ટોળાશાહી દ્વારા મુસ્લિમોને યેનકેન પ્રકારે હેરાન-પરેશાન કરવા અને માર મારીને તેમની હત્યા કરી નાખવી અને ગૌવંશ રક્ષાના નામે ઊભા થયેલા પરાક્રમી ગૌરક્ષકો દેશના બંધારણ અને કાયદો ને ન્યાયની ખુલ્લેઓમ ઠેકડી ઉડાડીને જે રીતે મુસ્લિમ નવયુવાનોનો સંહાર કરે છે અને સાથે સરકાર તદ્દન નિર્લેપ અને મૂકસાક્ષી બનીને અદ્ભૂત રીત જોઈ રહી છે. એ પણ બિચારી શું કરેે! સત્તા મેળવવા જે રોટલી શેકી હતી હવે ટાઢી કઈ રીત પાડે?
પણ કંઈ માનવતા મરી પરવારી નથી… કાયદાના રક્ષકો જ ભક્ષકો બની ગયા હોય તો શું થયું? સમજદાર અને ન્યાયપ્રેમી નાગરિકો આગળ વધી રહ્યાં છે. વસુદેવે કુટુંબકમનું સૂત્ર ગાજી ગાજીને બોલનારા તો ચૂપ થઈ ગયા છે પણ માનવને માનવ સમજનારા લોકો હવે બોલી રહ્યા છે, લખી રહ્યા છે, અભિયાન ચલાવી રહ્યા છે.
“નોેટ ઇન માય નેમ”ના નામે ફિલ્મમેકરોએ આ ટોળાશાહીની પ્રવૃત્તિઓ સામે અભિયાન શરૃ કર્યું અને જોતજોતામાં સમગ્ર દેશમાં આ અભિયાનની જ્યોત સળગી ગઈ. આ અઠવાડીયે હજારો લોકોએ તેના સમર્થનમાં દેશભરમાં ઘણાં શહેરોમાં જોરદાર દેખાવો યોજ્યા. દેશના વિવિધ ક્ષેત્રની વિભૂતીઓએ આગેવાની સ્વરૃપે તેમાં ભાગ લીધો. સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી આખા દેશમાં ઉમટી આવી હતી. દેખાવકારોએ માનવસાંકળ બનાવી હતી અને ઠેરઠેર હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને મૂક અને શાંત દેખાવો યોજ્યા હતા કે આ સાંસ્કૃતિક દેશમાં હવે આ બધું ચલાવી નહીં જ લેવાય. ધર્મના નામ ઉપર રાજકારણ નહીં ચાલે. આ ભારતીય બંધારણની અવહેલના છે. દેખાવકારોમાં ખૂબ જ મોટી સંખ્યા પ્રબુદ્ધ લોકોની હતી.
પોતાના સાથે થઈ રહેલા અત્યાચાર અને રંજાડ અને હિંસાખોરીના વિરૂદ્ધમાં મુસ્લિમ સમાજે પણ ઈદના પ્રસંગે સમગ્ર દેશમાં કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ અને નારાજગી દર્શાવી છે કે ભારતના નાગરિક હોવાના નાતે અમારા સમાન અધિકારો છતાં સમગ્ર સમાજ સામે આ ભેદભાવ અને જુલ્મ કેમ?
દેશની વર્તમાન સરકારના અમુક નિર્ણયો અને પગલાંઓ અને સરકારના સમર્થકોની બિનજવાબદાર પ્રવૃત્તિઓની દરેક તે વ્યક્તિ વ્યગ્ર અને પરેશાન છે જે આ દેશ અને તમામ દેશવાસીઓથી પ્રેમ કરે છે તેમના માટે પોતાના દિલમાં દર્દ ધરાવે છે, અનુકંપા રાખે છે, જેના હજારોની સંખ્યામાં તે સરકારી કર્મચારીઓ અને બ્યુરોક્રેસી પણ છે જેઓ વિવિધ પદ પર રહીને વિવિધ હૈસિયતથી આ દેશની કિંમતી સેવા કરી ચૂક્યા છે. આ લોકો મનમાં ને મનમાં વર્તમાન પરિસ્થિતિ બાબતે ખિન્ન છે. ખાનગી વાતચીતમાં પોતાના દર્દને જાહેર કરે છે. જેના ઓછામાં ઓછા ૬૫ ઉચ્ચ અધિકારીઓ એવા છે જે જેઓ રીતસર એક લખાણ સાથે સામે આવ્યા છે. આ લખાણ એક ખુલ્લાખમ સ્વરૃપ છે. જે તેમણે સરકારી અને બંધારણીય ને કાયદાના વડાઓના નામે લખ્યો છે. આ ૬૫ અધિકારીઓમાં ૯૧ વર્ષીય હરમિંદરસિંઘ પણ સામેલ છે જેઓ ૧૯૫૩ની બેચના આઈ.એ.એસ. ઓફિસર છે. આ બધાએ ટોળાશાહીની સ્થિતિ ઉપર પોતાના ઊંડા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. અને દેશના સત્તાધીશોનું ભારપૂર્વક ધ્યાન દોર્યું છે કે આ ટોળાશાહીના ખતરનાક વલણને કોઈપણ કીંમતે રોકવામાં આવે નહીંતર દેશની હાલત ખરાબથી ખરાબ થતી જશે. તેમણે મુસ્લિમ નાગરિકોને રંજાડવા અને તેમના વિરુદ્ધ આક્રોશ અને દ્વેષ ફેલાવવો અને સમાન્ય વાતને વિકૃત સ્વરૃપ આપીને રમખાણો ઊભા કરાવી દેશ બાબતે ખાસ સવાલો ઊભા કર્યા છે.
મુસ્લિમ નાગરિકોને હેરાન કરવાના અમુક ઉદાહરણો પણ તેમણે રજૂ કર્યા છે. કબ્રસ્તાનો અને સ્મશાનોમાં વીજળી પહોંચાડવામાં ભેદભાવ, સ્લોટર હાઉસને અંધાધૂંધ બંધ કરાવીને મુસલમાનોને બેરોજગાર બનાવી દેવા – યુપીમાં એક મોટા મુસ્લિમ પોલીસ અધિકારીના પરિવારને ફકત એટલા માટે રંજાડવામાં આવ્યું કે તેઓ મુસલમાન હતા. મુહમ્મદ અખ્લાકને માત્ર બીફની આશંકાએ મારી નાંખવો, પહલુખાનની મારીમારીને હત્યા કરી નાંખવી, જ્યારે કે તે ઢોરબજારમાંથી કાયદેસર પરમીટ સામે જાનવર ખરીદીને આવી રહ્યો હતો. કહેવાતા ગૌરક્ષકોનું નિશાન આ બધા બહાના હેઠળ મુસલમાનોને રંજાડવાનું અને મારવાનું હોય છે – નિવૃત્ત અધિકારીઓએ સરકારથી કહ્યું છે કે બહુમતીવાદ કે ટોળાશાહીનું વધતું જવું વલણ તાકીદના ધોરણે રોકવામાં આવે નહીંતર આ દેશમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ જશે. ખુલ્લા પત્ર ઉપર સહી કરનારાઓની સંખ્યા જો કે ૬૫ છે પરંતુ વાસ્તવમાં તેઓ ખૂબ મોટી સંખ્યાનંુ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ સાથે સિવિલ સોસાયટીનો એક ખૂબ બહોળો વર્ગ છે જે પોતાના એહસાસો અને વિચારોને લાગણીઓ અખબાર માધ્યમો અને સોશ્યલ્ મીડિયા દ્વારા દર્શાવી રહ્યો છે.
લાગણીઓ, અનુભૂતિ અને એહસાસ તમામમાં સન્માનપાત્ર છે. જેઓ આ મહત્ત્વના સમયે તેને વાચા આપે છે. પરંતુ નિવૃત્ત બ્યુરોક્રેટની લાગણીઓનું મહત્ત્વ આ પાસાથી વધારે છે કે તેઓ સરકારની અંદરના માણસો રહેલા છે. સરકાર આ જ લોકો ચલાવે છે. તેઓ ઘણી સારી રીતે જાણે છે કે કયું પગલું અને કયો નિર્ણય શું પરિણામ લાવશે. પ્રજાની કઈ પ્રવૃત્તિ રાષ્ટ્રને કયાં લઈ જશે. તેઓ જોઈ રહ્યા છે કે દેશમાં આ ટોળાશાહી પ્રવૃત્તિઓ અને આ વલણો …………… નથી. જેથી તેનાથી દેશને બચાવવો અનિવાર્ય છે. જોકે આ અધિકારીઓએ ટોળાશાહીના ભોગ જેઓ બને છે તેમાં મુસલમાનો ને જ ગણાવ્યા છે. તેમણએ આ અત્યાચારોનો ભોગ બની રહેલા બીજા વર્ગ દલિતનો ઉલ્લેખ કોણ જાણે કેમ કર્યો નથી. નહિતર તે વર્ગ પણ આ ટોળાશાહીનું ભોગ તો બની જ રહ્યો છે. જે હોય તે પણ આ આનંદ ને આશાની વાત છે કે દેશમાં આ ખુલ્લેઆમ થઈ રહેલા અન્યાય, ભેદભાવ અને જોહુકમી જો ન્યાયની દૃષ્ટિને જોનારા, તેની મૂલવણી કરનારા અને તેના સામે અવાજ ઉઠાવનારાઓની સંખ્યા નાની સુની નથી.
હવે આ અવાજમાં એક પ્રખર અવાજ પણ ઉમેરાયો છે. તે અવાજ છે આપણા દેશના વડાપ્રધાનનો. જેમણે ગુજરાતમાં આવીને અહમદાબાદમાં કહ્યું કે “ગૌરક્ષાના નામે હત્યાનો કોઈને હક નથી.” (નવગુજરાત સમય તા. ૩૦-૬-૧૭) ગૌરક્ષાના નામે ચાલતી હિંસા બાબતે પોતાની સખત નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, “કાયદો હાથમાં લઈને ગાયના નામે કોઈને પણ મારી નાખવાનો હક ગૌરક્ષા નથી. ગાયના નામે માણસોને કેવી રીતે મારી નંખાયા.” ભીડના કારણે થતી હિંસાના બનાવોને પણ તેમણે વખોડી નાંખ્યા. ઘણું જ સારૃં કહેવાય જો આપણા વડાપ્રધાનના મોઢેથી નીકળેલા આ શબ્દો કે અખ્લાકની હત્યા વખતે જ આ શબ્દો બોલાયા હોત તો તેનો પ્રભાવ કંઇક જુદો જ હોત. ત્યારે આપ ચુપ કેમ રહ્યા? શક્ય છે કે દેશમાંના પ્રબુદ્ધો સમજદાર વર્ગમાંથી ઊઠી રહેલો અવાજ તેમના સુધી પહોંચ્યો હોય અને હવે સમયની નાડ પારખીને તેઓ આમ કહેવા વિવશ થયા હોય – એ પણ શક્ય છે કે ગાંધીઆશ્રમમાં ગાંધીજીના આદર્શો અને ગાંધીવિચારના સાનિધ્યમાં રહીને આમ કહેવા વિવશ બન્યા હોય અને એ પણ શક્ય છે કે તેમની સરકારના સાનિધ્યમાં જ ગુજરાતથી શરૃ થયેલો ઉત્પાત અને વિઘ્વંશ એ એટલો વકરી ગયો હોય કે વડાપ્રધાનના હાથે તેને સંભાળવો જરૂરી બની ગયો હોય. જે હોય તે પણ તેમના આ શબ્દો અને વ્યક્ત નારાજગીનું સ્વાગત જ છે. માનવીના હૃદય અને મનમાં શું ચાલે છે તે તો સૃષ્ટિના સર્જનહાર-પાલનહાર સિવાય કોઈ નથી જાણતું. એટલે મોઢેથી બોલાયેલા જ શબ્દો પર ભરોસા કરવો રહ્યો. આપણે આશા રાખીએ કે આ વડાપ્રધાનના આત્માનો અવાજ હશે અને આપણે દુઆ પણ કરીએ કે અલ્લાહ તેમની લાગણીને આપણને તમામને સમભાવ અને સહિષ્ણુતા સાથે જીવન જીવવાની પ્રેરણા અને સદ્બુદ્ધિ આપે. /