અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧૩. યાદ કરો જ્યારે લુકમાન પોતાના પુત્રને શિખામણ આપી રહ્યો હતો તો તેણે કહ્યું, ”બેટા ! અલ્લાહ સાથે કોઈને ભાગીદાર બનાવીશ નહીં, સત્ય એ છે કે શિર્ક (અનેકેશ્વરવાદ) ખૂબ મોટો જુલ્મ (અત્યાચાર) છે” –
૧૪. અને એ હકીકત છે કે અમે મનુષ્યને પોતાના માતા-પિતાના હક્ક ઓળખવાની સ્વયં તાકીદ કરી છે. તેની માતાએ કમજોરી પર કમજોરી સહન કરીને તેને પોતાના પેટમાં રાખ્યો અને બે વર્ષ તેના દૂધ છૂટવામાં લાગ્યા. (એટલા માટે અમે તેને શિખામણ આપી કે) મારો આભાર માન અને પોતાના માતા-પિતા પ્રત્યે આભાર વ્યક્ત કર, મારા જ તરફ તને પાછા ફરવાનું છે.
૧૫. પરંતુ જો તેઓ તારા પર દબાણ કરે કે મારા સાથે તું કોઈ એવાને ભાગીદાર બનાવે જેને તું નથી જાણતો તો તેમની વાત કદાપિ ન માન. દુનિયામાં તેમના સાથે સદ્વર્તન કરતો રહે પરંતુ અનુસરણ તે વ્યક્તિના માર્ગનું કરજે જે મારા તરફ વળેલો છે. પછી તમને સૌને મારા તરફ જ પલટવાનું છે, તે વખતે હું તમને બતાવી દઈશ કે તમે કેવા કાર્યો કરતા રહ્યા છો.
૧૬. (અને લુકમાને કહ્યું હતું કે) ”બેટા ! કોઈ વસ્તુ રાઈના દાણા બરાબર પણ હોય અને કોઈ ખડકમાં કે આકાશોમાં કે ધરતીમાં કયાંક છૂપાયેલી હોય, અલ્લાહ તેને કાઢી લાવશે. હકીકતમાં અલ્લાહ સૂક્ષ્મ દૃષ્ટિવાળો અને સુમાહિતગાર છે.
૧૭. બેટા ! નમાઝ કાયમ કર, અને ભલાઈની આજ્ઞાા આપ, અને બૂરાઈથી રોક, અને જે કષ્ટ પણ પડે તેના પર ધૈર્યથી કામ લે. આ તે વાતો છે જેની ખૂબ તાકીદ કરવામાં આવી છે.
૧૮. અને લોકોથી મોઢું ફેરવીને વાત ન કર, અને ન ધરતી પર અકડાઈને ચાલ, અલ્લાહ કોઈ સ્વચ્છંદી અને અહંકારી વ્યક્તિને પસંદ નથી કરતો.
૧૯. પોતાની ચાલમાં સંતુલન રાખ, અને પોતાનો અવાજ સહેજ ધીમો રાખ, બધા અવાજોથી ખરાબ અવાજ ગધેડાઓનો અવાજ હોય છે.”