Friday, November 22, 2024
Homeઓપન સ્પેસદેશને વિનાશથી બચાવવાનો એક માત્ર માર્ગ

દેશને વિનાશથી બચાવવાનો એક માત્ર માર્ગ

આ દુનિયા જે ખુદાએ બનાવી છે તે કોઇ અંધાધૂંધ અને અલલટપ કામ કરવાવાળો ખુદા નથી. પરંતુ તે પોતાનો એક સ્થાયી કાનૂન અને અટલ કાયદો અને નિયમ ધરાવે છે, જે અનુસાર તે આ સમગ્ર જગત ઉપર શાસન કરી રહ્યો છે. જેવી રીતે આ કાનૂનમાં સૂર્ય, ચંદ્ર, ધરતી અને આકાશ બંધાયેલા છે, એવી જ રીતે આપણે બધા માનવો આ કાનૂનથી બંધાયેલા છીએ. અને જેવી રીતે એનો કાનૂન આપણા બધાના જન્મ-મરણ, યુવાની-વૃદ્ધાવસ્થા, બીમારી અને સ્વાસ્થ્ય ઉપર અવિચલ રીતે લાગુ છે એવી જ રીતે એના કાનૂનનો આપણા ઇતિહાસના ઉતાર-ચઢાવ, ઉત્થાન અને પતન તેમજ આપણા કોમી તથા રાષ્ટ્રીય પ્રારબ્ધ ઉપર પણ પ્રભુત્વ ધરાવે છે.

ખુદાના આ કાનૂનનો પહેલો અને મહત્વપૂર્ણ નિયમ આ છે કે “તે બનાવને પસંદ કરે છે, અને બગાડને નાપસંદ કરે છે.” માલિક હોવાના નાતે તે ઇચ્છે છે કે એની દુનિયાની વ્યવસ્થા ઠીક કરવામાં આવે, એને વધુમાં વધુ સુંદર બનાવવામાં આવે. તે એ વાતને ક્યારેય પણ પસંદ નથી કરતો કે એની દુનિયાને બગાડવામાં આવે, ત્રાસ અને અત્યાચારથી એને ખરાબ કરી દેવામાં આવે.

જેવી રીતે બગીચાની દેખભાળ માટે માળી રાખવામાં આવે છે, જેથી તે બગીચાની સેવા કરી શકે, ઝાડી-ઝાંખરાને સાફ કરીને સારા-સારા ફળો અને ફૂલોના વૃક્ષો વાવે. હવે જો માળી કામચોર હોય અને જાણી જોઇને પોતાનું કર્તવ્ય પૂરૃં ના કરતો હોય, જેના કારણે સારા વૃક્ષો સૂકાઇ રહ્યા હોય, ચારે તરફ કાંટાળી ઝાડીઓ ઊગી નીકળી હોય, તો તમે જ વિચારો કે એવા માળીને કોણ પસંદ કરશે ?

બસ આ જ નિયમ માણસો અને રાષ્ટ્રોના જીવનને લાગુ પડે છે. જ્યારે લોકો પોતાના દેશને ઉન્નત કરવા સુધારણાના કાર્યો કરે છે, પોતાની શક્તિઓનો ઉપયોગ ધરતીની સુધારણા અને પ્રગતિ માટે કરે છે ત્યારે ખુદા પ્રતિષ્ઠા આપનાર પાલનહાર એમને દુનિયામાં ઉચ્ચતા અને મહાનતા પ્રદાન કરે છે. પરંતુ લોકો જો આની વિરૂદ્ધ હોય, સુધારણા કાંઇ ન હોય, ચારે તરફ બગાડ જ બગાડ હોય, ભલાઇઓના બદલે બૂરાઇઓ ફેલાતી હોય તો પછી આવા લોકો દેશની સત્તામાંથી તગેડી મૂકવામાં આવે છે.

ઇતિહાસ સાક્ષી છે કે ખુદાએ હંમેશા પોતાની ધરતીની વ્યવસ્થા પોતાના આ જ નિયમ મુજબ કરી છે. આપણા દેશના ઇતિહાસને જુઓ, જે કોમો અને જાતિઓ અહીં વસતી હતી, જ્યારે એમની સુધારણા અને નિર્માણ કરવાની ક્ષમતા અને યોગ્યતા સમાપ્ત થઇ ગઇ, ત્યારે ખુદાએ આર્યોને અહીં આવવાનો તથા પ્રબંધ કરવાનો અવસર આપી દીધો. એમણે અહીં આવીને એક ભવ્ય સભ્યતાનો પાયો નાખ્યો. ઘણી જ્ઞાન શાખાઓ, અનેક કલાઓનો આવિષ્કાર કર્યો. આ વિશેષતાઓ જ્યાં સુધી એમનામાં રહી ત્યાં સુધી ખુદાએ એમને અહીંનો પ્રબંધ આપી રાખ્યો. પરંતુ જ્યારે આ લોકો બનાવ અને નિર્માણના બદલે બગાડના કાર્યો કરવા લાગ્યા, પોતાના સમાજને વર્ણો અને જ્ઞાતિઓમાં વહેંચી દીધો તથા એક ઊંચા પદવાળો નીચા પદવાળાનો ખુદા બની ગયો, શિક્ષણ અને જ્ઞાનના દરવાજા આમ જનતા માટે બંધ કરી દીધા અને ચારે તરફ ત્રાસ અને અત્યાચાર વધી ગયા, ત્યારે ખુદાએ એમનાથી આ દેશની સત્તા છીનવી મધ્ય એશિયાની એ કોમોને આપી દીધી જે ઇસ્લામના આંદોલનથી પ્રેરિત થઇને જીવનના શ્રેષ્ઠ ગુણોથી સુસજ્જ થઇ ગઇ હતી.

આ લોકો ઘણાં વર્ષો સુધી અહીંની સત્તા ઉપર બિરાજમાન રહ્યા. એમણે આ દેશમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો. શાંતિ અને ન્યાયની શ્રેષ્ઠ વ્યવસ્થાનું નિર્માણ કર્યું. અહીંના નિવાસીઓને નિર્માણ અને સુધારણાનો માર્ગ દેખાડ્યો, પરંતુ એમનામાં પણ બનાવની પ્રવૃત્તિ ધીમે ધીમે ઓછી થવા લાગી, નૈતિકતા અને ન્યાયના બદલે ત્રાસ અને અત્યાચાર વધવા લાગ્યા, આરામ અને વિલાસને એમણે પોતાનો ધંધો બનાવી લીધો, જનતા જનાર્દનથી લઇને મોટા મોટા અધિકારીઓ દીન-ધર્મ અને રાષ્ટ્રને વેચવા માટે તૈયાર થઇ ગયા.

સ્વભાવિક છે કે ખુદાને આ બધી વાતો કેવી રીતે પસંદ પડતી? તેથી ખુદાએ પોતાના ઉપરોક્ત કાનૂન મુજબ હજારો માઇલ દૂરથી આવેલી અંગ્રેજ કોમને આ દેશના માલિક બનાવી દીધાં, કેમકે એમનામાં હિંદુઓ, મુસલમાનો અને શીખોના મુકાબલે નિર્માણની ક્ષમતા અને યોગ્યતા વધુ હતી. એમણે પણ કેટલોક સમય નિર્માણ કાર્યો કર્યા, પરંતુ ધન દોલનની અધિકતા મનુષ્યને વિલાસના માર્ગ ધકેલી દે છે. અંતે આ કોમ પણ કુમાર્ગે ચઢી ગઇ. ત્રાસ, અત્યાચાર, અન્યાય અને સ્વાર્થલોલુપતા જેવા અનૈતિક ગુણોથી આના અપરાધોની સૂચિ લાંબી થતી ગઇ ત્યારે ખુદાઇ સિદ્ધાંતનો નિર્ણય આ જ થયો કે એમને પણ અહીંની વ્યવસ્થામાંથી તગેડી મૂકવામાં આવે. આ અજાણ્યાઓને ખુદાએ પહેલાં વિના કારણે ન તો અહીંના શાસક બનાવ્યા અને ન જ એમને અકારણ હટાવ્યા, ન તો પહેલાં જ અલલટપ અંગ્રેજોના હાથમાં અહીંની સત્તા સોંપી હતી, અને ન જ તેમનાથી અલલટપ અહીંની સત્તા છીનવીને તમને આપી છે. આ જવાબદારીને જો આપણે લગન સાથે નિભાવીએ અને સાબિત કરીએ કે અમારી અંદર બગાડથી વધારે બનાવની કાર્યક્ષમતા મોજૂદ છે તો પછી આપણે ખુશ, આપણો માલિક ખુશ. પરંતુ જો આપણે આ જવાબદારીની કસોટીમાં ખરા ના ઊતર્યા તો ડર છે કે સર્વશક્તિમાન ખુદા પોતાના નિર્માણ સંબંધી કાનૂન અનુસાર અહીંનો પ્રબંધ આપણાથી છીનવી લે અને કોઇ યોગ્ય અને ગુણવાન કોમના હવાલે કરી દે.

આ સમયે આપણને ૬૬ વર્ષ આ દેશની વ્યવસ્થા ચલાવતાં થઇ ગયાં છે, હવે જરા આપણે આપણા પાછલા સમય ઉપર નજર નાખી જોઇ લેવું જોઇએ કે આપણે દેશના નવનિર્માણના મેદાનમાં શું સેવા કરી છે ? થવું તો આ જોઇતું હતું કે આપણે આપણા વ્યવહાર અને કથની-કરણીથી આ સિદ્ધ કરતાં કે જે ધરતીની વ્યવસ્થા આપણા હવાલે કરવામાં આવી, આપણે એને ખૂબ શણગારી-સજાવી સુગંધિત બગીચો બનાવી દેતાં; આપણે ન્યાય, દયા, હમદર્દી, મદદ, સહયોગથી પ્રેમનું ઘર બનાવતા. ભલાઇઓને ફેલાવતા અને એમને વધવાના અવસર આપતા તથા અનિષ્ટોને નષ્ટ કરતા, જેથી આ હિન્દુસ્તાન વાસ્તવમાં સ્વર્ગની યાદ અપાવતો.!!!

પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે સ્વતંત્રતાના પહેલા જ દિવસથી અહીં સાંપ્રદાયિકતાના ઝઘડા ઊભા કરવામાં આવ્યા. એક જ દેશના વાસીઓએ એકબીજા સાથે સ્વાર્થ, નિર્દયતા અને ક્રુરતાની નીતિ અપનાવી. દેશના એક ખૂણાથી લઇને બીજા ખૂણા સુધી હિંદુઓ, મુસલમાનો અને શીખોમાં એક બીજામાં આંતરિક કલહની એક એવી શ્રૃંખલા શરૃ થઇ કે માણસાઈ ધ્રૂજી ઊઠી. દૂધ પીતા બાળકોને માતાઓની છાતીઓ પર રાખીને હત્યા કરવામાં આવી, જીવતા માણસોને આગમાં ફેંકી દેવામાં આવ્યા, સ્ત્રીઓને ખુલ્લેઆમ નગ્ન કરવામાં આવી, અને હજારોની ભીડમાં એમની ઉપર બળાત્કાર કરવામાં આવ્યા. બાપ, ભાઈ અને પતિની સામે એમની પત્નીઓ, પુત્રીઓ અને બહેનોની ઇજ્જત લૂંટવામાં આવી. યાત્રિકોને ચાલતી ટ્રેનોમાંથી ફેંકી દેવામાં આવ્યા. પાડોશીઓએ પાડોશીઓને લૂંટ્યા. મિત્રોએ મિત્રોને દગો આપ્યો. આશ્રય આપનારાઓએ પોતે આપેલી શરણનો અનાદર કર્યો. શાંતિ અને સુરક્ષાના રખેવાળ પોલીસ અને મેજિસ્ટ્રેટો સુધી મોટાભાગના બધાએ જ રમખાણમાં ભાગ લીધો અને પોતાની દેખરેખમાં હુલ્લડો કરાવ્યા. અર્થાત્ ત્રાસ અને અત્યાચાર, નિર્દયતા, કઠોરતા નીચતા અને બદમાશીમાં કોઇ ઓછપ ના રહી, જેના પર પાછલા વર્ષોમાં આપણા દેશવાસીઓએ સામૂહિક રૃપે અમલ ન કર્યો હોય !

અત્યાચાર અને જંગલિયતનું આ પ્રદર્શન નૈતિકતાના પતનના કારણે થયું. આજે પણ આપણા લોકોની નૈતિક દુર્દશાનું અનુમાન તમે તમારા અંગત અનુભવોથી કરી શકો છો. કોઇ અવૈધ લાભ ઉઠાવવાથી, કોઇ જૂઠ બોલવાથી, કોઇ લાભદાયક અપ્રમાણિકતા કરવાથી અને કોઇનો અધિકાર છીનવી લેવાથી આપણામાં એવા ઘણા લોકો જોવા મળે છે, જેઓ માત્ર આ કારણે કશું કરતાં નથી કે આવું કરવું નૈતિક અપરાધ છે. જ્યાં પોતાના અંગત લાભની કોઇ આશા ન હોય ત્યાં કેટલા માણસો બીજા સાથે સદ્વર્તાવ, હમદર્દી, ત્યાગ અને સદ્વ્ય્વહારનું વર્તન કરે છે ? આપણા વેપારી વર્ગમાં એવા વેપારીઓની સંખ્યા કેટલી છે જે દગો, જૂઠ અને અવૈધ ફાયદા ઉઠાવવાથી બચતા હોય ? આપણામાં કેટલા લોકો એવા છે જે અનાજનો સંગ્રહ કરી કાળા બજાર કરે છે અને શું એવું વિચારે છે કે એમના લાભ માટે કેટલાંય લોકોને ભૂખ્યા રહેવું પડશે? આપણા મજૂર અને કર્મચારીઓમાં કેટલા એવા છે જે પૂરી જવાબદારી સાથે કામ કરે છે? સરકારી કર્મચારીઓમાં એવા કેટલા લોકો છે જેઓ લાંચ, બેઈમાની કામચોરી અને હરામખોરીથી બચેલા હોય? આપણા વકીલો, ડૉક્ટરો અને પત્રકારોમાં કેટલા આવાં છે, જે વ્યક્તિગત લાભ માટે ખુદાના બંદાઓને આર્થિક નુકસાન અને માનસિક આઘાત પહોંચાડવામાં શરમ અનુભવતા હોય?

અંતે નૈતિક પતનની આ વ્યાપક બીમારી આ જણાવી રહી છે કે આપણે સ્વતંત્રતા મળ્યા પછી પોતાના કર્તવ્યને ભૂલાવી દીધો છે અને આપણે બૂરાઇ, અત્યાચાર તથા હિંસાના માર્ગે આગળ વધી રહ્યાં છીએ. આ નીતિ ભવિષ્ય માટે મોટો ખતરો છે. એક એવો કિમતી અવસર કે જે ખુદાએ આપણને આપ્યો હતો, પોતાની મૂર્ખતા અને અજ્ઞાનતાથી ખોઇ નાખવા તત્પર થઇ ગયાં છીએ.એ અવસર કે જે કોઇ દેશને સદીઓ પછી ઘણા પ્રયત્નોથી મળે છે.

આજના આ અંધકારમાં આપણા માટે આશાનું એક જ કિરણ છે અને તે આ કે બગાડ હજી સમગ્ર વસ્તીમાં નથી ફેલાયો. ભલે થોડોક જ હોય પરંતુ હજી પણ કેટલાક લોકો એવાં છે જેઓ આમ અનૈતિકતા અને અત્યાચાર તથા ત્રાસને પસંદ નથી કરતા. આ જ એ મૂડી છે જેને સુધારણાના કામમાં લગાડી શકાય છે. આવશ્યક્તા આ વાતની છે કે આ સારા અને ભલા લોકોને વીણીને સંગઠિત કરવામાં આવે અને આ સામૂહિક શક્તિથી એ વધતી જતી બૂરાઇઓનો મુકાબલો કરવામાં આવે જે ઝડપથી આપણને વિનાશ તરફ લઈ જઈ રહી છે. અમને વિશ્વાસ છે કે આ સંગઠિત ભલાઈના મુકાબલામાં બૂરાઇ પોતાની ફોજની અધિકતા અને ગંદા હથિયારો છતાંય પરાજિત થઇને રહેશે કેમકે માનવ સ્વભાવ પાપ-પ્રેમી નથી. એને ધોકો આપી શકાય છે પરંતુ એને દિલોમાંથી ઉઝરડી કે ભૂંસી શકાશે નહીં.

સત્યની સામે અસત્ય અને પ્રમાણિકતાની સામે અપ્રમાણિકતા ટકી નથી શકતી. જીત સદાચારની જ થશે. સર્વશક્તિમાન ખુદાનો આ કાનૂન છે કે તે ઉપદ્ધવી અને અત્યાચારી લોકોને ધરતી ઉપર વધુ સમય ટકવા નથી દેતો, શરત આ છે કે અનિષ્ટોને નષ્ટ કરનારા લોકોએ પોતાની અંદર પહેલાં નિમ્નલિખિત ગુણ પેદા કરવા જોઇએઃ

(૧) ખુદાનો ભય: આ અનિષ્ટોને રોકવા અને માણસને સીધા રસ્તે ચાલવા માટે એક જ વિશ્વાસુ આધાર છે.

(૨) ખુદાઈ આદેશોનું પાલન: જે માણસની વૈયક્તિક, સામાજિક, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય નીતિઓને નૈતિકતાના અચળ સિદ્ધાંતોનો પાબંદ બનાવવા માટેનો એકમાત્ર ઉપાય છે.

(૩) માનવ વ્યવસ્થા: જે વ્યક્તિગત, જાતી, વંશીય તથા વર્ગીય સ્વાર્થોથી ઊંચા ઉઠાવીને બધા મનુષ્યોને સમાન અધિકારો પ્રદાન કરે.

(૪) સદ્કાર્યો: અર્થાત્ ખુદાએ અર્પેલી શક્તિઓ અને સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવો.

જો આ ચાર વસ્તુઓ આપણે આપણી અંદર, આપણા દેશમાં પેદા કરી દઇએ તો આવનારા વિનાશથી બચવાની આશા કરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments