાવક શોકની વસમી વેળાએ તેઓની સાથે હોવાની લાગણી વ્યક્ત કરવાના બદલે સહાય- વળતરના આંકડા નીકળે, તેઓ સંવેદનશીલ કેવી રીતે હોઈ શકે? શું તમારા ૪ – ૪ લાખના વળતરથી જે મા પોતાની પુત્રીનો ચહેરો પણ ઓળખી ના શકી તેના ચહેરા પર સ્મિત લાવી શકશો? જે પિતાએ ફોનની રિંગ વગાડી જાણ્યું કે તેનો પુત્ર ક્યા કપડાંમાં બંધાયેલો પડ્‌યો છે એ પિતાને હિંમત આપી શકશો?

જો સરકાર ખરેખર પોતાને સંવેદનશીલ માનતી હોય તો સાચી દિશામાં પગલાં લે. બાળકોના હત્યારાઓ સામે એવી કડકાઈ દર્શાવે કે બીજીવાર ક્યાંય પણ અને કોઈ પણ આવું કરનાર જ નહીં પણ આ બાબતે લાપરવાહી વર્તનાર પણ કંંપી ઊઠે. બિલ્ડર, મહાનગરપાલિકા, કોચિંગ કલાસ સંચાલક અને ફાયર બ્રિગેડના બેજવાબદાર લોકો પર હત્યાનો ગુન્હો દાખલ કરે. છે આટલી હિંમત? જો નથી તો આ વળતર આપવાના વચનો , આ તપાસ સમિતિની રચના કરવાની વાતો અને મગરના આંસૂ સારવાની નિરર્થક નાટકબાજી બંધ કરો. તમે નેતા છો. તમને લાગે છે કે જનતા થોડા દિવસોમાં બધુ ભૂલી જશે. પરંતુ માફ કરશો, ભલે જનતા ભૂલી જાય પણ જેમણે પોતાના કાળજાના ટુકડા સમા વ્હાલસોયાઓને રાખમાં ફેરવાયેલા જોયા છે તે મા-બાપનો અંતરાત્મા તમને ક્યારેય માફ નહીં કરે. તમારા મંત્રી, સાંસદ, ધારાસભ્ય મહાનગરપાલિકાને જવાબદાર ગણાવે છે. જવાબદારી લેવાના બદલે બીજા પર જવાબદારી નાખવાની રમત બંધ કરો. આટલી મોટી હોનારત, કે જેમાં ૨૩  ઝિંદગીઓ હોમાઈ ગઈ તેમના મા-બાપ અને વાલી-વારસો પર દુઃખના પહાડ તુટી પડ્‌યા અને ગુજરાત આખું જ્યારે આ દુર્ઘટનાથી હતપ્રભ થયેલું હતું ત્યારે રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત વેળાએ આવા કપરી આફતથી ઘેરાયેલા પરિવારોની મુલાકાત લઈ આવી વસમી વેળાએ તેઓને મળી સધિયારો આપવો તો દૂર પરંતુ આ નેતાઓને ચૂંટણી જીત્યાનો ઉત્સાહ ગુજરાતમાં ઉજવવાનું માંડી વાળવું પણ યોગ્ય ન લાગ્યું. વિચારો કે આ જ દુર્ઘટના જો ૨૩ એપ્રિલ પહેલાં ઘટી હોત તો આવા પીડિત પરિવારોના ત્યાં નેતાઓનો રાફડો જામ્યો હોત, અને સુરતમાં રાજકીય પક્ષોએ અડિંગો જમાવી દીધો હોત. આ જ તો આપણી કમનસીબી છે. આ બાળકોના મૃત્યુનો મામલો છે સાહેબ, આને સામાન્ય વાત ન સમજતા. બસ એક વાર તમારા અંતરાત્મામાં નજર નાખો. હત્યારાઓ વિરુદ્ધ એવું પગલું ભરો કે જેથી બાળકોના માતા-પિતાની આંખોમાં તો નહીં પણ કમ સે કમ પોતાની આંખમાં તો ખુદનું સન્માન જળવાઈ રહે.

અદ્યતન ટેકનોલોજીના આજના આ આધુનિક યુગમાં  જ્યારે દેશભરમાં ગુજરાતના વિકાસની ગુલબાંગો પોકારવાની સાથે ગતિશીલ ગુજરાતનો જોર-શોરથી ઢંઢેરો પીટવામાં આવે છે ત્યારે માત્ર ચાર માળ સુધી ફસાયેલા બાળકોને ગંભીર હોનારત વેળાએ ઉગારી લેવાની ક્ષમતા વિહોણા અને પોશ વિસ્તારમાં દુર્ઘટનાના અડધો કલાક સુધી બચાવ કામગીરી ચાલુ ન કરી શકનારા નમાલા તંત્ર પ્રત્યે ધિક્કાર અને આક્રોશની લાગણી પ્રવર્તે છે. આ ગંભીર હોનારતમાં જે કોઈ અધિકારી, કર્મચારી કે જવાબદારોની ભૂલ કે લાપરવાહી સ્પષ્ટ થાય છે, તો તેઓને તાત્કાલિક ધોરણે ફરજમુક્ત કરવા સાથે તેઓ પર હત્યાનો ગુન્હો નોંધવામાં આવે, અને જે તે સંબંધિત તંત્ર આખા પર કડક કાર્યવાહી આદરવામાં આવે. ભવિષ્યમાં આવી ગંભીર બેદરકારીના લીધે આ પ્રકારની કોઈ મોટી કે નાની હોનારત ક્યાંય પણ ના સર્જાય તે સંબંધે હાલમાં જેમ રાજ્ય આખાના નાના- મોટા શહેરોમાં તપાસના નાટકો કરી નોટિસો આપી સંતોષ માનવાને બદલે ચોક્કસ અને નક્કર આયોજન હાથ ધરી તેને ત્વરિત અને ઠોસ રીતે અમલમાં મૂકવામાં આવે. આ કમનસીબ દુર્ઘટનામાં હોમાયેલા બાળકોના વાલીઓને ઊંચા વળતર સહિત જરૂરી અન્ય સગવડો ઉપલબ્ધ કરાવવા સાથે જવાબદારતંત્ર અને પ્રશાસકો દ્વારા જાત મુલાકાત લઈને આવી દુઃખની ઘડીએ તેમની સાથે બેઠક કરી તેઓને આશ્વસ્ત કરવામાં આવે.

આપણા સૌનો સર્જનહાર અને પાલનહાર ઈશ્વર, અકસ્માતે મૃત્યુ પામેલા બાળકોના માં-બાપ અને તેઓના વાલી-વારસોને ધૈર્ય પ્રદાન કરે અને શાંતિ બક્ષે તેમજ આ હોનારતમાં જેઓ ઘાયલ થયા છે અને સારવાર હેઠળ છે તે સૌને પણ જલ્દી સ્વાસ્થ્ય પ્રદાન કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments