આ અંકના સંસ્થા પરિચયમાં ગુજરાત મુસ્લિમ સમુદાયની સૌથી મોટી શૈક્ષણિક ચળવળ જેની છાયા હેઠળ ૧૭,૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે તેવી ફલાહે દારૈન અર્થાત્ બન્ને દુનિયાની સફળતા એટલે એફ.ડી. એજ્યુકેશન સોસાયટીના સંચાલકો સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી. તેના કેટલાક અંશો પ્રસ્તુત છે. આ વાતચીતમાં અમારી સાથે સોસાયટીના એકટીંગ ચેરમેન શફી મણીઆર અને એફ.ડી. મકતમપુરા શાળાના અધ્યાપક મુહમ્મદ હુસૈન ગેણાએ અમને સોસાયટી વિશે માહિતી ઉપલબ્ધ કરાવી.
પ્રશ્ન: એફ.ડી. એજ્યુકેશન સોસાયટીની સ્થાપના ક્યારે અને કેવા સંજોગોમાં થઈ હતી?
ઉત્તર: ૧૯૬૭ની વાત છે જ્યારે પાંચ ઉચ્ચ શિક્ષિત વ્યક્તિઓ અબ્દુર્રહીમ શેખ, ફૈઝ મુહમ્મદ શેખ, હમીદુદ્દીન કાઝી, અબ્દુર્રહમાન રસ્સીવાલા અને શફી મિયાં સૈયદ દ્વારા મુસ્લિમ સમાજમાં શિક્ષણ પ્રત્યે પ્રવર્તમાન ઉદાસીનતાને દૂર કરવાનું બીડું ઝડપવામાં આવ્યું. તેઓએ નિઃસ્વાર્થ ભાવે ટયુશન ક્લાસની સ્થાપના કરી જેનું સ્થાનિક વાલીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. આગળ જઈને જમાલપુરની એક દરગાહના પ્રાંગણમાં ૧૫x૨૦ના પતરાના શેડમાં ૪૦ બાળકો માટે બાલમંદિર શરૃ થયું અને તે પછી સોસાયટીની યાત્રા દરમ્યાન સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. આજે બાલમંદિરથી લઈને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમોમાં જમાલપુર, કાલુપુર, દરિયાપુર, મકતમપુર (જુહાપુરા) અને બહિયલ (દેહગામ તાલુકો) ખાતે કાર્યરત છે. આ ઉપરાંત આર્ટ્સ અને કોમર્સમાં ગર્લ્સ કોલેજ, બહિયલની ઇન્સટીટયુટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી સાથે ઉચ્ચ અભ્યાસ માટે પણ સોસાયટીની સેવાઓ ઉપલબ્ધ છે. અલ્લાહના ફઝલથી આ વર્ષે જમાલપુર અને મકતમપુરમાં બે સાયન્સ કોલેજો માટે પણ મંજૂરી મળી ગઈ છે જેમાં અત્યારે ૭૫ વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે અને આવનારા વર્ષોમાં આ સંખ્યામાં મોટી વૃદ્ધિ થશે. અત્યારે સોસાયટીને સંલગ્ન ૩૧ સંસ્થાઓમાં પચ્ચીસ એકરથી વધારે જગ્યામાં ૧૭,૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.
પ્રશ્ન: આ યાત્રા દરમ્યાન સોસાયટીને કેવા પડકારોનો સામનો કરવો પડયો?
ઉત્તર: આ યાત્રા ચોક્કસપણે પડકારો ભરી રહી છે. શરૃઆતમાં અમારા ટ્રસ્ટીઓ અને શુભચિંતકોને મસ્જીદોની બહાર ઝોલી લઈને પણ ઉભા રહેવું પડતું હતું. ફીસબીલીલ્લાહ ટી સ્ટોલ જેવી યોજનાઓ કરવી પડી જેમાં લોકોને ચા પીવડાવવામાં આવતી અને બદલામાં તેમનાથી રકમની અપેક્ષા રાખવામાં આવતી. બાળકોને પણ નાના વર્ગોમાં નાની બેન્ચીઝ પર ૫૦ની ક્ષમતા સામે ૭૦ બાળકોને બેસવું પડતંુ તેવા પડકારોનો સામનો કરવો પડયો. પરંતુ આ પડકારો વચ્ચે અમને ઘણાં સહાયકો પણ મળતા ગયા. કહેવાય છે ને કે મે અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ મગર, લોગ સાથ આતે ગએ ઔર કારવાં બનતા ગયા. આ ઉક્તિને સાર્થક કરતાં ઘણાં લોકોએ અમને જુદા જુદા સ્વરૃપે મદદ પહોંચાડી. માત્ર મુસ્લિમ સમુદાયમાંથી જ નહીં પરંતુ હિન્દુ સમુદાયના લોકો અને સરકારી આગેવાનોએ પણ અમારા આ શૈક્ષણિક મિશનની નોંધ લીધી અને અમને સહાયતા પહોંચાડી. જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલને અમારા અભિયાન વિશે ખબર પડી ત્યારે તેમણે તેમની મકતમપુર (જુહાપુરા) ખાતેની જમીન અમને ચોપડા કિંમતે આપી દીધી. આ જ રીતે અમને તાજેતરમાં જે બે વિજ્ઞાાન કોલેજોની મંજૂરી મળી તેમાં પણ શિક્ષણ વિભાગના અને યુનિવર્સીટીના વરીષ્ઠ અધિકારીઓ પણ અમારી પડખે ઉભા રહ્યા.
પ્રશ્ન: તમારી શૈક્ષણિક સંસ્થાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ મળે તે હેતુસર સોસાયટી દ્વારા શું વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે?
ઉત્તર: અમારી સંસ્થાઓમાં મુખ્યત્વે નીચલા મધ્યમવર્ગ સાથે સંબંધ ધરાવતા બાળકો અભ્યાસ કરે છે. વાલીઓ મુખ્યત્વે રિક્ષાચાલકો, મીકેનીક, નાના વ્યવસાય ધરાવતા અથવા ખાનગીમાં નોકરી કરતા હોય છે અને સ્વભાવિકપણે તેઓની આર્થિક સ્થિતિ બહુ સદ્ધર નથી હોતી. આ કારણે કેટલાક બાળકોને સામાન્ય કહી શકાય તેવી માસિક રૃા. ૨૫૦ થી ૪૦૦ સુધીની ફી ભરવામાં પણ ક્યારેક અગવડ થાય છે. પરંતુ આવી સ્થિતિમાં પણ બાળકોને પાઠયક્રમ સિવાયની પ્રવૃત્તિઓનો ભરપૂર લાભ મળે તેના પ્રયત્નો અમે કરીએ છીએંે. અમારા બાળકો નિયમીત રીતે રમતગમત, શૈક્ષણિક પ્રવાસો, ઔદ્યોગિક પ્રવાસો, ફિલ્મ સ્ક્રીનીંગ, નાટય સ્પર્ધાઓ, ક્વીઝ કંપીટીશન્સ, ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો, માટીકામ, મેથ્સ પઝલ્સ, વૈજ્ઞાાનિક સંસ્થાઓની મુલાકાતો, જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આ ઉપરાંત તેમનામાં વાંચવાની વૃત્તિ કેળવાય તે માટે પુસ્તકાલયો અને બુક શોપ્સની મુલાકાતો ગોઠવવામાં આવે છે. આ મુલાકાતો અને પ્રવૃત્તિઓના કારણે નાની ઉંમરથી બાળકોમાં કારકિર્દી બનાવવા માટે સભાનતા કેળવાય છે અને અમારા ઘણાં વિદ્યાર્થીઓ આજે સફળ વ્યવસાયી બનીને પોતાનું જીવન માનભેર વ્યતિત કરી રહ્યા છે. આ ઉપરાંત સારી વ્યક્તિ બનવા માટે અને પરલોકની સફળતા મળી રહે તે હેતુસર અમારી દૈનિક પ્રાર્થનાસભાઓમાં બાળકોના મન અલ્લાહને સમીપ થાય અને તેમનો આધ્યાત્મિક વિકાસ થાય તેની પણ તકેદારી રાખવામાં આવે છે.
પ્રશ્નઃ અત્યારે જે રીતે મોટી સંખ્યામાં ખાનગી શાળાઓ શરૃ થઈ છે અને બાળકોને આધુનિક ઢબે શિક્ષણ મળી રહે તે માટે વાલીઓમાં પણ ઉમંદ વધી છે તે સ્થિતિને આપ કઈ રીતે જુઓ છો?
ઉત્તર : ખાનગી શાળાઓ જે રીતે ખુલી છે અને વિશેષ કરીને ઊંચી ફી ઉઘરાવીને જે રીતે શિક્ષણનું વ્યવસાયીકરણ કર્યું છે તેની અસર સામાજિક માળખા પર પણ થઈ છે. શિક્ષણને પણ સમાજના અલગ અલગ વર્ગોમાં વિભાજીત કરી દેવામાં આવ્યું છે. કઈ શાળામાં બાળક અભ્યાસ કરે છે તેનાથી તેની આર્થિક અને સામાજિક સ્થિતિનો ચિતાર મેળવી શકાય છે. આ એક તંદુરસ્ત સમાજ માટે સારા ચિહ્નો નથી. અમારા કેટલાક મિત્રો આવી મોંઘીદાટ શાળાઓમાં ભણાવે છે અને તેઓની લાગણી એવી છે કે શિક્ષણ અને શિક્ષકોને જે રીતે માન મળવું જોઈએ તેવું માન આવી શાળાઓમાં મળતું નથી. આની સામે અમારા જેવી શાળાઓમાં બાળકો આજે પણ શિક્ષકોને માનભેર જુવે છે. તેમના ભવિષ્ય માટે જ્યારે તેમને કઇ કહેવામાં આવે છે ત્યારે તેમનામાં ગંભીરતા જોવા મળે છે. તેઓ તેમના વાલીઓએ અને તેમણે પોતે જે સંઘર્ષ કર્યા છે તે સ્થિતિને દૂર કરવા માટે તત્પર જણાય છે. આ જ કારણે તેમને સૂચનાઓ આપવામાં આવે ત્યારે તેનું નિષ્ઠાથી પાલન થાય તેની તેઓ કાળજી રાખે છે.
પ્રશ્ન: તમારી શાળાના બાળકો ઉચ્ચ અભ્યાસમાં અને મુખ્યધારાના પડકારોનોે સામનો કરવામાં કેટલા સફળ થાય છે? શું તમારા બાળકો પોતાના અભ્યાસ પછી પણ પોતાની શાળા માટે કંઇ કરવાની ભાવના રાખે છે?
ઉત્તર: અમારા બાળકો ચોક્કસપણે મુખ્યધારામાં સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ભળી જાય છે. મોટી સંખ્યામાં અમારા વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવવામાં સફળ થયા છે. આ ઉપરાંત આંતર શાળાકીય સ્પર્ધામાં પણ તેઓ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહે છે. તાજેતરમાં અમારી શાળાના બાળકો રાજય કક્ષાની એક વિજ્ઞાાન સ્પર્ધામાં પ્રથમ ક્રમે રહ્યા હતા જેમાં રાજ્યની નામાંકિત શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા હતા. ટ્રાફિક ક્વીઝમાં અમારા બાળકો પ્રથમ ક્રમે રહ્યા હતા. અમેરિકન ફિલ્ડ સર્વિકાના સર્વિસના એક્ષચેન્જ પ્રોગ્રામમાં પણ અમારા વિદ્યાર્થીઓ યુ.એસ.એ. જવા માટે પસંદગી પામ્યા હતા. અમારી શાળાને તો કેટલાક લોકો કેન્દ્રીય બોર્ડની શાળા સમજી બેસે છે અને જ્યારે તેમના ખબર પડે છે કે મુસલમાનો દ્વારા ટાંચા સાધનોથી ચાલતી શાળાઓ છે ત્યારે તેમના અચરજનો પાર નથી રહેતો.
અમારા વિદ્યાર્થીઓ અહીંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ અમારી સાથે સોશ્યલ મીડિયા દ્વારા સંબંધમાં રહે છે. કેટલાક લોકો નિયમીત મુલાકાતો કરે છે. અમારો એક વિદ્યાર્થી ઘાંચી રીઝવાન દર મહિને એક પુસ્તક ભેટસ્વરૃપે શાળાને મોકલે છે. આ ઉપરાંત અમારી યોજનાઓ જેવી કે મેથ્સ પઝલ લેબ તેના માટે પણ પૂર્વ વિદ્યાર્થીઓ તરફથી રકમ મળી છે. અમારો એક પૂર્વ વિદ્યાર્થી જે ટયુશન કલાસ ચલાવે છે તે અમારી શાળાના બાળકોને સાવ નજીવા દરે સેવાઓ આપે છે. આ રીતે અમારા આ વિદ્યાર્થીઓએે વિજ્ઞાાન પ્રવાહના ૧૯ બાળકોને સેમીસ્ટર દીઠ રૃા. ૧૦,૦૦૦ની સહાય ઉભી કરી આપી છે, અમને સંતોષ છે કે અમારા બાળકોની લાગણીઓ આજે પણ અમારી સાથે જોડાયેલી છે.
પ્રશ્ન: યુવાસાથીના વાચક મિત્રોને તમે શું સંદેશ આપવા માંગો છો?
આ પ્રશ્નનો ઉત્તર આપતા ૬૭ વર્ષીય શફીભાઈ મણીઆર જે સંસ્થાના એકટીંગ ચેરમેન પણ છે અને મણીઆર ગ્રુપ ઓફ કંપનીઝના પણ ચેરમેન છે તે અલ્લાહ પર અપાર શ્રદ્ધા રાખવાની અપીલ કરે છે.
ઉત્તર: દરેક વ્યક્તિએ અલ્લાહ પર સંપૂર્ણ ભરોસો રાખવો જોઈએ. અમારા વેપારમાં ગુજરાતના વિવિધ રમખાણોમાં ખૂબ મોટા નુકસાનો થયા અને દરેક વખતે અલ્લાહે અમને અનેક ઘણો બદલો વધારી આપ્યો. હું માત્ર એટલી જ અપીલ કરીશ કે જો નેકદિલથી કોમની સેવાનો સંકલ્પ કરી લેવામાં આવે તો અલ્લાહ આપણી ધારણાથી ઉપર જઈને મદદ ફરમાવશે અને અશક્ય લાગતા કામો પણ સાવ સહેલા થઈ જશે. અમે જ્યારે વિજ્ઞાાનની બે કોલોજીઝ માટે યોજના બનાવી ત્યારે અમારી કલ્પનામાં ન હતું કે અમારા કામ આસાનીથી પાર પડશે પરંતુ અલ્લાહની મદદથી મંજૂરી પણ મળી ગઈ અને વિદ્યાર્થીઓએ અભ્યાસ પણ શરૃ કરી દીધો. બીજી બાબત કહેવાની તે છે કે અલ્લાહ મુસલમાનોને તમામ દુનિયા માટે રહેમત બનાવીને મોકલ્યા છે અને આપણે હિન્દુ મુસ્લિમોનો ભેદ કર્યા વગર તમામ માનવતાને પોતાની સેવાઓ આપવી જોઈએ.