ઇતિહાસના સંગાથે ………………………………… પ્રશિક્ષણના પગલાં
અલ્લાહના અંતિમ પયગંબર સલ્લ.ના સાથી હઝરત અબુસઈદ ખુદરી (રદી.) વર્ણન કરે છે કે એક વખત અલ્લાહના રસૂલ સલ્લ. એ અમને એક કિસ્સો સાંભળાવ્યો,
તમારાથી અગાઉના લોકોમાં એક વ્યક્તિ હતો, જેણે નવ્વાણું લોકોની હત્યા કરી હતી. તેને પોતાના અપરાધનો એહસાસ થયો તો તે, એવા વ્યક્તિને શોધવા લાગ્યો જે સૌ કરતાં વધારે જ્ઞાન ધરાવતો હોય. તેને એક પાદરીનું ઠેકાણું બતાવવામાં આવ્યું. તે તેના પાસે ગયો અને પૂછ્યું, “મેં નવ્વાણું કતલ કર્યા છે, શું મારા માટે હવે તૌબાનો કોઈ રસ્તો ખુલ્લો છે ખરો?” પાદરીએ કહ્યું, “ના, નથી.” તે વ્યક્તિએ તે પાદરીને કતલ કરી નાંખ્યો અને તેણે હત્યાઓની સંખ્યા એક સો પુરી કરી નાંખી. તે પછી તેણે ફરી કોઈ એવા જ્ઞાની વ્યક્તિની શોધ શરૃ કરી જે તેની મુંઝવણ દૂર કરી શકે. તેને એક આલીમ (જ્ઞાની)નું ઠેકાણું બતાવવામાં આવ્યું. તે વ્યક્તિ તે આલીમ પાસે ગયો અને કહ્યું, મેં એકસો વ્યક્તિઓને કતલ કરી નાંખ્યા છે, શું આ પછી પણ મારા માટે તૌબાની શક્યતા છે? આલીમે જવાબ આપ્યો, “હા, કેમ નહીં. તમારા અને તૌબા વચ્ચે કોણ અવરોધ ઉભો કરી શકે છે? તમે ફલાણી વસ્તિમાં જતા રહો, ત્યાં તમને એવા લોકો મળશે, જે અલ્લાહની ઇબાદત કરે છે, તેમના સાથે તમે પણ અલ્લાહની બંદગી કરજો અને પોતાના વતન પાછા ન આવતાં, કેમકે તમારૃં વતન બુરાઈઓની વસ્તિ છે.” તે વ્યક્તિ તે દર્શાવેલ વસ્તી તરફ ચાલી નીકળ્યો. તેણે અર્ધું અંતર કાપ્યું હશે ને તેનું મૃત્યુ થઈ ગયું… હવે તેના વિષે દયા અને પ્રકોપના ફરિશ્તાઓ વચ્ચે વિવાદ ઊભો થઈ ગયો. દયાના ફરિશ્તાઓ એ કહ્યું, “આ વ્યક્તિ પોતાના અપરાધી જીવનથી પશ્ચાતાપ કરીને, પોતાના મનને એકાગ્ર કરીને આવી રહ્યો હતો, જેથી તેને અમે લઈ જઈશું.”. પ્રકોપના ફરિશ્તાઓએ કહ્યું, “તેણે હજું સુધી કોઈ સદ્કાર્ય કર્યું નથી, એટલા માટે તેને અમે લઈ જઈશું.” તેમના દરમિયાન આ વિવાદ વધ્યો. તો એક અન્ય ફરિશ્તો માનવ સ્વરૃપે તેમના પાસે આવ્યો. બંને પક્ષકારોએ તેને પોતાનો મધ્યસ્થી બનાવી લીધો. વિષ્ટિકાર ફરિશ્તાએ કહ્યું, “બંને તરફની જમીન માપી લો. જે તરફથી જમીનથી આ નજીક હોય, તે જ તરફના ફરિશ્તાઓ તેને લઈ જાય.” તેથી તેમણે જમીન માપી તો તે એ વસ્તિના સમીપ પહોંચી ગયો હતો જ્યાં જવા માટે તે નીકળ્યો હતો. એટલા માટે તેને દયા અને રહેમતના ફરિશ્તાઓ ઉઠાવીને લઈ ગયા. (સર્વસ્વીકૃત હદીસ)
આ કથામાં ઘણા બોધપાઠ છે,
એક એ કે તૌબા એટલે ક્ષમાયાચના માંગનારાની તૌબા સ્વીકાર કરવાના મામલામાં અલ્લાહની દયા ખૂબજ વિશાળ છે, ભલે તૌબા કરનારના ગુના કેટલાય વધારે કેમ ન હોય.
