ઇતિહાસની અટારીએથી ………………………… પ્રશિક્ષણના પગલાં
નિખાલસતાનું સ્પષ્ટ ચિહ્ન છે પોતાની જાતની અવગણના-ઇન્કાર. એટલે નિખાલસતા સાથે કામ કરનારની નિયત એ હોય કે અલ્લાહ તેના કાર્યને અને અમલને સ્વીકારી લે, એ નિયત ન હોય કે તે લોકોમાં પોતાના કાર્યથી પ્રચલિત અને વિખ્યાત બની જાય. એટલા માટે જ ઇસ્લામના મહાન કાનૂનવિદ ઇમામ શાફઈ (રહ.)એ પોતાના લખાણો અને રચનાઓ અને ઉમ્મત માટે છોડેલ જ્ઞાાનપારસા તરફ ઇશારો કરીને કહ્યું, હું એ ચાહું છું કે મારૃં આ જ્ઞાાન લોકોમાં મારાથી જોડાય વગર ફેલાય. અલ્લાહની કૃપા છે કે તેણે ઇમામ શાફઈ (રહ.)ને નામના અને લોકપ્રિયતાના દોષથી અલિપ્ત રાખ્યા. અલ્લાહ તઆલાએ પોતાના પવિત્ર ગ્રંથ કુઆર્નમાં ઘણા બધા પયગંબરો અને સત્ય દીનના ઉદ્ઘોષકોના નામ લીધા વગર તેમનો ઉલ્લેખ કર્યો છે.
“અમે તેમનો અસલ કિસ્સો તમને સંભળાવીએ છીએ. તેઓ કેટલાક નવયુવાનો હતા જેઓ પોતાના રબ (પ્રભુ) પર ઈમાન લઈ આવ્યા હતા અને અમે તેમને માર્ગદર્શનમાં અભિવૃદ્ધિ આપી હતી.” (૧૮ઃ૧૩)
“આમને દૃષ્ટાંતરૃપે તે વસ્તીના લોકોનો કિસ્સો સંભળાવો જ્યારે કે તેમાં રસૂલો (ઈશદૂતો) આવ્યા હતા.” (૩૬ઃ૧૩)
આમને કયાં મોકલ્યા, આ કઈ વસ્તીમાં રહેતા હતા, તેમના નામ શું હતા આપણને કંઇ જ ખબર નથી. બસ આવ્યા નિખાલસતાપૂર્વક કામ કર્યું અને અજાણ્યા જ રહીને આ દુનિયાથી વિદાય થઈ ગયા.
આલીમો અને જ્ઞાાની પુરુષો ફરમાવે છે કે નિખાલસતા ત્યાં સુધી પેદા નથી થતી જ્યાં સુધી ઉમ્મતની તરબિયત અને સુધારણા “પોતાની જાતના ઇન્કાર”ના સિદ્ધાંત ઉપર ન થાય (એટલે પોતાની જાતને કોઈ જ મહત્ત્વ ન આપવુ) અને જ્યાં સુધી એ ન સમજી લેવાય કે અમલ જ બુનિયાદ અને આધાર છે અને એ કે ઇરાદો અને નિશ્ચય અમલના તાબે હોય – જાત અને નામના તાબે ન હોય. કેમ કે જે મુજાહીદો અને શુરવીરોનું ઇતિહાસમાં નામ નથી તેમની ઓળખ તેમના અમલ અને તેમના કાર્યો જ છે.
બખોલવાળાનો કિસ્સો
આ કિસ્સાથી નિખાલસતાનું અર્થઘટન ખૂબ સારી રીતે સ્પષ્ટ થાય છે. કિસ્સાનો ખુલાસો એ છે કે મુસલમાનોના એક યુદ્ધમાં મુજાહીદ યુદ્ધવીરોએ એક કાંગરાવાળા કિલ્લાનો ઘેરો ઘાલ્યો હતો. આ કિલ્લામાં દાખલ થવું અત્યંત દુષ્કર હતું. સિવાય એક નાની બખોલના જેયાંથી કિલ્લાનું પાણી ગટર સ્વરૃપે બહાર આવતું હતું. કોઈ અન્ય માર્ગ અંદર જવાનો ખુલ્લો હતો જ નહીં. યુદ્ધ મોરચાના સેનાપતિ મુસ્લિમા બિન અબ્દુલમુલ્ક ઊભા થયા અને તેમણે લશ્કરને કહ્યું, આ બખોલમાં દાખલ થઈને અંદર ખડક (ચટ્ટાન)ને કોણ હટાવશે જેણે કિલ્લાના દરવાજાને ખુલવાથી રોકી રાખ્યો છે? એક વ્યક્તિ, જેણે કપડાથી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો, કહ્યું, હે લશ્કરના અમીર! આ કામ હું કરીશ… તે વ્યક્તિ પોતાની જગ્યાએથી ઉઠયો અને સુઈ જઈને પેટથી સરકીને તે તદ્દન ગંદી બખોલમાં દાખલ થઈ ગયો અને અંદર જઈને પેલી ખડકની આડશ દૂર કરી દઈને કિલ્લાનો દરવાજો ખોલી નાંખવાની સાથે જ અલ્લાહુ અકબરનો નારો બુલંદ કર્યો તે સાથે જ સમગ્ર ઇસ્લામી લશ્કર શહાદત અને તકબીરના નારા ગજવતું કિલ્લામાં દાખલ થઈ ગયું અને આ તદ્દન અશક્ય લાગતુ આ કામ પુરૃ થઈ જતાં વિજય પ્રાપ્ત થઈ ગયો.
કિલ્લાના અંદર પહોંચ્યા પછી સેનાપતિ મુસ્લિમા ઊભા થયા અને ત્રણવાર પૂછયું કે કિલ્લાનો દરવાજો ખોલનાર વ્યક્તિ કોણ હતા? કોઈએ જવાબ ન આપ્યો. જવાબ ન મળ્યો એટલે તેમણે કહ્યું કે, જેણે પણ દરવાજો ખોલ્યો હતો હું તેને કસમ આપું છું કે તે ચોવીસ કલાકની અંદર મને મળી લે… અમીરનો હુકમ માનવો તમારા માટે જરૂરી છે. જેમ રાતનો અંધકાર પૂરી રીતે ફેલાઈ ગયો તો રાતના અંધકારમાં એક વ્યક્તિએ લશ્કરના અમીરની રાવટીનો દરવાજો ખટખટાવ્યો. મુસ્લિમાએ ખુશ થઈને દરવાજો ખોલી દીધો અને પૂછયું, “શું બખોલના રસ્તે કિલ્લામાં દાખલ થનારા વ્યક્તિ તમે જ હતાં?” તે વ્યક્તિએ પોતાના મોં ને ઢાંકી જ રાખ્યું હતું. તેણે કહ્યું, “તમે મારો ચહેરો જોઈ શકો એ પહેલા તમારે મારી ત્રણ શરતો માનવી પડશે. મુસ્લિમાએ કહ્યું, એ શરતો કઈ છે?” તેણે કહ્યું, (૧) તમે ખલીફા સુધી મારૃં નામ નહીં પહોંચાડો (૨) તમે મને કોઈ જ ઈનામ આપવાનું નહીં કહો (૩) તમે મને ક્યારેય કોઈ વિશેષ નજરથી નહીં જુઓ (જેથી બીજાઓને મારા વિષે આભાસ થાય કે દરવાજો મેં ખોલ્યો હતો.)
મુસ્લિમાએ કહ્યું, બરાબર છે. અલ્લાહ ચાહશે તો એવું જ થશે. તે વ્યક્તિએ કહ્યું, બખોલ દ્વારા કિલ્લામાં દાખલ થનાર વ્યક્તિ હું જ છું આમ કહીને તેમણે પોતાના ચહેરો ખોલી નાંખ્યા … મુસ્લિમા બિન અબ્દુલમુલ્કે દુઆ માંગી કે, “હે અલ્લાહ! કયામતના દિવસે મને આ વ્યક્તિની સાથે ઉઠાડજે.”
આમ જીવનચરિત્રો અને ઇતિહાસના પુસ્તકોમાં આ વ્યક્તિના નામનો ઉલ્લેખ ન થઈ શકયો. ન તો પ્રચાર-પ્રસારના માધ્યમોમાં તેનું નામ આવ્યું ન તેને બહાદૂરી અને શૂરવીરતા બદલ ઇનામ કે પારિતોષીક મળ્યા. આ બધું તો તેના ખાતામાં તે અદૃશ્યના જાણકાર મહાન પ્રભુના પવિત્ર અને સન્યાનીય ગ્રંથોમાં સુરક્ષિત છે… જેનો બદલો તે ગુમનામ શૂરવીરને પોતાના રબના પાસે વગર માંગે અનહદ પ્રાપ્ત થશે જ થશે.
આમ જો નિખાલસના હશે તો આવું જ થશે કેમકે નિખાલસતા હશે તો અલ્લાહનો બંદો લોકોની તરફથી થતી પ્રશંસા કે ટીકા અને લોકોની ખુશી કે નારાજીની પરવા નથી કરતા, તેનું કામ તો માત્ર અલ્લાહની મરજી અને પ્રસન્નતા પ્રાપ્ત કરવાનું જ હોય છે. *