ભારત ક્ષેત્રફળની દૃષ્ટિએ એક મોટો દેશ છે અને વસ્તીન હિસાબે તો વિશાળ છે જ. તેની બીજી વિશિષ્ટતા તો આ છે કે અહીં કોઈ એક વર્ણ કે વંશના લોકો નથી વસતા. અહીં ગોરા પણ છે અને કાળા પણ. અહીં ખૂબ જ પ્રાચીન વસ્તી (વંશ કે જ્ઞાતિના લોકો) પણ છે જેમને આદિવાસી કહેવામાં આવે છે. તેઓ આજે પણ જંગલો અને પહાડો તેમજ ખીણ પ્રદેશમાં વસે છે. તેઓ કોઈ એક પ્રદેશમાં નહીં બલ્કે દેશના વિવિધ ભાગોમાં વસે છે. એ લોકો પણ છે કે જેઓ પોતાને ઉચ્ચ વર્ણ-વંશના માને છે. આ લોકો સભ્યતા-સંસ્કૃતિથી સુસજ્જ છે. એટલે કે સાક્ષર પણ છે, અને તેઓના રહેણાંક પણ પોત-પોતાની પસંદગી અને ભવ્ય છે. સંસ્કૃતિના જે જે ચિહ્નો-પ્રતીકો ગણાય છે તે પણ તેમની સાથે જ જાડાયેલા છે. જ્યારે કે આદિવાસી વસાહતો સભ્યતાની ચમકદમકથી બહૂ દૂર છે. તેમના ત્યાં શિક્ષણની પણ ઉણપ છે, બલ્કે તેઓ અભણ છે એમ કહીએ તો પણ કદાચ ખોટું નહીં હોય.
આપણા દેશની એક વિશિષ્ટતા આ પણ છે કે અહીં વિવિધ ભાષાઓ બોલવામાં આવે છે. આ પાસાથી કદાચ આ વિશ્વનો એકમાત્ર દેશ હશે કે જ્યાં આટલી બધી ભાષાઓ બોલવામાં આવતી હોય. આસ્થાઓની વિવિધતા પણ અહીં જાવા મળે છે. તે એટલે સુધી કે અહીં જે લોકોને હિંદુ કહેવામાં આવે છે તેઓ પણ આસ્થાની દૃષ્ટિએ એક સરખા નથી. ક્યાંક રામની પૂજા થાય છે, તો ક્યાંક રાવણને પૂજવામાં આવે છે. દેવી-દેવતાઓ પણ અલગ-અલગ છે.
ભારતની લાક્ષણિકતા ઇન્ડિયન યુનિયન જેવી છે. આ દૃષ્ટિએ કોઈપણ પ્રાંત કે રાજ્યનો રહેવાસી સ્વતંત્રપણે દેશના ગમે તે પ્રાંત કે રાજ્ય કે પ્રદેશમાં જઈ, રહી, વસી અને જીવન ગુજારી શકે છે. આ તેનો બંધારણીય અધિકાર છે. આમાં આર્થિક રીતે પછાત કે નબળા રાજ્યના લોકો વધુ આર્થિક વિકાસ ધરાવતા રાજ્ય ભણી જાય એ સ્વભાવિક છે.
આવી જ કોઈ પરિસ્થિતિ મુજબ અગાઉ મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોના લોકો જતા-વસતા, કમાતા અને જીવન ગુજારતા હતા. જ્યા એક તબક્કે તેનો વિરોધ થયો હતો જેમાં ગુજરાતીઓને પણ ઘણું ભોગવવું પડ્યું હતું. હવે આજે એવી જ કંઈ પરિસ્થિતિ ગુજરાતમાં પણ જાવા મળી રહી છે. શરૂઆત એક વ્યક્તિગત ગુનાહિત ઘટનાથી થઈ છે અને એ બાબત આજે વધુ વિસ્તરતી જઈ રહી છે. ગુજરાતમાં બિહાર અને ઉત્તરપ્રદેશ વિ. સહિતના પરપ્રાંતીય લોકો અહીં પ્રાંતવાદનો ભોગ બની રહ્યા છે. સમયસર અને નક્કર કાર્યવાહી નહીં થવાના કારણે પર-પ્રાંતીય લોકો ગુજરાતથી હિજરત કરી રહ્યા છે. તેમની સંખ્યા રોજેરોજ વધતી જઈ રહી છે. આ અંગે સરકાર દ્વારા કડક પગલા ભરવાની વાત તો કહેવાઈ રહી છે. ૪૦૦-૪૫૦ જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, પરંતુ આનાથી હિજરતની ઘટનાઓ અટકી નથી, તેની અસર ક્યાં, કેવી અને કેટલી થશે એ તો આવનાર સમય જ બતાવશે! હજી પણ આ દિશામાં યોગ્ય પગલા ભરવાની તાતી જરૂરત છે.
આ અંગે જે ઘટના કારણરૂપ હતી તે વ્યક્તિગત હતી અને તેના માટે દોષિતને કડકમાં કડક સજા કરવામાં આવે તેની સામે કોઈને વાંધો ન હોઈ શકે; પરંતુ કોઈ એકાદના વાંકે સમગ્ર સમૂહ કે પ્રાંતના લોકો સામે ગુસ્સો ઠાલવવો કોઈ પણ રીતે ન્યાયી ન કહી શકાય. આવી બાબતોને બહાનું બનાવી કેટલાક લોકો આ પ્રશ્નને અવળા માર્ગે ચઢાવી ખોટું સ્વરૂપ આપવા પ્રયત્નો કરી રહ્યા છે. એ અંગે પણ ગંભીરતાથી વિચારવાની અને પગલા ભરવાની જરૂરત છે. •