Homeપયગામકુર્બાની અને માંસાહાર: યોગ્ય કે અયોગ્ય?

કુર્બાની અને માંસાહાર: યોગ્ય કે અયોગ્ય?

દુનિયાની વિવિધ જાતિઓ અને કોમોમાં અસંખ્ય તહેવારો ઉજવવામાં આવે છે. અમુક સ્થળે તહેવારો માત્ર રમતગમત, રાગ-રંગ અને મોજ-મસ્તી સુધી જ મર્યાદિત રહે છે, જ્યારે અમુક ઠેકાણે મનોરંજન વિનયની મર્યાદા ઓળંગી વ્યભિચાર, દુરાચાર અને અનુચિત સીમાઓ સુધી પહોંચી જાય છે. વાસ્તવમાં, કોઈ પણ જાતિ કેટલી નૈતિક, સુસભ્ય, સંસ્કારી, ઈશપારાયણ અને પવિત્ર છે, તેનો અંદાજ તેમના તહેવારોની ઉજવણીની રીત જોઈને લગાવી શકાય છે.

ઇસ્લામિક તહેવારોનું મહત્વ:

ઇસ્લામ ધર્મ કોઈ જાતિ વિશેષ કે ભૌગોલિક સરહદ સુધી સીમિત નથી; તે એક આંતરરાષ્ટ્રીય ચળવળ છે, જે આખી દુનિયાના માનવીઓને તૌહીદ-એકેશ્વરવાદ (ઈશ્વર એક છે)ની સાચી વાસ્તવિકતાથી અવગત કરાવવા માંગે છે. ઇસ્લામે જીવનના દરેક પાસાને એક વિશિષ્ટ ઓપ આપ્યો છે. તેમાં તહેવારોને પણ એક એવું અનોખું રૂપ આપવામાં આવ્યું છે જે અન્ય કોમોના તહેવારોથી ભિન્ન છે. ઇસ્લામમાં મુખ્ય બે જ તહેવારો છે: (૧) ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) અને (૨) ઈદ-ઉલ-અઝહા (બકરીઈદ). આ બંનેના મૂળમાં ઈશપારાયણતા, આત્મસંયમ અને સામાજિક સેવાની ભાવના કેન્દ્ર સ્થાને રહેલી છે.

જીવદયાના નામે રાજનીતિ અને દંભ:

ઈદ-ઉલ-અઝહાના અવસર પર ઘણી શંકા-કુશંકાઓ અને પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, કારણ કે તેમાં પ્રાણીઓની કુર્બાની આપવામાં આવે છે. આ પ્રસંગે ઘણા કહેવાતા ‘જીવપ્રેમીઓ’ કે ‘ગૌરક્ષકો’ જીવદયાના નામે મનુષ્યો પ્રત્યે નિર્દયતા દાખવતા જોવા મળે છે. ગૌસેવાના નામે પડદા પાછળ કેવો ભ્રષ્ટાચાર ચાલે છે, પાંજરાપોળથી કતલખાના સુધી પ્રાણીઓને પહોંચાડવામાં કોણ સામેલ હોય છે અને પાંજરાપોળમાં ભૂખથી રિબાઈને મરતા જાનવરોની હાલત કેવી હોય છે—તે એક ખુલ્લું સત્ય છે. શું આ કૃત્યો ‘જીવદયા’ હેઠળ આવે છે?

ચામડાના મોટા વેપારીઓમાં જીવદયાનો પ્રચાર કરનારા જ જોવા મળે છે. મટનની દુકાને જઈને જોશો તો ખ્યાલ આવશે કે કેટલાએ હિન્દુ ભાઈઓ માંસાહાર કરે છે. સરકારી મહેમાનોની વિશેષ કાળજી લેવામાં આવે છે તેમને પણ માંસ પીરસવામાં આવે છે. વાસ્તવમાં, જીવદયાની સમસ્યા આજે ધાર્મિક ઓછી અને રાજનૈતિક વધુ થઈ ગઈ છે.

સદ્ભાવના અને ધાર્મિક સ્વતંત્રતા:

કેટલાક ‘સદ્ભાવનાવાદીઓ’ સલાહ આપે છે કે બીજાની લાગણી દુભાય નહીં તે માટે મુસ્લિમોએ માંસાહાર છોડવો જોઈએ. તેમને મારે કહેવું છે કે ઇસ્લામમાં હલાલ જાનવરોનું માંસ ખાવાની પરવાનગી છે, તે ફરજિયાત આદેશ નથી. વ્યક્તિ માંસાહાર કર્યા વગર પણ સંપૂર્ણ મુસલમાન રહી શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું માંસાહારના ત્યાગથી જ સદ્ભાવના આવશે? જો એમ હોય તો ઘણા મંદિરોમાં થતી બલિનું શું? અને જો માંસાહાર પાપ હોય, તો મુસલમાનો માટે ‘બહુદેવવાદ’ કે ‘મૂર્તિપૂજા’ સૌથી મોટું પાપ છે; શું સદ્ભાવના માટે અન્ય લોકો તેનો ત્યાગ કરશે?

સદ્ભાવનાનો અર્થ એકબીજાની પરંપરા બદલવી એ નથી, પરંતુ એકબીજાનો આદર કરવો અને ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન કરવું તે છે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને શું ખાવું તે સરકાર નહીં પણ બંધારણ દ્વારા મળેલી સ્વતંત્રતા નક્કી કરે છે. બહુસાંસ્કૃતિક સમાજમાં કઇ રીતે જીવવું તે આપણને શીખવવું પડશે. મીડિયામાં આવા મુદ્દાઓને વાચા આપી દેશના માહોલને દૂષિત કરવાની જરૂર નથી.

કુર્બાનીનું આધ્યાત્મિક પાસું:

કેટલાક લોકો કુર્બાનીની જગ્યાએ દાન કરવાની સલાહ આપે છે. પરંતુ ઇબાદતની દરેક રીત ઈશ્વરે પોતે નક્કી કરી છે. જેમ ભૂખ્યાને ઉપદેશ આપવાથી કામ ન ચાલે. જો કે ઉપદેશ આપવું પણ પુણ્યનું કામ છે. કપડાં માગનાર નગ્ન વ્યક્તિને પાણી આપવાથી તેની માગણી સંતોષી શકાય નહીં. એવી જ રીતે નમાઝની જગ્યાએ રોઝા કે ઝકાતની જગ્યાએ નમાઝથી કામ ન ચાલી શકે. તેના આદેશોનું પાલન શુદ્ધ ભાવના સાથે કરવામાં આવે તો જ વ્યક્તિને મુસ્લિમ (આજ્ઞાંકિત) કહેવામાં આવશે. કુર્બાની સાથે હઝરત ઇબ્રાહીમ (અ.સ.) અને હઝરત ઇસ્માઇલ (અ.સ.)નો ઇતિહાસ જોડાયેલો છે, જે ઈશ્વરના આદેશ સામે સર્વસ્વ સમર્પણ કરવાની ભાવના દર્શાવે છે. માત્ર માંસ ખાવાના આશયથી કરેલી કુર્બાની ઈશ્વરના દરબારમાં સ્વીકાર્ય નથી.

કેટલાક લોકો જીવહત્યાને નિર્દયતા ગણાવી ‘સુફિયાણી’ સલાહ આપતા કહે છે કે, “જો આપણે કોઈ જીવને જીવન આપી શકતા નથી, તો તેનું જીવન લેવાનો આપણને કોઈ અધિકાર નથી.” હું આ વિચાર સાથે અમુક અંશે સહમત છું, પરંતુ તેનો બીજો અર્થ એ પણ થાય કે જે જીવન આપી શકે છે, તેને જ જીવન લેવાનો અધિકાર છે. હવે હું પૂછું છું કે, દરેક સજીવને જીવન કોણે આપ્યું છે? તમે કહેશો કે ‘ઈશ્વરે’!

અર્થાત્, માત્ર ઈશ્વરને જ જીવન લેવાનો અધિકાર હોવો જોઈએ અથવા જીવહત્યા માટે તેની અનુમતિ ફરજિયાત હોવી જોઈએ. આ જ સિદ્ધાંત મુજબ, જો કોઈ વ્યક્તિ માત્ર મનોરંજન કે શિકાર ખાતર જીવહત્યા કરે તો તે અયોગ્ય ગણાશે; ઇસ્લામ પણ આવા નિરર્થક શિકારની નિંદા કરે છે. પરંતુ, જો ઈશ્વરના આદેશ મુજબ કોઈ જાનવરની કુર્બાની કરવામાં આવે, તો તે યોગ્ય ગણાય, કારણ કે જીવન આપનાર ઈશ્વરે જ તેની માત્ર પરવાનગી જ નહીં પણ આદેશ આપ્યો છે.

કુર્બાની કરવી એ નિર્દયતા નથી. વાસ્તવમાં, પ્રાણીઓના કાન ફાડવા, તેમને લોખંડના ગરમ સળિયાથી ડામ આપવા કે તેમની શક્તિ કરતાં વધુ ભાર તેમની પર લાદવો—એ અસલી નિર્દયતા છે, જેનાથી ઇસ્લામે કડક રીતે રોક્યા છે. આશ્ચર્ય એ વાતનું છે કે જ્યારે આપણા પશુપાલક ભાઈઓ પશુઓ પર આવા અત્યાચાર ગુજારે છે, ત્યારે આ ‘જીવપ્રેમીઓ’ ક્યાં ઊંઘતા હોય છે?

વૈજ્ઞાનિક અને પ્રકૃતિગત તર્ક:

• સજીવ સૃષ્ટિનું ચક્ર: જીવ હત્યા વગર મનુષ્ય જીવનનું અસ્તિત્વ અશક્ય છે. દુનિયાના ઘણા ભાગોમાં ખેતી શક્ય નથી, ત્યાં લોકોનો આધાર જ માંસાહાર છે. જો બધા જ શાકાહારી થઈ જાય તો વનસ્પતિની અછત અને ભયંકર ભૂખમરો સર્જાય.

• શારીરિક રચના: શાકાહારી પ્રાણીઓના દાંત ચપટા હોય છે અને માંસાહારીના અણીદાર. મનુષ્ય પાસે બંને પ્રકારના દાંત છે, જે સાબિત કરે છે કે તે મિશ્રાહારી (Omnivorous) ખોરાક માટે સર્જાયો છે. તે જ રીતે, શાકાહારી પ્રાણીઓનું પાચનતંત્ર માત્ર વનસ્પતિજન્ય ખોરાક પચાવવા માટે જ સક્ષમ હોય છે, જ્યારે માંસાહારી પ્રાણીઓનું પાચનતંત્ર મુખ્યત્વે માંસના પાચન માટે જ ઉત્તમ રીતે ઘડાયેલું હોય છે. પરંતુ, ઈશ્વરે મનુષ્યને જે વિશિષ્ટ પાચનતંત્ર આપ્યું છે, તે બંને પ્રકારના ખોરાક (શાકાહાર અને માંસાહાર) સરળતાથી પચાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે.

• આરોગ્ય: માનવ શરીરના વિકાસ માટે જરૂરી અમુક ‘એમિનો એસિડ’ માત્ર પ્રાણીજ પ્રોટીનમાંથી જ મળી શકે છે.

• વનસ્પતિમાં પણ જીવ છે: જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું છે કે વનસ્પતિ પણ પીડા અનુભવે છે. જો જીવ લેવો એ જ પાપ હોય, તો વનસ્પતિનો આહાર પણ તે જ શ્રેણીમાં આવે છે.

બીજું, દુનિયાના લગભગ દરેક દેશમાં માંસાહાર કરવામાં આવે છે અને વિશ્વમાં એવા ધર્મોની બહુમતી છે જેઓ માંસાહારને વૈધ (માન્ય/હલાલ) ગણે છે. અન્ય દેશોની વાત તો ઠીક, આપણા ભારતની જ વાત કરીએ તો દક્ષિણ ભારતમાં મોટાભાગના લોકો ધર્મ કે જાતિના ભેદભાવ વગર માંસાહાર કરે છે. એટલું જ નહીં, ત્યાંના કેટલાક બ્રાહ્મણ સમુદાયોમાં પણ માંસાહાર કરવાની પરંપરા જોવા મળે છે.

એક વાંધો એ પણ ઉઠાવવામાં આવે છે કે વ્યક્તિ જે પ્રકારનો આહાર લે છે, તેનો પ્રભાવ તેના સ્વભાવ પર પડે છે; એટલે કે માંસ ખાવાથી વ્યક્તિ હિંસક અને નિર્દયી બને છે. વાસ્તવમાં આ દલીલ પાયાવિહોણી છે. ઇસ્લામમાં માત્ર એવા જ પ્રાણીઓનું માંસ ખાવાની પરવાનગી છે જે શાકાહારી છે અને સ્વભાવે શાંત હોય છે, તેથી વ્યક્તિ પર તેની હિંસક અસર થવાનો પ્રશ્ન જ રહેતો નથી. હકીકતમાં ‘જેવું અન્ન એવું મન’ નહીં, પરંતુ ‘જેવું અન્ન એવું તન’ એ ઉક્તિ વધુ સચોટ છે. ઇતિહાસમાં આના સચોટ ઉદાહરણો મળે છે: હઝરત મુહમ્મદ (સ.અ.વ.) માંસાહારી હોવા છતાં અત્યંત પ્રેમાળ અને કૃપાળુ હતા, જ્યારે હિટલર શાકાહારી હોવા છતાં ક્રૂર અને ખૂંખાર હતો. આ સાબિત કરે છે કે મન ભોજનથી નહીં, પણ વિચારોથી ઘડાય છે.

બીજું, ઇસ્લામમાં અણીદાર દાંત ધરાવતા હિંસક પ્રાણીઓ (જેમ કે સિંહ, વાઘ, કૂતરો વગેરે) અને અણીદાર ચાંચ કે પંજાથી શિકાર કરતા પક્ષીઓ (જેમ કે સમડી, ગીધ, ઘુવડ વગેરે)નું માંસ ખાવું ‘હરામ’ (નિષિદ્ધ) છે. ઇસ્લામે માનવ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ આ પ્રતિબંધો મૂક્યા છે. તેની સરખામણીએ ચીન કે જાપાન જેવા દેશોમાં બધું જ ખાવામાં આવે છે. માંસાહારનો અવિચારી વિરોધ કરવો એ ઈશ્વરની એક મોટી નેમત (કૃપા)નો ઇન્કાર કરવા સમાન છે.

એ વાત સમજાતી નથી કે વિશ્વમાં બીજી ઘણી કોમો અને દેશો માંસાહાર કરતા હોવા છતાં, માત્ર મુસ્લિમો અને ઇસ્લામને જ કેમ નિશાન બનાવવામાં આવે છે? ઇતિહાસ સાક્ષી છે કે શાકાહારી હોવાનો દાવો કરનારા લોકોએ પણ અનેક સ્થળે હિંસા અને અત્યાચારના એવા કૃત્યો કર્યા છે જે માંસાહાર કરનારાઓએ પણ નથી કર્યા. આશ્ચર્ય તો જુઓ કે, જે લોકો જીવહત્યાનો વિરોધ કરે છે, તેમાંથી જ કેટલાક લોકો મનુષ્યોનું ‘લિન્ચિંગ’ (ટોળા દ્વારા હત્યા) કરી રહ્યા છે, નિર્દોષોને ઢોર માર મારે છે અને અમાનવીય અત્યાચારો ગુજારે છે. શું આ હિંસા નથી?

ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો અન્ય ધર્મોમાં પણ માંસાહાર અને શિકારના ઉલ્લેખો જોવા મળે છે. રામાયણમાં સીતાજીની ઈચ્છાથી શ્રીરામનું હરણના શિકાર માટે જવું, રાજા દશરથનું શબ્દવેધી બાણ શ્રવણને વાગવું કે રાજા પાંડુ દ્વારા મૃગ નક્ષત્રમાં ઋષિને બાણ વાગવું, આ બધી ઘટનાઓ તે સમયની શિકારની પરંપરા તરફ સંકેત કરે છે. વાસ્તવમાં, હિન્દુ ધર્મગ્રંથોમાં પણ માંસાહાર અંગેના કેટલાક આદેશો જેટલી સ્પષ્ટતાથી આપવામાં આવ્યા છે, કદાચ કુઆર્નમાં પણ એટલા શબ્દો નથી.

પવિત્ર કુર્આનમાં અલ્લાહ ફરમાવે છે:

“લોકો! ધરતી ઉપર જે હલાલ (વૈધ) અને પાક (શુદ્ધ) વસ્તુઓ છે તે ખાઓ અને શેતાનના બતાવેલા માર્ગે ન ચાલો, તે તમારો ખુલ્લો શત્રુ છે.” (સૂરઃ બકરહ – ૧૬૮)

“તેણે પશુઓ પેદા કર્યા જેમાં તમારા માટે પોશાક પણ છે અને ખોરાક પણ, તથા અન્ય અનેક પ્રકારના ફાયદાઓ પણ રહેલા છે.” (સૂરઃ નહ્લ – ૫)

શિકાર કરવો અને માંસ ખાવું એ હિન્દુ પરંપરામાં પણ પ્રાચીન કાળથી જોવા મળે છે. આજે પણ હિન્દુઓની મોટી સંખ્યા માંસ અને માછલીને પોતાના ખોરાકનો હિસ્સો અને ઈશ્વરીય કૃપા માને છે. આમ, માંસાહાર એ હિન્દુ ધર્મની મૂળભૂત પરંપરાઓની પ્રતિકૂળ નથી. તેના કેટલાક પ્રમાણભૂત ઉદાહરણો નીચે મુજબ છે:

હિન્દુ ધર્મગ્રંથો અને માંસાહાર:

માંસાહારનો વિરોધ કરનારાઓને કદાચ ખ્યાલ નથી કે હિન્દુ ધર્મગ્રંથોમાં પણ માંસાહારનો સ્પષ્ટ ઉલ્લેખ અને મંજૂરી છે:

• મનુસ્મૃતિ (૫/૩૦): ભોજન યોગ્ય પશુઓને ખાવાથી દોષ લાગતો નથી, કારણ કે ઈશ્વરે જ તેમને ભોજન માટે સર્જ્યા છે.

• મનુસ્મૃતિ (૩/૨૬૮-૨૭૧): શ્રાદ્ધના પિંડમાં વિવિધ પ્રકારના માંસ (માછલી, હરણ, ઘેટા વગેરે) ચઢાવવાનો ઉલ્લેખ છે.

• અથર્વવેદ, મહાભારત વગેરે બીજા ગ્રંથોમાં પણ માંસાહારનો ઉલ્લેખ છે.

નિષ્કર્ષ

“જેવું અન્ન તેવું મન” એ ધારણા ખોટી છે. હઝરત મુહમ્મદ (સ.અ.વ.) માંસાહારી હોવા છતાં અખૂટ દયાના સાગર હતા, જ્યારે હિટલર શાકાહારી હોવા છતાં લાખોનો હત્યારો હતો. મન વિચારોથી ઘડાય છે, ભોજનથી નહીં. માંસાહાર પ્રકૃતિનું એક સંતુલન છે અને ઈશ્વરની એક નેમત (કૃપા) છે. ધર્મના નામે કે જીવદયાના બહાને આ મુદ્દે વિવાદ ઊભો કરવાને બદલે, આપણે એકબીજાની સંસ્કૃતિ અને અધિકારોનું સન્માન કરતા શીખવું જોઈએ. કુરબાની એ નિર્દયતા નથી બલ્કે અલ્લાહના આદેશો સમક્ષ સંપૂર્ણપણે સમર્પિત થવાની ભાવના અને સંકલ્પ છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments