આપણે ગૌરવ લઈએ છીએ કે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત છે. લોકશાહીનો પરિચય અલ્લામા ઇકબાલે બહુ સુંદર શબ્દોમાં કરાવ્યો છે,
ઇસ રાઝકો એક મર્દે ફિરંગીને કિયા ફાશ
હર ચંદ કે દાના ઇસે ખોલા નહીં કરતે
જમ્હૂરિયત એક તરઝે હુકૂમત હૈ કે જિસ મેં
બંદોકો ગિના કરતે હૈં તૌલા નહીં કરતે
અહીં વિદ્વાનના મંતવ્યો હોય કે સામાન્ય વ્યક્તિના બંનના મુલ્ય સમાન છે. ૧૦ વિદ્વાનો દલીલો આપી કોઈ સાચી વસ્તુને ખોટી ઠેરવે ને બીજી બાજું ૧૧ વ્યક્તિઓ કોઈ ખોટી વસ્તુને સાચી કહે તો આવી પરિસ્થિતિમાં જીત અભણ અને અસત્યની થાય છે. કોઈએ લોકશાહીની બહુ સરસ અને સરળ રીતે આ પ્રમાણે વ્યાખ્યા કરી છે કે ૫૧=૧૦૦ અને ૪૯=૦ ખરેખર, આવી જ પરિસ્થિતિ જોવા મળે છે.
ડેમોક્રેસીના લીધે ડેમોગોગ (ચળવળિયો નેતા) તથા Mobocracy (ટોળાશાહી) પેદા થાય છે જેે લોકટોળાની લાગણી ઉશ્કેરી પોતાના લાભ માટે ઉપયોગ કરે છે. માનવી એક લાગણીશીલ જીવ છે. આ લાગણી ઉપર નિયંત્રણ મેળવવું સરળ નથી. આ લાગણીઓ શ્રદ્ધા સાથે જોડાયેલી હોઈ શકે, કુટુંબ સાથે જોડાયેલી હોય, પોતાની જાતિ-જ્ઞાતિ સાથે જોડાયેલી હોઈ શકે… આમ તો દેખીતી રીતે બીજી પ્રણાલીઓ કરતાં આ વ્યવસ્થા એકંદરે યોગ્ય લાગે છે. ‘ઑફ ધી પીપલ, બાય ધી પીપલ, ફૉર ધી પીપલ’નું સૂત્ર ખૂબ જ આકર્ષણ ઉત્પન્ન કરે છે. લોકોને પોતાની સત્તા હોવાનો અહેસાસ થાય છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલે આ વાસ્તવિકતા નથી. લોકશાહીની ત્રુટિઓ છે કે તે બહુ સહજતાથી ટોળાશાહીમાં ફેરવાઈ જાય છે અથવા બહુમતીવાદમાં પલટાઈ જાય છે. બંને પરિસ્થિતિ એક મોટા વર્ગ માટે પડકારરૃપ બની જાય છે.
જનતાનો એક મોટો ભાગ એવો છે જે પ્રવર્તમાન રાજકારણથી નિરાશ થઈ ગયો છે જે જોઈ રહ્યો છે કે કોઈ પણ પાર્ટીને લોકોની સમસ્યા દૂર કરવા અને તેમને સુવિધા પૂરી પાડવામાં કોઈ રસ નથી. મોટા મોટા વાયદાઓ કરીને સત્તા પ્રાપ્ત કરી લે છે પરંતુ પાછળથી જનતાને પરિસ્થિતિ કથળતી હોવાનો અહેસાસ થાય છે. રાજનેતાઓ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે જે નરી આંખે દેખાઈ રહ્યો છે. બધી જ પાર્ટીઓમાં ગુંડા તત્ત્વોનો એક પ્રભાવ છે. બધી જ પાર્ટીઓમાં ભ્રષ્ટાચારીઓનો એક મોટો વર્ગ છે. બલ્કે એમ કહી શકાય કે જેમની છબી સાફ દેખાય છે તેમનો ભ્રષ્ટાચાર હજી સુધી સપાટી પર આવ્યો નથી અથવા તેમને અવસર મળ્યો નથી. આપની રાજનીતિ તર્ક પર આધારિત નથી તક પર આધારિત છે. એક પાર્ટી એક રાજ્યમાં અમુક પાર્ટી સાથે ગંઠબંધન કરવા તૈયાર હોય છે બલ્કે તેના માટે તલપાપડ દેખાય છે. પરંતુ બીજા રાજ્યમાં ગંઠબંધન કર્યું તેને ગણતી જ નથી. પાર્ટીઓને જ્યાં પોતાનો લાભ દેખાય છે તેવી રીતે આગળ વધે છે. એટલે જ કહેવાય છે કે રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન કે કાયમી દોસ્ત હોતો નથી. રાજનીતિ વાસ્તવમાં લોકસમસ્યાઓનું નિરાકારણ લાવવાનું માધ્યમ છે. રાજનીતિ એટલે એક સામૂહિક વ્યવસ્થા જેમાં લોકજીવનથી સંબંધિત તમામ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. રાજનીતિ એ માનવીય સમાજની જરૂરત છે. તેનાથી વિખુટા રહી શકાય નહીં. બસ જરૃર છે સારા અને પ્રમાણિક લોકોને ચૂંટવાની.
મતદાન જરૃર કરશો: રાજનીતિ પ્રત્યે અણગમા અને નકારાત્મક માનસિકતાના લીધે એક મોટો વર્ગ એવો છે જે મતાધિકારનો ઉપયોગ કરતો નથી. લોકશાહી વ્યવસ્થામાં આ વર્તણૂંક આત્મહત્યા સમાન છે. આવા વલણના કારણે એવી વ્યક્તિ વિજયી બને છે જે સમાજ માટે વધારે નુકસાનકારક હોઈ શકે. સમાજ માટે એટલે આપણા પોતાના માટે!!! જો તમે કોઈ પણ પાર્ટીના ઉમેદવારને પસંદ ન કરતા હોવ તો પણ ભલે નોટાનો ઉપયોગ કરશો પરંતુ વોટ જરૃરથી કરશો. જો તમે આજે વોટ માટે બહાર નીકળી શકો છો તો કાલે પોતાના અધિકાર માટે લડી પણ શકો છો. તમે જો નાગરિક તરીકેની જવાબદારીથી ગફલત કરશો તો ભોગવવાનું પણ આપણે જ પડશે. આજે આપણે આ અધિકારનો ઉપયોગ નહીં કરીએ તો કાલે આપણાથી તે છીનવાઈ શકે છે. એટલે કોઈની રાહ ન જોતાં પોતાની નાગરિક ફરજ અદા કરશો. મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેશો, રાજનીતિક કલાબાજો એમાં ખૂબ ચેડા કરતા હોય છે.
વોટ કેમ આપીએ: મત આપવું આપણી નાગરિક ફરજ છે એમાં કોઈ બેમત નથી. પરંતુ એક પ્રશ્ન છે જે વિચાર માગી લે એવો છે. આપણે વોટ કેમ આપવો જોઈએ? શું પોતાના સંબંધી ઉમેદવાર તરીકે ઊભો છે એટલે? આપણી જાતિનો છે એટલે? આપણી જ્ઞાતિનો છે એટલે? આપણો ભાઈબંધ છે એટલે? આપણને ભવિષ્યમાં કોઈ લાભ આપશે એટલે? કે આપણને રૃપિયા આપી રહ્યો છે એટલે? સ્વાર્થવૃત્તિ ગમે તે રૃપમાં હોય તે લાંબા ગાળે નુકસાનકારક છે. એ ભલે વ્યક્તિગત સ્વાર્થ હોય કે કોઈ વિશેષ સમુદાય કે જાતિનો હોય. આ જ વૃત્તિ છે જે સમાજમાં વર્ગ વિગ્રહ ઉત્પન્ન કરે છે. એક કોમને બીજી કોમ પ્રત્યે નફરત કે અણગમો પેદા કરે છે. આ જ માનસિકતાએ માનવતાને વહેંચી નાખી છે. આ જ માનસિકતાએ દેશો અને કોમો તથા સમુદાયો વચ્ચે સીમાઓ ઊભા કરી દીધા છે. My Leader Right or Wrong, My Nation Right or Wrongની માનસિકતા અન્યાય પ્રેરિત છે, પક્ષપાતી અને હિંસક છે. આવી કોઈ માનસિકતા સાથે મતદાન કરવું ખૂબ જ ઘાતક નીવડી શકે છે. તેથી આ માનસકિતાથી ઉપર ઊઠીને એ જુઓ કે કયો ઉમેદવાર છે જે દેશવાસીઓની સમસ્યાને હલ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ આશા અભણ, નિરક્ષર કે કોમવાદી કે ગુંડા તત્ત્વોથી કરી શકાય નહીં. સૌથી પહેલા એ પાર્ટીને પ્રાથમિકતા આપશો જે ફાસીવાદી અને કોમવાદી માનસિકતા ધરાવતી ન હોય. અથવા આવા ઉમેદવારને પછાડી શકતો હોય. નિખાલસ, લોકસેવક, સદ્ભાવી, ઈમાનદાર, સાચી વ્યક્તિને પસંદ કરશો. તમે કહેશો કે આવી વ્યક્તિ તો સંત જ હોઈ શકે! છેતરાશો નહીં સંતના રૃપમાં છેતરનાર ઘણા છે. જે સેવકનું રૃપ લઈ દેશનું સત્યાનાશ કાઢવા નીકળ્યા છે. કોઈ દબાણમાં આવશો નહીં, કોઈ લાલચમાં પડશો નહીં, કોઈ ધમકીથી ગભરાશો નહીં. સેવાભાવી વ્યક્તિને સત્તાની જરૃર હોતી નથી. એ તો પોતાની શક્તિ મુજબ કલ્યાણકારી કાર્યો કરતી રહે છે. શક્ય હોય તો સાચા સામાજિક કાર્યકરને તમે ઊભી કરશો અથવા પાર્ટી પર તેને મેન્ડેટ આપવા પ્રેશર લાવશો. સારા ઉમેદવાર થકી જ લોકશાહીની રહી સહી આબરૃ સચવાશે નહિંતર દેશ આખો ગૃહ યુદ્ધ અથવા હિંસા અને રમખાણોનું કેન્દ્ર બની જશે.
ત્રીજા વિકલ્પનો વિચાર: ત્રીજા વિકલ્પની વાતો જોર પર છે. નાગ નાથ ભરખી ગયો, સપનાથથી કયાં સુધી છેતરાવાનું. બન્ને સરખા છે. ત્રીજો વિકલ્પ હોવો જોઈએ. વાતમાં દમ છે. બે વ્યાપારીઓની કોઈ મોનોપોલી હોય છે. તો ત્રીજા ચોથાનો વિચાર આવે જ. જેથી તેમની વચ્ચે સ્પર્ધાથી ગ્રાહકનું ભલું થાય. આ કોઈ નવો વિચાર નથી બાબાસાહેબ આંબેડકરે એવું કહ્યું હતું કે અનુસૂચિત જાતિઓએ કોંગ્રેસ અને સમાજવાદીઓથી અલગ ત્રીજા બળ તરીકે સંગઠિત થવું જોઈએ તો જ સત્તાની સમતુલા તેમના હાથમાં રહેશે. આજે સમાજવાદીઓનું સ્થાન ભાજપે લીધું છે. અહીં મારો એક પ્રશ્ન છે કે દલિત નેતાઓએ દલિતો માટે શું કર્યું છે?!!! અને મુસ્લિમ નેતાઓએ મુસ્લિમો માટે શું કર્યું છે?!!! અવી જ હાલત ઓછાવત્તા બીજા સમુદાયોની પણ છે. જાતિગત રાજનીતિ દેશને તોડી પાડશે. પોતાના લોકો, સમુદાય પ્રત્યે લાગણી અને પ્રેમ સ્વાભાવિક છે તેમાં કાંઈ ખોટું નથી પરંતુ બીજાના ભોગે પોતાનો લાભ લેવો ખોટું છે આ પક્ષપાત છે. એક વ્યક્તિ અલ્લાહના રસૂલ સ.અ.