જીવનમાં માનવીની સફળતા માટે જરૂરી છે કે તે માત્ર જીવનના વાસ્તવિક લક્ષ્યથી જ પરિચિત ન હોય બલ્કે આની સાથો સાથ આ પણ જરૂરી છે કે તેનામાં મનુષ્યોચિત એ ગુણો પણ હોય જે સફળતાના માર્ગમાં અગ્રસ્થાને મૂકી શકાય. એવા ગુણોને પુરુષાર્થ કહી શકાય છે. મૂળભૂત રીતે ત્રણ ગુણો એવા છે જેમને પુરુષાર્થ હેઠળ મૂળી શકાય છે –
(૧) સંકલ્પ (૨) નિયમિતતા તથા સક્રિયતા અને (૩) આશાવાદ.
(૧) સંકલ્પ
જો કોઈ વ્યક્તિમાં સંકલ્પ-શક્તિ જોવા નથી મળતી તો તે જીવનમાં કરવા જેવું કંઇ પણ નથી કરી શકતી. જગતમાં જે કોઈ વ્યક્તિ કે કોમે કોઈ મહાન કાર્ય કર્યું છે, તો તેની પાછળ તેની સંકલ્પ શક્તિ અવશ્ય રહી છે. ઇરાદાની મજબૂતી અને સંકલ્પ વિના ન તો કોઈ વ્યક્તિ એવરેસ્ટના શિખર પર પોતાનો ધ્વજ ફરકાવી શકી છે અને ન તો કોઈ કોલંબસ કોઈ નવાં જગતની શોધ કરી શકયો છે.આ જ શક્તિ છે જેના બળે માનવી ચંદ્ર પર પોતાના પગ મૂકવામાં સફળ થઈ શક્યો છે વિજ્ઞાાન-જગતમાં જેટલા જેટલા પણ સંશોધન થયા છે તે બધા આ જ સંકલ્પ-શક્તિના ચમત્કાર છે. જો આ સંકલ્પ-શક્તિ ન હોત તો ક્યારેય કોઈ સંશોધન કરી ન શકાત. કોઈ નવી વસ્તુ વિશ્વને આપવા માટે શારીરિક તથા માનસિક પરિશ્રમોમાંથી પસાર થવું પડે છે. એક લગન તથા ધુન હોય છે કે વૈજ્ઞાાનિક ખાવા-પીવા તથા આરામ કરવાનું પણ ભૂલી જાય છે. ત્યારે તે પોતાના ધ્યેયમાં સફળ થાય છે.
વિશ્વમાં જેટલા પણ મહાન વિજેતા થયા છે તેમણે પોતાના શત્રુઓને હરાવીને પોતાના વિજયની ઘોષણા કરી છે, તેમની પાસે માત્ર સૈન્ય-બળ હતું એટલું જ નહીં, બલ્કે સૈન્ય-બળથી વધુ સંકલ્પની શક્તિ હતી. તેઓ પોતાના ઇરાદાના એવા મજબૂત હતા કે પોતાના ઉદ્દેશ્યની પ્રાપ્તિના માર્ગમાં તેમને મૃત્યુની પણ કોઈ ચિંતા ન હતી. તેમને એક જ ધુન લાગેલી રહેતી હતી કે તેઓ પોતાના લક્ષ્યને કોઈ પણ રીતે હાંસલ કરી લે.
જો કોઈ નેતા કે ધર્મ-ઉપદેશક ઇચ્છે છે કે લોકો તેના માર્ગદર્શનથી લાભાન્વિત થાય, કોમ આગળ વધે, અંધકાર દૂર થાય, અજવાળું ફેલાય, સમાજમાં ખુશીઓની વસંતઋતુ આવે, કોઈ દુઃખી ન હોય, અશ્રુઓ ન છલકાય, અને જો ક્યાંક અશ્રુઓ છલકાય તો તે પ્રેમના અશ્રુઓ હોય, નિરાશા કોઈને ડસે નહીં, કોઈ નિઃસહાય ન રહી જાય અને મૂળભૂત જરૂરીયાતો સૌની પૂરી થાય, ચાહે તે ગમે તે વિચારધારાનો માનનારો હોય તો પણ માનવતાના નાતે તેની સહાયતા કરવી અનિવાર્ય છે. અને જો કોઈ ઇચ્છે છે કે જગતમાં સત્ય વિજયી થાય, લોકોનું અજ્ઞાાન સમાપ્ત થાય, તેઓ ચારિત્ર્યવાન હોય, જગતમાં ધર્મની સ્થાપના થાય અને સામાજિક ન્યાયની ઇચ્છાઓ પૂરી થાય, તો તેની આ ઇચ્છાઓ ક્યારેય પણ પૂરી નહીં થાય, જો તે માત્ર ઇચ્છાઓ જ હોય. વિશ્વમાં ફકત ઇચ્છાઓ અને આકાંક્ષાઓ દ્વારા જ કોઈ કાર્ય પૂરૃં નથી થઈ શકયું. આના માટે સંકલ્પ અને ઇરાદાની મજબૂતી જોઈએ.
ઇસ્લામને પોતાના પ્રારંભમાં જે આશ્ચર્યજનક સફળતા મળી છે, કે તે જોત-જોતામાં વિશ્વના મોટા ભાગમાં છવાઈ ગયો, તો એ વાસ્તવમાં તેના અનુયાયીઓની માત્ર નિષ્ઠા અને ઇસ્લામ પ્રત્યે તેમના વિશ્વાસનો ચમત્કાર જ ન હતો બલ્કે તેમના મનની લગન, તેમનું સાહસ અને તેમનો અડગ નિશ્ચય હતો જે તેમણે પોતાના જીવન પ્રત્યે કરી રાખ્યો હતો. તેમણે જીવન માટે જે નિર્ણય કર્યો હતો તેમાં કોઈ પણ પ્રકારની આશંકા તેમના મનમાં જોવા મળતી ન હતી, આથી કોઈ પણ વસ્તુ તેમને તેમના ઇરાદાઓથી અટકાવી ન શકી.
(૨) નિયમિતતા તથા સક્રિયતા
પુરુષાર્થ સંબંધિત બીજી વસ્તુ જેને મહત્ત્વ પ્રાપ્ત છે તે નિયમિતતા અને સક્રિયતા છે. સફળતા માટે માત્ર ઇરાદા અને સંકલ્પ જ પૂરતા નથી. કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી પોતાના ઇરાદાઓમાં સફળ થઈ શકતી નથી જ્યાં સુધી નિયમિતતા કે કાર્યકુશળતાનો ગુણ તેનામાં જોવા મળતો ન હોય. આથી જ જ્ઞાાન પછી આચરણ ઉપર ભાર મુકવામાં આવે છે. જે જ્ઞાાન આપણને આચરણ કે કર્મના ક્ષેત્રમાં ન લઈ જઈ શકે એ જ્ઞાાન શું કામનું! એ જ્ઞાાન અધૂરું છે. જ્ઞાાનને અપેક્ષિત છે પ્રેમ અને લગની. પ્રેમ માનવીને ક્યારેય નિરાંતે બેસવા નથી દેતા. પ્રેમ અને લગની છે તો માનવી કર્મના ક્ષેત્રે આગળ ને આગળ જ વધતો જશે, ભલેને તેને આના માટે ગમે તેટલી કુર્બાનીઓ કેમ ન આપવી પડે. વિશ્વના કોઈ લોભ અને આકર્ષણ તેને આ માર્ગથી વિચલિત નથી કરી શકતા. જો કોઈ કર્મવીર નથી અને કર્મનિષ્ઠાની વિશિષ્ટતા તેનામાં જોવા નથી મળતી તો માત્ર સંકલ્પ અને તેની આકાંક્ષાઓ નિષ્પ્રાણ અને વ્યર્થ છે. એવી વ્યક્તિ માત્ર વિચારશે અને દૂર સુધી વિચારશે, તેની પોતાની યોજનાઓ પણ હશે, પરંતુ તે પોતાના સ્થાનેથી હલન-ચલન માટે તૈયાર નહીં હોય તો આવી સ્થિતિમાં તેનાથી કોઈ મોટી આશા રાખી ન શકાય. આવી વ્યક્તિ કોઈ પણ ક્રાંતિકારી આંદોલનમાં સહાયક નથી નીવડી શકતી.
(૩) આશાવાદ
પુરુષાર્થ સંબંધિત ત્રીજી વસ્તુ કે જેને તમામ વિદ્વાનોએ મહત્ત્વ આપ્યું છે તે છે આશાવાદ. કોઈ પણ કાર્યની સફળતા મોટી હદ સુધી આની ઉપર જ આધાર રાખે છે. નિરાશાવાદી વ્યક્તિ કોઈ ઉચ્ચ લક્ષ્યના માર્ગમાં આપણી સહયોગી નથી બની શકતી. દરેક પગલે તેની નિરાશાવાદી માનસિકતા તેના પગ પકડશે. તેને દૂર સુધી કોઈ પ્રકાશ દેખાઈ નથી શકતો. તેને દરેક બાજુ અંધકાર જ અંધકાર દેખાશે. અંધકાર સાથે તેની કોઈ એવી સમજૂતી થઈ ચૂકી હોય છે કે તે તેની સાથે જ રહેવા માટે રાજી થઈ ગઈ હોય છે. કોઈ પણ પ્રકાશની વાત તેના માટે સ્વપ્ન સમાન હોય છે. નિરાશા જ તેની મનોવૃત્તિ બની ચૂકી હોય છે, અને નિષ્ફળતાને જ તે પોતાનું ભાગ્ય સમજે છે. આવી સ્થિતિમાં તે અન્યોના ભાગ્યને શું બદલશે, જ્યારે કે તે પોતે પોતાના ભાગ્ય પ્રત્યે નિરાશાગ્રસ્ત બની ચૂક્યો હોય છે. જે લોકોએ વિશ્વમાં મહાન કાર્યો કર્યા છે, એ કાર્યો ભલે જીવનના કોઈ પણ ક્ષેત્રના રહ્યા હોય. આ એ જ લોકો હતા જેઓ આશાવાદી હતા. નિરાશ થવાનું તે જાણતા જ ન હતા. અને આ એ જ લોકો હતા કે જેઓ અંતે સફળ થઈને રહ્યા, તેઓ સમજતા હતા કે જે માર્ગને તેમણે પોતાના માટે પસંદ કર્યો છે, એ માર્ગ ઉપર ચાલી નીકળવું જ વાસ્તવિક સફળતા છે. અને જો તેમના પ્રયત્ન તથા સંઘર્ષ કોઈ મહાન વિશ્વવ્યાપી લક્ષ્ય માટે છે, તો પછી તો આનો કોઈ વિકલ્પ નથી કે માનવી પોતાની સંપૂર્ણ શક્તિ અને કાર્ય-કુશળતાને આમાં જ લગાવી દે. આ એ વાતનું પ્રમાણ હશે કે તે જીવનના સુંદરતમ્ અભિપ્રાયને જાણી ચૂક્યો છે. તેના માટે જીવન અભિપ્રાયનું જ્ઞાાન તેની પ્રથમ સફળતા છે. લોકોને આ અભિપ્રાયથી પરિચિત કરાવવાનો પ્રયાસ અને આનાથી તેની તીવ્રતા તથા ઉદ્દેશ્ય-પ્રાપ્તિ માટે પોતાની જાતને દાવ પર લગાવી દેવી એ તેની બીજી સફળતા છે, અને તેના પ્રયત્નોથી પ્રેમની એ અગ્નિ જે તેના હૃદયમાં પ્રજવલિત થઈ છે તે મોટા પ્રમાણમાં લોકોના હૃદયોમાં એ જ અગ્નિ પેટાવી શકે તો એ તેની ત્રીજી સફળતા છે.
જો તેના બલિદાન અને પ્રયાસોથી કંઇનું કંઇ થઈ ગયું, માલીક તથા ગુલામનું અંતર મટી ગયું, લોકોને તમામ માનવો એક સમાન દેખાવા લાગ્યા અને ધરતીના મનુષ્યો પરસ્પર અને એક બીજાના ભાઈ બની ગયા “વસુધેવ કુટુમ્બકમ”નું સ્વપ્ન સાકાર થઈ ગયું અને ઇશ્વરની ઇચ્છા સૌની ઇચ્છા બની ગઈ અને લોકોને એ દૃષ્ટિ મળી ગઈ કે નાશવંત જીવનમાં અમર-જીવનના અભિલાષી બની ગયા, તેમની આંખો ખુલી ગઈ અને અહંકાર તથા અંધાપો દૂર થઈ ગયો અને સ્વાર્થીપણા પર નિઃસ્વાર્થતાને અને વેર-ભાવ પર પ્રેમને વિજય પ્રાપ્ત થઈ ગયો તો આ તેની ચોથી નહીં, બલ્કે પૂર્ણ સફળતા છે. આ રીતે આ માર્ગમાં સફળતા જ સફળતા જોવા મળે છે. નિષ્ફળતાનો ત્યાં નિવાસ નથી. પરંતુ નિરાશાવાદી મનોવૃત્તિની વ્યક્તિને તો સફળતામાં પણ નિષ્ફળતા દેખાશે. તે વિવિધ આશંકાઓ અને જાન-માલના નુકસાનના વિચારથી એટલી ભયભીત હશે કે કોઈ પણ ઉચ્ચ અને વિશ્વ-વ્યાપી લક્ષ્યના વિષયમાં કંઈ પણ વિચારવાનો તેની પાસે સમય જ નહી હોય. *