કુઆર્નમાં ઉલ્લેખ છે, “(હે પયગંબર) કહી દો કે હે મારા બંદાઓ! જેમણે પોતાના ઉપર અતિરેક કર્યો છે, અલ્લાહની કૃપાથી નિરાશ નથઈ જાઓ, નિશ્ચિતપણે અલ્લાહ બધા જ ગુના માફ કરી દે છે.” (સૂરઃઝુમર-૫૩)
આ રહેમત અને દયા તો માણસને તૌબા અને પશ્ચાતાપ તરફ બોલાવે છે. અવજ્ઞાકારી, ગુમરાહ અને અપરાધમાં ઘેરાયેલા લોકોને પાછા વળવાનો સંદેશ આપે છે. તેમને એ સંદેશ આપે છે કે તેઓ અલ્લાહના માફ કરી દેવાના ગુણ ઉપર ભરોસો કરે અને ગમે તેવા સંજોગો હોય, તેનાથી ક્ષમાની આશા રાખે. તે વ્યક્તિ અલ્લાહની અવજ્ઞામાં તમામ હદ ઓળંગી ગયો હતો, ગુનાઓમાં ગળાડૂબ થઈ ગયો હતો, પોતાના સ્વામીની સુરક્ષાથી દૂર નીકળી ગયો હતો, સત્યમાર્ગથી ભટકી ગયો હતો, હવે તેના અને વિશાળ-પ્રેમાળ દયા વચ્ચે માત્ર તૌબા અને ક્ષમાયાચના સિવાય કંઇ જ ન હતું. તેણે તો આ તદ્દન ખુલ્લા દરવાજા તરફ વળવાનું જ હતું જેના ઉપર કોઈ સંત્રી પણ નહોતો બેઠો કે તેને અંદર જતાં રોકી દે અને આ દયાના દરવાજાના અંદર દાખલ થવા માટે કોઈની પરવાનગી લેવાની પણ જરૂરત નથી.
એક સબક આ પ્રસંગથી એ મળે છે કે એક આલીમને એક ઉપાસક ઉપર શ્રેષ્ઠતા પ્રાપ્ત છે. આ કથામાં એક ઉપાસકે (ઇબાદતકરનાર) પોતાની અજ્ઞાનતાના કારણે ફતવો આપ્યો અને આલીમે પોતાના જ્ઞાનના આધારે… અલ્લાહ કહે છે, “કહો, શું તે લોકો જે જ્ઞાન ધરાવે છે અન ેતેઓ જે જ્ઞાન ધરાવતા નથી બંને સમાન હોઈ શકે છે!” (સૂરઃઝુમર-૯)
આ વાર્તાથી એક સબક એ પણ મળે છે કે મનુષ્ય એવી જગ્યાનો જરૂરતમંદ છે જ્યાં સ્વતંત્રતાપૂર્વક અલ્લાહની ઇબાદત કરી શકે. એવા માહોલનો મોહતાજ છે જે તેને ભલાઈ અને સદ્વર્તનના કામોમાં ઉત્તેજન પુરૃં પાડે. તે સાથે એ પણ જરૂરી છે કે એવી જગ્યાઓથી દૂર રહે જ્યાં ગંદા અને અનૈતિક કામો કરવા સહેલા હોય.
અસત્ય અને નૈતિક દૂરાચારના માહોલથી નીકળીને સ્વચ્છ અને પવિત્ર વાતાવરણ તરફ હિજરત કરવાથી માનવીનો સંબંધ બીજા ઇમાનદાર માનવોથી જોડાય છે. તેઓ એકબીજાને પ્રેમ કરવા લાગે છે અને ઈમાનથી ભરપૂર કથન અને આચરણની તાલીમ પ્રાપ્ત કરે છે. તેઓ એક સાથે નમાઝ પઢે છે તો પછી નમાઝ એમની આદત બની જાય છે. તેઓ એક બીજાથી કુઆર્ન સાંભળે છે તો કુઆર્નનું પઠન અને રસપૂર્વક સાંભળવું નિત્યક્રમ બની જાય છે. તેઓ એકમેકથી પ્રેમ કરે છે તો પરસ્પર પ્રેમ તેમના જીવનનો હિસ્સો બની જાય છે. ભેગા મળીને સંકટોનો સામનો કરે છે તો દીન અને ઈમાનના માર્ગે સમસ્યાઓ સહન કરવી તેમના માટે આસાન થઈ જાય છે. તેઓ બધા મળીને એક એવા સમાજની રચના કરે છે. જેમાં ઇસ્લામી કલ્પનાઓ, આસ્થાઓ અને આધ્યાત્મિક્તાની રૃહ કાર્યરત હોય છે. આ રીતે આ ઇસ્લામી ધારણાઓ જોતજોતામાં વ્યક્તિગત અને સામુહિક જીવનનું અંગ બની જાય છે અને સમાજને વૃદ્ધિ-વિકાસ અને સ્થિરતાની જમાનત મળી જાય છે.
એક સબક આ પ્રસંગથી એ પણ મળે છે કે એક વ્યક્તિએ એક પણ સારૃં કામ કર્યું નથી તેમ છતાં પણ સ્વર્ગમાં દાખલ થઈ ગયો. જેવી રીતે આ મામલામાં દયા અને પ્રકોપના ફરિશ્તાઓ વચ્ચે વિવાદ પેદા થઈ ગયો હતો. આ વિવાદ આજે પણ એ લોકો દરમિયાન ચાલુ છે, જેઓ અકીદો (આસ્થા) અને અમલ બંનેને ઇમાનનો ભાગ સમજે છે. અને બીજા જેઓ માત્ર અલ્લાહ અને રસૂલ ઉપર આસ્થા ધરાવવાને જ ઈમાન સમજે છે. ક્યારેક એવું પણ થાય છે કે એક વ્યક્તિએ કોઈપણ નેક કામ ન કર્યું હોય અને તેમ છતાં અલ્લાહની રહેમત તેને જન્નતમાં લઈ જાય.
(જનાબ મુસ્તુફા મુહમ્મદ તહાન લિખિત પુસ્તક ‘નુકુશે તરબિયત’ના સાનિધ્યથી)