અમુક સમય પહેલાં એક વડીલ મિત્રએ સહજ ભાવે સલાહ આપતાં કહ્યું હતું કે, “તમારા બાળકને ભણાવો તો કોઈ મોટી અને પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં જ ભણાવજો. ત્યાં સફળતાની ગેરંટી વધારે હોય છે; કારણ કે મને લાગે છે કે આ સંસ્થાઓનું અંદર ખાતે કશુંક ‘સેટિંગ’ હોય છે.” તાજેતરમાં જ્યારે NEET-૨૦૨૬ના પેપર લીકના આંચકાજનક સમાચાર સામે આવ્યા, ત્યારે તેમની એ ભયજનક વાત પર ભરોસો ન છૂટકે મજબૂત બની ગયો.
વર્ષ ૨૦૨૪માં પણ NEET પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના અહેવાલો આવ્યા હતા, પરંતુ શાસકો કે તંત્ર દ્વારા કોઈ નક્કર કે કાયમી પગલાં લેવાયાં નહીં. પરિણામે, આજે આખી પરીક્ષા જ સંપૂર્ણપણે રદ કરવાની નોબત આવી છે. દેશના હજારો પરીક્ષા કેન્દ્રો પર ૨૦ લાખથી વધુ (બે મિલિયન) હોનહાર ઉમેદવારોએ જે NEET-UG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) માટે દિવસ-રાત એક કર્યા હતા, તે મહેનત પર એક ઝાટકે પાણી ફરી વળ્યું છે.
આવી વિપરીત પરિસ્થિતિઓમાં સૌથી મોટો ભોગ ‘યોગ્યતા’ (Merit) નો લેવાય છે. સમગ્ર શિક્ષણ અને પરીક્ષા પદ્ધતિ પરથી જનતાનો વિશ્વાસ ઊઠી જાય છે અને લાખો વિદ્યાર્થીઓ માનસિક રીતે ભાંગી પડે છે. આ કૌભાંડો માત્ર પરીક્ષા પૂરતા સીમિત નથી હોતા; તે વિદ્યાર્થીઓની વર્ષોની સખત મહેનત, મધ્યમવર્ગીય પરિવારની આખી જિંદગીની જમાપુંજી કે એજ્યુકેશન લોન અને વાલીઓની માનસિક સ્થિરતાને દાવ પર લગાવી દે છે. અંતે, આ ભ્રષ્ટ વ્યવસ્થાનો ગેરકાયદેસર લાભ માત્ર ધનકુબેરોના નબીરાઓ જ ખાટી જાય છે.
પરીક્ષા ચોરીનું સંગઠિત કાળું બજાર (૧૫ વર્ષનો કલંકિત ઇતિહાસ)
“પેપર લીક” થવું એ કોઈ નાની-મોટી કે છૂટીછવાઈ ઘટના નથી, બલ્કે તે વ્યવસ્થિત રીતે ચાલતા ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા છે. જો આપણે પાછલા ૧૫ વર્ષનો ઇતિહાસ જોઈશું, તો ખ્યાલ આવશે કે ભારતમાં “પરીક્ષા ચોરી”નું એક આખું સંગઠિત બ્લેક માર્કેટ ધમધમી રહ્યું છે. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક ચોંકાવનારા ઇન્વેસ્ટિગેશન અનુસાર, માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં દેશમાં ઓછામાં ઓછા ૪૧ દસ્તાવેજી પેપર લીક થયા છે, જેનાથી અંદાજે ૧.૪ કરોડ ઉમેદવારોનું ભવિષ્ય રોળાયું છે. પરિણામે ૧૫ રાજ્યોમાં ૧.૦૪ લાખથી વધુ સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે.
ભૂતકાળના મુખ્ય કૌભાંડો પર એક નજર
૨૦૧૫ (વ્યાપમ કૌભાંડ, મધ્યપ્રદેશ): ભારતના ઇતિહાસમાં સરકારી ભરતી અને પ્રવેશોત્સવનું આ સૌથી મોટું અને લોહિયાળ કૌભાંડ હતું, જેમાં વગદાર રાજકારણીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને માફિયાઓની સીધી સંડોવણી ખુલ્લી પડી હતી.
૨૦૧૮ (SSC CGL લીક): સ્ટાફ સિલેક્શન કમિશનની આ પરીક્ષા ભારે વિવાદમાં રહી, જેના વિરોધમાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ દેશવ્યાપી આંદોલન છેડ્યું હતું.
૨૦૨૧ (REET લીક, રાજસ્થાન): શિક્ષકોની ભરતી માટેની આ પરીક્ષા મોટા પાયે પેપર લીક થવાને કારણે છેવટે રદ કરવી પડી હતી.
૨૦૨૩ (TSPSC ગ્રુપ-૧ લીક, તેલંગાણા): પેપર લીકના કારણે એકસાથે ૧૫ જેટલી વિવિધ સરકારી પરીક્ષાઓ પ્રભાવિત થઈ હતી.
૨૦૨૩ (તલાટી ભરતી ગેરરીતિ, મહારાષ્ટ્ર): તલાટીની ભરતીમાં વ્યાપક સ્તરે ગેરરીતિઓ સામે આવી હતી.
ફેબ્રુઆરી ૨૦૨૪ (યુપી પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા): પેપર લીકના કારણે પરીક્ષા રદ થતાં ૪૮ લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય ઉમેદવારો રઝળી પડ્યા હતા.
જૂન ૨૦૨૪ (UGC-NET રદ): દેશના ૩૧૭ શહેરોમાં ૯ લાખથી વધુ ઉમેદવારોએ આપેલી આ પ્રતિષ્ઠિત પરીક્ષાને પણ શંકાસ્પદ ગેરરીતિના કારણે રદ કરવી પડી, જેનાથી દેશભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
સવાલ એ છે કે ખામી ક્યાં છે?
શિક્ષણના અતિશય વ્યાપારીકરણના કારણે આજે માત્ર મોટી ફી વસૂલતા શૈક્ષણિક સંકુલો જ નથી ખુલ્યા, બલ્કે દેશમાં “એક્ઝામ માફિયાઓ”નો નવો વર્ગ પેદા થયો છે. પેપર લીક હવે માત્ર કોઈ ક્લાસરૂમમાં થતી નકલનો મામલો નથી રહ્યો, પણ એક અત્યંત આધુનિક, હાઈટેક અને આંતરરાજ્ય ઉદ્યોગ (Interstate Industry) બની ગયો છે. આ સંગઠિત નેટવર્કમાં પ્રિન્ટિંગ પ્રેસના અંદરના માણસો, આઈટી (IT) એડમિનિસ્ટ્રેટર્સ, કોચિંગ સેન્ટરોના સંચાલકો, વચેટિયાઓ (દલાલો) અને ભ્રષ્ટ સરકારી બાબુઓની સાંઠગાંઠ હોય છે.
આજના સમયમાં અદ્યતન ટેકનોલોજીના દુરુપયોગે આવા સ્કેન્ડલને વધુ સરળ અને ઝડપી બનાવી દીધા છે. કોચિંગ ઇન્સ્ટિટ્યુટ્સ કથિત રીતે વિદ્યાર્થીઓ મેળવવા અને કરોડો રૂપિયામાં પેપર વેચવાના મુખ્ય કેન્દ્રો બની ગયા છે. અહેવાલો મુજબ, વિદ્યાર્થીઓને પરીક્ષાની આગલી રાત્રે જ કોઈ ગુપ્ત સ્થળે લઈ જઈને લીક થયેલા અસલી પેપરોના જવાબો આખી રાત ગોખાવવામાં આવે છે.
આ બજારમાં એક-એક પેપરની કિંમત ઉમેદવાર દીઠ રૂ. ૫ લાખથી લઈને ૧૫ લાખ સુધીની વસૂલવામાં આવે છે. આ કાળા કારોબારમાં થતી કરોડો રૂપિયાની અંધાધૂંધ કમાણી જ એ મુખ્ય કારણ છે કે વારંવાર ધરપકડો થવા છતાં આ માફિયાઓ નેટવર્ક ચલાવતા અટકતા નથી.
અસહ્ય માનવીય કિંમત અને સરકારી કાયદા
આપણે એ વાત ગંભીરતાથી સમજવી પડશે કે લાખો વિદ્યાર્થીઓ માટે પરીક્ષા રદ થવી એ માત્ર “ફરીથી પરીક્ષા આપવી” એટલી સરળ બાબત નથી હોતી. તેની સાથે વિદ્યાર્થીના જીવનમાં ભયંકર ડિપ્રેશન, બેરોજગારીનો લાંબો ગાળો, પારિવારિક દબાણ અને આર્થિક પાયમાલી આવે છે. એકવાર જો દેશની યુવા પેઢીનો ‘મેરિટ’ પરથી વિશ્વાસ તૂટી જશે, તો તેનું નુકસાન માત્ર સરકારી ભરતી પૂરતું સીમિત નહીં રહે; તે દેશની લોકશાહી, સંસ્થાઓની વિશ્વસનીયતા અને ન્યાયિક પ્રણાલીને કાયમી ધોરણે લૂણો લગાડી દેશે.
સરકારે આ સ્થિતિને ડામવા માટે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, ૨૦૨૪’ (જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવાનો કાયદો) અમલમાં મૂક્યો છે. જેની મુખ્ય જોગવાઈઓ અનુસાર:
- વ્યક્તિગત ગુના માટે ૩ થી ૫ વર્ષની જેલ અને રૂ. ૧૦ લાખ સુધીનો દંડ.
- સંગઠિત સિન્ડિકેટ (ટોળકી) માટે ૫ થી ૧૦ વર્ષની જેલ અને ગુનામાં સામેલ સંસ્થાઓ માટે રૂ. ૧ કરોડનો દંડ નક્કી કરાયો છે.
- આ તમામ ગુનાઓને કોગ્નિઝેબલ અને બિનજામીનપાત્ર બનાવવામાં આવ્યા છે.
અંતે… કાયદો કે નૈતિકતા?
પરંતુ આટલો કડક કાયદો આવ્યા પછી પણ પેપર લીકની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. તેથી જ, આજે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે: શું માત્ર સખત કાયદાઓ કે જેલની સજાથી આ આખું વ્યવસ્થિત નેટવર્ક ક્યારેય તૂટી શકશે? કે પછી ગુનેગારો ચોરી કરવા માટે પોતાની પદ્ધતિઓને વધુ ડિજિટલ અને સ્માર્ટ બનાવી દેશે?
મોટાભાગના કિસ્સાઓમાં સિસ્ટમની અંદર બેઠેલા માંધાતાઓની સંડોવણી જ મુખ્ય હોય છે. તેથી, સરકારે વહીવટી વ્યવસ્થામાં રહેલી મૂળભૂત અને ટેકનિકલ ખામીઓને તો તાત્કાલિક દૂર કરવી જ પડશે; પરંતુ એટલું માત્ર પૂરતું નથી. આપણે આપણી શિક્ષણ પ્રણાલીમાં નૈતિકતાના પાઠોને પ્રાથમિકતા આપવી પડશે, જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને અધિકારીઓમાં ‘સ્વ-શિસ્ત’ (Self-discipline) પેદા થાય. બાળકને નાનપણથી જ એ વિચાર આત્મસાત કરાવવો પડશે કે “મારો ઈશ્વર/અલ્લાહ મને દરેક પળે જોઈ રહ્યો છે.” જ્યાં સુધી અંતરાત્માનો અવાજ અને નૈતિક મૂલ્યો દૃઢ નહીં થાય, ત્યાં સુધી માત્ર કાયદાના જોરે સમાજમાં કોઈ કાયમી પરિવર્તન લાવવું અશક્ય છે.
