નીચે અમે વિખ્યાત ઇસ્લામી બુદ્ધિજીવી અને કુઆર્નના તફસીરકર્તા ડો. મુહમ્મદ ઇનાયતુલ્લાહ અસદ સુબ્હાનીનો એ લેખનો ગુજરાતી અનુવાદ રજૂ કરી રહ્યા છીએ, જે સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા અને બનારસ હિંદુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં “કોમી સંવાદિતા અને રાષ્ટ્ર નિર્માણ”ના વિષય ઉપર યોજાયેલ આંતરરાષ્ટ્રીય સંમેલનના સંદર્ભે લખેલ હતો.
કોમી સંવાદિતા દરેક દેશ અને કોમની બલ્કે દરેક માનવીની મૂળભૂત જરૃરિયાત છે. તેના વિના કોઈ દેશ શાંતિપૂર્ણ નથી બની શકતો એટલું જ નહીં બલ્કે તે સમૃદ્ધ અને ચિંતામુક્ત પણ નથી બની શકતો. વળી વિકાસ અને સભ્યતાના શિખરોને પણ નથી આંબી શકતો.
દેશની જે પરિસ્થિતિ હશે એ જ પરિસ્થિતિ એ દેશના રહીશોની હશે, કારણ કે દેશ એમાં વસનાર નાગરિકોનું બનેલું હોય છે.
આ એક હકીકત છે, સૂર્યની જેમ સ્પષ્ટ અને ઝળહળતી હકીકત. પરંતુ આ હકીકતને સમજનારા લોકો બહુ ઓછા છે એ પણ હકીકત છે.
કોમી સંવાદિતા ન હોય તો વિકાસની તમામ શક્યતાઓ અને સંસ્કૃતિના તમામ સાધનો ઉપલબ્ધ હોવા છતાં વિકાસની ગતિ ધીમી રહે છે, અને આ ધીમી ગતિ સાથે જે વિકાસ સાધવામાં આવે છે તે પણ મજબૂત નથી હોતો. આનું કારણ એ છે કે આ વિકાસમાં સમગ્ર દેશનો સાથ અને તેમના સલાહ-સૂચનો સામેલ નથી હોતાં. આ વિકાસમાં તમામ દેશવાસીઓ રસ ધરાવતા હોતા નથી.
આ સંજોગોમાં વિકાસની ગતિ ધીમી હોય છે એટલું જ નહીં બલ્કે જે કાંઈ વિકાસ અગાઉ સાધવામાં આવેલ હોય છે તેના ઊંચા ઊંચા મહેલો ક્યારે કડડ ભૂસ થઈ જમીન-દોસ્ત થઈ જાય તેની કોઈને જાણ નથી હોતી.
કોમી સુમેળ/ સંવાદિતા ન હોય તો સમૃદ્ધિનો વર્તુળ ખૂબ સીમિત બની જાય છે. સમગ્ર દેશની સંપત્તિ અને તેના તમામ સ્ત્રોત માત્ર શાસક કોમ અથવા શાસક પક્ષના હાથોમાં કેન્દ્રિત થઈ જાય છે અને દેશની મોટી સંખ્યા બલ્કે ભારે બહુમતિ એક એક કોળિયા માટે તલસે છે.
સમૃદ્ધિની ગંગાથી માત્ર કેટલાક જ લોકોના હોજ ભરાય છે અને કેટલાક જ લોકોના ખેતરોને સિંચાઈનો લાભ મળે છે. સામાન્ય જનતાને તો તેના પાણીનો લાભ મળતો જ નથી.
કોમી સુમેળ અને સંવાદિતા જો ના હોય તો મોટી મોટી માનવી વસાહતો અમન અને શાંતિની મૂડીથી વંચિત રહે છે. દેશમાં પણ ભયનું વાતાવરણ સર્જાયેલું રહે છે અને બાહ્ય ભયના વાદળો પણ માથે ઝળુંબતા રહે છે.
કોમી સંવાદિતા ન હોવાના કારણે આજે દુનિયાનો કોઈ દેશ એવો નથી જેને આપણે શાંતિમય, સુસંસ્કૃત અને વિકસિત કહી શકીએ અથવા જેને સમૃદ્ધ અને બે ફિકર કહી શકીએ અને જેનેે આંતરિક અને બાહ્ય ખતરાઓથી સુરક્ષિત કહી શકીએ.
આ પરિસ્થિતિથી કોઈ પણ સુરક્ષિત નથી, એશિયા, આફ્રિકા, અમેરિકા અને યુરોપના તમામ દેશોમાં દરરોજ એવી ઘટનાઓ બનતી રહે છે જેના કારણે કોઈ દેશને શાંતિપૂર્ણ સમૃદ્ધ અને ચિંતામુક્ત કહી શકાય નહીં. આ દેશોને સભ્ય અને વિકસિત પણ કહી શકાય નહીં.
રોશની કી ધૂમ હૈ લેકિન અંધેરા આમ હૈ
સુબ્હ ભી ઐસી નઝર આતી હૈ ગોયા શામ હૈ
આપણા પ્રિય અને સુંદર દેશ ભારતની પરિસ્થિતિ પણ બીજા દેશો કરતાં જુદી નથી. સુખ-શાંતિ, સમૃદ્ધિ અને ચિંતા-મુકત જેવા શબ્દો તો આ દેશના નાગરિકો માટે અપરિચિત બનીને રહી ગયા છે.
દેશની ભારે બહુમતિ પરિસ્થિતિથી ચિંતિત અને જીવનથી કંટાળી ગયેલ જણાય છે. દરરોજ આપઘાત અને પોતાને બાળી મૂકવાના બનાવો બનતા રહે છે. પરંતુ અહીંયાથી જ અટકી જવાને બદલે આના કરતાં પણ વધુ હૃદયને હચમચાવી નાખનાર બનાવો દરરોજ બનતા રહે છે.
મુસ્લિમ નવયુવકોનું બનાવટી એન્કાઉન્ટર અને ભયંકર રમખાણોની વધતી આગ અનેક વસતિઓને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. આ તમામ બાબતો આ દેશની ઇજ્જત અને કીર્તિ માટે પડકારરૃપ છે.
આશ્ચર્ય તો એ વાતનો છે કે સર્જનહારે તો માનવીને માટી અને પાણીથી બનાવ્યા છે તો પછી ત્યાં આ આગ ક્યાંથી ભરાઈ ગઈ?
ઉઠા તો આબો ગિલ સે થા ઇન્સાં કા ખમીર
પરવરદિગાર! ઇસ મેં કહાંકી ભરી હૈ આગ!
આ તો સામાન્ય લોકોની દશા છે. મૂડીવાદીઓ અને સત્તાધીશોની દશા પણ સામાન્ય લોકો કરતાં વધુ સારી નથી, જો કે તેઓ ધનના ભંડારો અને સત્તાની ખુરશીઓ ઉપર કબ્જો કરી બેઠા હોય છે. તેમને પોતાના એશ-આરામ અને વૈભવ અને શાનનો ઘણો ગર્વ હોય છે પરંતુ અમન અને શાંતિની દોલતથી તેઓ પણ વંચિત હોય છે. તેમને પણ એ જ ભય હોય છે જે ભય આમ લોકોને સતાવે છે.
આ બાબત સ્પષ્ટપણે લોકો સમક્ષ છે કે જ્યારે પરિસ્થિતિ બગડે છે તો નાના-મોટા, શક્તિશાળી અને કમજોર, પોલીસ અને લશ્કર, પ્રધાન અને મૂડીપતિ બધા જ માર્યા જાય છે અને સૌને દિવસે તારા દેખાવા લાગે છે.
ટૂંકમાં એ કે આજે અમન-શાંતિથી સૌ વંચિત છે. અને માનવી અમન અને શાંતિની સંપત્તિથી વંચિત હોય, તો તે દરેક ક્ષણ ભયથી ઘેરાયેલો રહેલો હોય તો તેને રસ્સી પણ સાંપ દેખાય છે અને જીવનના તમામ આનંદ અને આરામ સ્વાદહીન બનીને રહી જાય છે.
અત્યારે ત્રાસવાદને અટકાવવાના નામે સમગ્ર દુનિયામાં જેટલી પણ ધ્રુજાવી નાખનારી કાર્યવાહીઓ થઈ રહી છે અને જેટલા પણ દેશો અને સરકારને ઉથલપાથલ કરવામાં આવી રહ્યા છે.
આવી જ રીતે આપણા દેશ ભારતમાં મુસ્લિમ યુવકોની આડેધડ ધરપકડો થઈ રહી છે, જે રીતે નિર્દોષ મુસ્લિમ યુવકોના બનાવટી એન્કાઉન્ટર થઈ રહ્યા છે અને જે રીતે સમગ્ર દેશમાં ભયંકર કોમી રમખાણોની ભટ્ટીઓ પ્રગટાવવામાં આવી રહી છે એ તમામ આ જ ગભરાટ અને અશાંતિનું પરિણામ છે.
દુનિયાની અને આપણા દેશ ભારતની આ પરિસ્થિતિનું કારણ શું છે? આ પરિસ્થિતિ માટે અસંખ્ય કારણો ગણાવી શકાય છે પરંતુ આ અસંખ્ય કારણો પૈકી એક મહત્ત્વનું કારણ કોમી સંવાદિતા/ સુમેેળનો અભાવ છે.
કોમી સંવાદિતાના અભાવે સમગ્ર વિશ્વને વિનાશના આરે ઊભું કરી દીધું છે!
આપણો આ દેશ ભારત પણ આજે કોમવાદની આગમાં ભડકે બળી રહ્યું છે!
કોમવાદની આ અગ્નિથી કોઈ પણ છાવણી અને કોઈનું પણ આશ્રયસ્થાન સલામત રહેનાર નથી. તેથી આ દેશના વિચારવંત અને સમજુ લોકોએ આ સમસ્યા ઉપર ગંભીરપણે મનન કરવું જોઈએ અને આ આગને બુઝાવવાના ઉપાયો અંગે વિચારવું જોઈએ.
કોઈએ એ ગેરસમજમાં રહેવું ન જોઈએ કે આ આગમાં જો કોઈ બીજાની છાવણી સળગી રહી છે તો એની પોતાની છાવણી સુરક્ષિત રહી જશે બલ્કે કોઈ બીજાના રહેણાંક સુધી એના તણખા પહોંચી ગયા તો ખુદ એના રહેણાંક સુધી પણ તે પહોંચી શકે છે.
જે લોકો પણ કોમવાદની આ આગ ભડકાવે છે, તે ફકત આ કારણે જ ભડકાવે છે કે તેમણે હજુ પોતાને ઓળખ્યા નથી. તેમણે પોતાને તો નથી જ ઓળખ્યા બલ્કે બીજાઓને પણ ઓળખવાની કોશિશ નથી કરી. સાચી વાત તો એ છે કે તેમણે પોતાના સર્જનહાર અને સ્વામીને પણ નથી ઓળખ્યો.
આપણે એ વાત ભૂલવી ન જોઈએ કે આપણે આ પૃથ્વી ઉપર જાતે નથી આવી ગયા પરંતુ લાવવામાં આવ્યા છીએ. જેણે આ પૃથ્વી બનાવી છે તેણે જ આપણને આ ધરતી ઉપર વસાવ્યા છે અને આ વસવાટ કાયમી નથી બલ્કે થોડાક દિવસ માટે વસાવ્યા છે અને એમ જ નથી વસાવ્યા બલ્કે એટલા માટે વસાવ્યા છે કે અમે આ ધરતી ઉપર રહીને તેની બંદગી અને આજ્ઞાાપાલન કરીએ અને તેને ભૂલી જઈ મનસ્વીપણે વર્તવા ન લાગીએ.
તેણે આપણું સર્જન એટલા માટે કર્યું છે કે આપણે તેની પૃથ્વી ઉપર તેના સારા સેવક બનીને રહીએ અને દરેક કામ તેની મરજી પ્રમાણે કરીએ. કદી પણ તેની નાફરમાની ન કરીએ. એવું કોઈ પણ કામ ન કરીએ જે તેની ખુદાઈને પડકાર ફેંકે અને તેના રોષને ભડકાવનારૃં હોય.
બીજાઓ ઉપર અત્યાચાર કરનાર અને બીજાના લોહીથી પોતાના હાથ રંગનાર માણસ પોતાના સર્જનહાર અને સ્વામીના રોષને લલકારે છે. આવી વ્યક્તિ પોતાના સ્વામીની પકડથી ક્યારેય બચી શકતી નથી. બની શકે કે તેને થોડાક દિવસની મહેતલ મળી જાય પરંતુ કોઈ એક દિવસે તો એને પોતાના અત્યાચારનુંુ પરિણામ ભોગવવું પડશે.
જો આ દુનિયામાં તેની પકડ નથી થતી તો મૃત્યુ પછી આવનારા જીવનમાં તેની ચોક્કસપણે પકડ થશે. કોઈ પણ તાકાત તેને આ દિવસની પકડમાંથી બચાવી નહીં શકે.
જો માનવી આ વાત સમજી લે તો તે ક્યારેય બીજાની ઉપર જુલમ નહીં કરે. કોઈનું લોહી નહીં રેડે અને લોહી રેડવાની વાત તો બાજુએ રહી કદી ભૂલેચૂકે કોઈને તેના થકી તકલીફ પહોંચી જાય તો તે જ્યાં સુધી તેની માફી ન માગે અને તેના દિલને ખુશ ન કરે ત્યાં સુધી એને કળ નહીં વળે, શાંતિ નહીં મળે.
આ બાબતની ગંભીરતાનો અંદાજ કાઢવા માટે એ બાબત પૂરતી છે કે આપણા વહાલા નબી હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેઓ અલ્લાહના અંતિમ નબી છે, અને જેમને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રબે સમગ્ર સૃષ્ટિ માટે કૃપા બનાવી મોકલ્યા અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહ્યાં કૃપા બનીને જ રહ્યા. જ્યારે તેમનો આ દુનિયાથી વિદાય લેવાનો સમય આવ્યો ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમેે સૌને એકઠાં કરી ફરમાવ્યુંઃ “મારા બંધુઓ! હવે આ દુનિયાથી વિદાય લેવાનો મારો સમય આવી ચૂક્યો છે. મેં કોઈનું કાંઈ લીધું હોય તો આ મારી મિલ્કત હાજર છે આમાંથી તે પોતાનો હક્ક વસૂલ કરી લે, અને જો મેં કોઈને કોરડો લગાડયો હોય તો આજે આ મારી પીઠ હાજર છે તે પણ મને કોરડા મારી લે. અને એમ હરગિજ ન વિચારે કે મારા મનમાં એના માટે કોઈ ખરાબ વિચાર આવી જશે.
નહીં, બિલ્કુલ નહીં. નબીની એ શાન નથી હોતી કે તે પોતાના હૃદયમાં કોઈના માટે દ્વેષભાવ રાખે.
મારી ઇચ્છા છે કે હું પોતાના રબ સમક્ષ એવી સ્થિતિમાં જાઉં કે મારી ઉપર કોઈનો કોઈ બોજો ન હોય.”
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ જાહેરાત કરી પરંતુ કોઈ વ્યક્તિ પોતાનો હક્ક લેવા આગળ ન આવી.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરી ઘણી નમાઝો પછી આ જ પ્રકારની જાહેરાત કરી પરંતુ કોઈ આગળ ન આવ્યું અને આગળ આવતા પણ કોણ?
એટલા માટે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વાત્સલ્ય અને પ્રેમની મૂર્તિ હતા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તો સમગ્ર સૃષ્ટિ માટે કૃપા બની આવ્યા હતાં, આપે હંમેશાં બીજાના આંસુ લૂછયા હતા, હંમેશાં બીજાઓના બોજા ઉઠાવ્યા હતા, ન તો કોઈનો હક્ક દબાવ્યો અને ન કોઈનું દિલ દુભાવ્યું.
સાચી વાત એ છે કે માનવી સમક્ષ સૌથી મોટી સમસ્યા આખિરતની સફળતા-નિષ્ફળતા અને આખિરતની ઇજ્જત અને અપમાનની છે. ચાર દિવસની ચાંદનીથી છેતરાઈ જઈને પરિણામથી ગાફેલ થઈ તાકાત અને સત્તાના મદમાં જે વ્યક્તિ બીજાનું ગળું કાપે તે નાદાન છે.
આ દુનિયામાં પોતાની જાતને પિછાણવા, પોતાનો ગુસ્સો કાબૂમાં રાખવા, માનવો સાથે માનવ બનીને રહેવા અને જીવનના તમામ વ્યવહારોમાં પોતાના સર્જનહાર અને સ્વામીની નાફરમાનીથી બચવા માટે આખિરતની આસ્થાથી ચઢિયાતી બીજી કોઈ વસ્તુ નથી.
આ અકીદાનું શિક્ષણ દરેક ધાર્મિક ગ્રંથમાં મોજૂદ છે. પરંતુ ભૌતિકવાદી આ દુનિયાથી આગળ વધી કાંઇ વિચારવા તૈયાર નથી. તેના મનમાં જે કાંઈ આવે તે કરી નાખે અને એનું પરિણામ શું આવશે એનો વિચાર કરતો. મૃત્યુ પછી પોતાના માલિકને શું મોઢું દેખાવશે?
અહીં કોમવાદની ચર્ચા થઈ રહી છે. આ તબક્કે એ વાતની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે અલ્લાહે મોકલેલ દીને ઇસ્લામમાં કોમવાદ માટે કોઈ અવકાશ નથી, કારણ કે ઇસ્લામ કોઈ ફિરકા, સંપ્રદાય, કોઈ કુટુંબ, કોઈ જ્ઞાાતિ કે બિરાદરી, કોઈ વંશ અને કોઈ કોમનો દીન નથી. આ દીને ઇસ્લામ આ પૃથ્વી ઉપર વસતા તમામ માનવીઓનોે દીન છે અને તમામ માનવીઓને સંબોધન કરે છે.
અલ્લાહતઆલાનો ઇર્શાદ છેઃ “લોકો ! તમારા રબ તરફથી તમારા પાસે સ્પષ્ટ દલીલ આવી ગઈ છે અને અમે તમારા તરફ એવો પ્રકાશ મોકલી દીધો છે જે તમને સાફ-સાફ રસ્તો દેખાડનારો છે. હવે જેઓ અલ્લાહની વાત માની લેશે અને તેનું શરણ શોધશે તેમને અલ્લાહ પોતાની દયા અને પોતાની કૃપામાં દાખલ કરી લેશે અને પોતાના તરફ આવવાનો સીધો માર્ગ તેમને દેખાડી દેશે.” (સૂરઃ નિસા-૪ઃ૧૭૪,૧૭૫)
આવી જ રીતે અલ્લાહતઆલા એક બીજી જગ્યા તમામ માનવોને પોકારે છેઃ “લોકો ! બંદગી અપનાવો, પોતાના તે રબ (માલિક અને પાલનહાર)ની જે તમારો અને તમારા અગાઉ જે લોકો થઈ ગયા છે, તે સૌનો સર્જનહાર છે. તમારા બચાવની આશા આ જ રીતે થઈ શકે છે.” (સૂરઃ બકરહ-૨ઃ૨૧)
આવી જ રીતે અલ્લાહતઆલા એક ત્રીજી જગ્યાએ પોતાના તમામ બંદાઓને સાદ પાડે છેઃ “લોકો ! પોતાના રબ (માલિક)થી ડરો, જેણે તમને એક જીવથી પેદા કર્યા અને તે જ જીવથી તેનું જોડું બનાવ્યું અને આ બંનેથી ઘણાં પુરુષો અને સ્ત્રીઓ દુનિયામાં ફેલાવી દીધા. તે અલ્લાહથી ડરો જેના નામે તમે એકબીજાથી પોતાના હક્કો માગો છો, અને રિશ્તા-નાતાઓેના સંબંધો બગાડવાથી દૂર રહો. વિશ્વાસ રાખો કે અલ્લાહ તમારા ઉપર દેખરેખ રાખી રહ્યો છે.” (સૂરઃ નિસા-૪ઃ૧)
કુઆર્નપાકમાં આ પ્રકારની આયતો ઘણી છે જેનાથી સ્પષ્ટ થાય છે કે આ દીન કોઈ એક જ્ઞાાતિ, કોઈ એક જૂથ અથવા કોઈ એક વંશનો નથી બલ્કે આ પૃથ્વી પર વસવાટ કરનારા તમામ માનવોનો દીન છે. આથી જ તે માત્ર મુસલમાનોને જ નથી પોકારતો બલ્કે તમામ માનવોને પોકારે છે.
અલ્લાહે મોકલેલ આ કૃપા ધર્મ સાથે એ મોટો અત્યાચાર છે કે એને માત્ર મુસલમાનોનો દીન માની લેવામાં આવ્યો અને તે એ જ દૃષ્ટિએ જોવાવા લાગ્યો જે દૃષ્ટિએ મુસલમાનોને જોવામાં આવે છે. અને એનાથી પણ એ જ ભય અનુભવવા લાગ્યો જે મુસ્લિમ કોમ પ્રત્યે અનુભવવામાં આવે છે.
અલ્લાહતઆલાએ મોકલેલ આ દીન ઉપર પણ એ ભારે અત્યાચાર છે કે તેણે આ દીન તમામ બંદાઓની ભલાઈ અને સફળતા માટે મોકલ્યો, તેમને અંધકારમાંથી બહાર કાઢી પ્રકાશમાં લાવવા માટે, પરંતુ માનવોની બહુમતિએ તેની કદર ન કરી, અને તેનું દીપ ઓલવવા પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી.
આપણા ભારત દેશના તમામ સંમાનનીય નાગરિકોએ એ જાણવું જોઈએ કે આ દીનનો પણ એ જ સ્વરૃપ છે જે હવા, પાણી, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી અને તેની તમામ ને’અમતોનો છે.
કુદરતે બનાવેલી આ તમામ ને’અમતો કોઈ એક કોમ અથવા વંશ માટે નથી બલ્કે આ દેશના તમામ નાગરિકો માટે છે. બરાબર એ જ રીતે આ દીન પણ તમામ નાગરિકો માટે છે, બલ્કે તેનાથી આગળ વધી આ ધરતી ઉપર વસનારા તમામ માનવો માટે છે.
મારા પ્રિય વતનના પ્રતિષ્ઠિત નાગરિકો! આપણા રબ-પાલનહારની એ મોટી કૃપા છે કે તેણે દુનિયાની અસંખ્ય ને’અમતોની સાથોસાથ અમને સત્ય માર્ગનું માર્ગદર્શન કર્યું, આ દુનિયામાં સારૃં જીવવાની પદ્ધતિ શીખવાડી, તેણે આપણને શીખવાડયું કે આ પૃથ્વી ઉપર કઈ રીતે ચાલવું-ફરવું જોઈએ, કેવી રીતે વાતચીત કરવી જોઈએ અને લોકો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ. ફરમાવ્યુંઃ
“જમીનમાં છાતી કાઢીને ન ચાલો, તમે ન જમીનને ફાડી શકો છો, ન તો પર્વતોની ઊંચાઈએ પહોંચી શકો છો.” (સૂરઃ બની ઇસરાઈલ-૧૭ઃ૩૭)
“અને લોકોથી મોઢું ફેરવીને વાત ન કર, અને ન ધરતી પર અકડીને ચાલ, હકીકતમાં અલ્લાહ કોઈ સ્વચ્છંદી અને અહંકારી વ્યક્તિને પસંદ નથી કરતો. પોતાની ચાલમાં સંતુલન રાખ, અને પોતાનો અવાજ સહેજ ધીમો રાખ, હકીકતમાં બધા અવાજોથી ખરાબ અવાજ ગધેડાઓનો અવાજ હોય છે.” (સૂરઃ લુકમાન-૩૧ઃ૧૮,૧૯)
“લોકો ! અમે તમને એક પુરુષ અને એક સ્ત્રીમાંથી પેદા કર્યા અને પછી તમારી કોમો (જાતિઓ) અને કબીલા (બિરાદરીઓ) બનાવી દીધા જેથી તમે એકબીજાને ઓળખો. હકીકતમાં અલ્લાહના નજીક તમારામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત તે છે જે તમારામાં સૌથી વધુ પરહેઝગાર (અલ્લાહથી ડરનાર, સંયમી) છે. નિશ્ચિતપણે અલ્લાહ સર્વજ્ઞા અને સુમાહિતગાર છે.” (સૂરઃ હુજુરાત-૪૯ઃ૧૩)
મારા પ્રિય ભાઈઓ, અને પ્રિય વતનના સન્માનનીય નાગરિકો! આ થોડાક ઉદાહરણો એ વાતનો અંદાજ કરવા માટે છે કે આ ઇસ્લામ (દીન-ધર્મ) પ્રેમ અને મહોબ્બતનો ધર્મ છે. એ તમામ માનવોને સન્માન આપવાનું અને એમને પ્રેમ કરવાનું શીખવાડે છે. આ દીન તમામ માનવોને એકબીજાના ભાઈ અને એક જ મા-બાપની સંતાન બતાવે છે. તેથી અહીં કોમવાદનો પ્રશ્ન જ ક્યાં ઉદ્ભવે છે?
ઇસ્લામ ક્યારેય પણ સાંપ્રદાયિક વલણોનેે પ્રોત્સાહન નથી આપતું, અત્યાચાર અને અતિરેક, એકબીજાની લાગણી દુભવવી, એકબીજાના હક્કો ઉપર તરાપ મારવી અને પરસ્પરના રક્તપાત, ખૂંરેજીને વખોડે છે અને તેને ગંભીર અપરાધ ઠેરવે છે.
અહીં કોઈ એવો પ્રશ્ન પૂછી શકે છે કે ઇસ્લામ મહોબ્બત અને પ્રેમનો ધર્મ હોય તો એ યુદ્ધો માટે શો જવાબ હશે જે ઇસ્લામી ઇતિહાસમાં લડવામાં આવ્યા. હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના યુગમાં પણ લડવામાં આવ્યા અને આપની વફાત પછી પણ ખુલફાએ રાશીદીનના યુગમાં પણ લડવામાં આવ્યા હતા.
પરંતુ આ યુદ્ધો અચાનક લડાયા ન હતાં બલ્કે એક લાંબી યોજનાના ભાગરૃપે લડાયા આ અને ખુદ લડવામાં આવ્યા ન હતા પરંતુ કુઆર્ન પાકના લલકારવા પર લડવામાં આવ્યા હતા.
આ પ્રશ્ન સામાન્ય રીતે મૂંઝવણનું કારણ બને છે. કારણ કે સાચી હકીકત લોકો સમક્ષ નથી હોતી.
આ યુદ્ધો અંગે પહેલી વાત તો એ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ તમામ યુદ્ધો લોકો ઉપર બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ ઠોકી બેસાડવા માટે લડવામાં આવ્યા ન હતા, જેમકે સમગ્ર વિશ્વમાં આનો પ્રચાર કરવામાં આવ્યો છે, કારણ કે ધર્મ કોઈની ઉપર ઠોકી બેસાડવાની વસ્તુ નથી.
દીન-ધર્મનો સંબંધ હંમેશાં હૃદય સાથે હોય છે, અને જો હૃદય તેનો ખુશીથી સ્વીકાર ન કરે તો અલ્લાહની નજરમાં એ દીનની કોઈ કીમત નથી હોતી.
સાચી વાત એ છે કે આ તમામ યુદ્ધો અત્યાચારીઓના અત્યાચારની સામે લડવામાં આવ્યા હતા. આ યુદ્ધ વસાહતો અને વસ્તીઓમાં લડવામાં આવ્યા ન હતા બલ્કે મેદાનોમાં લડવામાં આવ્યા હતા. સામાન્ય લોકો સાથે લડવામાં આવ્યા ન હતાં બલ્કે માત્ર અને માત્ર અત્યાચારીઓ સાથે લડવામાં આવ્યા હતા.
આ યુદ્ધોમાં કોઈ બાળક ઉપર, કોઈ વૃદ્ધ ઉપર, કોઈ મહિલા ઉપર, કોઈ માંદા ઉપર અને કોઈ એવી વ્યક્તિ સામે હાથ ઉગામવામાં આવ્યો ન હતો જે પોતે યુદ્ધ કરવા માટે તૈયાર ન હોય.
આ યુદ્ધોમાં વસ્તીઓ લૂંટવામાં આવી ન હતી, મહિલાઓની ઇજ્જત લૂંટવામાં આવી ન હતી, એમના પશુઓ ઝબેહ કરવામાં આવ્યા ન હતાં, એમના વૃક્ષો કાપવામાં આવ્યા ન હતાં, યુદ્ધ મેદાનની બહાર એમ કાંઇ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હતું.
શું યુદ્ધોના સમગ્ર ઇતિહાસમાં આ પ્રકારના યુદ્ધનું કોઈ ઉદાહરણ રજૂ કરી શકાય છે?
ઇસ્લામી ઇતિહાસમાં ચોક્કસપણે યુદ્ધો થયા હતાં, પરંતુ તે કૃપા અને પ્રેમના રંગે રંગાયેલા હતા.
યુદ્ધો થયાં પરંતુ નૈતિક મર્યાદાઓ અને નૈતિક મૂલ્યોનું આદર-સન્માન જાળવીને.
યુદ્ધો થયાં પરંતુ ન્યાય અને ઇન્સાફના તમામ તકાદાઓ જાળવીને.
સમગ્ર ઇતિહાસના પાશવી યુદ્ધો આપણી સમક્ષ છે. ભૂતકાળના લોહિયાળ યુદ્ધો પણ આપણી સમક્ષ છે અને આ કહેવાતા સભ્ય અને સંસ્કૃત યુગના ધ્રુજાવનારા યુદ્ધો પણ આપણી સમક્ષ છે.
શું આ કયામત ઊભી કરનારા યુદ્ધોને એ યુદ્ધો સાથે કોઈ સામ્ય છે જે વિશુદ્ધ પ્રેમ અને માનવતાની ભાવના સાથે લડવામાં આવ્યા?
જ્યારે ઇસ્લામનું આગમન થયું ત્યારે સમગ્ર દુનિયા જુલ્મીઓના સકંજામાં જકડાયેલી હતી. થોડાક જ કુટુંબો સત્તાના માલિક હતા, બાકીના લોકો તેમના ગુલામ હતા. તેઓ આ અત્યાચારીઓની દયા-કૃપા ઉપર જ જીવતા હતા. તેઓ દરેક પ્રકારની આઝાદીથી વંચિત હતા અને દરેક પ્રકારના સન્માનથી વંચિત હતા.
ઇસ્લામે આ નિર્દયી અને સ્વાર્થી જુલ્મીઓ સામે જિહાદ કરીને સમગ્ર માનવતાને મુક્તિ અપાવી અને દરેકને સન્માન અપાવ્યું.
આજે દુનિયાના દરેક દેશ અને દરેક દેશના દરેક નાગરિકમાં પોતાની આઝાદી અને સન્માનનો જે અહેસાસ જોવા મળે છે તે આ જ ઇસ્લામી યુદ્ધોની દેણ છે.
