Thursday, March 28, 2024
Homeપયગામબહુસાંસ્કૃતિક સમાજમાં આંતર ધર્મીય સંવાદની જરૃરત

બહુસાંસ્કૃતિક સમાજમાં આંતર ધર્મીય સંવાદની જરૃરત

ભારત એક બહુસાંસ્કૃતિક અને બહુધર્મિય દેશ છે. આ જ તેની વિશેષતા છે. વિવિધ મતો ધરાવતા, વિવિધ સંપ્રદાયના બલ્કે વિરોધાભાસી વિચારો ધરાવતા લોકો આપણા દેશમાં વસે છે. આટલું જ નહીં લોકો જે તે ભાષા અથવા પ્રાંતથી સંબંધ ધરાવે છે. તેને તેઓ શ્રેષ્ઠ પણ સમજે છે આશ્ચર્યની વાત આ છે કે વર્ષોથી સાથે રહેવા છતાં લોકો એક બીજાની સંસ્કૃતિ, ધર્મ અને મર્યાદાઓથી નાવાકેફ છે. તેમની વચ્ચે એક બીજા વિશે ગેરસમજો અને ભ્રમણાઓ પ્રવર્તે છે.

આ લોકસભા ચૂંટણી પછી આપણા દેશમાં જે સ્થિતિ આકાર પામી રહી છે તે આપણા સમક્ષ બિલ્કુલ સ્પષ્ટ છે. સત્તાધારી પક્ષ અને તેનાથી સંલગ્ન સંસ્થાઓ તથા વ્યક્તિઓ તરફથી એક વિશેષ કલ્ચરને સ્થાપિત કરવાના આયોજનબદ્ધ પ્રયત્નો થઈ રહ્યા છે. અમુક ધર્મ પ્રત્યે ગેરસમજ અને ઘૃણા ફેલાવીને ભારતની ‘વિવિધતામાં એકતા’ની વિશેષતાને પાયમાલ કરવામાં આવી રહ્યું છે. નાના મોટા છમકલાઓ ધાર્મિક સ્થળો પર હુમલાઓ અને વિષયુક્ત વાણી દ્વારા ભારતના વાતાવરણને આટલી હદે દૂષિત કરી દીધું છે કે ‘રિબોરા’ જેવી વ્યક્તિ કેે જેમણે પોતાનો જીવન ભારતની સેવામાં વ્યતિત કર્યું છે, ખ્રિસ્તી હોવાથી અસુરક્ષિત અનુભવ કરી રહ્યો છે. એક તરફ સરકાર વિવિધ ધર્મોના આગેવાનો, વિદ્વાનો અને લીડરોથી મીટીંગ યોજી તેમને વિશ્વાસમાં લેવા પ્રયત્ન કરી રહી છે. બીજી બાજુ તેમની જ વિચારધારા ધરાવતા લોકોના કૃત્યો પ્રત્યે ચૂપકીદી સેવે છે. ‘ચોર ને કહે ચોરી કર અને સાહુકારને કહે જાગતા રહેજો’ની નીતિથી સમાજ સાચા અર્થમાં વિકાસ કરી શકતો નથી.

‘સૌનો સાથ સૌનો વિકાસ’ના સૂત્રને સરકાર સાર્થક કરવા માંગતી હોય તો તેને ‘રાજધર્મ’ નિભાવું પડશે, ન્યાયોચિત પગલા લેવા પડશે અને ખોટી વ્યક્તિ અને અપરાધીઓને તેના અંજામ સુધી પહોંચાડવું પડશે. શીશમહલમાં રહેતા બે ભાઈઓ ઝગડશે તો તે ભાંગી પડશે અને તેના નિર્માણમાં જે રૃપયા અને સમય ખર્ચ થયો તે વેડફાઈ ગયો કહેવાશે. જો આપણે ભારતની પ્રગતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે સાચે જ નિખાલસ હોઈશું તો આ સ્વપ્ન કોમી સૌહાર્દ વગર શક્ય નથી. સૌહાર્દ અને એખલાસ, સંવાદ અને એક બીજાને સમજયા વગર સંભવ નથી.

વર્તમાન પરિસ્થિતિમાં આ વાતની ખૂબજ જરૃર છે કે કોમો, ધર્મો અને વિવિધ સંસ્કૃતિ-સંપ્રદાયને માનનારા અનુયાયીઓ વચ્ચે વાર્તાલાપ થાય. એક બીજાને ઊંડાણપૂર્વક સમજે, તેમના વચ્ચે પ્રવર્તમાન ગેરસમજોને દૂર કરે. એક બીજાના સારા કાર્યો અને સાચી વસ્તુઓની કદર કરે. તેને પ્રોત્સાહન આપે અને એકબીજાની મર્યાદાઓ શું છે તેની સમજણ પેદા કરે. બલ્કે મર્યાદાઓનું માન કરે. સહિષ્ણુંતા, ધૈર્ય અને હૃદયની વિશાળતા પોતાની અંદર પેદા કરે. ભારતીય સંસ્કૃતિની એક વિશેષતા ‘વસુધૈવ કુટુમ્બકમ’ છે. આ વિચારને પ્રેમ-વ્હાલ અને સાદર-સત્કાર વગર કઈ રીતે સાકાર કરી શકીશું?!!! આ બાબતે મુહમ્મદ સ.અ.વ.નું તે કથન પણ આપણા સમક્ષ રહેવું જોઈએ. આપ સ.અ.વ.એ ફરમાવ્યું, જેનો ભાવાર્થ છે, “બધા જ સર્જનો અલ્લાહનો કુટુમ્બ છે અને જે તેમના ઉપર દયા કરે છે અલ્લાહ તેની ઉપર દયા કરે છે.” દયા, ઉપકાર, માનવ સેવા, લોકસહાયતા, વિનમ્રતા વગેરે એવા ગુણો છે જે બે અજાણ વ્યક્તિઓને પણ પ્રેમના તાંતણે જોડી દે છે. અને ઉપરોક્ત ગુણો ઉપર બધા જ ધર્મોમાં ભાર આપવામાં આવ્યો છે.

ઓવર ઓલ, સમગ્ર સૃષ્ટિનો સર્વશ્રેષ્ઠ સર્જન ‘માનવ’ છે. એટલે સૌપ્રથમ માનવને તેનો ગૌરવ પ્રાપ્ત થવુ જોઈએ. ભલે તે કોઈ પણ ધર્મ, સંપ્રદાય, પ્રાંત કે જ્ઞાાતિથી સંબંધ ધરાવતો હોય અને તેનાથી નિમ્ન કોઈ પણ વસ્તુ માટે ‘મનુષ્ય’ને અપમાનિત કરી શકાય નહી. સામાન્ય સિદ્ધાંત છે કે માતા અને જમનારા શિશુમાં જો કોઈ એક જ જીવિત રહી શકતો હોય તો માતાને પ્રાથમિકતા આપવામાં આવે છે. કેમકે તેના થકી જ ભવિષ્યમાં બીજા બાળકો પ્રાપ્ત થઈ શકે છે. સમાજમાં પણ ‘મનુષ્ય’ને સૌથી વધુ મહત્વ અને પ્રાથમિકતા મળવી જોઈએ. સંસારમાં જે કંઇ છે તે તેના માટે જ છે અને તેની સુંદરતા, સમૃદ્ધિ અને ઉન્નતિ તેના થકી જ સંભવ છે.

અશરફ બનાયા થા ઉસે ખાકસે દસ્તે કુદરતને
મગર કીંમત નહીં આજ ઈંસાન કી આદમી કી નિગાહો મેં

ખોટું શું છે અને સાચું શું છે તર્કબુદ્ધિથી તેની પરખ કરવી સરળ છે પરંતુ બે ભલાઈઓમાં કોઈ એકને અપનાવાની સ્થિતિ હોય તો મોટી ભલાઈ કઈ અને બે બુરાઈઓમાંથી એકને સ્વીકારવી પડે તેવી સ્થિતિ હોય તો નાની બુરાઈ કઈ તે પારખવાની બુદ્ધિ-ક્ષમતા હોવી જોઈએ. તેવી જ રીતે મોટા નુકસાનથી બચવા નાની ભલાઈને જતી કરવી અને મોટા ફાયદા પ્રાપ્ત કરવા નાની બુરાઈને અપનાવાની તત્વદર્શિતા કેળવવી પડશે. લોકોના જે સમુહને સમાજ કહીએ છીએ, એક વત્તા એક બે જેવી સરળ વસ્તુ નથી. બલ્કે ગુંચવણ ભરેલી પરિસ્થિતિ છે. અને આવી પરિસ્થિતિમાંથી નિકળવા માટે લાગણીઓ અને ભાવનાઓને કાબૂમાં રાખી બુદ્ધિનો ઉપયોગ કરવાની વધુ જરૃર છે. દોરીના ગુંચવણને સુલઝાવી મુશ્કેલ તો છે અને તે ગુંજવણ જુનો હોવ તો વધારે મુશ્કેલ બને છે. પરંતુ ધૈર્ય સાથે એક એક પગલા આગળ વધીશું તો તેને ઉકેલી શકાય છે. ગુંચવણથી ઉશ્કેરાઈ જવાની કે ગુસ્સે થઈ જવાની કે તેને જેમને તેમ રહેવા દેવાની જરૃર નથી. આ વર્ણતુક સમસ્યાનો ઉકેલ નથી. ઉશ્કેરાત અને ક્રોધ આ બાબતનો ચિન્હ છે કે વ્યક્તિને જે તે સમસ્યામાંથી નિકળવાનો રસ્તો સૂઝતો નથી. આ આપણી નબળાઈ છે અને તેને આપણને જ દૂર કરવી રહી. બે ધર્મ અને સંપ્રદાય વચ્ચે સમજણની કેટલી મોટી ખાઈ હશે તેનો અંદાજ આ વસ્તુથી સહજ રીતે મળી શકે કે એક જ ધર્મના બે પંથો વચ્ચે પણ ઘણી નિર્મુળ માન્યતાઓ જોવા મળે છે. મુસલમાનોમાં પણ મતભેદ અને ફિરકાબંદીના બે મૂળ કારણ છે. એક ગેરસમજો અને જાણકારીનો અભાવ અને બીજો છે ગૌણ વસ્તુઓને સૈદ્ધાંતિક બાબતો ઉપર પ્રધાન્યતા આપવી અથવા તેમને વધુ મહત્વ આપવું. ધર્મો વચ્ચે પણ આ જ કારણભૂત છે. આપણે ગમે તે ધર્મ, જ્ઞાાતિ, પ્રાંત અથવા ભાષાથી સંબંધ ધરાવતા હોઈએ. આ આપણી પ્રાથમિક જવાબદારી છે કે જે કંઇ વસ્તુનો આપણે અનુકરણ કરીએ છીએ સમજી-વિચારીને કરીએ. અને બીજાને સમજવાનો ભરપૂર પ્રયત્ન કરીએ. યોગ્ય વર્તણુંક અને યોગ્ય અભિગમ તથા યોગ્ય વસ્તુની પસંદગી સરખામણી દ્વારા જ શક્ય બની શકે છે. બાપ-દાદાથી ચાલતા આવતા રિવાજો અને સમાજમાં જોવા મળતી પાયા વગરની માન્યતાઓ અને કહી-સાભળેલી વાર્તાઓના આંધળા અનુકરણથી ભ્રમણાઓનું નિરાકરણ થઈ શકે છે ન જ સત્યની ઓળખ.

દેશના બધા જ નાગરિક સમાન છે. કોઈને પણ પોતાનો હરીફ કે પ્રતિસ્પર્ધી સમજવું યોગ્ય નથી. અને શત્રુ સમજવું તો ભારત માટે ઝેર સમાન છે. આપણે ગમે તે ધર્મ-સંપ્રદાયને માનતા હોઈએ પરંતુ ભૂમિતિના પરિપેક્ષ્યમાં આપણા બધા ભારતીય છીએ. દેશના આદરપાત્ર નાગરિક હોવાના નાતે આપણે ‘નાગરિક ધર્મ’ પણ નિભાવવું જોઈએ. નાગરિક ધર્મ એટલે ભારતના વિકાસ અને નિર્માણમાં પોતાનું ભરપૂર યોગદાન આપવો. નાગરિક સભાનતા કેળવી, નાગરિક અધિકારોનું જતન કરવું અને તેમના અમલને યકીની બનાવવા પ્રયત્નશીલ રહેવું. બે સમુદાયો અને કોમોને નજીક લાવવા માટે આ પણ એક ‘સર્વસંમત મુદ્દો’ બની શકે છે. ભૌતિક સમૃદ્ધિ અને સ્ટ્રકચલ ડેવેલપમેન્ટ ભારતનું શરીર છે તો પ્રેમ, સૌહાર્દ, બંધુત્વ, ન્યાય તેની આત્મા. શરીર અને આત્મા વચ્ચે સુંદર સંતુલન જરૂરી છે. જ્યાં મજબૂત બાધા ધરાવતી સંસ્કારહીન વ્યક્તિ સમાજ માટે માથાનો દુખાવો છે. ત્યાં જ નૈતિક પરંતુ નિર્બળ વ્યક્તિ પણ કોઈ પરિવર્તન આણી શકતી નથી.

કમ્યુનલ હાર્મની માટે વિચારવું અને ક્રિયાશીલ થવું આપણી નાગરિક જવાબદારી છે. તેના માટે જે કંઇ પગલા લઈ શકતા હોઈએ તે આપણે લેવું જોઈએ. સ્નેહ અને સૌહાર્દ માટે આધાર બિંદુ યોગ્ય હોવુ જોઈએ. અસત્ય વસ્તુને આધાર બનાવવાથી ઉત્પન્ન થઈ શકતો નથી. જે લોકો આ નેક કાર્ય કરવા માટે ચિંતિત હોય છે તેમાંના ઘણાં એવા છે જે કમ્યુનલ હાર્મની માટે ‘સર્વ ધર્મ સમભાવ’નું સુત્ર આપે છે અને ભારપૂર્વક કહે છે કે બધા જ ધર્મોના માર્ગ વિવિધ છે પરંતુ મંઝિલ એક છે અને ધર્મની નૈતિક શિક્ષા પણ સમાન છે. તેથી સર્વધર્મોને સમાન ગણીશું તો ભાઈચારા પેદા થશે. મારા ખ્યાલથી હવામાં ઈમારતની તામીર થઈ શકે નહીં. ખ્યાલી દુનિયાના વિચાર આધારબિંદુ બનાવી શકાય નહીં. વિવિધ ધર્મોની શિખામણોમાં ચોક્કસ સમાનતા જોવા મળે છે પરંતુ તેમની વચ્ચેના ભેદ પણ બિલ્કુલ સ્પષ્ટ છે. નાસ્તિક અને આસ્તિક, બહુદેવવાદી અને એકેશ્વરવાદી, દેવીપૂજક અને ભૌતિકવાદી વગેરે કદી સમાન હોઈ શકે નહીં. તેથી ‘સર્વ ધર્મ સમાન’ની વાત પાયા વિહોણી અને એક ખ્યાલ માત્ર છે. આપણે ‘સર્વ ધર્મ સદ્ભાવ’ની નીતિ અપનાવી શકીએ. તેમાં વાસ્તવિકતા છે. તેમાં આ હકીકત છુપાયેલી છે કે ધર્મો વચ્ચે ભેદ છે છતાં સુમેળતાનું શિક્ષણ છે. પરંતુ તેમની વચ્ચે સદ્ભાવ હોવું જોઈએ. સદ્ભાવ કેળવવાથી પણ ભાઈચારાનું હેતુ પ્રાપ્ત કરી શકાય. તેના માટે સ્થાનીય સ્તરેથી લઈ રાજ્ય સ્તરે સુધી નાની મોટી યુનિટો કાયમ કરી વધારેને વધારે નવયુવાનો, વિદ્યાર્થીઓ તથા આગેવાનોને જોડવાની જરૃર છે.

બીજું કાર્ય આ કરી શકાય કે આંતર ધાર્મિક ચર્ચાઓનું દૌર શરૃ થાય. વિવિધ કાર્યક્રમો દ્વારા ધર્મોની સાચી સમજ પેદા કરવામાં આવે. ઈદ, દિવાળી વગેરે જેવા પર્વોના અવસરે આ કાર્યક્રમ ગોઠવી શકાય. શાળાઓમાં લેકચર સીરીઝ શરૃ કરી શકાય અને જો સરકાર તેના માટે સાચે જ ઉદાસીન હોવ તો પાઠયક્રમોમાં ધર્મોનો પરિચય અને નિષ્પક્ષ ઐતિહાસિક ઘટનાઓને શામેલ કરી શકાય. આડોસ-પાડોસના લોકોને ભેગા કરી સમાયાંતરે કાર્યક્રમોનું આયોજન કરી શકાય.

આવી જ રીતે દરેક વિસ્તારના આગેવાનો પોતાની જવાબદારી સમજી અમન કમીટીઓ અથવા શાંતિ સમીતીઓની રચના કરી શકે. તેમાં વિવિધ ધર્મના લોકોને શામેલ કરવામાં આવે કે જેથી કોઈ અઇચ્છનીય ઘટના ઘટે તો સ્થાનીય સ્તરે તેનો નિકાલ લાવી શકાય. કોમી સૌહાર્દનું કાર્ય સાથે મળીને કરવાથી જ સંભવ બનશે. પોલીસની પણ જવાબદારી બને છે કે તેઓ નિષ્પક્ષ રહી ન્યાયોચિત કાર્યવાહી કરે. બંધારણીય અને માનવીય અધિકારોનું હનન ન કરે. અને સમાજને દુષિત તત્વો અને ન્યુશન્સથી પવિત્ર કરવા કાર્યક્ષમ રહે. હઝરત મુહમ્મદ સ.અ.વ.ના એક કથનનો ભાવાર્થ છે, “અલ્લાહ તમારા શરીર અને સ્વરૃપને જોતો નથી તેઓ તમારા હૃદય અને કર્મોને જુએ છે.” (મુસ્લિમ)

રોજબરોજની નાગરિક સમસ્યાઓના નિરાકરણ લાવવા માટે મહોલ્લાવાર જે કમિટીઓની રચના થાય તેમાં શક્ય હોય ત્યાં સુધી વિવિધ સમુદાયના લોકોને શામેલ કરવા કે જેથી કોલોનાઈઝેશનથી પેદા થતી સમસ્યાઓ નિવારી શકાય અને એક બીજાને સમજવાનો અવકાશ પ્રાપ્ત થાય. એવા ઘણા બધા કોમન મીનીમમ પ્રોગ્રામ બનાવી શકાય. વિવિધ ધર્મો, વિભિન્ન સંપ્રદાય, જુદા-જુદા જ્ઞાાતિ અને અલગઅલગ પંથના લોકોને એક બીજાથી મળવાનો અવસર મળે. યાદ રાખો, “જે કોઈ સદ્કાર્ય કરશે પોતાના જ માટે કરશે, અને જે કોઈ બૂરાઈ કરશે તે સ્વયં તેનું નુકસાન ભોગવશે. પછી સૌને જવાનું તો પોતાના રબ તરફ જ છે.” (સૂરઃ જાસિયહ-૪૫ઃ૧૫)

સર્વજન વિકાસને જ દેશનો વિકાસ કહી શકાય. જો આપણે આગામી વર્ષોમાં વિકસિત રાષ્ટ્રની હરોળમાં ઉભા થવા ઇચ્છતા હોઈએ તો આપણે બધાએ અથડામણોને શૂન્ય સુધી લઈ જવી પડશે અને દરેક નાગરિકે તેના માટે પોતાની ભૂમિકા નિભાવવી પડશે. બે ઈંટો એક બીજાને સહન કરવાની શક્તિ ન કેળવી શકે તો ક્યારેય ઇમારતની તામીર થવાની નથી. પછી ભલે એ ઈંટો પોતાની જગ્યાએ અમૂલ્ય હોય. ચાલો, કોમી સૌહાર્દ થકી વિકસીત ભારતનું નિર્માણ કરીએ.

– sahmed.yuva@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments