Thursday, November 21, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસઆત્મશુદ્ધિના માધ્યમો અને ઉપાયો

આત્મશુદ્ધિના માધ્યમો અને ઉપાયો

કુઆર્નનો વિષય માનવી છે. કુઆર્નનો નીચોડ એ છે કે માનવી અસ્ફલિસ્સાફેલીનમાં જવાના બદલે સાચા અર્થમાં વિશ્વની શોભા, સૃષ્ટિમાં ઉચ્ચ અને પ્રતિષ્ઠિત જેવું આચરણ પેદા કરે. એટલા માટે કે નબીયો (ઈશદૂતો)જ આપણા માટે આદર્શ (નમૂનો) છે. ઐશ્વરિય ગુણોનું પ્રતિબિંબ અને નબવી ગુણોના ધારક બન્યા પછી માનવી શ્રેષ્ઠતા અને વિકાસના ઉચ્ચ સ્થાને પહોંચી જાય છે. આ કાર્ય માટે જ અલ્લાહ તઆલાએ દુનિયામાં નબીયોને મોકલ્યા. નબીઓને મોકલવાનો હેતુ પણ આ જ બતાવવામાં આવ્યો છે કે તેઓ માનવ મનની શુદ્ધિ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. વ્યક્તિઓમાં સજાવટ પેદા કરવા અને માનવ સમાજની સુધારણા કરવા માટે નબીઓએ લોકોની યોગ્યતાને પારખવાનું અને તેને વિકાસની મંઝીલે પહોંચાડવાનું કાર્ય કર્યું. કુઆર્ન કહે છે (સૂરઃબકરહ ઃ ૧૨૯) અર્થ ઃ “અને હે માલિક ! આ લોકોમાં સ્વયં તેમના જ સમુદાયમાંથી એક પયગંબર ઉઠાવજે, જે તેમને તારી આયતો સંભળાવે, તેમને ગ્રંથ અને હિકમત (બુદ્ધિમત્તા અને તત્ત્વદર્શિતા)નું શિક્ષણ આપે અને તેમના જીવન શુદ્ધ કરે. તું મોટો પ્રભુત્વશાળી અને ડહાપણવાળો છે.”

પરિણામની દૃષ્ટિએ કેમકે તઝકીયાનો આશય છે, એટલા માટે આયતના અંતમાં તેનો ઉલ્લેખ આવ્યો છે. અમલ માટે તઝકીયા કેમ કે પ્રથમ છે તેથી ‘સૂરઃજુમ્આ’ની આયતમાં તેને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. (સૂરઃજુમ્આ ૧-૨) અર્થ ઃ “અલ્લાહની તસ્બીહ (મહિમાગાન) કરી રહી છે દરેક તે વસ્તુ જે આકાશોમાં છે અને દરેક તે વસ્તુ જે ધરતીમાં છે – સમ્રાટ છે, અત્યંત પવિત્ર, પ્રભુત્વશાળી અને તત્ત્વદર્શી. તે જ છે જેણે ઉમ્મીઓમાં એક રસૂલ (ઈશદૂત) સ્વયં તેમનામાંથી જ ઉઠાવ્યો, જે તેમને તેની આયતો સંભળાવે છે, તેમના જીવન દુરસ્ત ને સુસજ્જ કરે છે, અને તેમને ગ્રંથ અને હિકમત (તત્ત્વદર્શિતા)નું શિક્ષણ આપે છે, જો કે આના પહેલાં તેઓ સ્પષ્ટ પથભ્રષ્ટતામાં પડેલા હતા.”

‘સૂરઃજુમ્આ’ એ ‘સૂરઃસફ્ફ’ની જોડેની સૂરઃ છે. આ બંને સૂરતો ઉપર વિચાર કરવાથી કેટલીક બાબતો સ્પષ્ટ રીતે સામે આવે છે.

પહેલી : સૂરઃસફ્ફમાં નબીયે કરીમ (સ.અ.વ.)ને મોકલવાનો હેતુ બતાવવામાં આવ્યો છે કે દુનિયાના સર્વ જાતિ ધર્મો અને જીવન વ્યવસ્થાઓ ઉપર સત્ય દીનનું પ્રભુત્વ છવાઇ જાય.
બીજી : સત્યનું પ્રભુત્વ અને દીનની સ્થાપનાનું કાર્ય સંગઠિત માણસોની જમાઅત દ્વારા સ્થાપિત થાય છે. અલ્લાહતઆલાને મજબૂત સંગઠન અને કર્તવ્યનિષ્ઠ લોકો જ પસંદ છે. નહીં કે બડાશ મારવા વાળા.
ત્રીજી : આ કાર્ય માટે અલ્લાહતઆલાએ હઝરત મૂસા અલૈ. અને હઝરત ઇસા અલૈ. ને પણ મોકલ્યા હતા. પરંતુ બની ઇસ્રાઇલે બોધ ગ્રહણ કરવાના બદલે વક્રતા અને અજ્ઞાનતાને જ પસંદ કરી. તેમણે ઇલાહી ફરમાનોને બોજ સમજ્યા અને દુનિયા પરસ્ત બની ગયા. પરિણામે તેમની સ્થિતિ ગધેડા જેવી થઇ ગઇ કે તેઓ કિતાબ ધરાવતા હોવા છતાં કિતાબના ધારક ન બની શક્યા.
ચોથી : આ જ કાર્ય માટે ઇસા અલૈ. એ પોતાના હવારિયોને પોકાર્યો કે દીનની મદદ કરો. આ પોકાર પર તેઓએ લબ્બૈક કહ્યું. ઇસા અલૈ. એ ભવિષ્યમાં એક નબીની પધરામણીની ખુશ-ખબર પણ સંભાળી.
પાંચમી : સૂરઃસફ્ફમાં નબીએ કરીમ (સ.અ.વ.)ને મોકલવાનો હેતુ બતાવવામાં આવ્યો છે અને સૂરઃજુમ્આમાં આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ કાર્ય માટે માનવ સંસાધનને આપે કેવી રીતે સુગઠીત કર્યું અને કેવા-કેવા માધ્યમો અને ઉપાયોને ઉપયોગમાં લાવીને તેમનામાં છુપાયેલી યોગ્યતાઓને સજાવી.
છઠ્ઠી : તઝકિયામાં ઇચ્છનીય એ છે કે માણસ રબ્બાની સદ્ગુણો પોતાની અંદર પેદા કરે છે અને તેના રંગમાં રંગાઇ જાય. સૂરઃજુમ્આની શરૃઆતમાં આ સંદર્ભમાં જ રબના કેટલાક ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. ફરમાવ્યું કે અલ્લાહ બાદશાહ છે. જમીન અને આકાશોનો બાદશાહ પોતાની પ્રજાને કંઇક કહી રહ્યો છે તો સાંભળો તે પવિત્ર છે. આથી તે ચાહે છે કે મનુષ્ય પણ પોતાના અંત-કરણ અને બાહ્યને પવિત્ર બનાવે તે શક્તિશાળી છે. આથી તેના બંદા તેણે અર્પેલી જીવન પદ્ધતીને અપનાવીને પોતે પણ મજબૂત બને અને પૃથ્વી ઉપર પણ એ પદ્ધતિને અપનાવીને પોતે પણ મજબૂત બને અને પૃથ્વી ઉપર પણ એ પદ્ધતિ અને બંધારણને લાગુ કરવાનો જોશ, શોખ અને ઉમંગ પોતાનામાં પેદા કરે. અલ્લાહ તઆલાનું દરેક કાર્ય ડહાપણ ઉપર આધારિત છે. આથી માણસ પણ ડહાપણના અવતરિત નૂરથી પ્રકાશિત બની જાય.

અલ્લાહના ઉપરોક્ત ચાર ગુણોનું વર્ણન કરીને એ બતાવવામાં આવ્યું છે કે તે જ છે જેણે અભણોમાં એક પયગંબરને મોકલ્યા, તે લોકોને અલ્લાહના ફરમાનો સંભળાવે, તેમની સુધારણા કરે, તેમને ફરમાનો અને નિયમોની તાલીમ આપે અને ડહાપણથી માલા-માલ કરે.

અંતિમ વાત આના પરથી એ જાણવા મળે છે કે તઝકીયા, આયતોની તિલાવત અને કિતાબની તાલીમ અને ડહાપણ વગર શક્ય નથી. તે સિવાય તઝકીયાના જેટલા માર્ગ ઉમ્મતમાં પ્રચલિત છે તેનાથી સંસારનો ત્યાગી, ફકીર, તપસ્વી અને લાગણીશૂન્ય સ્વભાવ તૈયાર થઇ શકે છે. પરંતુ નબવી મિશનનું રક્ષણ કરનાર નહીં. તઝકીયાના મુકામ સુધી પહોંચવા માટે જે માધ્યમો અને ઉપાયો નબીયે કરીમ (સ.અ.વ.)એ ઉપયોગમાં લાવ્યા તે નીચે પ્રમાણે છેઃ
(૧) આયતોની તિલાવત
(૨) કિતાબની તાલીમ
(૩) ડહાપણની તાલીમ

તઝકીયા અને આયતોની તિલાવત :

મનુષ્ય મૂળભૂત રીતે એક પ્રાકૃતિક અસ્તિત્વ છે, જેને એક શરીર પણ અર્પણ થયુ છે. પ્રાકૃતિક અસ્તિત્વના વિકાસ માટે અલ્લાહના કલામથી વધુ અસકારક કોઇ માધ્યમ નથી. નબી (સ.અ.વ.)નો આ મુબારક મંત્ર હતો કે આપ (સ.અ.વ.) અલ્લાહના કલામને શ્રોત બનાવે. અલ્લાહના અવાજને તિલાવત બનાવો. જેના કારણે અલ્લાહ પોતાના બંદાઓ જે વાત કહેવા માગે છે તે ધર્મનિષ્ઠ લોકોના કાન સુધી પહોંચી જાય. આપ (સ.અ.વ.)ને આ વાતની આજ્ઞા આપવામાં આવી કે, (સૂરઃઅન્કબૂત-૪૫) અર્થઃ “(હે નબી!) તિલાવત કરો આ ગ્રંથની (અર્થાત્ પઠન કરો આ કુઆર્નનું) જો તમારા તરફ વહી દ્વારા મોકલવામાં આવ્યો છે અને નમાઝ કાયમ કરો …” , (સૂરઃ કહ્ફ ઃ ૨૭) અર્થઃ “હે નબી ! તમારા રબના ગ્રંથમાંથી જે કંઈ તમારા પર વહી કરવામાં આવ્યું છે તેને (જેમનું તેમ જ) સંભળાવી દો, કોઈ તેના ફરમાનોને બદલવાનું સામર્થ્ય ધરાવતો નથી. (અને જો તમે કોઈના માટે આમાં ફેરફાર કરશો તોે) તેનાથી બચીને ભાગવા માટે કોઈ આશ્રયસ્થાન નહીં મેળવો.”.
જ્યારે આપ (સ.અ.વ.) તિલાવત ફરમાવતા તો અવાજ આપ (સ.અ.વ.)ની હતી પરંતુ કલામ અલ્લાહનો હતો. આ રીતે સાંભળનારનો કલામ કરનાર સાથે એક નવો સંબંધ અસ્તિત્વમાં આવે છે. ઇઝુટ્સુ (Izutsu)એ પોતાના પુસ્તક ‘God and Man in the Quran’ માં લખ્યું છે કે અલ્લાહ અને બંદા વચ્ચે ચાર પ્રકારના સંબંધ છે.

(૧) સ્પષ્ટ સંબંધ ઃ સર્જનહાર અને સર્જનના આધારથી સંબંધ. ‘Ontological Relationship’

(૨) આજ્ઞાંકિત (તાબેદાર)ની હેસિયતથી સંબંધ ઃ મા’બૂદ સાથે આજ્ઞાપાલન અને ઇબાદતનો સંબંધ. ‘Lord-Servant Relationship’

(૩) વ્યવહારિક સંબંધ ઃ રહમત અને ગઝબ, વાયદા અને ચેતવણીનો સંબંધ. ‘Ethical Relationship’

(૪) વાર્તાલાપનો સંબંધ ઃ આકાશી કિતાબો અને દુઆના માધ્યમનો સંબંધ. ‘Communicative Relationship’

કુઆર્નની તિલાવત કોઇ અન્યથી સાંભળીએ અથવા આપણે પોતે તિલાવત કરીએ ત્યારે અલ્લાહ સાથે રૃબરૃ વાર્તાલાપનો સંબંધ પેદા થઇ જાય છે. વહી હકીકતમાં ઇશારાને કહે છે પરંતુ કુઆર્નની વહી અવાજના રૃપમાં થયેલી વહી છે. આ વહીની તિલાવત શક્ય છે. કુઆર્ન અલ્લાહનો કલામ છે. એને કલામ એટલા માટે કહેવામાં આવ્યું છે કે બંદાઓ તેને સાંભળે. અર્થાત્ તિલાવત સાંભળવાની ગરજ માટે છે અને સાંભળવુ એટલા માટે છે કે બુઝુર્ગ અને બરતર અલ્લાહતઆલાના ફરમાનો અનુસાર મનુષ્ય પોતાની જાતને બદલી દે. અલ્લાહની કિતાબના માટે ‘કલામ’ શબ્દ ઘણી જગ્યાએ આવ્યો છે. દૃષ્ટાંત તરીકેઃ

“અને જે મુશ્રિકોમાંથી કોઈ શરણ માંગીને તમારા પાસે આવવા ઇચ્છેે (જેથી અલ્લાહની વાણી સાંભળે) તો તેને શરણ આપી દો, ત્યાં સુધી કે તે અલ્લાહની વાણી સાંભળી લે…” (સૂરઃ તૌબા-૦૬), “હે મુસલમાનો ! હવે શું તમે આ લોકો પાસે એ આશા રાખો છો કે તેઓ તમારા આમંત્રણ પર ઈમાન લઈ આવશે ? જો કે તેમનામાંના એક જૂથની રીત એ રહી છે કે અલ્લાહની વાણી સાંભળી અને ત્યારપછી બરાબર સમજી-વિચારીને ઇરાદાપૂર્વક તેમાં ફેરફારો કર્યા.” (સૂરઃબકરહ-૭૫).

કુઆર્નના માધ્યમથી જાણે અલ્લાહતઆલા આપણી સાથે વાર્તાલાપ કરે છે. વાત કરવા માટે તેણે ખાસ વ્યવસ્થા કરી. જોકે અલ્લાહ અને બંદા વચ્ચે બે અત્યંત વિરોધાભાસી સ્થાન છે. એક શાશ્વત હસ્તી એક નાશવંત હસ્તીથી વાત કરે. એનાથી મોટુ સદ્ભાગ્ય માનવી માટે બીજુ શું હોઇ શકે છે.!! ધારો કે માણસ અને ઘોડા વચ્ચે વાર્તાલાપનો સંબંધ હોય તો શું થશે? બંને સર્જનો બુદ્ધિ અને સમજની જુદી-જુદી સપાટી પર છે. માણસ પશુથી વાત-ચીત કરવાનો સંબંધ પેદા કરી લે એ આ દુનિયાની વિલક્ષણ ઘટના હશે. માની લઇએ કે માણસ ઘોડાની બોલી જાણી લે અને તેની સાથે વાત કરે અને તેમને બોધ આપે કે તેમના માટે ઉત્તમ જિંદગીનો માર્ગ શું હોઇ શકે છે? ત્યારે ઘોડાઓના આનંદની શું પરિસ્થિતિ હશે કે એક સર્વોત્તમ સર્જન માણસે તેમને આ લાયક સમજ્યા કે તેમની પોતાની બોલીને તેમનાથી વાત કરી.
મનુષ્ય અને પ્રાણી વચ્ચે વાત થઇ શકે એ અસંભવિત વસ્તુઓ પૈકી છે. પરંતુ અલ્લાહતઆલા માણસથી વાત કરે તે અલ્લાહ માટે સામાન્ય વાત છે. પરંતુ આપણા માટે તે અત્યંત સદ્ભાગ્ય અને ખુશકિસ્મતી છે. જો કોઇ ઉચ્ચ હોદ્દાદાર આપણાથી વાત કરી દે તો આપણી ખુશીનો કોઇ પાર નથી રહેતો અને બધાને કહેતા ફરીએ છીએ કે ફલાણા મિનિસ્ટરે મારી સાથે વાત કરી પરંતુ સૃષ્ટિનો સર્જનહાર વાત કરે અને તેનાથી આપણે પ્રભાવિત ન થઇએ તો તે આપણી બદકિસ્મતી જ હોઇ શકે છે. અલ્લાહના કલામમાં જબરજસ્ત અસરકારીતા અને મોહિત કરવાની શક્તિ જોવા મળે છે. તિલાવત કરવાથી કુઆર્ન પોતાની અસર અને મંત્રમુગ્ધ કરવાની શક્તિથી માણસને મોહિત કરી દે છે. અને તે જિંદગીમાં જોશ ખુશી અને અપાર આનંદ સાથે આગેકૂચ કરવા લાગે છે. જેને આપણે શબ્દ ‘તઝકીયા’ તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.

તિલાવત અને તઝકીયા :

તઝકીયાની શ્રેણીમાં આ વાત આવી ચૂકી છે કે આ પ્રાથમિક ફરજ છે. તિલાવત તેને સાંભળવાથી કેટલાય માણસોને એ સમયે પણ બદલી નાખ્યા હતા અને આજે પણ એવા કિસ્સા વાંચવા મળે છે. આપણા માટે પણ આ શક્ય છે. શક્ય જ નહીં પરંતુ ઇશભય અને ઉચ્ચધ્યેય સાથે તિલાવત અને શ્રવણ દ્વારા આપણી દિલની દુનિયા બદલાઇ જાય અને તે તમામ અડચણો દૂર થઇ જાય જે આપણી ઉન્નતિમાં અત્યાર સુધી બાધક રહી છે. કુઆર્ન કહે છે, “અલ્લાહે સર્વોત્તમ વાણી અવતરિત કરી છે, એવો ગ્રંથ જેના તમામ ભાગો સુસંગત છે અને જેમાં વિષયો વારંવાર દોહરાવવામાં આવ્યાં છે. તેને સાંભળીને તે લોકોના રૃંવાડાં ઊભા થઈ જાય છે જેઓ પોતાના રબ (પ્રભુ)થી ડરનારા છે અને પછી તેમના શરીર અને તેમના હૃદય નરમ પડીને અલ્લાહના સ્મરણ તરફ વળી જાય છે. આ અલ્લાહનું માર્ગદર્શન છે જેના દ્વારા તે સન્માર્ગ ઉપર લઈ આવે છે, જેને ચાહે છે, અને જેને અલ્લાહ જ માર્ગદર્શન ન આપે તેના માટે પછી કોઈ માર્ગદર્શક નથી.” (સૂરઃઝુમર-૨૩), “હે પયગંબર ! તે લોકોને કહી દો કે તમે આને માનો કે ન માનો, જે લોકોને આ પહેલાં જ્ઞાન આપવામાં આવ્યું છે તેમને જ્યારે આ સંભળાવવામાં આવે છે તો તેઓ ઊંધા મોઢે સિજદામાં પડી જાય છે.

અને પોકારી ઉઠે છે, ‘પવિત્ર અને ઉચ્ચ છે અમારો માલિક અને પાલનહાર ! તેનો વાયદો તો પૂરો થવાનો જ હતો. અને તેઓ ઊંધા મોઢે રડતાં-રડતાં પડી જાય છે અને તેને સાંભળીને તેમની વિનમ્રતા ખૂબ વધી જાય છે.” (સૂરઃ બની ઇસરાઈલ-૧૦૭ થી૧૦૯). “જ્યારે તેઓ આ વાણીને સાંભળે છે જે અલ્લાહના ૫યગંબર ઉપર અવતરિત થઈ છે, તો તમે જુઓે છો કે સત્ય ઓળખવાના કારણે તેમની આંખો અશ્રુભીની થઈ જાય છે. તેઓ બોલી ઉઠે છે,’પાલનહાર ! અમે ઈમાન લાવ્યા, અમારા નામ સાક્ષી આપનારાઓમાં લખી લે.’ અને તેઓ કહે છે, છેવટે શા માટે અમે અલ્લાહ પર ઈમાન ન લાવીએ અને જે સત્ય અમારા પાસે આવ્યું છે, તેને શા માટે ન માની લઈએ જ્યારે કે અમે તે વાતની ઇચ્છા રાખીએ છીએ કે અમારો રબ અમને સદાચારી લોકોમાં સામેલ કરે ?” (સૂરઃ માઇદહ-૮૩,૮૪)

આ છે તિલાવત અને શ્રવણની (સાંભળવાની) અસરો. તિલાવત બંદાને એના યોગ્ય બનાવે છે કે તે સત્યને ઓળખી લે અને નેક બનવાની ઇચ્છા તેનામાં જાગૃત થઇ ઉઠે અને નેક લોકોના સંગઠન સાથે સંબંધ એ તેનો ધ્યેય બની જાય.

હઝરત ઉમર રદી.નો કિસ્સો મશહૂર છે. તે નઉઝો બિલ્લાહ પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)ને કતલ કરવાના ઇરાદે નીકળ્યા હતા. રસ્તામાં તેમના બહેન અને બનેવીએ ઇમાન લાવવાની વાત સાંભળીને તેમના ઘરે ગયા. તેમને ખૂબ માર માર્યો. પરંતુ જ્યારે કુઆર્નની તિલાવત તેમના સામે કરવામાં આવી તો તેનાથી પ્રભાવિત થયા વગર રહી ન શક્યા. તે પોતે કહે છે, “જ્યારે મે કુઆર્ન સાંભળ્યું તો કહ્યું, આ કલામ કેટલું બધુ ઉત્તમ અને જ્ઞાનથી સભર છે. મારૃ દિલ ભરાઇ આવ્યું. હું રડવા લાગ્યો અને મે ઇસ્લામનો સ્વિકાર કરી લીધો.”

હઝરત તુફૈલ બિન ઉમરૃ દોસી, દોસ કબીલાના મોટા શાયર હતા જ્યારે તે મક્કા આવ્યા તો મુશ્રિકોએ પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)ના વિરૂદ્ધમાં ઘણું-બધું કહ્યું અને મિત્રતાના ભાવે સલાહ આપી કે ન જ તેમનાથી કંઇ વાત કરશો કે ન જ કંઇ તેમની વાત સાંભળજો. પરંતુ સંજોગવશાત્ એક દિવસે તે હરમશરીફમાં દાખલ થયા ત્યારે મુહમ્મદ (સ.અ.વ.) કુઆર્નની તિલાવત ફરમાવી રહ્યા હતા. તેનાથી પ્રભાવિત થયા. નજીક ગયા અને આપ (સ.અ.વ.)થી વધુ માહિતી પ્રાપ્ત કરી. પછી આપ (સ.અ.વ.)એ કુઆર્નની કેટલીક ભાગની તિલાવત કરીને સંભળાવી તો હઝરત તુફૈલ બિન ઉમરૃ રદી. મુગ્ધ થઇને મસ્તીમાં ઝૂમવા લાગ્યા અને તેમના હૃદયે સાક્ષી આપી કે આ કલામ માણસનું કલામ ન હોઇ શકે તેઓ સહસા પોકારી ઉઠ્યા, ખુદાની કસમ! મે આજ દિન સુધી ન આનાથી ઉત્તમ કલામ સાંભળ્યું છે અને ન આપની વાતોથી વધીને કોઇ ડહાપણ ભરી અને ન્યાય આધારિત કોઇ વાત ક્યારેય સાંભળી છે. હું સાક્ષી આપું છું કે મુહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના સાચા પયગમ્બર છે અને આપની દા’વત મને દિલો જાનથી સ્વિકાર્ય છે.

આવી અસંખ્ય ઘટનાઓ છે. વર્તમાન સમયની એક ઘટના મૌલાના વહીદુદ્દીન ખાન સાહેબે તેમની કિતાબ ‘અઝમતે ઇસ્લામ’માં વર્ણવી છે. ઉપરોક્ત ઘટનાઓ તો તે છે જે અરબી ભાષાના જાણકાર મહાનુભાવોએ ઇલાહી કલામની તિલાવત સાંભળી અને તેમની સુધારણા થઇ અને તેમના વ્યક્તિત્વનું પરિવર્તન થઇ ગયું. પરંતુ નીચે દર્શાવેલ ઘટના તે વ્યક્તિની છે જેની ભાષા અરબી ન હતી.

બ્રિટનના પ્રોફેસર આરબેરીના પાડોશમાં એક મુસલમાનનું મકાન હતું. એક દિવસ તે રેડીઓ પર કુઆર્નની તિલાવત સાંભળી રહ્યો હતો. એ અવાજ પ્રોફેસર આરબેરીના કાનમાં પડ્યો. તે તેનાથી અસાધારણ રીતે પ્રભાવિત થયા. એના પછી તેમણે કુઆર્નનો અભ્યાસ ચાલુ કર્યો. તેમનું આકર્ષણ એટલું બધુ વધ્યું કે તેમણે કુઆર્નનો સંપૂર્ણ અનુવાદ અંગ્રેજી ભાષામાં કરી દીધો. આ અનુવાદ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા ‘The Koran Interpreted’ નામથી પ્રકાશિત થયો છે.

કુઆર્નમાં દિલોને મોહિત કરવાની જે અદ્ભૂત શક્તિ રહેલી છે તેના પ્રકટીકરણો દરેક જમાનામાં એક સમાન રહ્યો છે. કુઆર્ન ફકત તેના અર્થ અને સમજૂતિ, સરળતા અને અલંકારિત શૈલીમાં જ અનન્ય છે એવું નથી. પરંતુ કુઆર્નનો અસાધારણ ઐશ્વરિય સૂર હોવાના કારણે તેના લયબદ્ધ સૂરનું સૌંદર્ય પણ મનને મુગ્ધ કરનાર જબરજસ્ત શક્તિ ધરાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments