(મક્કામાં અવતરિત થઈ * રુકૂઅ : ૧ * આયતો : ૩)
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧. કાળના સોગંદ !
૨. મનુષ્ય હકીકતમાં ખોેટમાં છે,
૩. સિવાય તે લોકોના જેઓ ઈમાન લાવ્યા, અને સદ્કાર્યો કરતા રહ્યા, અને એકબીજાને સત્યની શિખામણ અને ધૈર્યની તાકીદ કરતા રહ્યા.
આ સૂરઃની પહેલી જ આયતના શબ્દ ‘અલ્ અસ્ર’ (કાળ, જમાનો)ને આ સૂરઃનું નામ આપવામાં આવ્યું છે.
જો કે મુજાહિદ, કતાદા અને મુકાતિલે આને મદની કહી છે, પરંતુ વિવરણકર્તાઓની એક મોટી સંખ્યા આ સૂરઃને મક્કી ઠેરવે છે અને આ સૂરઃનો વિષય પણ એ પુરવાર કરે છે કે આ મક્કાના આરંભિક કાળમાં ઊતરી હશે, જ્યારે ઇસ્લામની શિક્ષાને ખૂબ ટૂંકા અને સરળતાથી સમજમાં આવે તેવા વાક્યોમાં વર્ણિત કરવામાં આવતી હતી, જેથી તે આપોઆપ લોકોની જીભે ચઢી જાય.
આ સૂરઃ વ્યાપક અને સંક્ષિપ્ત વાણીનું એક અનુપમ ઉદાહરણ છે. આમાં તદ્દન ચોખ્ખા શબ્દોમાં બતાવી દેવામાં આવ્યું છે કે મનુષ્યની સફળતાનોેે માર્ગ કયો છે અને તેના વિનાશ અને બરબાદીનો માર્ગ કયો. ઇમામ શાફઈએ તદ્દન સાચું કહ્યું છે કે જો લોકો આ સૂરઃ પર વિચાર કરે તો આ જ તેમના માર્ગદર્શન માટે પૂરતી છે. સહાબ કિરામ (રદિ.) સમક્ષ આ સૂરઃનું મહત્ત્વ શું હતું, તેનો અંદાજ એ વાત પરથી કરી શકાય છે કે હઝરત અબ્દુલ્લાહ બિન હિસ્નુદ્-દારિમી અબૂ મદીનાની નોંધ અનુસાર અલ્લાહના રસૂલ (સલ્લ.)ના સાથીઓમાંથી જ્યારે બે જણા એકબીજાને મળતા તો ત્યાં સુધી વિખૂટા પડતા ન હતા, જ્યાં સુધી એકબીજાને આ ‘સૂરઃ અસ’્ર ન સંભળાવી લે. (હદીસ: તબરાની)