પહેલાંના જમાનામાં મુસલમાનોનો એખ બહુ જ પ્રખ્યાત બાદશાહ હતો. તેનું નામ હારૃન રશીદ હતું. તેને એક પુત્ર હતો જેનું નામ મામૂન હતું. મામૂનને બહુ જ લાડકોડમાં ઉછેર્યો હતો. એક તો એ રાજકુંવર હતો. ઉપરથી આવા લાડકોડથી તેનો ઉછેર થયો હતો. પરિણામ એ આવ્યું કે તે બહુ જ તોફાની થઈ ગયો. રાજમહેલના સર્વ નોકર ચાકર તેના તોફાનથી કંડટાળી ગયા હતા. તે જ્યારે ખિજાતો ત્યારે ભલભલાને મારી બેસતો હતો. અને બધા ચુપચાપ તેની માર ખમી લેતા હતા. આથી તો તે વધારે ને વધારે બગડતો જતો હતો. કોઈની પરવા કરતો ન હતો. જ્યારે જુઓ ત્યારે કંઇ ને કંઇ તોફાન કે કોઈ ને કોઈ ભાંગફોડ કરતો જ હોય. ભય તો જાણે એને કોઈનો પણ રહ્યો જ ન હતો.
એ સહેજ મોટો થયો તો એને ભણાવવા માટે એક શિક્ષક રાખવામાં આવ્યા. તેઓ જ્યારે રાજમહેલમાં ભણાવવા માટે ગયા ત્યારે તેને સાદ પડાવી બોલાવ્યો; પણ એ તો રમવામાં એટલો લીન થઈ ગયો હતો કે શિક્ષકનો સાદ સાંભળ્યા છતાં બહાર આવ્યો નહીં. નોકરોને બોલાવવા માટે મોકલ્યા પણ મામૂને તેની પણ દરકાર કરી નહીં. નોકરોએ શિક્ષકને આવીને ફરિયાદ કરી કે એ તો અમારી વાત સાંભળતો નથી. ઊલ્ટાનું અમને વિના વાંકે મારી બેસે છે અને અમારે એ બધું મૂંગા મોંએ સહન કરવું પડે છે.
શિક્ષકને ખબર પડી ગઈ કે મામૂનનો સ્વભાવ કેટલો ખરાબ છે. તેમણે ગમે તેમ પણ મામૂનને બહાર બોલાવ્યો. જ્યારે તે બહાર આવ્યો તો તેમણે નેતરની સોટી વડે સડાસડ સાત સોટીઓ ફટકારી દીધી. મારની પીડાથઈ મામૂન સમસમી ઊઠ્યો, પણ ગુરૃના આદરને કારણે કંઇ બોલ્યો નહીં. જો કે આ પહેલાં એને કોઈએ સહેજ પણ હાથ અડાડયો ન હતો. એટલામાં વજીર ત્યાંથી પસાર થયો પણ મામૂન તો આદરથી ચુપચાપ બેસીને ભણતો જ રહ્યો. જ્યારે વજીર જતો રહ્યો ત્યારે શિક્ષક સાહેબે પૂછ્યું, “મામૂન તે વજીરને મારી ફરિયાદ કેમ ન કરી?”
મામૂને કહ્યું, “વહાલા સાહેબ! આપે મને મારા ભલા માટે માર્યો હતો, પછી ફરિયાદ શાની કરૃં. એ તો વજીર હતા. પણ જો મારા પિતાજી કે જે બાદશાહ છે તેઓ પણ આવતા અને મને પૂછતા તો પણ હું તો કંઈ જ ન કહેત.
સ્વાધ્યાય
(૧) મામૂને શિક્ષકનો માર ચુપચાપ કેમ ખમી લીધો?
(૨) તમારી સાથે જો આવું વર્તન કરવામાં આવે તો તમે શું કરો?