વ. પાસે આવી અને પૂછ્યું કે મને મારા સંબંધીઓ પ્રત્યે પ્રેમ છે તો શું આ પૂર્વગ્રહ કે પક્ષપાત છે? આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે ના એ પૂર્વગ્રહ કે પક્ષપાત નથી. પૂર્વગ્રહ કે પક્ષપાત એ છે કે તૂ અત્યાચારના મામલામાં તેનો સાથ આપે. આ માનસિકતા ઝઘડાનું મૂળ છે. બે જાતિઓના છોકરા વચ્ચે કોઈ મતભેદ કે અણબનાવ થાય તો તેમની જાતિના લોકો તે વસ્તુને પોતાના ‘સ્વાભિમાન’નો મામલો સમજી કંઈજ જાણ્યા-સમજ્યા વગર ઝગડવા પહોંચી જાય છે. જો કે ન્યાયપ્રિય સમાજ હોય તો બન્ને સમાજના વડીલો બેસી તે સમસ્યાનું શાંતિથી નિરાકરણ લાવી શકે છે. જેની ભૂલ હોય તેને ક્ષમા મંગાવીએ કે કોઈ બીજો રસ્તો કાઢીએ. જાતિગત રાજનીતિથી ચોક્કસ પોતાની જાતિનું કંઈક ભલું થઈ શકે પરંતુ આ વિચારસરણી બીજી જાતિઓને પ્રતિસ્પર્ધી બનાવી દે છે જે અંતે શત્રુતામાં પરિણમે છે. એક એવા વિકલ્પની જરૃર છે જે માનવની વાત કરે, જે વંચિત અને નબળાને એક સમાન પ્લેટફોર્મ પર લાવી શકે, જેમાં ન્યાય હોય, જ્યાં છેવાડાના માણસને સુખ, સુરક્ષા, સુવિધા અને શાંતિનો અનુભવ થાય.
ઇસ્લામી તાલીમ આ છે કે જો બે જ વિકલ્પ હોય અને બન્ને નુકસાનકારક હોય તો એ વિકલ્પને પસંદ કરો જેમાં ઓછું નુકસાન હોય. આ હિકમત છે. એ જ રીતે બે વિકલ્પ હોય અને એકમાં ઓછો ફાયદો હોય અને બીજામાં ઓછું નુકસાન હોય અને પહેલાને અપનાવતાં નુકસાન વધારે થતું હોય તો ઓછા નુકસાનવાળા વિકલ્પને પસંદ કરવો. અલ્લાહના રસૂલ સ.અ.વ. સામે જ્યારે બે વસ્તુઓ આવતી તો તેઓ સરળને પસંદ કરતા હતા. સામાન્ય જનને અને વિશેષ રીતે મુસ્લિમોએ આ સમય તત્ત્વદર્શીતાથી કામ લઈ મોટા નુકસાનથી બચી શકાય એવો વિકલ્પ પસંદ કરવો જોઈએ. બે જ નહીં લોકશાહીમાં ઘણાં વિકલ્પો હોવા જોઈએ. પરંતુ વિકલ્પ છેલ્લી ઘડીએ ઊભા થતા નથી. અને ન જ કરવા હિતાવહ છે. ઇલેકટોર પોલિટિક્સમાં વિકલ્પ બનતાં પહેલા સામાન્ય પ્રજા માટે માણસના વિકલ્પ ઊભા કરો એવા લોકો જેઓ પક્ષપાતી ન હોય, સેવાભાવી અને ન્યાયપ્રિય હોય. આ રીતે કામચલાઉ વિકલ્પ મળી શકે. આપણે સારા નેતાનો વિકલ્પ જોઈએ છે, તો આપણે પોતે પણ સારા માનવી બનવું પડે. અલ્લાહના રસૂલ સ.અ.વ.એ ફરમાવ્યું કે જેવા લોકો હોય તેવા જ સત્તાધીશો તેઓ પર થોપાય છે.
મુસ્લિમો ચેતે: દુર્ભાગ્યવશ દેશની સ્વતંત્રતાની સાથે દેશના ભાગલાની ‘ભેટ’ પણ આપણને મળી છે. અને આ ભાગલાના જવાબદાર ખૂબ જ હોંેશિયારીથી મુસલમાનોને બનાવી દેવામાં આવ્યા છે. અને મુસ્લિમો વિષે ખૂબ જ મોટાપાયે ગેરસમજો અને નફરત પેદા કરવામાં આવી છે. મુસ્લિમો દેશના દુશ્મન છે. તેમની સંખ્યા વધશે તો દેશના બીજા ભાગલા પડશે, મુસ્લિમો સત્તા પર આવવા માંગે છે, મુસ્લિમો હિંદુઓને મારવા માંગે છે. બધી પાર્ટીઓ તૃષ્ટિકરણ કરે છે. મુસ્લિમોની વાત કરે છે બહુમતીની વાત કોઈ નથી કરતું. મુસ્લિમો માત્ર હક માંગે છે દેશ માટે કશું જ કરતા નથી. વગેરે… મુસ્લિમોનો કાલ્પનિક ભય બતાવીને જ નફરતનું વાતાવરણ ઊભું કરે છે. આવી પરિસ્થિતિમાં મુસ્લિમો પોતાની પાર્ટી ઊભી કરશે તો ગેરસમજો વધુ પ્રબળ બનશે, અને મુસ્લિમોએ પણ આઝાદી પછી દેશ નિર્માણમાં એટલો ભાગ ભજવ્યો નથી કે જેની નોંધ લઈ શકાય, તેવો આક્ષેપ પણ થશે. દેશમાં એક અંદાજ મુજબ ૧૫ ટકા મુસ્લિમો છે જેમને દરેક ચૂંટણી વખતે ચર્ચાનો વિષય બનાવી બીજા લોકોને સંગઠિત કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જો તેઓ એમ સમજતા હોય કે કોઈ ત્રીજો વિકલ્પ તેમની વાત કરશે તો એ પણ એક સ્વપ્ન જ છે. માત્ર ભ્રમ છે. કેમકે આ માનસિકતાના કારણે કોઈ પણ પક્ષ બહુમતીની નારાજગી વહોરવા તૈયાર નથી. વિવિધ પક્ષો નાની મોટી જાતિઓ સાથે સોદાબાજી કરી રહ્યા હોય અને મુસ્લિમોને બિલકુલ અવગણવામાં આવી રહ્યા હોય ત્યારે એક વિચિત્ર પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થવી સ્વાભાવિક છે. આ પરિસ્થિતિ ક્યારેક નિરાશા ઉપજાવે છે, તો ક્યારેક વ્યવસ્થામાં અવિશ્વાસ ઉત્પન્ન કરે છે, અને ક્યારેક આક્રમક વલણ તરફ લઈ જાય છે. જેથી લોકો કહે છે કે મુસ્લિમોએ પોતાની પાર્ટી ઊભી કરવી જોઈએ. આ ત્રણેય વિકલ્પ યોગ્ય નથી ખૂબ જ સમજી વિચારીને આયોજન બદ્ધ રીતે આગળ વધવું જોઈએ. વર્તમાન પરિસ્થિતિમાં જે વર્ગ કે સમુદાય સત્તા પર છે તેઓ તેને ટકાવી રાખવા મથશે અને જેઓે વંચિત છે તેઓ તેમની જગ્યા લેવા જાનની બાજી લગાવશે. પરિણામે અશાંતિ પેદા થશે. અરે પાર્ટીઓની વાત છોડો સામાન્ય બિનમુસ્લિમ જેઓ કોમવાદી કે જમણી વિચારધારા વાળા પક્ષને પસંદ નથી કરતા તેઓ પણ મુસ્લિમ ઉમેદવાર મેંડેટ આપે છે તો તેને જીતાડવા પ્રયત્ન પણ કરતા નથી. એ ફકત પોતાની તાકાતથી જ વિજય મેળવે છે. સેક્યુલર કહેવાતી પાર્ટી બિનમુસ્લિમ વિસ્તારમાંથી કોઈ મુસ્લિમ ઉમેદવાર ઊભો નહીં કરે. આવી પરિસ્થિતિમાં લાગણીમાં ન વહેતાં પોતાના માટે લાંબું આયોજન કરવું પડશે. જ્યાં સુધી કોમી સંઘર્ષ નાબૂદ નહીં થાય ત્યાં સુધી મારી દૃષ્ટિએ કોમી હિતો અને માંગણીઓની લડાઈ મોટી ભૂલ છે. કેમકે મુસ્લિમો પોતાના હક્કો માટે જેટલા પ્રયાસ કરશે. બીજા સમુદાયો કોમી પૂર્વગ્રહને વધુ ભડકાવશે. તેથી તેવું કોઈ પગલું ન ભરતા કે “જિસસે પીછા છુડાના થા વહી ગલે પડે” જેવી સ્થિતિ થાય.
વિકલ્પ પાર્ટીનો કે વ્યવસ્થાનો?: આપણે બધા જ્યારે વિકલ્પ વિષે વિચારીએ છીએ તો કૂવાના દેડકાની જેમ પ્રવર્તમાન વ્યવસ્થામાં રહીને જ વિચારીએ છીએ. આ માનસિકતા તાર્કિક અને વૈજ્ઞાનિક અભિગમની વિરુદ્ધ છે. આઉટ ઑફ બોક્ષ વિચારીએ કે શું આના કરતાં પણ સારી બીજી કોઈ પ્રણાલી હોઈ શકે? દારૃની બોટલના લેબલ બદલવાથી સમસ્યા હલ નહીં થાય દારૃને શરબતથી બદલવાથી જ સમસ્યાનું નિરાકરણ આવશે. વર્તમાન રાજનીતિને કેન્સર થયું છે. તેનો ઇલાજ શક્ય દેખાતો નથી. આવી કટોકટીના સમયે મુસલમાનો નેતૃત્વ કરી શકે છે. તેમને પોતાની કોમથી ઉપર ઊઠીને માનવને કેન્દ્રમાં રાખી ઇસ્લામી વ્યવસ્થાનો પરિચય કરાવવાની જરૃર છે. કોમી બુદ્ધિથી વિચારવા કરતાં ઇસ્લામી માનસથી વિચારો. અને તેના માટે જરૂરી છે કે મોટા પાયે બિનમુસ્લિમ ભાઈઓ સાથે સંબંધ કેળવો ઇસ્લામ વિષેની ગેરસમજો દૂર કરો. જ્યાં જ્યાં અવસર મળે મોકો અને સ્થિતિ પ્રમાણે ઇસ્લામને પ્રસ્તુત કરો. દેશબાંધવોને વિશ્વાસમાં લો કે મુસ્લિમો કોઈના સ્પર્ધક નથી અને ન જ કોઈ બીજો દેશ બનાવવા માંગે છે. પોતાની અદ્યોગતિના માતમ તથા સુવર્ણ ભૂતકાળની ગાથાઓ ગાવાથી બહાર આવી દેશ નિર્માણ અને નિષ્પક્ષ રીતે લોક કલ્યાણના કાર્યો કરો, પોતાના સમાજને ઇસ્લામી સમાજ બનાવોે કેમકે જ્યાં સુધી મુસ્લિમો સમાજના મોટા ભાગને ઇલ્મ અને અમલ તથા સામાજિક દૃષ્ટિએ ઇસ્લામની બોલતી તસ્વીર ન બનાવી લેે ત્યાં સુધી એ આશા ન રાખી શકાય કે દેશબાંધવોને ઇસ્લામ માટે હકારાત્મક કરી શકાશે. આપણા બૌદ્ધિક વર્ગને પણ ઘડાતી નીતિઓમાં હસ્તક્ષેપ કરવા જોઈએ, વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાંત બની પ્રવર્તમાન વ્યવસ્થા ઉપર વૈચારિક ટીકા કરવી જોઈએ અને તેની ખામીઓના બધા જ પાસાઓને ઉજાગર કરી લોકો સમક્ષ રજૂ કરવા જોઈએ. કુઆર્નના પ્રકાશમાં જ્ઞાનના દરેક ક્ષેત્રનો તેમજ જીવનની સમસ્યાઓના પ્રત્યેક પાસાની સમીક્ષા કરી સંશોધન કાર્યની સાથે ઇસ્લામી જીવનવ્યવસ્થાનું સંપૂર્ણ ચિત્ર દુનિયા સમક્ષ એવી રીતે રજૂ કરી દો કે લોકો સરળતાથી એ જોઈ શકે કે વ્યવસ્થાતંત્ર ઇસ્લામ મુજબ ચાલે તો તેનું સ્વરૃપ કેવું હશે. શું લોકો એટલા પૂર્વગ્રહથી ગ્રસ્ત અને મૂર્ખ હોઈ શકે કે તેઓ એક એવી પ્રણાલીને ત્યજી દે જે અસ્પૃશ્તા, ઊંચનીચ, ભેદભાવ, અન્યાય, જોર-જુલમ, અત્યાચાર, ભ્રષ્ટાચાર, નફરત તથા વિખવાદોથી પર હોય.!!! / sahmed.yuva@gmail.com