પત્રકાર ગૌરી લંકેશની હત્યા ભારતમાં સ્વતંત્ર પત્રકારિતાને ચુપ કરાવવાના કાયરતાપૂર્ણ પ્રયત્ન સિવાય કંઈ નથી. ગૌરી લંકેશ ડાબેરી વિચારધારાની સમીપ અને કટ્ટરવાદી હિંદુત્વના ટીકાકાર હોવાનું કહેવાય છે. કન્નડ ભાષામાં પ્રકાશિત થનાર તેમની સાપ્તાહિક પત્રિકા ‘લંકેશ) જુલ્મ તથા અત્ગયાચારની આ અંધેરનગરીમાં એક ટમટમતા દીવા સમાન હતી. કોમવાદ વિરુદ્ધ તેમની કલમ હંમેશ ચાલતી રહેતી હતી. તે સમાજમાં સમાનતા અને સહિષ્ણુતા પર વિશ્વાસ ધરાવાતી નીડર મહિલા પત્રકાર હતી. વર્તમાન શાસકોના કટ્ટરપંથી દૃષ્ટિકોણ કે વિચારસરણી વિરુદ્ધ તેમની પત્રિકા લિબ્રલ કે ઉદાર ભારતનો અવાજ હતી. પોતાના એવા લખાણોના કારણે તેઓ હંમેશ કાંટાઓમાં ઢસડાતા રહ્યા. કયારેક ભાજપે તેમની વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો તો કયારેક તેમને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપવામાં આવી. પરંતુ તેમના અંતિમ તંત્રીલેખમાં કટ્ટરવાદી હિંદુત્વ વિચારસરણી ધરાવતા લોકો અને સંસ્થા-સંગઠનો તરફથી જૂઠા સમાચારો બનાવવા તથા ફેલાવવા માટે કરવામાં આવેલ ટીકા અને મતભેદ તેમની હત્યાનું કારણ હોવાનું અત્રે ચર્ચાઈ રહ્યું છે જેની તપાસ બાદ વાસ્તવિકતા સામે આવશે. તા.પમી સપ્ટેમ્બરે જ્યારે તેઓ બેંગ્લોર ખાતે પોતાની ઓફિસથી રાજ રાજેશ્વરનગર સ્થિત પોતાના ઘરે પાછા ફરી દરવાજો ખોલી રહ્યા હતા ત્યારે જ હુમલાખોરોએ તેમના છાતીના ભાગે બે અને માથાના ભાગે એક એમ ત્રણ ગોળીઓ મારી જેના લીધે તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા.
હાલમાં મુસ્લિમ તથા લઘુમતીઓ વિરોધી કાર્યવાહી સામે ઉઠનાર દરેક અવાજને હંમેશ માટે બંધ કરી દેવા તથા બુલંદ થનાર હાથને કચડી નાખવા કટ્ઠરપંથીઓ તરફથી નીંદનીય પ્રયત્નો થઈ રહ્યાના બનાવો દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે જે બંધ થવા જોઈએ. આ માત્ર કાયદા-વ્યવસ્થાનો પ્રશ્ન્ નથી બલ્કે ખુલ્લંખુલ્લા કરાયેલ નિર્મમ ને નિર્દયી હત્યાનો બનાવ છે જે સ્વતંત્ર પત્રકારિતાને ચુપ કરાવવા કરાયેલ પ્રયત્ન છે.
પત્રકારોના આંતરરાષ્ટ્રીય સંગઠન ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટસ (આઈએફજે)એ પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે છેલ્લી પા સદીમાં સમગ્ર વિશ્વમાં પોતાની ફરજ દરમ્યાન ઓછામાં ઓછા રર૯૭ પત્રકાર અને મીડિયા કર્મીઓ મૃત્યુ પામ્યા છે.
ભારતમાં પાછલા ૧૬ મહિનામાં પત્રકારો પર હુમલાના પ૪ બનાવો નોંધવામાં આવ્યા, જ્યારે કે વાસ્તવિક ઘટનાઓ આનાથી ઘણી વધારે હોઈ શકે છે. માત્ર ઈ.સ.ર૦૧૪-૧પમાં પત્રકારો પર હુમલાના ૧૪ર બનાવો બન્યા હતા, જેનો એકરાર રાજ્યકક્ષાના મંત્રી હંસરાજ અહીરે લોકસભામાં કર્યો હતો.
આજે પત્રકારત્વ ક્ષેત્રે શું શું થઈ રહ્યું છે તે કોઈનાથી છૂપું નથી. મોટાભાગના પત્રકારો અને અખબારો તેમજ ચેનલો જાણે કે વેચાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે કે સંશોધકીય પત્રકાર (ઈન્વેસ્ટીગેશન જર્નાલિઝમ) અને સત્ય હકીકતો રજૂ કરનારા પત્રકારો કે ઇલેકટ્રોનિક મીડિયા કર્મીઓ કટ્ટરપંથીઓ હંમેશ ટાર્ગેટ પર રહે છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ અપાતી રહે છે. સરકારની આ જવાબદારી છે કે આવી અરાજકરતા બંધ કરાવે અને ગૌરીલંકેશ જેવાઆોને રક્ષણ પૂરું પાડે. ઈમાનદારીપૂર્વકની તપાસ કરાવી દોષિતોને યથાયોગ્ય સજા કરવામાં આવે. જો કે આ કેટલી હદે શકય બનશે તે કહેવું મુશ્કેલ છે. કારણ કે હેમંત કરકરે, કલબુર્ગી, દાભોલકર અને પાન્સરે વિ. કેસ આ પહેલાથી જ યોગ્ય તપાસ અને ન્યાય માટે લાઈનમાં ઉભેલા છે.