૮ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ મુસ્લિમોની બહુમતી વસ્તી ધરાવતા માલેગાંવમાં આતંકવાદીઓ દ્વારા બોમ્બ ધડાકા કરી ૩૭ નિર્દોષ લોકોના જીવ લેવામાં આવ્યા અને ૧૨૫ને ઈજા પહોચાડવામાં આવી.
૨૦૦૧માં અમેરિકામાં થયેલ આતંકવાદી હુમલા પછી મીડિયાએ મુસ્લિમોને એવા બદનામ કર્યા કે જ્યાં પણ બોમ્બ ધડાકાની ઘટના ઘટે અથવા કોઈ પણ અમાનવીય બનાવ બને કે તરત મુસ્લિમોનું નામ જોડી દેવાનું અને આરોપો ઠોકી બેસાડવાના.
આદત મુજબ માલેગાંવ વિસ્ફોટમાં શંકાની સોય મુસ્લિમો તરફ વળી. પરિણામ સ્વરૃપે મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી, તેમના પર અત્યાચાર કરવામાં આવ્યા. પરંતુ ધરપકડ કરાયેલ લોકો વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાના કારણે તપાસ અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા. છેવટે તપાસ એટીએસને સોંપાતાં તમામ અધિકારીઓની ટીમને હિંદુ આતંકવાદી સંગઠન અભિનવ ભારત વિરુદ્ધ પુરાવા મળ્યા. ઑકટોબર ૨૦૦૮માં ૧૧ શંકમંદોની ધરપકડ કરવામાં આવી હતી જેમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકોર, દયાનંદ પાંડે, આર્મિ ઑફિસર કર્નલ પુરોહિત, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય વિ.નો સમાવેશ થાય છે. આ લોકોની ધરપકડ કરવી આસાન ન હતું. એટીએસના તત્કાલીન વડા હેમંત કરકરે પાસે ઠોસ પુરાવા મોજૂદ હતા. તેથી આ લોકોની ધરપકડ શક્ય બની. તે જ સમયગાળા દરમ્યાન મુંબઈમાં હુમલો થયો અને તેમાં કરકરેની હત્યા થઈ ગઈ. કરકરેની હત્યા પાછળ ઘણી શંકા અને કુશંકાઓ છે પરંતુ તેમની હત્યાની સમગ્ર ઘટનાને દબાવી દેવામાં આવી.
માલેગાંવ વિસ્ફોટ પછી જે ૮ મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી હતી તેમને હાલમાં જ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. નવાઈની વાત એ છે કે જેમની સામે પુરાવા હતા તેવા લોકો કસ્ટડીમાં હોવા છતાં આ નિર્દોષોને જેલમાં પૂરી રાખવામાં આવ્યા અને તેમના જીવનના મહત્ત્વના ૭ વર્ષો વેડફાયા. કાયદેસર તો તેમને સમાજમાં ફરીથી તેમનું સ્થાન પ્રસ્થાપિત કરાવવા માટે કોઈ પ્રક્રિયા હોવી જોઈએ. સાથે સાથે જે પોલીસે નિર્દોષોને ૭ વર્ષો સુધી જેલમાં સડાવી દીધા તેમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. પરંતુ અહીં અન્યાયની કોઈ સીમા નથી.
૨૦૦૪માં કેન્દ્રમાં સત્તા પરિવર્તન પછી માલેગાંવ વિસ્ફોટની તપાસ કરી રહેલ એનઆઈએની સ્વતંત્રતા પર કેન્દ્ર સરકારે તરાપ મારવાની શરૃઆત કરી. એ વાત હવે ઓપન સિક્રેટ જેવી છે કે સરકારો પોતાના હિતોને પોતાની માનસિકતા મુજબ સિદ્ધ કરવા તપાસ એજન્સીઓનો ઉપયોગ કરતી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ કેન્દ્રને જવાબદાર હોવાથી આવુ થતું આવ્યું છે અને કદાચ થતું રહેશે. એજન્સીઓની સ્વતંત્રતાની લગામ કેન્દ્ર સરકારના હાથમાં હોય છે. તેને કેટલી હદ સુધી સ્વતંત્ર રાખવી અને કેટલી હદ સુધી પોતાના કબ્જામાં રાખવું તે સરકારો નક્કી કરે છે. ૨૦૧૫માં એનઆઈએ ના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર રોહિણી સાલિયાણે આરોપ મૂક્યો કે એનઆઈએના અધિકારીઓ કેસને ઢીલો પાડવા અને આરોપીઓને બચાવવા તેમના પર દબાણ કરી રહી છે. તે સમયે રોહિણીના નિવેદને રાજકીય ગરમાવો ઊભો કરી દીધો હતો. રોહિણીની હિંમતને દાદ આપવી પડે કે તેમણે સરકાર વિરુદ્ધ જાહેરમાં નિવેદન આપવાની હિંમત કરી. પરંતુ જ્યાં સમગ્ર દોરી સંચાર કેન્દ્રથી થતો હોય ત્યાં સાંભળનારૃં કોણ હોય? આખરે તેમણે એનઆઈએના સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર પદ પરથી રાજીનામું આપી દીધું. આમ એ ન્યાયી, નિષ્પક્ષ અને નિર્ભયી વ્યક્તિને ખૂબ શાણપણથી કેસમાંથી દૂર કરી દેવામાં આવી.
કેન્દ્રની ભાજપ સરકાર આરએસએસની રાજકીય પાંખ છે અને સંઘની જ એક બીજી સંસ્થા અભિનવ ભારત પણ છે. જેના કાર્યકર્તાઓની સીધી સંડોવણી માલેગાંવ વિસ્ફોટ સાથે છે. તેથી સરકારને માલેગાંવ કેસમાંથી તેમના લોકોને જલ્દીથી છોડાવવા સ્પષ્ટ સંકેતોે પ્રાપ્ત થયા હશે, જેના અનુસંધાનમાં ૧૩ મેના રોજ સમગ્ર માલેગાંવ કેસમાં નવો અને વિચિત્ર વળાંક આવ્યો. એનઆઈએ દ્વારા અદાલતમાં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમાં સાદવી પ્રજ્ઞા સિંહને આરોપી તરીકે નહીં દર્શાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ સાદવીને બહાર કાઢવાનો માર્ગ મોકળો કરી દેવામાં આવ્યો છે. એજન્સીએ કર્નલ પુરોહિત સહિત તમામ આરોપીઓ ઉપર મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઈમ એક્ટ (મકોકા) હેઠળ મૂકવામાં આવેલા આરોપોને પણ પડતા મૂકવાનો નિર્ણય કર્યો છે. હવે તેમની વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાયત ધારાની વિવિધ જોગવાઈઓ અંતર્ગત આરોપો ઘડાશે. એવી શંકા પણ સેવાઈ રહી છે કે ત્રણ આરોપીઓને ક્લિનચીટ આપી દેવામાં આવશે જેમની વિસ્ફોટો પાછળ પરોક્ષ ભૂમિકા હતી. આમ કેસ એકદમ લૂલો કરી દેવામાં આવ્યો છે. એક પછી એક તમામ આરોપીઓ નિર્દોષ છૂટી જશે અને કેસને બંધ કરી દેવામાં આવશે.
અન્યાય, હળહળતો અન્યાય. માલેગાંવ કેસમાં જે રીતે તથ્યોને છુપાવવામાં આવી રહ્યા છે તેને જોતાં એવું લાગે છે કે દેશમાં કાયદા અને ન્યાયની સ્થિતિ બિલકુલ કથળી ગઈ છે. તપાસ એજન્સીઓની તપાસ નિષ્પક્ષ, સ્વતંત્ર અને કાયદાની જોગવાઈઓને સમર્પિત હોવી જોઈએ. એજન્સીઓને તેની ભૂમિકા કાયદાને અનુરૃપ નિભાવવી રહી. તપાસ એજન્સીઓના આવા નિર્ણયોથી તેની વિશ્વસનીયતા પર અનેક સવાલો ઊભા થાય છે. હમણાં ગયા વર્ષે જ અક્ષરધામ હુમલા કેસમાં તમામ મુસ્લિમો નિર્દોષ જાહેર થયા. કોઈને સજા ન થઈ. પ્રશ્ન ઊભો થાય છે કે પછી ગુનેગાર કોણ? ઘટના તો ઘટી છે નિર્દોષોએ જીવ પણ ગુમાવ્યાં છે. તો પછી હુમલો કર્યો કોણે? આવા અનેક સવાલોના જવાબો લોકો શોધી રહ્યા છે. પરંતુ જવાબ કોઈની પાસે નથી.
એનઆઈએની ચાર્જશીટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે તત્કાલીન એટીએસ વડા હેમંત કરકરેની તપાસ ક્ષતિયુક્ત અને ખામીયુક્ત હતી. એટલે કે કરકરેના સંપૂર્ણ તારણો અને અહેવાલોને રદિયો આપી દેવામાં આવ્યો છે અને નવેસરથી આરોપો ઘડવામાં આવશે. આમ હવે એનઆઈએ તમામ હકીકતોને એવી રીતે મારી મચકોડીને પ્રસ્તુત કરશે કે જેથી આરોપીઓ નિર્દોષ છૂટી જાય કાં તો નજીવી સજા થઈ જલ્દીથી બહાર આવી જાય.
બીજી તરફ દેશની લોકશાહીના ઝંડાધારીઓ પણ મુકપ્રેક્ષક બની બેઠાં છે. સામાજિક અને અન્યાયની સામે લડવા અને ન્યાયને સ્થાપિત કરવા ગુલબાંગો પોકારતી સંસ્થાઓેને પણ જાણે સાંપ સુંઘી ગયો હોય! આવી સંસ્થાઓ તરફથી કોઈપણ પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો નથી. રાજકીય પક્ષો પોતાની રાજકીય આવડતનો પરચો બતાવતા કેટલાક સરકાર વિરુદ્ધ વિધાનો કર્યા પરંતુ તેનાથી શું થાય છે અને શું થઈ શકે છે?
કેન્દ્રમાં સત્તારૃઢ થયેલી જમણેરી વિચારધારા ધરાવતી ભાજપ સરકારનો ઇરાદો મુસ્લિમોને બીજા નંબરના નાગરિક બનાવવાનો હોય તેમ લાગે છે. ભાજપ સાથે જોડાયેલ નેતાઓ સત્તાના નશામાં એવા મદમસ્ત બનીને મુસ્લિમો વિરુદ્ધ બયાનબાજી કરી રહ્યા છે જાણે કે મુસ્લિમો જ દેશની મુખ્ય સમસ્યા હોય! બે વર્ષના સમયગાળામાં મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવવા માટે અથાગ પ્રયત્નો થયા છે અને બીજા ત્રણ વર્ષ ચાલતા રહે તો નવાઈ નહીં. બુદ્ધિના બળદિયાઓને સમજવું જોઈએ કે દેશની મુખ્ય સમસ્યા મુસ્લિમો નથી બલ્કે ગરીબી છે, ભૂખમરી, બેકારી છે, સાંપ્રદાયિકતા છે. દેશહિતના કાર્યોમાં આરોપીઓને છાવરવાનું અને નિર્દોષોને સજા કરવાનું તો સામેલ થઈ શકે નહીં?
ભાજપને વિકાસના નામે મત આપનારાઓને કદાચ માલેગાંવ કેસ તથા અન્ય કેસો સાથે સરકારના વલણથી કોઈ ફેર નહીં પડતો હોય પરંતુ દેશની કથળતી જતી આર્થિક બાબતોથી અને ધંધા-રોજગારની ખરાબ પરિસ્થિતિથી તો જરૃર ફેર પડે છે. તેમણે પણ ધર્માંધતાથી ઉપર ઊઠી વિચારવું પડશે કે તેમનું હિત અને દેશહિત કઈ બાબતો પર આધારિત છે. જો ન્યાયપાલિકા અને તપાસ એજન્સીઓની સ્વતંત્રતા પર સરકાર કાતર ચલાવી શકે અને કોઈ વિરોધનો સૂર ન સંભળાય તો વિચારી લેવું જોઈએ કે લોકશાહી દેશમાં કાયદા અને ન્યાયની પરિસ્થિતિ પડી ભાંગી છે. તે કોઈપણ સમયે સરમુખ્યારશાહીમાં પરિવર્તિત થઈ જશે અને સરમુખ્યારશાહીની અન્યાયી નીતિઓ અને કાર્યોમાં એક ખાસ સમૂહની સાથે સાથે અન્ય સમૂહો પણ લપેટમાં જરૃર આવશે.
આ સમયે મુસ્લિમોએ ખૂબ જ સચેત રહેવાની જરૃર છે. એક માત્ર અલ્લાહની પાક ઝાત સિવાય કોઈની પાસે પણ ન્યાયની આશા સેવી શકાય નહીં. તેથી અલ્લાહના માર્ગમાં અલ્લાહ માટે એકતા ખૂબ જરૂરી છે. દેશના સાંપ્રદાયિક પરિબળો મુસ્લિમોમાં આંતરવિગ્રહ ઊભું કરવા માટે કોઈ તક ચૂકતા નથી. આવા સમયે આપણે તમામ શયતાની ઉશ્કેરણીને સમજી સંગઠીતતાને ટકાવી રાખવી પડશે. બીજું અન્યાય વિરુદ્ધ બોલવાની તાકાત પેદા કરવી પડશે. માલેગાંવ વિસ્ફોટ કેસમાં કરવામાં આવેલા આવા ધરખમ ફેરફારો છતાં મુસ્લિમો દ્વારા કોઈ ખાસ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સમજાતું નથી કે લોકો કેમ બોલતા નથી? દેશની મુસ્લિમ સંસ્થાઓ કેમ ડરે છે? અને કોનાથી ડરે છે? તમામ નિર્ણયો અલ્લાહ કરે છે. અલ્લાહ પર ભરોસો અને તેની સાથે ગાઢ સંબંધ બાતિલ તાકતો સામે બોલવાની અને બાંયો ચઢાવવાની તાકાત આપે છે. તેથી તેના પર અસીમ ભરોસો અને તેની સાથે ગાઢ સંબંધ દેસમાં પોતાના સ્થાનને ટકાવી રાખવા અને વધારે ઊંચે લઈ જવા અનિવાર્ય છે. એક છેલ્લી અને મહત્ત્વની બાબત આ છે કે મુસ્લિમોએ શૈક્ષણિક, આર્થિક અને રાજકીય એમ ત્રણ ફ્રન્ટ પર પોતાની સ્થિતિને મજબૂત કરવી જ પડશે.