મિત્રો સાથે એક વાર કેરળ જવાનું થયું તે પણ એક સુંદર અને હરિયાળો પ્રદેશ છે. કેરળ યાત્રા જીવનની યાદગાર સફરોમાંથી એક છે. કોંકણ રેલવેલાઈન ઉપર ઘણી બધી ટનલો છે જેમાંથી રેલ પસાર થાય છે. તેમાં અમુક તો ૪-૫ કિ.મી. લાંબી છે. મે આ બધુ જોઈ મારા મિત્રને કહ્યું મનુષ્ય કેવો ગજબનો પ્રાણી છે. પોતાની બુદ્ધિ અને શક્તિથી અસંભવને પણ સંભવ કરી દે છે. કુદરતે આપણામાં કેવી કેવી શક્તિઓ મૂકી છે. કેરળમાં ફરવા નિકળ્યો તો એક પર્વત પર જવાનું થયું (એમ તો આખો પ્રદેશ પર્વતો પર વસેલો હોય તેમ લાગે છે). પર્વતની ટોચે પહોંચી જે દૃશ્ય જોયુ તે જોઈ મન હિલોળે ચડી ગયું. કેવું સોહામણું અને સુંદર દૃશ્ય હતુ. પર્વત માળા, ઘાટીઓ, વૃક્ષો, છોડો, ઝરણાઓ વિગેરે જોઈ મનમાં વિચાર આવ્યો શું આ બધુ આપ મેળે બની ગયું છે.!!! આ વિચાર એમ નહોતું આવ્યું. તેના પાછળ અમને ભણાવેલું વિજ્ઞાન હતું. જેમાં ડાર્વિનની થિયરી થકી એ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો કે આ સમગ્ર સૃષ્ટિની રચના આપ મેળે અને ઔચિંતા જ થઈ ગઈ છે. મે કહ્યું શું આ શક્ય છે કે કોઈ પણ ભાષાના મૂળાક્ષરોને ડબ્બા વડે ઉછાળીને નીચે ફેકીએ તો એક સરસ મજાની કવિતા બની જાય.!!! નહીં, આ શક્ય નથી. જો એક કાવ્યની રચના કોઈ કવિ વગર શક્ય નથી તો આટલા મોટા બ્રહ્માંણનું સર્જન કોઈ સર્જનહાર વગર કેવી રીતે શક્ય છે.!!
આધુનિક વિજ્ઞાને જે પ્રગતિ કરી છે તે બુદ્ધિનો કમાલ છે. કહેવાય છે કે વિજ્ઞાને ઇશ્વરના અસ્તિત્વને શંકાના દાયરામાં લાવીને ઊભું કરી દીધું છે. આ વાત ખરી કે જે મનુષ્યએ જે પ્રગતિ સાધી છે તે જ્ઞાન અને બુદ્ધિના કારણે શક્ય બની છે. પણ આ જ્ઞાન અને બુદ્ધિ ક્યાંથી આવી? શું તેનો સંબંધ માનવના દિમાગમાં રહેલા ૨૫૦ ગ્રામના માસના ટુકડા સાથે છે? નહીં, એ માસનો ટુકડો તો દરેક વ્યક્તિમાં સમાન હોય છે. તો પછી શું આત્મા સાથે છે? ના, આત્મા પણ બધા જ માનવોમાં હોય છે. જો આ બંને કારણો હોત તો બધા જ માનવો જ્ઞાન અને બુદ્ધિમાં સમાન હોત, પરંતુ આ બાબતે મનુષ્યો વચ્ચે ગજબનો ફેર જોઈ શકાય છે. પ્રશ્ન થાય છે ન્યુટને જે વસ્તુ ની શોધ કરી એ બીજા લોકો કેમ ન કરી