Thursday, November 21, 2024
Homeકેમ્પસ વોઇસબાળ પ્રશિક્ષણની કળા

બાળ પ્રશિક્ષણની કળા

સંતાન મા-બાપની આંખોનું રતન છે. તેઓ મા-બાપને ખૂબ વ્હાલા હોય છે અને તેમના જીગરના ટુકડા હોય છે. એટલે જ તો પોતાનું સર્વેસર્વા હોડમાં મૂકીને પણ મા-બાપ તેમના બાળકોને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ જ મા-બાપ તેમની માવજતમાં એવી ઘણીયે ખોટ-ઉણપ રહેવા દે છે જેની પૂર્તિ ફરી ક્યારેય થઈ શકતી નથી. માણસાઈના પ્રાથમિક ગુણધર્મો બાળક પોતાના જીવનના પહેલાં પાંચ વર્ષોમાં જ મેળવે છે. તેથી બાળકોનું શિક્ષણ જેટલું મહત્વનું હોય છે તેટલું જ મહત્વનું, કદાચ તેના કરતાં વધારે મહત્વનું તેમનું પ્રશિક્ષણ હોય છે. જે મા-બાપ પોતાના બાળકોના જીવનના આ હિસ્સાને ભૂલાવી દે છે તેઓ પોતાનું, બાળકોનું અને સામાજિક જીવનનું નિકંદન કાઢવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે.

બાળકો ખૂબ કિંમતી હોય છે. તેમને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે તો તેઓ મા-બાપ માટે સુખ અને શાંતિનું કારણ બને છે. આવા જ બાળકો સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવામાં ભવિષ્યમાં સફળ થાય છે. પરંતુ જો આ મૂળભૂત પ્રક્રિયામાં જ મા-બાપથી ક્યાંક ચૂક થઈ જાય છે તો આવા બાળકો મા-બાપનું દુઃખી થવાનું કારણ બને છે. આવા બાળકો મા-બાપ માટે જીવનની ઢળતી સાંજે બજનામીનું કારણ બને છે. તેથી જ જેઓ ફક્ત દુનિયાના જીવનમાં જ રચ્યા-પચ્યા રહેવા માંગે છે તેમના માટે અનિવાર્ય થઈ જાય છે કે તેઓ તેમની આ મૂડીને સાચવે જેથી તે વેડફાઈ ન જાય.

જે લોકો મૃત્યુ અને મૃત્યુ પછીના જીવનમાં શ્રધ્ધા ધરાવે છે તેમના માટે તો આ બાળકો અનંત જીવનની મૂડી છે. તેઓએ તો વધારે ચીવટ અને ખંતથી તેમનું જતન કરવું જ રહ્યું. નહિં તો એવી ખોટ આવશે જે ક્યારેય ભરપાઈ નહિં થાય.

કહેવાય છે કે મૃત્યુ પછી માણસની કાર્યનોંધ બંધ થઈ જાય છે. પરંતુ અલ્લાહના રસૂલ (સ.અ.વ.) કહે છે અને સાચું જ કહે છે કે ત્રણ વસ્તુ એવી છે જે માણસને તેના મૃત્યુ પછી પણ ફાયદો પહોંચાડતી રહેશે.

(1) જ્ઞાન: માણસે પોતાની પાછળ મૂકેલું જ્ઞાાન જે બીજા લોકો માટે ફાયદારૃપ હોય છે તે તેની કર્મનોંધમાં પણ નોંધાશે.

(2) કાયમ રહેવાવાળુ દાન-પૂણ્ય : એવું દાન જે લોકોને હંમેશા ફાયદો પહોંચાડતું રહે જેમ કે કૂવો ખોદાવી દેવો, સ્કૂલ બંધાવી દેવી વિગેરે… જે માણસની કર્મનોંધમાં નોંધાતુ રહેશે.

(3) નેક સંતાન : જેઓ હંમેશા પોતાના માતા-પિતા માટે પ્રાર્થના કરતા રહેશે જેમકે કુઆર્નમાં છે. “હે પાલનહાર ! તેમના ઉપર રહમ કર જેવી રીતે તેઓએ મારા ઉપર રહમ કર્યો જ્યારે કે હું નાનો હતો.” “હે પાલનહાર ! મને માફ કરી દે અને મારા મા-બાપને માફ કર.”

તે પછી એક દિવસ આવશે. હિસાબ-કિતાબનો દિવસ. કર્મનોંધો ખોલવાનો દિવસ. માણસે કરેલા નાના-મોટાં પુણ્યો અને તેણે કરેલી નાનામાં નાની ભૂલ તે દિવસે ખોલી નાખવામાં આવશે. ત્યારે જેની કર્મનોંધ તેના જમણા હાથમાં આપવામાં આવશે તે સફળ હશે, ખુશ ખુશાલ થઈને પોતાના ઘરવાળાઓ તરફ પાછો ફરશે. કારણ કે તેની નેકીમાં તેઓએ પણ સહકાર આપ્યો હશે. આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે બાળકોનું યોગ્ય પ્રશિક્ષણ કર્યુ હશે. કુઆર્ન આને ખુબ સુંદર રીતે વર્ણવે છે.

“પછી જેની કર્મનોંધ તેના જમણા હાથમાં આપવામાં આવી તેના પાસેથી હળવો હિસાબ લેવાશે અને તે સ્વજનો તરફ ખુશી-ખુશી પાછો ફરશે.” (સૂરઃ ઈન્કિશાફ ૭-૧૦)

અને પછી ઈનામ મળશે. સ્વર્ગનું સુખમય, વૈભવી અનંત જીવન. જો તેમાં આપણા બાળકો અને સ્વજનો સાથે ના હોય તો અધુરું અધુરું લાગશે. પરંતુ બાળકોનું યોગ્ય પ્રશિક્ષણ કર્યુ હશે તો ઈશ્વર તેની કૃપાથી તેમને પણ તમારી સાથે મેળવી દેશે. ભલેને તેમની કર્મનોંધમાં થોડી ખોટ રહી ગઈ હોય. પરંતુ બાળકોને મા-બાપથી મેળવવા માટે તેમને બઢતી આપવામાં આવશે અને પછી સુખ, ફક્ત સુખ… અનંત સુખ. ન મૃત્યુ ન બિમારી અને ન ઘડપણ. બધાં ખાધું – પિધું ને રાજ કરશે…

કુઆર્ન કહે છે”જે લોકો ઈમાન લાવ્યા છે અને તેમની સંતાન પણ કેટલાક અંશે ઈમાન ઉપર તેમના પગલે ચાલી છે તેમની સંતાનને પણ અમે (જન્નતમાં) તેમના સાથે મેળવી દઈશું અને તેમના કર્મમાં તેમને સહેજ પણ ઘટાડો કરીશું નહીં. દરેક વ્યક્તિ પોતાની કમાણીના અવેજમાં ગીરવે છે.”(સૂરઃ તૂર-૨૧)

આવું થાય તે માટે જરૂરી છે કે આપણા સ્મરણમાં હંમેશા એ વસ્તુ રહેવી જોઈએ કે આપણું પ્રાથમિક કામ બાળકોનું પ્રશિક્ષણ છે. તેમની યોગ્ય માવજત અને કેળવણી છે તેથી જ કુઆર્નમાં એક દુઆ શિખવાડવામાં આવી છે કે.. “હે અમારા રબ ! અમને પોતાની પત્નીઓ અને પોતાના સંતાનથી આંખોની ઠંડક આપ.” (સૂરઃ ફુરકાન-૭૪)

કેવી સુંદર પ્રાર્થના છે ? આ પ્રાર્થના દિવસમાં વારંવાર કહેવાથી માણસને પોતાની જવાબદારીનું ભાન થાય છે. થોડોક ઉંડો વિચાર કરીશું તો સમજાશે કે આ પ્રાર્થના ર્જીષ્ઠૈટ્વઙ્મ જીષ્ઠૈીહષ્ઠી નું મૂળ છે. કદાચ પુસ્તકો ઓછા પડે તેના વિવરણ માટે તેવા ગૂઢ રહસ્યો અને શિખામણો તેમાં છુપાયેલા છે. ઘરડાંઘરો તો ગાયબ જ થઈ જાય !

હવે બાળકોના પ્રશિક્ષણમાં કેટલાક પાસાઓ ઉપર આપણે વિચાર કરીએ. નીચે કેટલાક મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીશું. જેમાં મુખ્યત્વે ચાર બાબતોનો સમાવેશ થાય છે.

(1) Self Respect & Ego

વિશ્વમાં જે કોઈ પણ મનુષ્ય જન્મે છે તેની એક આગવી ઓળખ હોય છે. બાળકો પોતાની આ ઓળખ બાળપણથી જ મેળવે છે. તે પોતાની જાતને બહુ કિંમતી સમજે છે. તેનું સ્વાભિમાન ઈશ્વરે અર્પણ કરેલી તેને બહુ મોટી મૂડી છે. તેને સાચવવું અને જાળવવું અનિવાર્ય છે. તેને તોડી પાડવાની કે તેને નુકસાન કરવાની જરૃર નથી. પરંતુ તેની યોગ્ય માવજત કરવાની જરૃર હોય છે. બાળકો પોતાની આ ઓળખ અને સ્વાભિમાન વિવિધ પ્રકાર છતી કરે છે. પરીક્ષાઓમાં, વર્ગખંડમાં, વિવિધ સ્પર્ધાઓમાં પોતાની આગવી પ્રતિભા વડે તે પોતાની ઓળખ પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કરે છે. તેનું જતન એ રીતે કરવામાં આવે કે તે અભિમાની નહિં પરંતુ સ્વાભિમાની બને તો તે કુટુંબ, સમાજ અને માનવતા માટે આશીર્વાદરૃપી સાબિત થઈ શકે છે. બાળકો વિવિધ પ્રકારે પોતાના આ સ્વાભિમાનને બાળપણમાં પ્રગટ કરે છે જેમ કે

(ક) જીદ : બાળપણમાં બાળકો વિવિધ પ્રકારે જીદ કરે છે. આ તેની ઓળખનો એક ભાગ છે. આપણે જોઈએ છીએ કે ક્યારે બાળકો કપડાં, રમકડાં, ખાવા-પીવાની વસ્તુઓની જીદ કરે છે ત્યારે મા-બાપ તેમનાથી વધારે જીદ કરે છે. જીદ કોઈ તોડી પાડવાની વસ્તુ નથી. જ્યારે આપણે કોઈક વસ્તુ બાળકોને અપાવી શકવાની પરિસ્થિતિમાં હોઈએ તો તેને અપાવવી જોઈએ. આપણે બાળકની આ જીદને ખોટી લાક્ષણિકતા સમજીએ છીએ પરંતુ આગળ જઈને ભવિષ્યમાં આ જ જીદ જ્યારે ટેક અને અડગતાનું સ્વરૃપ ધારણ કરે છે ત્યારે આપણે તેની વાહ-વાહ કરીએ છીએ. તેની અડગતાના વખાણ કરતાં થાકતા નથી. તેની હિંમત અને અડગતાના વખાણ સાંભળીને છાતી ફુલાવીએ છીએ. તો પછી બાળપણમાં શા માટે તેની જીદને નુકસાન કરી તેને નિર્બળ બનાવીએ. તેને યોગ્ય રીતે કેળવવામાં આવે તો તે ભવિષ્યનો સદ્ગુણ બની શકે છે.

(ખ) પ્રયોગ : આ બાળકોનું એક બીજું સ્વરૃપ છે. જેમાં તે પોતાની ઓળખ છતી કરે છે. તે વિવિધ વસ્તુંઓ સાથે પ્રયોગ કરે છે. ક્યારેક બાળકને ઇંડા લાવવા માટે કહ્યું હોય તો તે ઈંડા હાથમાં ઉછાળતો-ઉછાળતો કે દડાની જેમ ફેરવતા ફેરવતા લાવે છે. આમ કરતાં ક્યારેક ઈંડા ફોડી પણ નાંખે છે. ક્યારેક બલ્બ ને બોલની જેમ જમીન પર પટકીને જુએ છે કે શું થાય છે ? અને ફોડી નાખે છે. આવું થાય ત્યારે તેને ઠપકો આપવા કરતા તેનું યોગ્ય માર્ગદર્શન કરવામાં આવે તો તેના વિકાસનું આ પગથીયું તેનાં સુવર્ણ ભવિષ્ય માટે એક ભાથું બનશે. દરેક બાબતમાં બાળકને ટોકીને આપણે તેને પ્રયોગો કરતાં રોકીએ છીએ અને છેલ્લે તે પ્રયોગોથી જ ડરવા માંડે છે.

(ગ) માલિકીપણું : બાળકો પોતાના ઘરમાં પોતાની માલિકી દર્શાવી પોતાના સ્વાભિમાન અને ઓળખને છતી કરે છે. ક્યારેક આપણા ઘરમાં મહેમાન આવ્યા હોય ત્યારે આપણે જોઈએ છીએ કે મહેમાનો માટેના જમણમાં બાળક પોતે પહેલો હાથ નાંખે છે. આપણે તેને ઠપકો આપીએ છીએ. પરંતુ વાસ્તવમાં તે પોતાનો માલિકી હોવાનો દાવો ત્યાં પ્રગટ કરે છે.

(ઘ) રમત-ગમતઃ બાળપણમાં બાળકો વિવિધ રમતો રમે છે. જેમાં તેમની ઓળખ ઉભરી આવે છે. ક્યારેક ઘર-ઘર રમે છે. એક બાળક માતા બને છે એક પિતા બને છે. ક્યારેક બાળક બીજા નાના બાળકને ખોળામાં લઈને સુવડાવવાનો પ્રયત્ન કરે છે. આ બધું Parent Ego તરીકે ઓળખાય છે. આવું જ ક્યારેક બાળક અર્થ વગરની વાતો કરે છે. ચેનચાળા કરે છે તેને Child Ego કહીએ છીએ. એક ત્રીજી વસ્તુ છે જેને આપણે Adult Ego કહીએ છીએ. બાળક ક્યારેક કોઈક રમકડું તોડી-ફોડીને તેમાંથી લોહચુંબક કાઢવાનો પ્રયત્ન કરે છે. તો ક્યારેક તેની યાંત્રિક રચનામાં પોતાનું આગવું સંશોધન કરવાનો પ્રયત્ન કરે છે. બાળકની આ લાક્ષણિકતાને આપણે ક્યારેક ટોકીને રોકવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા માટે સો-બસો રૃપિયાનું એક રમકડું વધારે કિંમતી હોય છે. જ્યારે બાળકના Adult Ego નું આપણે ધ્યાન રાખવાનું ચૂકીએ છીએ. બાળકોની સ્કૂલના વર્ષે-દહાડે વીસ-પચીસ હજાર રૃપિયા ફી પેટે ચૂકવતા મા-બાપે જાણવું જોઈએ કે બાળકની આ ક્રિયા પણ શિક્ષણ – પ્રશિક્ષણનો ભાગ છે. કદાચ તેનાથી વધારે. રમકડાંની કિંમતને સ્કૂલની ફી સાથે જોડી દઈએ તો બહુ મોટી રકમ થતી નથી.

હવે આપણે એ જાણી લઈએ કે બાળકનો Ego અને સ્વાભિમાન ક્યારે ઘવાય છે? બાળકની સરખામણી જ્યારે અન્ય બાળકો સાથે કરવામાં આવે છે ત્યારે તેના સ્વાભિમાનને સખત ઠેસ પહોંચે છે. દરેક મા-બાપ પોતાના બાળકની દરેક બાબતમાં બીજા બાળકો સાથે સરખામણી કરે છે. પરીક્ષાઓના માર્કસ હોય કે અન્ય કોઈ પ્રતિયોગિતા, આપણે આપણા બાળકનું મૂલ્યાંકન વ્યક્તિગત રીતે કરવું જોઈએ. ક્યારેક મા-બાપ પોતાની ઈચ્છાઓ, સ્વપ્નો અને આશાઓ પરિપૂર્ણ કરવાની જવાબદારી પોતાના બાળક પર થોપી દે છે, એ સમજ્યા વગર કે તેનું વ્યક્તિત્વ કંઈ અલગ છે. આવું ન થાય ત્યારે તેને નાલાયક, નકારો અને કંઈ કેટલુંય બોલીને તેને રંજાડીએ છીએ. જે તેના માટે નુકસાનકારક છે. નિંદા એક બીજું પરિબળ છે જે તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડે છે. ઘણીવાર આપણે બાળકની બીજાઓ સામે ખૂબ સહજ રીતે નિંદા કરીએ છીએ. બાળક રાત્રે પથારીમાં પેશાબ કરી લેતું હોય ત્યારે આપણે બીજા સામે હસવામાં તેની આ ખામી વ્યક્ત કરીએ છીએ. જે ખૂબ ખતરનાક વસ્તુ છે. આવા બાળકોના મન અને મસ્તિષ્કમાં નફરત ભરાવા માંડે છે. તે જ્યારે ઓકે છે, ત્યારે તેના માઠાં પરિણામો આપણે ઘણીવાર જોયા છે. એક ત્રીજું પરિબળ છે, બાળકને ખૂબ મારવું. બાળકને બહુ મારવાથી તે નકારો બને છે. તેનું સ્વાભિમાન ખતમ થઈ ગયા પછી તેને કોઈની તમા રહેતી નથી. તેથી બાળકને આપણે સમજાવી દેવું જોઈએ કે તેને ક્યારે માર પડશે અને ક્યારે નહિં પડે. ચારિત્ર્ય અને નૈતિક ખરાબીઓ જેમકે મોટાઓનું અપમાન, ખોટી આદતો, નમાઝ છોડવું વિગેરે બાબતો એવી છે જેના ઉપર તેમની સખત પૂછ-પરછ થશે તેની તેમને ખબર હોવી જોઈએ. જ્યારે કે અન્ય બાબતો જેમ કે મોજ-મસ્તી, ખાવા-પીવાની વસ્તુઓ અને રમવા-ફરવામાં તેમને કોઈ માર નહિં પડે તે તેમને સમજાવી દેવું જોઈએ.

(2) Script Writing :

દરેક બાળકની પોતાની એક Script હોય છે. એક વાર્તા, એક પાત્ર (Character) જે તેના મા-બાપ તેના માટે લખતા હોય છે. આજે જે કોઈ પણ જે કંઈ છે તે તેઓના મા-બાપની લખેલી Script પ્રમાણે વર્તે છે. કોઈ સફળ વેપારી, સફળ ડોકટર, સફળ એન્જીનીયર કે સફળ વક્તા છે તો તે તેના મા-બાપે તૈયાર કરેલી Script છે. કોઈ નિષ્ફળ છે તો તે પણ તેના મા-બાપના પ્રશિક્ષણનો એક ભાગ છે. ઉદાહરણ તરીકે આપણે બાળકને બાળપણમાં કંઈક વસ્તુ લેવા માટે અંધારામાં મોકલીએ છીએ ત્યારે તે શરૃઆતમાં થોડોક ડરે છે અને આપણે તું ડરપોક છે, બીકણ છે, એમ કહેવાનું ચાલુ કરીએ છીએ. આવુ વારંવાર થાય તો બાળકો ખરેખર ડરપોક અને બીકણ બને છે. આપણે બાળકને વારંવાર ગધેડો, બેવકૂફ કહેતાં રહીશું તો તે એવો જ બને છે. જ્યારે કે વાસ્તવમાં હોવું એમ જોઈએ કે આપણે બાળકમાં રહેલા પાત્રની ખૂબીઓને ખૂબ વિકસે તે માટે પ્રોત્સાહન આપવું જોઈએ અને તેની ખામીઓને સિફતપૂર્ક દૂર થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ. જેમ કે તે કોઈક ભૂલ કરે તો તેને બેવકૂફ કહેવાને બદલે એમ કહીએ કે તું તો હોંશિયાર છે, તારાથી આવી ભૂલ ના થવી જોઈએ. એક મજાનો અને પાઠ મેળવવાનો કિસ્સો છે. હઝરત ઝુબૈર (રદી.) એ હઝરત મુહમ્મદ સ.અ.વ.ના ફોઈ હજરત સફીયા (રદી.)ના દિકરા હતા. એકવાર બાળપણમાં હઝરત ઝુબૈર (રદી.) એ પાડોશીના દીકરાને ખૂબ માર માર્યો. પાડોશીએ ફરીયાદ કરી તો હઝરત સફીયા (રદી.) એ ઠપકો આપવાનું કહ્યું પરંતુ સાથે સાથે એમ પણ પૂછયું કે હઝરત ઝુબૈર (રદી.) બહાદુરીથી તો લડયા હતો ને ? તમારા બાળકને પીઠ પાછળથી તો ઘા નથી કર્યો ને ? આમ હઝરત સફીયા (રદી.) એ બાળપણથી જ હઝરત ઝુબૈર (રદી.)ને તમે ખૂબ નીડર છે અને સાચા લડવૈયા છો, તેવું શીખવતા રહ્યા. પાછળથી તેઓ એક મહાન યોધ્ધા પુરવાર થયા. બદ્રની લડાઈમાં તેઓએ પીળો સાફો પહેર્યો હતો. અલ્લાહના રસૂલ (સ.અ.વ.)એ કહ્યું હઝરત ઝુબૈર (રદી.) આજે ફરિશ્તાઓ પણ પીળો સાફો પહેરીને ઉતર્યા છે. આવો જ બીજો એક કિસ્સો હજરત ઈબ્ને અબ્બાસ (રદી.) નો છે. હઝરત ઉમર (રદી.) બાળપણથી તેમને પોતાની બેઠકોમાં સાથે રાખતાં. લોકો વિરોધ પણ કરતા, પરંતુ હઝરત ઉમર (રદી.) તેમની બુધ્ધિમતાથી વાકેફ હતા. તેથી ઈચ્છતા કે તેમનું બાળપણથી સુંદર ઘડતર થાય. એકવાર હઝરત ઉમર (રદી.) એ સૂર નસ્રની તફસીર લોકોને પૂછી. બધાએ પોત-પોતાના જવાબ આપ્યા. હઝરત ઈબ્ને અબ્બાસ (રદી.)એ ફરમાવ્યું કે તેનો મતલબ એ છે કે હવે હઝરત મુહમ્મદ (સ.અ.વ.)નો વિદાય થવાનો સમય આવી ગયો છે. ત્યારે હઝરત ઉમર (રદી.) એ લોકોનું ઈબ્ને અબ્બાસની ખૂબી તરફ ધ્યાન દોર્યું.

(3) Caring & Sharing :

બાળકોનું ધ્યાન રાખવું, તેમની પ્રવૃત્તિમાં સહભાગી થવું તથા તેમની લાગણીઓને વહેંચવી તેમના પ્રશિક્ષણનો ભાગ છે. પિતા મોટા ભાગે પ્રશિક્ષણના આ હિસ્સામાંથી બહુ ગાફેલ રહે છે. શહેરી જીવનમાં તો કદાચ મા-બાપ બંને આનાથી ગાફેલ રહે છે. રજાના દિવસે જ માતા-પિતા અને બાળકો ભેગા મળે છે. આવા બાળકો કુટુંબ અને સમાજ પ્રત્યે નિષ્ઠુર બને છે. નાના શહેરો અને ગામડાઓમાં પરિસ્થિતિ જરાક અલગ છે. અહિંયા પિતા બાળકોથી મોટા ભાગે અળગો જ રહે છે. બાળકો પેશાબ કરે, તેને કંઈક ઈજા થાય તો પિતા તેની માતાને બૂમ પાડે છે. પરંતુ પોતે ક્યારેય તેને સાફ કરવાની તસ્દી લેતો નથી. પિતાને જ્યારે અહેસાસ થાય છે કે તે પિતા છે ત્યારે બાળક માતા-પિતા બનવાની ઉંમરે પહોંચી જાય છે અને આ લાપરવાહીનું ચક્કર ચાલતું રહે છે. આવા બાળકો પોતાના પિતાથી દુર ભાગે છે. પિતા બિચારો વિસ્મય પામે છે કે બાળક હવે મોટો થઈને દૂર કેમ ભાગે છે. પરંતુ તેણે જો એ બાળક સાથે રમવામાં, હંસવામાં, કૂદવામાં, લાડ લડાવવામાં, ખવડાવવામાં,પિવડાવવામાં, નવડાવવામાં પોતાનો રોલ અદા કર્યો હોત તો કદાચ આજે આવું ન થાત. આને Emotional bank deposit (લાગણીઓની ડિપોેઝિટ) કહેવાય છે. જેની આ પ્રેમ અને લાગણીની ડિપોઝિટ મજબૂત હશે તે પાછળથી પ્રેમ અને લાગણી ખોટ નહિં અનુભવે. આપણે જ્યારે બાળક સાથે તેની પ્રવૃત્તિમાં ભાગીદાર જઈએ છીએ અને તેને પ્રેમ કરીએ છીએ ત્યારે આ ડિપોઝિટમાં જમા કરીએ છીએ અને જ્યારે તેના ઉપર ગુસ્સે થઈએ છીએ કે મારીએ છીએ ત્યારમાંથી withdraw કરીએ છીએ. આ withdrawal વધી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

અલ્લાહના રસૂલ સ.અ.વ. જેવા દુનિયાના સૌથી મહાન વ્યક્તિ જ્યારે હઝરત હસૈન અને હઝરત હસન (રદી.) ને પોતે ઘોડો બની પોતાની પીઠ પર બેસાડતા હોય તો આપણને શરમ શાની આવે છે ? તે સમજાતું નથી. આજથી જ બાળક સાથે રમવાનું, કૂદવાનું, બોલવાનું કુઆર્ન પઢવાનું, અને દુઆઓ પઢવાનું ચાલુ કરી દો. Emotional Deposit મજબૂત થશે…

(4) Role Model:

આદર્શ પાત્ર – મા-બાપ બાળક માટે સૌથી મોટું આદર્શ પાત્ર છે. Psycology પ્રમાણે બાળકનંગ ૯૦% સ્વભાવ અને ચારિત્ર્ય તે પોતાના આદર્શ પાસેથી આબેહૂબ મેળવે છે. તેથી જ મા-બાપ પોતાના બાળકને જેવો બનાવવા માંગતા હોય તેવા પોતે બનવું પડશે. જો તેઓ એમ ઈચ્છતા હોય કે તેમનું બાળક પ્રેમાળ, દયાળુ, સત્યનિષ્ઠ, ચારિત્ર્યવાન, બહાદુર, મા-બાપનું ધ્યાન રાખવાવાળો બને તો તેઓએ પોતે પણ તેવાં જ બનવું પડશે. પોતે જુઠાં, દગો કરનારા, દુષ્ટ, મા-બાપને ધક્કે ચઢાવવાવાળા માતા-પિતા પોતાના સંતાનોથી નેક આશા રાખે તે લીમડા પર કેરી ઉગે તેવી આશા રાખવા જેવું છે.

આદર્શ પાત્રમાં સૌથી મહત્વની બાબત એ હોય છે કે તેનામાં એક આકર્ષણ હોય છે. તેના પ્રત્યે અપાર પ્રેમ અને આહોભાવ હોય છે. હઝરત ઝૈદ બિન હારસા (રદી.) એ પોતાના પિતાને છોડીને હઝરત મુહમ્મદ સ.અ.વ. પાસે રહેવાનું પસંદ કર્યું તેનાથી જે પાઠ મળે છે તેને ગ્રહણ કરીશું તો કદાચ આપણે આદર્શ પાત્રને પામી શકીશું.

છેલ્લે એક નાની સરખી વાત… આરબ પિતાનો એક દીકરો અમેરિકા ભણવા જતો. બધાંએ ખૂબ ચિંતા વ્યક્ત કરી કે છોકરો બગડી જશે. પિતાએ મક્કમતાપૂર્વક તેને અમેરિકા મોકલવાનું નક્કી કરી લીધું હતું. છેલ્લે જ્યારે તે અમેરિકા જવા માટે નીકળ્યો તો પિતાએ એરપોર્ટ પર તેને છાતી સરસો ચાંપીને એક જ વાત કહી કે મને તારા પર વિશ્વાસ છે. બીજું કશું જ નહિં. અને તે દીકરો જ્યારે પાછો ફર્યો ત્યારે વિશ્વાસ અકબંધ હતો. આ છે Role Model.

આપણે બાળકપણથી જ બાળકને સારા કામોમાં સાથે રાખીએ. નમાજ અને દાન-પૂણ્ય કરવામાં તેમને સાથે રાખીએ. પોતાના સારા મિત્રો વચ્ચે તેમને લઈ જઈએ. તેમની સાથે બેસીને કુઆર્નની ચર્ચા કરીએ અને હદીષોની વાતચીત કરીએ અને દેશ-દુનિયામાં થતા પરિવર્તનો ઉપર ચર્ચા -ગોષ્ઠિ કરીએ અને જેમ જેમ મોટા થતાં જાય તેમ નિર્ણયો લેવામાં પણ સામેલ કરીએ.

બાળક માતા-પિતાને જોઈને શીખે છે. આપણા કાર્યોને જુએ છે અને તેની નકલ કરે છે… માટે જ.

Charity Begins from Home…

આ બધું કરવા માટે સમય આપવો પડશે… પોતાના બાળકોને. છે ? સમય તમારી પાસે ?… તો જ કંઈક આશા રાખજો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments