અહમદાબાદ ખાતે ૧૩મી સપ્ટે.ના રોજ મધ્યરાત્રીએ અમુક ગૌરક્ષકો દ્વારા મો. ઐયુબ અને સમીરને જે ઢોર માર મારવામાં આવી, એનાથી આખો મુસ્લિમ સમાજ વ્યથીત છે અને ન્યાયની માંગણી કરી રહ્યો છે. આ બનાવ ફકત અહમદાબાદ પુરતો જ નથી જો આપણે નજર દોડાવીશું તો આપણને જોવા મળશે કે પાછલા બે વર્ષોથી ગૌરક્ષકો દ્વારા ભારતભરમાં ગૌરક્ષાના નામે જે ગુંડાગીરી કરવામાં આવી રહી છે, એને જોતા પરિસ્થિતિ સામાન્ય નથી લાગતી અને વધુ વિકટ બની રહી છે. બીફના નામે પુરુષો ઉપર અત્યાચાર અને સ્ત્રીઓ ઉપર ગેંગરેપ કરવામાં આવી રહ્યા છે. જે ગંભીર તેમજ નોંધપાત્ર બાબત છે.
હવે આપણે જોઈએ તો દાદરીમાં અખ્લાકનો જે મામલો બન્યો એમાં અખ્લાક ઉપર પાશ્વી અત્યાચાર ગુજરાવામાં આવ્યો આખરે એ મૃત્યુ પામ્યું અને ગૌરક્ષકો તેમજ ભીડ ન્યાય પ્રક્રિયાના મામલામાંથી નીકળી ગઈ અને આખરે પરીવાર જ દોષી ઠેરવવામાં આવ્યો.
ઉનામાં દલિતો ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને જ્યારે પરિસ્થિતિ બહુસંખ્યક સમાજ અને રાજનીતિક ફાયદા વિરૂદ્ધ બની તો પ્રધાનમંત્રીને આખરે બોલવું પડયું કે ”વાર કરના હે તો મુઝ પર કરો, ગોલી ચલાની હે તો મુઝ પર ચલાઓ, મેરે દલીત ભાઈઓં કો છોડ દો.”
મેવાતમાં ગૌરક્ષકોએ બીફના નામે બે લોકોને મોતના ઘાટ ઉતારવામાં આવ્યા અને બે સગીર કન્યાઓ સાથે ગંગરેપ ગુજારાવામાં આવ્યો. અહિંયા પણ ક્યાંક પોલીસ પ્રશાસન તરફથી મામલામાં ઢીલ જોવા મળી.
ઉપરની ઘટનાઓથી એ સાફ જોવા મળે છે કે કેવી રીતે લોકોના સંવૈધાનિક અધિકારો ઉપર તરાપ મુકવામાં આવી રહી છે, એમની આઝાદી છીનવી લીધી છે અને આમાં પોલિસ પ્રશાસન તરફથી જે બાંધછોડ અને ઢીલ વર્તવામાં આવી છે એનાથી ગુંડાતત્વોમાં કાનૂન પ્રત્યે ડર જતો રહ્યો અને એ લોકો કાનૂન હાથમાં લેવા લાગ્યા.
ગૌરક્ષકોના મામલે શું એક દેશનો પ્રધાન મંત્રી આટલા બેબસ થઈ ગયા છે કે ગૌરક્ષાના નામ પર ગુંડાગર્દી કરવાવાળા લોકો સામે કાંઈક પગલા લેવાની વાત તો દૂર પોતે ગોલી ખાવા તૈયાર થઈ ગયા. ગૌરક્ષાના નામે જે લોકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તે લોકો આપથી ઉમ્મીદ બાંધીને બેઠા છે. અને પ્રધાનમંત્રી તરફથી આવી વાત કહેવામાં આવે તો એ આશ્ચર્યજનક વાત છે.
જ્યારે વાત ગોળી ચલાવવાની થઈ રહી હોય તો ગૌરક્ષાના નામે મુસલમાન પણ ઓછો જલીલ નથી થયો, કેટલાયને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા આનાથી તમે વાકેફ હશો. અહીંયા હું આને ધાર્મીક રંગ આપવા નથી માગતો. પીડિતને કોઈ ધર્મના આધારે જોવું યોગ્ય નથી, પીડિત પીડિત હોય છે. લાશ લાશ હોય છે એને ધર્મથી શું મતલબ ? પણ અપીલમાં ખાસ એક સમાજનું નામ લઈ બીજા સમાજને બાકાત રાખવાનો મતલબ શું ?
ઉના અને અન્ય જગ્યાઓ પર જે રીતે દલિતો અને મુસલમાનોને ગૌરક્ષાના નામે નિશાન બનાવવામાં આવી રહ્યા હતા અને એની જે વ્યાપક પ્રતિક્રિયાઓ સામે આવી એનાથી બીજેપીમાં એક મોટી ચિંતાનો વિષય એ હતો કે દલિત અને મુસલમાન ભેગા થઈ રહ્યા છે અને જો આ બે રાજનેતિક શક્તિઓ મળી ગઈ તો રાજકીય નુકસાન ભોગવવું પડશે.
એટલે પ્રધાનમંત્રીએ ભાવાત્મક અપીલ કરી, કાશ કે આપે કહ્યું હોત કે ”ગોલી મારના હે તો મુઝે મારો, મેરે દલિત ઔર મુસલમાન ભાઈયોં કો છોડ દો”. પણ એવું થયું નહીં. આ કેવી રીતે શક્ય હતું કારણ કે રાજકીય નુકશાનનો ભય હતો. ગૌરક્ષા મામલો ધાર્મિક- રાજકીય નહીં પરંતુ સમય અને સંજોગ પ્રમાણે ખાસ લઘુમતીઓ સામે ખાસ કારણોસર ઉપયોગ કરવામાં આવે છે.
ભારત જ્યારે બીફ એક્ષપોર્ટમાં નંબર વન છે તો એ કઈ રીતે શક્ય છે કે જ્યાં ગાયની પૂજા થતી હોય તે નંબર ૧ એક્ષપોર્ટ દેશ બની જાય. કેમ મોટા મોટા બીફ એક્ષપોર્ટ કંપનીઓ ઉપર પાંબદી લાદવામાં નથી આવતી.
ઘાસ, ચારા અને પાણીની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગાય જ્યારે પાંજરાપોળોમાં દમ તોડતી હોય છે ત્યારે કેમ એમનું રક્ષણ કરવામાં નથી આવતો, ગાય જ્યારે રસ્તાઓ પર રખડતી હોય છે અને પ્લાસ્ટીકની થેલીઓથી પેટ ભરે છે ત્યારે કેમ કોઈનું પેટનું પાણી નથી હાલતું.
વાસ્તવિકતા એ છે કે ગૌ રક્ષા માટે આપણી પાસે જરૂરીયાત અને આધારરૃપ વ્યવસ્થા નથી. ત્યારે ગૌરક્ષાના નામે કોઈને આઘાત નથી લાગતો કે લાગણી નથી દુભાતી. લાગણીઓ ફકત દલિત અને મુસ્લિમો સુધી સીમિત કેમ છે એ સમજવાની જરૃર છે.
ભારતમાં લઘુમતી સમાજમાં જે અસુરક્ષા અને અવિશ્વાસની ભાવના વધી રહી છે તેને વિશ્વાસમાં લેવાની જવાબદારી સરકારની પોતાની છે પણ બહુમતી સમાજના ન્યાયપ્રિય લોકો પણ સાથે આવે તો જ પરિસ્થિતિ બદલાઈ શકે છે.