શક્યા. અથવા વિજ્ઞાન ધીમી ગતિએ કેમ પ્રગતિ કરી રહ્યું છે. પહેલી વ્યક્તિ જે આ ધરતી પર આવી હતી તેના દિમાગમાં આ બધુ કેમ ન આવ્યું? આ અને એવા ઘણા બધા પ્રશ્નો મનમાં ઉભા થયા અને છેલ્લે મન આ નિષ્કર્ષ ઉપર પહોંચ્યું કે જ્ઞાન અને બુદ્ધિનો આ ફરક આકસ્મીક કે ભૌતિક નથી, બલ્કે કોઈ એવી શક્તિ છે જે તેને નિયંત્રીત કરે છે અને સમયાંતરે જરૃર મુજબ વ્યક્તિના પ્રયત્નો મુજબ અર્પણ કરે છે. ઇશ્વરના અસ્તિત્વને સમજવા માટે કઠોર પ્રયત્ન નહોતા કરવા પડયા. પોતાની ભીતર અને બ્રહ્માંણમાં એવી કરોડો નિશાનીઓ છે જેને વ્યક્તિ જોવે અને વિચારે તો અલ્લાહનો સ્વીકાર કર્યા વગર ન રહે. બલ્કે જે લોકો ઇશ્વરનો અસ્વીકાર કરે છે તેમણે તેમનો મત સાચો સાબિત કરવા ઘણી મહેનત કરવી પડે છે. ભૌતિકશાસ્ત્ર અને ગણિતના સમીકરણો ઉકેલવા પડે છે. છતાંય માનવ મસ્તિષ્ક તેને સરળતાથી સ્વીકાર કરતુ નથી. એક અલ્લાહનો સ્વીકાર એટલો સરળ એટલા માટે છે કે સર્જનહારની શોધ મનુષ્યની અંદર છુપાયલી છે. જેમ ભૂખ લાગે તો આ સ્થિતિને સાબિત કરવાની જરૃર નથી. તેનો દરેક વ્યક્તિ રોજિંદા જીવનમાં અનુભવ કરી શકે છે અને આ ભૂખ ખાધા વગર શમી શકતા નથી અને તરસ પીધા વગર બુઝાઈ શકતો નથી. એમ જ માનવની અંદર એક સર્જનહાર, પાલનહારની ભૂખ છુપાયેલી છે અને તે કોઈને અલ્લાહ કે ઇશ્વર માની તેની બંદગી કે ઉપાસના થકી જ શાંત થાય છે.
એમ તો અલ્લાહના અસ્તિત્વ વિશે તર્ક અને વિજ્ઞાનથી પણ હજારો દલીલો આપી શકાય પરંતુ તેનું અસ્તિત્વ એટલું સ્પષ્ટ છે કે તેને સાબિત કરવા કોઈ દલીલની જરુર નથી. સૂર્યના પ્રકાશથી રોશની થાય છે તેને સાબિત કરવા કોઈ દલીલની જરૃર છે ખરી!??? અલ્લાહ કેવો છે? તેના ગુણો શું છે? કોઈ વ્યક્તિએ અલ્લાહને જોયુ નથી પછી તેના વિશે શું ખ્યાલ રાખવા? અલ્લાહનો સાચો પરિચય કોઈ ફિલોસોફર આપી શકતો નથી ન વિજ્ઞાન કરાવી શકે છે, ન તપસ્યાથી જાણી શકાય છે, ન વૈરાગ્યથી જાણી શકાય. અલ્લાહે તેના માટે મનુષ્યોમાંથી જ અમુક મનુષ્યને પસંદ કર્યા જેમને ઇસ્લામી ટર્મીનોલોજીમાં ‘રસૂલ’ (દૂત) કે ‘નબી’ (સંદેશવાહક) કહીએ છીએ. આ પયગમ્બરો અલ્લાહનો જે પરિચય આપે છે તે ૧૦૦ ટકા શુદ્ધ છે, સચોટ છે.
એકેશ્વર (એક અલ્લાહ)નો સંબંધ ‘ઈમાન’ સાથે છે. જે રસૂલો પર ભરોસો કરવાથી પ્રાપ્ત થાય છે. તેના વગર જે વસ્તુઓથી ઇશ્વરનો પરિચય કે સૂચનાઓ પ્રાપ્ત થાય છે તેનો સંબંધ માન્યતાઓ સાથે હોઈ શકે સત્ય સાથે નહિં. સૌ પ્રથમ વ્યક્તિ અને નબી આદમ અલૈ.થી લઈને અંતિમ પયગમ્બર મુહમ્મદ (સલ્લ.) સુધી જેટલા નબી કે રસૂલો આવ્યા તેમણે ઇશ્વર વિશે જે જાણકારી આપી તે સમાન હતી, અને તેમને ત્યજી કે રસૂલોની શીખામણ વગર લોકોએ આ બાબતે ગહન અધ્યયન કે તપસ્યા વડે જે પ્રાપ્ત કર્યું છે તે માન્યતાઓ છે. એટલે જ આ બધા ફિલસૂફીઓ, વિજ્ઞાનીઓ, પંડિતો, તપસ્વીઓ વગેરેના પરિણામમાં ફરક છે અને ફરક જ નથી અમુક જગ્યાએ તો આકાશ પાતાળનું અંતર છે. આ માન્યતાઓ ખોટી હોવાની એક સૌથી મોટી દલીલ આ જ છે કે તેમના શોધકોના પરિણામ સમાન નથી. બૌદ્ધ ધર્મમાં માનનારા લોકો અલ્લાહના અસ્તિત્વ વિશે શાંત છે, જૈનો મૂળથી ઇશ્વરના અસ્તિત્વને જ નકારે છે, પંડિતો સેંકડો દેવતાઓની વાત કરે છે અને સન્યાસીઓ દરેક વસ્તુમાં ઇશ્વરને જુએ છે.
દુનિયામાં માનવતાની શરૃઆત એક અલ્લાહના અસ્તિત્વ સાથે થઈ છે. પછીના લોકોએ માન્યતાઓની અશુદ્ધિ તેમાં ભેળવી દીધી. જાત-જાતની અને ભાત-ભાતની માન્યતાઓ અને શ્રદ્ધા જોઈને અમુક કહેવાવાળા બુદ્ધિજીવીએ આ તારણ કાઢ્યું કે પહેલ વહેલ લોકો પોતાની માન્યતા મુજબ અલ્લાહને માનતા હતા. પરંતુ જ્યારે માનવે વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યો અને પ્રગતિ સાધી તો તે આ નિષ્કર્ષ ઉપર પહોંચ્યો કે સર્જનહાર માત્ર એક જ છે. અર્થાત ધર્મ બહુદેવવાદથી એકેશ્વરવાદ સુધી પહોંચ્યો. આ માત્ર માન્યતા છે, અસત્ય છે. વિજ્ઞાન યુગનો એ લાભ તો થયો કે બહુદેવ માટે કોઈ સ્થાન રહ્યું નથી, પરંતુ તેમણે હદથી આગળ વધી ઇશ્વરને જ દૃશ્યમાંથી કાઢી દીધો. આ વિજ્ઞાનીઓની અતિશ્યોક્તિ હતી. માન્યતાઓ આધારિત આમા ધર્મના અત્યાચારથી એટલા અલિપ્ત થયા કે ‘ઈમાન’ ને જ ખોઈ બેઠા. કદાચ આ માનવીય નિર્બળતા હોય કે તે જ્યારે કોઈ વસ્તુનો સ્વીકાર કે અસ્વીકાર કરે છે તો તેમાં સંતુલનને રાખી શકતો નથી. તેનું સરળ ઉદાહરણ આ છે કે લોકો અમુક આવી વ્યક્તિઓને ઇશ્વર સમજી બેઠા જેમનાથી નાના-મોટા ચમત્કાર કે અસમાન્ય ઘટના બની હોય. વિજ્ઞાનીઓએ પણ અસ્વીકારની ચરમસીમાને પાર કરી સર્જનહાર અને પાલનહારનો ખ્યાલ ને જ રદબાતલ ઠેરવવા લાગ્યા.
કોઈ પણ વસ્તુની સાચી ઓળખ તેની વિરોધી કે પૂરક વસ્તુ થકી જ શક્ય છે. દા.ત. તે જ વ્યક્તિ પ્રકાશના મહત્વને સમજી શકે છે જેને અંધકારનો પરિચય હોય. એટલે સત્યને વિશુદ્ધ સ્વરૃપે જાણવું હોય તો અસત્યને સમજવું ફરજીયાત છે. ભલાઈનો એક નિયમ આ પણ છે ભલાઈ તો ભલાઈ છે જ પરંતુ બુરાઈ ન કરવી પણ એક ભલાઈ છે. હવે વ્યક્તિ ભલાઈ-બુરાઈમાં ભેદ ના જાણતો હોય તો કેવી રીતે ભલાઈના કામો કરશે અને બુરાઈથી બચશે. સજ્જન બનવા માટે જરૂરી છે કે દુષ્કર્મ કોને કહેવાય તે જાણતો હોય. આ એટલા માટે લખવું પડે છે જો વ્યક્તિ સાચા અર્થમાં એકેશ્વરવાદી બનવા માગતી હોય તો તેને બહુદેવવાદને સમજવું જ પડે અને સાથે જ એ પણ સમજવું પડે કે એ કયા કયા વિચારો છે જે દેખીતી રીતે એકેશ્વરવાદી લાગે છે પરંતુ વાસ્તવમાં તર્ક અને ફિલસૂફીની એ દુનિયા છે જેમાં ઇશ્વર જ રહે છે બાકી બીજું બધું હોવા છતાં કશું રહેતુ નથી. જેને અદ્વેતવાદ કહી શકાય.
આપણે એકેશ્વરના વિષયને ગંભીરતાથી લેવાની જરુર છે. કેમકે તેનો સંબંધ આપણી દુનિયા અને પરલોકની સફળતા સાથે જોડાયેલો છે. આવતા લેખોમાં આપણે શિર્ક (બહુદેવવાદ, મૂર્તિપૂજા) શું છે અને એકેશ્વરવાદના જે પ્રકાર છે જે તેમાંનો કયો દૃષ્ટિકોણ સાચો, યોગ્ય અને અમલી જીવનથી સંબંધ ધરાવે છે વિશે જાણીશું. આ શિર્કને સમજવું એટલા માટે પણ જરૂરી છે કે તેનો સંબંધ અંધશ્રદ્ધા સાથે અતૂટ છે. બલ્કે દુનિયાભરમાં જોવા મળતા જુલ્મ અને અત્યાચારના કારણોમાં મહત્વનું કારણ છે. શિર્કના તાર સ્વાર્થ, સ્વછંદતા અને અહંકાર સાથે જોડાયેલા છે અને એકેશ્વરવાદના છેડા શાંતિ, ન્યાય, સંતુલન, દયા, ત્યાગ વિગેરે જેવા સદ્ગુણોથી બંધાયેલા છે. આ વાત કદાચ સમજવામાં મુશ્કેલ પડે અથવા અતિશ્યોક્તિ લાગે પરંતુ આ હકીકત છે થોડીક ઊંડાઈમાં જઇશું તો વાસ્તવિક્તા બિલ્કુલ સ્પષ્ટ થઈને સામે આવી જશે. દા.ત. હું પુછું કે મલેરિયા કેમ થાય છે તો સામાન્ય વ્યક્તિ જવાબ આપે, મચ્છરના કરડવાથી. થોડી ઊંડાઈમાં જઇને વિચારતા હોય તો કહેશે, ખાડા ખાબોચીયામાં વરસાદી પાણી ભરવાથી. ત્રીજો એમ કહેશે કે મચ્છરની ઉત્પત્તિ પાણીના દૂષિત થવાના કારણે થાય છે, તેથી જ્યાં પાણી ભરેલુ હોય ત્યાં દવા નાંખી પાણીને શુદ્ધ રાખવા. ત્રણેય વ્યક્તિની વાતમાં સચ્ચાઈ છે અને સચોટ વાત ત્રીજા વ્યક્તિની છે પરંતુ દેખીતી રીતે કોઈ એમ કહે કે દૂષિત પાણીથી મલેરિયા થાય છે તેને કદાચ અજુગતુ લાગે. પરંતુ કારણ તેના સામે મુકીશું તો તેને સમજવામાં વાર નહિ લાગે. આ જ રીતે દુનિયામાં અશાંતિ, યુદ્ધો અને સંગ્રામો તથા દરેક નાની મોટી બુરાઈનું મૂળ શિર્કમાં (અનેકેશ્વરવાદમાં) છુપાયેલુ છે.
કહેવાતા મુસ્લિમોને પણ બહુ ખુશ થવાની જરુર નથી. એ લોકો પણ એ ન સમજે કે આપણને વાંધો નથી આપણને તો ટનાટન એકેશ્વરવાદી (તૌહીદપરસ્ત) છીએ. નિષ્પક્ષ રીતે અને કોઈપણ જાતના ભેદભાવ વગર આપણે બધાને આ વિશે વિચારવું જ રહ્યું કે શિર્કના કેવા કેવા પ્રકારો છે, જે આપણા સમાજમાં જોવા મળે છે. કુઆર્નમાં કહેવાયું છે, “યાદ કરો જ્યારે લુકમાન પોતાના પુત્રને શિખામણ આપી રહ્યો હતો તો તેણે કહ્યું, બેટા ! અલ્લાહ સાથે કોઈને ભાગીદાર બનાવીશ નહીં, સત્ય એ છે કે શિર્ક (અનેકેશ્વરવાદ) ખૂબ મોટો જુલ્મ (અત્યાચાર) છે”
(સૂરઃ લુકમાન-૩૧:૧૩)
આ એક આયતને ઊંડાણપૂર્વક સમજી લઈશું તો આપણે સાચા અર્થમાં એકેશ્વરવાદી બની શકીશું. એટલે જ ઈમાનમાં દાખલ થવા માટે કે ઇસ્લામ અંગિકાર કરતી વખતે જે ‘કલ્મો’ જીભથી અદા કરવામાં આવે છે ‘લાઈલાહા ઇલ્લલ્લાહ મુહમમદુર્રસૂલુલ્લાહ’ તેમાં એક માત્ર અલ્લાહના સ્વીકાર કરતા પહેલા બીજા ઉપાસ્યો અને દેવતાઓનો ઇન્કાર છે. ‘લા ઇલાહા’નો અર્થ છે કોઈ માબૂદ અથવા ઉપાસ્ય નથી અર્થાત તેમાં વિવેક અને તર્કની આ વાતનો સ્વીકાર છે કે કોઈ સર્જનહાર નથી, કોઈ પરમશક્તિ નથી, કોઈ પાલનહાર નથી, કોઈ માલિક નથી, કોઈ સ્વામી નથી, કોઈ ભાગ્યવિધાતા નથી, કોઈ હિસાબ લેવાવાળો નથી, કોઈ સૃષ્ટિનો સંચાલક નથી, કોઈ પ્રાર્થના સાંભળનાર નથી, કોઈ શરણ આપનાર નથી, કોઈ જીવન કે મૃત્ય આપનાર નથી, કોઈ રિઝ્ક આપનાર કે વરસાદ વરસાવનારો નથી, કોઈ દુખહર્તા નથી, કોઈ માર્ગદર્શક નથી વિગેરે . આ અદ્યસત્ય સુધીની પહોંચ છે તેની આગળની શોધ ‘ઇલ્લલ્લાહ’ માત્ર અલ્લાહ.
આવતાં અંકોમાં આપણએ અંધકારરુપી અનેકેશ્વરવાદ વિસ્તારથી સમજીશું. પક્ષપાતી વ્યક્તિ પોતાના અસત્યને પણ સત્ય સિદ્ધ કરવા પ્રવૃત રહે છે. પરંતુ મારો પ્રયત્ન માત્ર આટલું જ છે કે સત્યનો સ્વરૃપ આપણી સમક્ષ પ્રસ્તુત થાય. ત્યાર બાદ એ વ્યક્તિની પોતાની ઇચ્છા પર નિર્ભર છે કે તે પોતાના અસત્યને જ આગળ રાખવા માગે છે કે પોતાનું હિતાહિત જોઈ સત્યને ગ્રહણ કરવા સદા આનંદમાં રહેવા માગે છે. આ વાત આપણે યાદ રાખવી જોઈએ કે મનુષ્યની અંતરાત્મા સત્યને જાણવાવાળી છે. તેમ છતાં પોતાના પ્રયોજનની સિદ્ધિ, હઠ, દુરાગ્રહ વિગેરે દોષોના કારણે અસત્ય તરફ વળી જાય છે. મારા લેખનંુ તાત્પર્ય કોઈનું મન દુખાવવા કે હાનિ પહોંચાડવાનું નથી. પરંતુ માનવજાતિની ઉન્નતિ અને સામાજીક શાંતિ તથા સત્યની સ્થાપના મારો હેતુ છે.
સર્વદા સત્યનો વિજય અને અસત્યનો પરાજય થાય છે અને સત્યથી જ વિદ્વાનોનો માર્ગ વિસ્તૃત થાય છે.”
કુઆર્ન કહે છે, “અને ઘોષણા કરી દો, ‘સત્ય આવી ગયું અને અસત્ય નાશ પામ્યું, અસત્ય તો નાશ પામવાનું જ છે.”
(સૂરઃ બની ઇસરાઈલ-૧૭:૮૧) —-