અહીંયા બીજી એક વાત પણ વિચારવા અને સમજવાની છે. દુનિયાની જેટલી પણ વિજેતા કોમો છે તેઓ જ્યારે દેશોને જીતે છે તો ત્યાંની સમગ્ર દોલત લૂંટીને પોતાના દેશમાં પહોંચાડી દે છે અને એ પરાજિત દેશને તદ્દન કંગાળ બનાવીને છોડી જાય છે.
આવું ભૂતકાળમાં પણ બનતું રહ્યું છે અને આજની સંસ્કૃતિ અને સભ્યતાના યુગમાં પણ થઈ રહ્યું છે.
આજે ઇરાક અને અફઘાનિસ્તાનની સમગ્ર સંપત્તિ ક્યાં ગઈ?
પરંતુ દીને ઇસ્લામના રાહબર અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉપર પ્રાણ ન્યોછાવર કરનારાઓની વાત તદ્દન જુદી છે. તેમણે માનવતાની ઇજ્જત-આબરૃ માટે પ્રાણની બાજી લગાડી અને દરેક પ્રકારની કુર્બાની આપી. તેમણે દરેક પ્રકારની તકલીફો સહન કરી, તેમણે મુશ્કેલીઓ વેઠી અને જ્યારે તેઓ આ દેશને જુલ્મી અને અત્યાચારી શાસકોની ચુંગાલમાંથી મુક્ત કરાવવામાં સફળ થઈ ગયા અને તેમનું સન્માન તેમને પાછું અપાવી દીધું તો ત્યાંથી ખાલી હાથે પાછા ફર્યા. અને ત્યાં થોડાક દિવસો માટે રોકાયા તો પણ એટલા માટે જ રોકાયા કે એ દેશને સુધારે-શણગારે અને ત્યાં વિદ્યા અને સભ્યતાના દીપ પ્રગટાવે.
ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે સમગ્ર આરબને જીતી લીધા પછી જ્યારે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અવસાન થયું ત્યારે આપના ઘરમાં કેરોસીન ન હતું.
ઇતિહાસ એ વાતનો પણ સાક્ષી છે કે પ્રથમ ખલીફા હઝરત અબૂબક્ર સિદ્દીક રદિ.નું જ્યારે અવસાન થયું તો એમને બે જૂની ચાદરોનું કફન પહેરાવવામાં આવ્યું. જો કે આ એ સમય હતો જ્યારે રોમન સામ્રાજ્યનો મોટોભાગ જીતી લેવામાં આવ્યો હતો અને જોે તેઓ ઇચ્છતા તો મદીનામાં સોના-ચાંદીના ઢગલા લાગી ગયા હોત.
ઇતિહાસ એ વાતનો પણ સાક્ષી છે કે જ્યારે બીજા ખલીફા હઝરત ઉમર ઇબ્ને ખત્તાબ રદિ.એ જ્યારે યેરુસલમનો પ્રવાસ કર્યો ત્યારે એમના શરીર ઉપર જે પોષાક હતો તેમાં ઘણાં થીગડાં લાગેલા હતાં. જો કે એ વખતે રોમ અને ઈરાન બન્ને જીતી લેવામાં આવ્યા હતા અને બન્ને સામ્રાજ્ય ઉપર ઇસ્લામનો ધ્વજ ફરકી રહ્યો હતો અને કૈસર તેમના નામથી ધ્રુજતા હતા.
આ બાબત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના ખુલફાએ રાશિદીન રદિ. પૂરતી મર્યાદિત ન હતી. તમામ સહાબાએ કિરામ રદિ.ની પણ આજ પરિસ્થિતિ હતી. એમની તમામ કુર્બાનીઓ અને સરફરોશી માત્ર અને માત્ર પોતાના પાલનહાર માટે હતી. તેમણે આ દુનિયામાં પોતાની કુરબાનીઓનો કોઈ બદલો ન લીધો.
આ બાબત બિનમુસ્લિમોએ સમજવાની છે એટલું જ નહીં ખુદ મુસ્લિમોએે પણ સમજવાની છે. મુસ્લિમોએ પોતાના બુઝુર્ગ પૂર્વજોના સાચા ઉત્તરાધિકારી બનવું જોઈએ. પોતાની આદતો, ટેવો અને રહેણી-કરણી અને ચાલ-ચલગત થકી આ પૃથ્વી ઉપર કૃપાના દીનના સાચા પ્રતિનિધિ બનવું જોઈએ. અને દરેક દિશામાં પ્રેમ અને મહોબ્બતનો સંદેશો ફેલાવે અને કદી પણ લાગણીના આવેશમાં વહી કોઈ ખોટું પગલું ન ભરે.
આ દેશમાં આપણે મુસ્લિમો કદી પણ હિંદુઓના હરીફ બનીને ન રહીએ, તેમની સામે હક્કોના યુદ્ધ પણ ન લડીએ બલ્કે તેમના હમદર્દ અને દુઃખમાં સહભાગી બનીએ અને તેમને પ્રેમપૂર્વક સત્ય માર્ગ ઉપર લાવવાની કોશિશ કરીએ. કારણ કે આપણું કામ આપવાનું છે, લેવાનું નથી.
જો તેઓ આપણા માર્ગમાં કાંટા ફેંકે તો આપણે તેમની ઉપર ફૂલો વરસાવવા જોઈએ. આપણે કુઆર્ને બતાવેલ આ સોનેરી સિદ્ધાંત કદાપિ ન ભૂલવો જોઈએઃ
“અને હે પયગંબર ! ભલાઈ અને બૂરાઈ સમાન નથી. તમે બૂરાઈને તે ભલાઈથી દૂર કરો જે સર્વોત્તમ હોય. તમે જોશો કે તમારા સાથે જેની શત્રુતા હતી, તે આત્મીય મિત્ર બની ગયો છે. આ ગુણ પ્રાપ્ત થતો નથી, સિવાય તે લોકોને જેઓ ધૈર્યથી કામ લે છે અને આ દરજ્જો પ્રાપ્ત થતો નથી સિવાય તે લોકોને જેઓ ખૂબ ભાગ્યશાળી છે.” (સૂરઃ હા-મીમ અસ્-સજ્દહ-૪૧ઃ૩૪,૩૫)
આ સંદર્ભે આપણા રાહબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું મુબારક ઉદાહરણ આપણી સમક્ષ છે,
તાઇફમેંે મુકદ્દસ ખૂં ટપકા મક્કે મેં કભી પથ્થર ખાએ
બસ એક તડપથી કેસી તડપ? ઇન્સાં હિદાયત પા જાએ!
બિનમુસ્લિમ ભાઈઓએ પણ એ સમજવું જોઈએ કે મુસલમાનો જ્યારે કોઈ ભૂલ કરે છે તો તેનું કારણ એ નથી હોતું કે ઇસ્લામે તેમને આ શીખવાડયું છે બલ્કે આનું કારણ એ છે કે તેમણે પોતાના દીનને સમજવામાં અને શિક્ષણ ઉપર અમલ કરવામાં ભૂલ કરી છે.
એમણે જાણે-અજાણે ઇસ્લામી શિક્ષણનું ઉલ્લંઘન કરીને પોતે તો નુકસાન ઉઠાવ્યું છે, દીને ઇસ્લામને પણ નુકસાન પહોંચાડયું છે અને તેની ખોટી છબી રજૂ કરીને સમગ્ર માનવતાને નુકસાન પહોંચાડયું છે.
મુસ્લિમોની ભૂલોનો બોજોે ક્યારેય પણ ઇસ્લામના માથે ન નાખવો જોઈએ, કારણ કે આ વાત હકીકતની વિરુદ્ધ છે અને જે આમ કરે છે એ પોતાની જાતને પાલનહારની મહાનતમ્ ને’અમતથી વંચિત કરી લે છે.
આ વંચિતતાનો અંદાજ કદાચ આજે ન આવી શકે પરંતુ મૃત્યુ પછી જરૃર થશે. પરંતુ એ વખતે તક હાથમાંથી સરી ગઈ હશે અને માનવી પાસે પોતાની વંચિતતા અંગે અફસોસ વ્યક્ત કરવા સિવાય બીજું કાંઇ તેના કબ્જામાં નહીં હોય.
અહીં એ બાબત પણ નોંધનીય છે કે એક સમયે ઇસ્લામે સમગ્ર દુનિયા ઉપર શાસન કર્યું હતું અને સેંકડો વર્ષો સુધી તેની હકૂમત રહી હતી, પરંતુ આ હકૂમતમાં કોમવાદ નામની કોઈ વસ્તુ ન હતી, કારણ કે ઇસ્લામમાં સાંપ્રદાયિકતા અને બીજા લોકો ઉપર અત્યાચાર અને અતિરેક માટે કોઈ અવકાશ નથી.
આ સરકારમાં સમગ્ર દુનિયાની કોમો સામેલ હતી અને તેઓ ભાઈચારા અને પ્રેમના વાતાવરણમાં દેશના નિર્માણ અને વિકાસમાં સક્રિય હતા. એ વખતે રાજ્યનું સમગ્ર ધન શસ્ત્રો બનાવવામાં ખર્ચાતું ન હતંુ, બલ્કે એ યોજનાઓ માટે ખર્ચાતું હતું જે સૌના માટે લાભકારક અને રાહત પહોંચાડનારી હોય. આના પરિણામે એવી સુંદર અને ભવ્ય સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી જેનો જોટો સમગ્ર માનવ ઇતિહાસ રજૂ કરવા અસમર્થ છે.
ત્યારે કોઈ ત્રાસવાદ ન હતો, ત્રાસવાદના નિવારણના નામે કોઈ સૈન્ય પણ ન હતું. ચારે બાજુ ઇન્સાફ અને ન્યાય જોવા મળતાં અને શાસક અને શાસિત દરેક વ્યક્તિ કાયદાની નજરમાં સમાન હતાં.
આનું પરિણામ એ આવ્યું કે રાજ્યમાં સર્વત્ર સુખાકારી અને સમૃદ્ધિ હતાં. તમામ લોકો શાંતિ અને પ્રેમની શીતળ છાયામાં જીવનની વસંતઋતુ આનંદપૂર્વક પસાર કરતા હતા.
એ જ મહોબ્બત અને પ્રેમ અને શાંતિનો યુગ શું પુનઃ આવી શકે છે? અને જો આવી શકે છે તો કેવી રીતે? આ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે જેની ઉપર આપણે સૌએ વિચારણા કરવી જોઈએ.*