લાલદરવાજા, સરદારબાગ પાસે તારીખ ૧૮ સપ્ટેમ્બર, સોમવારના રોજ ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા મ્યાનમાર રોહિંગ્યા જાતિના મુસલમાનો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં ધરણાં અને દુઆનો કાર્યક્રમ યોજાયો હતો.
અહમદાબાદ, લાલદરવાજા ખાતે શહેરની મુસ્લિમ સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ અને બૌદ્ધિકો દ્વારા રોહિંગ્યા મુસ્લિમોને દેશમાં શરણ આપવાના મુદ્દે ધરણાં યોજવામાં આવ્યાં હતા. મ્યાનમાર દ્વારા રોહિંગ્યા મુસ્લિમોને કાઢી મૂકવામાં આવ્યા બાદ તેઓ ભારત અને બાંગ્લાદેશમાં શરણ લઈ રહ્યા છે. ત્યારે દેશમાં તેમને ઘૂસવા દેવા ન જોઈએ તેવું વાતાવરણ ચાલી રહ્યુ છે. તેનો વિરોધ કરવા માટે શહેરની મુસ્લિમ સંસ્થાઓ ભેગી થઈ છે. મંગળવારના રોજ મુસ્લિમ સંસ્થાઓ દ્વારા મહામહિમ રાજ્યપાલ પી. કોહલીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી. નોંધનીય છે કે દેશભરના મુસ્લિમો દ્વારા રોહિંગ્યા મુસ્લિમોને ભારતમાં શરણ આપવાની માગ કરવામાં આવી રહી છે.
ગુજરાત મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા યોજાયેલા ધરણાંમાં સંબોધન કરતાં જમાઅતે ઇસ્લામી હિંદના પ્રદેશ અધ્યક્ષ શકીલઅહમદ રાજપૂતે જણાવ્યું હતું કે, ભારતમાં પહેલા શ્રીલંકન, તમિળ, પારસી, બોધ, તિબેટિયન, બાંગ્લાદેશી જેવા લોકોને શરણ આપવામાં આવી છે, તો રોહિંગ્યા મુસ્લિમોને કેમ નહીં? વધુમાં કહ્યું કે સરકાર દેશની સુરક્ષા માટે રોહિંગ્યા મુસ્લિમોને ખતરારૃપ સમજી રહી છે પરંતુ તેના કોઈ પુરાવા તેમની પાસે નથી. દેશની સુરક્ષા માટે ખતરારૃપ તો એ લોકો છે જેમનું ડોઝિયર બનાવવા માટે વડાપ્રધાને વાયદો કર્યો હતો. દેશ માટે ખતરારૃપ એ લોકો છે કે જેઓ ગૌરી લંકેશ જેવા લોકોને ધોળા દિવસે મારી નાખે છે. એ વાતનું પણ અહેસાસ થઈ રહ્યું છે કે રોહિંગ્યા સમસ્યા પાછળ મૂડીવાદી શક્તિઓનો હાથ પણ હોઈ શકે. ધરણાં કાર્યક્રમમાં મુફ્તી અબ્દુલ કૈયૂમ, રાજૂ સોલંકી, આસિફ શેખ જેવા નોંધપાત્ર વિદ્વાનોએ સંબોધન કર્યા હતા. ધરણા કાર્યક્રમની અધ્યક્ષતા મુફ્તી રિઝવાન તારાપુરીએ રોહિંગ્યા અત્યાચાર અને નરસંહારની નિંદા કરી હતી. સામૂહિક દુઆ સાથે ધરણાં કાર્યક્રમ સમાપ્ત થયો હતો.