‘ભઇલા, આ તો આપણા પૂર્વજોનો વારસો છે તેને ત્યજી શકાય નહિં’ અથવા ‘યહ તો બાપ દાદા સે ચલા આ રહા હૈ.’ આ અને આના જેવા ઘણા વાક્યો અને સૂત્રો છે જે દરેક સુધારણાવાદી અથવા સત્યવાદી કે વિવેકપંથીને સાંભળવા પડે છે. બાપ-દાદા કે પૂર્વજોની ઉપાસના કરવી કે તેમના ઘડેલા નીતિ નિયમો કે રસમોને એટલા માટે પકડી રાખવા કે તે અમારા બાપ-દાદાથી ચાલતી આવે છે એ વાત ન યોગ્ય છે ન ન્યાય સંગત. બાપ-દાદાથી ચાલતા આવતા સારા નિયમો કે રિવાજોને અપનાવવું ખોટું નથી. પરંતુ એ વસ્તુઓને પણ સ્વીકારવું જે સત્યના સાચામાં ફિટ બેસતા નથી. આ આંધળુ અનુકરણ જ નથી બલ્કે શિર્ક સુધી પહોંચી જાય છે. ઘણા બધા લોકોમાં એક નબળાઈ હોય છે તેઓ પોતાના પૂર્વજોની જીવનની ઘટનાઓ તેમની વીરતાની વાર્તાઓ એવી રીતે રજૂ કરે છે કે આવું લાગે તેઓ આપણા જેવા માણસ નહોતા બલ્કે કોઈ પવિત્ર આત્મા કે ઇશ્વરીય વ્યક્તિ હતી. આવી વાર્તાઓથી જ પૂર્વજોની ભક્તિની શરૃઆત થાય છે. ચીનના શેન્ટો ધર્મ કે ફ્યુશસ ધર્મના લોકો જ પૂર્વજોની ભક્તિ કરે છે. આવું નથી દુનિયાના દરેક ભાગમાં કોઈને કોઈ રૃપમાં આ રદ બાતલ માન્યતા જોવા મળે છે.
બાપ-દાદાની ઉપાસનાના વિવિધ રૃપ આપણે સમાજમાં નરી આંખે જોઈ શકીએ છીએ. સમાજનો કોઈ સારો અને ચરિત્રવાન વ્યક્તિની મૃત્ય થઈ જાય તો લોકો તેની ઉપાસના શરૃ કરી દે છે. તેને દરેક સ્થાને હાજર સમજી તેનાથી પ્રત્યેક ડરે છે તેને ઇશ્વર અને વ્યક્તિ વચ્ચેનો મધ્યસ્થી સમજવા લાગે છે. તેનાથી આગળ વધી તેમને વધુ પ્રખ્યાત કરવા તેમના નામે ઘણા બધા ચમત્કારોની ઘટનાઓ ધરી સમાજમાં પ્રચલિત કરે છે. તેમના ફોટાઓ કે ચિત્રો ઘરમાં કે દુકાનમાં લટકાવી તેને ઇશ્વરીય કૃપાનું કારણ અથવા અનિષ્ઠ તત્વો કે અસૂરી શક્તિઓથી સુરક્ષિત રહેવાનું માને છે. તેમના સામે દિવાબત્તી કરે. તેમને ફૂલ ચઢાવે કે માળા પહેરાવે છે. તેમના નામના પ્રસાદ વિતરણ કરે છે. આટલું જ નહિ પછી કોઇને ઇશ્વરનો અવતાર સુધી ઘોષિત કરી દે છે. તેમની મૂર્તિઓ તેમના નામના ઉપાસનાગૃહો (મંદિરો) બનાવે છે.
ઘણા બધા લોકો એવા છે જેઓ માને છે કે આપણા બાપ-દાદા જેઓ વર્ષો પહેલા મૃત્યુ પામ્યા છે. પૃથ્વી પર અવારનવાર આવતા રહે છે. તેમને પ્રસન્ન કરવા માટે અમુક ક્રિયાકાંડ કરવા પડે નહીંતર તેઓ આપણથી નારાજ થઈ જશે અને આપણને ઘણી તકલીફો ભોગવવી પડશે.
બાપ-દાદાની ભક્તિનો એક બીજું સ્વરૃપ આ છે કે વ્યક્તિ સમક્ષ કોઈ સાચી વસ્તુ આવે કે કોઈ માણસ પેલી વ્યક્તિને સાચા રસ્તે લાવવા અંધવિશ્વાસથી છુટકારો અપાવવા કે ખોટી રસમોને ત્યજવા જણાવે, તેની વાતોથી સંમત હોવા છતા તે તેની વાતને માત્ર એટલા માટે નકારી છે કે તે વસ્તુ તેના બાપ-દાદાથી ચાલતી આવે છે અને જો તેના વિપરિત કંઇક કરશે તો સમાજના લોકો નારાજ થઈ જશે અથવા ફલાણા દેવી કે દેવતા અપ્રસન્ન થઈ જશે.
એ વાત સમજી લેવી જોઈએ કે જ્યારે જીવિત રહેતો કોઈ વ્યક્તિ અલ્લાહના નિર્ણયોમાં દખલ કરી શકતો નથી કે સૃષ્ટિના સંચાલનમાં કોઈ ફાળો આપી શકતો નથી તો મૃત્યુ પછી તે કેવી રીતે કોઈના બગાડેલા કામ કઇ રીતે બનાવી શકે? કોઈની વહારે કઈ રીતે આવી શકે? કોઈને મદદ કઈ રીતે પહોંચાડી શકે? કોઈની મનોકામના કઈ રીતે પૂર્ણ કરી શકે? કોઈને તકલીફ કે સુખ કઈ રીતે આપે શકે? જે વ્યક્તિ જીવિત અવસ્થામાં દરેક જગ્યા હાજર ન રહી શકતો હોય તે મૃત્યુ પછી દરેક જગ્યા કઈ રીતે જઈ શકે? આ વાત મન-મસ્તિષ્કમાં બેસતી જ નથી. એક સામાન્ય નિયમ છે જે અલ્લાહે બનાવ્યો છે કોઈ પૃથ્વી ઉપર જ્યારે કોઈ આત્મા શરીરને ત્યાગ કરે એટલે કોઈ મનુષ્ય મૃત્યુ પામે તે સાથે જ તે અલ્લાહે આત્મા માટે બનાવેલ સ્થાને જતી રહે છે અને શરીર ખાક બની કે રાખ બની વિનાશ પામે છે. કોઈ વ્યક્તિ તે સામાન્ય જન હોય કે કોઈ સંત ફકીર કોઈની આત્મા મૃત્ય પછી પૃથ્વી પર આવતી નથી કે લોકોના કોઈ પણ કાર્યોમાં મદદ કે હસ્તક્ષેપ કરતી નથી.
એવું જ બાપ-દાદાથી ચાલતી આવતી માન્યતાઓનું છે. વ્યક્તિ એકેશ્વરવાદ (તોહીદ)ને સૌ ટકા સાચો સમજે છે પરંતુ લાંબા સમયથી ચાલતી આવતી મૂર્તીપૂજાને માત્ર તે એટલા માટે ત્યજી શકતો નથી કે તેના બાપ-દાદાથી આવું જ ચાલે છે. શું તેઓ ખોટા માર્ગે હતા? આપણે ખોટા હોઈ શકીએ પરંતુ અમારા પૂર્વજો તો ખૂબજ બુદ્ધિમાન અને સમજુ માણસ હતા. એવા વિચારે તેને સત્ય સ્વીકારવામાં અડચણરૃપ હોય છે. ધંધા વ્યવસાયની બાબતમાં તે બાપ-દાદાનું આંધળો અનુકરણ કરતો નથી બલ્કે કહે છે કે તેમને સમજ નહોતી પડતી. શું તમે લકીરના ફકીર છો; ત્યારે પૃથ્વી આટલી વિકસિત નહોતી વગેરે જેવી વાતો કરી પોતાના માટે ઇચ્છા મુજબનો વ્યવસાય પસંદ કરે છે પરંતુ રીતિ નીતિની વાતો આવે તો ત્યાં વિચારસુદ્ધા નથી કરતો. માન્યતાઓ અને શ્રધ્ધાની બાબતમાં બુદ્ધિ અને વિવેકને કામે નથી લગાવતો. ભૌતિક લાભો પ્રાપ્ત કરવા માટે પૂર્વજોનો હવાલો નથી આપતો પરંતુ જ્યારે ધર્મની બાબતમાં વાત કરીએ તો આંખ આડા કાન કરે છે.
બાપ-દાદા અને પૂર્વજોની ઉપાસનાનો રોગ નવો નથી. ઘણો પ્રાચીન છે. સાચા ગ્રંથો અને પુસ્તકોનું વાંચન કરીશું તો આ વાત સ્પષ્ટ રીતે આપણી સામે આવી જશે. ૧૪૦૦ વર્ષ પૂર્વે પયગમ્બર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ)ના જન્મ પહેલા નો આરબનું ઇતિહાસ જુઓ. મક્કાવાસીઓ પણ આ જ બિમારીથી પીડાતા હતા. બાપ-દાદાની ભક્તિ કે ઉપાસના એવો ઘાતક રોગ છે જે વ્યક્તિને નૈતિક અને આધ્યાત્મિક રૃપે સ્વસ્થ્ય થવા દેતો નથી. એકેશ્વર (તોહીદ)માં શ્રધ્ધા જ આ પ્રકારના રોગથી મુક્તિ અપાવી શકે છે. મૃત્યુ પામેલી વ્યક્તિઓ વિશે અલ્લાહ કુઆર્નમાં કહ્યું છે, “અને તે બીજી હસ્તીઓ જેમને અલ્લાહને છોડીને લોકો પોકારે છે, તે કોઈ પણ વસ્તુની સર્જક નથી, બલ્કે પોતે જ સર્જન છે. નિર્જીવ છે નહીં કે સજીવ, અને તેમને સહેજ પણ ખબર નથી કે તેમને ક્યારે (પુનઃ જીવંત કરીને) ઉઠાવવામાં આવશે.” (સૂરઃ નહ્લ-૧૬:૨૦,૨૧)
અને આ ભક્તિના કુસ્વરૃપ રસમ રિવાજમાં જોઈ શકાય જેને તે લોકોએ ઇશવાણી જેવું સ્થાન આપ્યું. “અને જ્યારે તેમને કહેવામાં આવે છે કે આવો, તે કાનૂન તરફ જે અલ્લાહે ઉતાર્યો છે અને આવો પયગંબર તરફ, તો તેઓ જવાબ આપે છે કે અમારા માટે તો બસ તે જ પદ્ધતિ પૂરતી છે જેના પર અમે અમારા બાપદાદાને જોયા છે. શું તેઓ બાપદાદાનું જ અનુસરણ કર્યે જશે, ચાહે તેઓ કંઈ પણ જાણતા ન હોય અને સાચા માર્ગની તેમને ખબર જ ન હોય?” (સૂરઃ માઇદહ-૫ઃ૧૦૪)
શું બાપ-દાદાના અનુકરણને સંપૂર્ણપણે નકારી શકાય?
બાપ-દાદાથી ચાલતા આવતા નિયમો સુધારણાવાદી ઉભા થયા તો તેઓ જે વિચાર રજૂ કર્યો તેમાં પણ સંતુલન નહોતો. પ્રખ્યાત કવિ ટેનિશન કહે છે જો સારાથી સારી વસ્તુ પણ કાયમ રહેશે તો દુનિયાને બગાડી દેશે. તેમના મત મુજબ બાપ-દાદાથી ચાલી આવતી દરેક વસ્તુને બદલી નાખવી જોઈએ. મારા મત મુજબ આ વાત યોગ્ય નથી એમાં એટલા સુધારાની જરૃર છે કે વ્યક્તિ સત્યવાદી બની રહે અને એ સુધારો આ છે કે કોઈ પણ વસ્તુને વ્યક્તિ ઇશવાણી અને ઈશદૂતના કથનો ઉપર તપાસે અને જે આ વર્તુળમાં બંધ બેસતી હોય તેને સ્વીકારે અને જે ખોટી લાગે તેને ત્યજી દે. સાચા પુરૃષો આવું કરે છે. અલ્લાહ એક મહાન નબી (દૂત)નો દાખલો આપતા કહે છે, “યૂસુફે કહ્યું, ”અહીં જે ખાવાનું તમને મળે છે તે આવે તે પહેલાં હું તમને આ સ્વપ્નોનું ફળ બતાવીશ. આ તે જ્ઞાનમાંથી છે જે મારા રબે મને પ્રદાન કર્યું છે. સાચું તો એ છે કે મેં તે લોકોનો માર્ગ છોડીને, જેઓ અલ્લાહ ઉપર ઈમાન લાવતા નથી અને આખિરત (પરલોક)નો ઇન્કાર કરે છે, પોતાના વડવાઓ ઇબ્રાહીમ, ઇસ્હાક, યાકૂબનો માર્ગ અપનાવ્યો છે. આપણું આ કામ નથી કે અલ્લાહ સાથે કોેઈને ભાગીદાર ઠેરવીએ. હકીકતમાં આ અલ્લાહની કૃપા છે આપણા ઉપર અને તમામ મનુષ્યો ઉપર (કે તેણે પોતાના સિવાય કોઈના બંદા આપણને બનાવ્યા નથી) પરંતુ મોટા ભાગના લોકો આભારી થતા નથી.” (સૂરઃ યૂસુફ-૧૨ઃ૩૭,૩૮)આપણે કોઈ પણ ધર્મમાં માનતા હોઈએ, કોઈપણ સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા હોઈએ સત્યને પારખવાની એક કસોટી આપણી પાસે હોવી જોઈએ અને એ કસોટી બાપ-દાદા કે પૂર્વજોથી ચાલતી આવતી વસ્તુઓ નથી બલ્કે ઇશ્વરીય ગ્રંથ અને તેના પયગમ્બરનો વાણી વ્યવહાર છે. દુનિયામાં આપણને નાનામાં નાની વસ્તુ ખરીદવી હોય તો પણ આપણે તપાસીને લઈએ છીએ. પછી સત્યની બાબતમાં આવું કેમ નથી!!! *
(sahmed.yuva@gmail.com)