તા. ૧૬ એપ્રિલ ૨૦૧૭ના રોજ ગુજરાત ટુડે દૈનિક સમાચાર પત્રના કાર્યાલય અહમદાબાદ ખાતે પેનલ ડિસ્કશનનું એક કાર્યક્રમ માસિક “યુવાસાથી”ના નેજા હેઠળ યોજાઈ ગયું.
ધર્મ નિર્પેક્ષતા, સમાનતા, સમરસતા, ન્યાય, વિવિધતા, સંવાદિતા, જેવા મૂલ્યો પર આધારિત આપણું લોકતાંત્રિક બંધારણ એ દરેક ભારતીયનું ગર્વ છે. આ જ મૂલ્યોનું ધ્યાન રાખી એક સભ્ય ભારતનું નિર્માણ દેશની મુખ્ય આવશ્યકતા છે. પરંતુ થોડા સમયથી આ બંધારણીય અને લોકતાંત્રિક મૂલ્યો ન્યાય માટે તલ્સી રહ્યા છે. અત્યારે દેશ અને સમાજ સામે એક મહત્ત્વની સમસ્યા ફાસીવાદ, કોમવાદ, હિંસાચાર અને અન્યાય છે.
દેશમાં ફાસિસ્ટ પરિબળો સંગઠિત રીતે દેશના પછાત વર્ગો ખાસ કરીને લઘુમતિઓને નિશાન બનાવવાની જાણે સતત ઝુંબેશ ચાલી રહી છે. દેશના શાંત વાતાવરણને ડહોળવાના પ્રયત્નો પહેલા પણ થતા રહ્યા છે. પરંતુ હવે ફાસીવાદ માત્ર એક ખતરો નહીં બલ્કે સંસ્થાગત અસરો ધરાવતું એક વિધ્વંસક બળ બની ગયું છે. વિરોધી અવાજોને કચડી નાંખી એક કલ્ચરને જબરજસ્તી થોપી દેવાના પ્રયત્નો જોર પકડી રહ્યા છે.
આ વસ્તુ ઉઘઇની જેમ દેશની રાજનીતિને અંદરથી તદ્દન ખોખલી બનાવી રહી છે. આવામાં અત્યંત જરૂરી થઈ ગયું છે કે ફાસીવાદ અને તેના સંસ્થાકીય કદરૃપો વિરુદ્ધ દેશના તમામ ન્યાયપ્રિય વર્ગોના સહયોગથી એક સહીયારો સંઘર્ષ કરવામાં આવે. સંકલ્પ કરીએ કે સહીયારા સંઘર્ષ વડે દેશમાં એક સંવાદિતાથી ભરપૂર સાચા લોકશાહીયુકત સમાજની નવરચના કરવામાં આવે. પેનલ ડિસ્કશનમાં પ્રો. રોહિત શુકલ (તંત્રી, અભિદૃષ્ટિ), શમ્સુદ્દીન પીરઝાદા (નિવૃત્ત જજ), અબ્દુલલતીફ શેઠ (સેક્રેટરી, જમાઅતે ઇસ્લામી હિંદ ગુજરાત) અને પ્રો. મહેરૃન્નિસાઈ દેસાઈએ (પ્રમુખ, અમવા) પેનાલિસ્ટ તરીકે ભાગ લઈ વિચારો વ્યક્ત કર્યા હતાં. કાર્યક્રમમાં કોઓર્ડિનેટર તરીકે ડૉ. સાકિબ મલિક હતા. શ્રોતાઓ દ્વારા પુછાએલા પ્રશ્નો વિશે ઉપસ્થિત મહાનુભાવોએ ચર્ચા કરી હતી.
કાર્યક્રમમાં પ્રારંભિક પ્રવચન આપતાં એસ.આઈ.ઓ. ગુજરાતના પ્રદેશ પ્રમુખ મુહમ્મદ આબિદ ખાને કહ્યું, સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન એમ.કે.ગાંધીએ કહ્યું હતું કે અમો સ્વતંત્રતા મેળવીને દેશમાં એવી સરકારની રચના કરીશું, જેમાં સંપન્ન અને શક્તિશાળી વર્ગોની જેમ પીડિતો, વંચિતો, શોષિતો, પછાતો, લઘુમતિઓ અને અશકતોને પણ સમાન વિકાસની અને સુરક્ષાની તકો તથા અવસરો અને હક્કો મળશે. તો શું આજે ૭૦ વર્ષની આઝાદીમાં આપણે આ પરિસ્થિતિને પામી રહ્યા છીએ? રોહિત વેમુલા કે નજીબ જેવા ૧૧ દાખલાઓ હોય કે પછી અલવર, ઝાંરખંડ, દાદરી વગેરે જેવી અનેક ઘટનાઓ ગાંધીના વિચારોની હાંસી ઉડાવી રહી છે.
પ્રો. રોહિત શુકલે કહ્યું કે વિશ્વમાં હવે ધીમે ધીમે લોકોને લોકશાહી અનુકુળ આવતી નથી. દા.ત. ટ્રમ્પ અને ઇંગ્લેન્ડ, તુર્કી અને ફ્રાંસના મામલાઓ જોઈ શકાય છે. ગરીબી નાબૂના ક્ષેત્રમાં લોકશાહી સરકારો સદંતર નિષ્ફળતા પ્રાપ્ત કરે છે. લોકશાહીની સફળતા માટે પ્રસારણ માધ્યમોની સ્વતંત્રતા ખૂબ જ જરૂરી છે. પરંતુ મીડિયા મૂડીવાદીઓના હિન્દુત્વ વર્ગોના હાથે વેચાઈ ગયું છે. એમ દેખાઈ રહ્યું છે, ન્યાયતંત્રને ન્યાય કરતાં ૧૧ વર્ષનો સમય લાગે અને પછી માણસ ૧૧ વર્ષે ‘જેલ કી સલાખોં કે પીછે’ ખૂબ જ યાતનાઓ વેઠીને સુપ્રિમ કોર્ટ દ્વારા નિર્દોષ છુટે આ કેવો ન્યાય? ન્યાયધીશો સ્વતંત્ર પણે ન્યાય કરતા નથી. સાહિત્યકારોની હત્યા આ દેશમાં કરવામાં આવે છે. સરકારમાં બેસેલા વૈમનસ્યવાદીઓ ઇરાદાપૂર્વક અભ્યાસક્રમોમાં વૈમનસ્યનું શિક્ષણ ફેલાવી રહ્યા છે. શિક્ષણ તો ઘર સમાજ અને સંસ્થાઓમાંથી મળે છે. માટે આપણે સૌએ વૈમનસ્ય ધરાવતા અભ્યાસક્રમોના શિક્ષણથી સચેત રહી જાગૃત થવાની જરૃર છે. ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થાના અસ્તિત્વ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સવાલો અને વ્યવસ્થાને અવરોધવા પૂરતા જ સીમિત રહ્યા નથી. તેની સામે સમગ્ર પદ્ધતિ ગત પડકારો ઊભા થયા છે
પ્રો. રોહિત શુકલે વધુમાં જણાવ્યું કે લોકશાહી વ્યવસ્થા તેની સંસ્થાઓની મજબૂતી ઉપર ટકે છે. સરકાર માટે પક્ષીય રાજકારણના કાવાદાવાઓ સહિત ન્યાયતંત્ર અને મીડિયા બચાવના મુખ્ય સાધનો છે. આ બંનેને હાલમાં કયાંક તો દયાજનક હાલતમાં પૂરી દેવાયા છે, અથવા તો તેમને ખરીદી લેવાયા છે. ન્યાયધીશોની ભરતી ન થાય, ન્યાયતંત્ર ઉપરથી લોકોનો ભરોસો ઊઠી જાય અને લોકો સાવ નિરાશ થઈ જાય તે હાલત આજે ઊભી થઈ છે.
ગુજરાતની બાબતમાં કેગ જેવી સંસ્થાનો હવાલો આપતાં કહ્યું કે સરકારની રાજરમત ખૂબ ટીકાપાત્ર બની છે. સરકારના કામકાજનો હિસાબ તપાસનારી સંસ્થા બંધારણીય જોગવાઈ અનુસાર પોતાના એહવાલો રજૂ તો કરે છે પણ સરકાર તેને વિધાનસભાના સત્ર-સમાપ્તિની છેલ્લી મીનિટોમાં રજૂ કરે છે. આથી તેની ઉપર પૂરતી ચર્ચા જ થઈ શકતી નથી. લોકશાહીની મજબૂતી માટે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જરૂરી છે. પરંતુ ડૉ. કાલબુર્ગી, ગોવિંદ પાનસરે તથા દાભોલકર જેવાની નિર્મમ હત્યા કરીને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર ખોટી તરાપ મારવામાં આવી છે. આથી લોકોમાં ડરનું વાતાવરણ પેદા થયું છે. શિક્ષણના ક્ષેત્રે પણ જુનવાણી અને અવૈજ્ઞાનિક, વિચારોની બોલબાલા વધી છે. આવા વિચારોને પાઠ્યપુસ્તકો કે અભ્યાસક્રમોમાં સમાવી લેવાયા છે. આથી આવનારી પેઢીઓના મગજમાં જડતા અને પછાત વિચારો ઘુસાડી દેવાનો પ્રયાસ થાય છે. લોકશાહીમાં મત બહુમુલ્ય, તકોની સમાનતા અને ભેદભાવ વગરના વ્યવહારો અપેક્ષિત છે. આની સામે એક હથ્થુવાદ, પુરાતનવાદ અને ઝનૂન તથા ભેદભાવ ઊભા કરાય છે. નાગરિકોએ આ તમામ જુઠાણાં અને ખોટા પ્રચારની સામે સાવધ થઈ જવું જોઈએ.
અંતે પ્રો. રોહિત શુકલે કહ્યું કે આજે મૂલ્યો આધારિત દેશનું તંત્ર ચાલતું નથી મૂડીવાદીઓ ધનના જોરે સરકારી તંત્ર ચલાવતા હોય તેમ સ્પષ્ટ વર્તાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેને અપવાદ રૃપે જોઈ શકાય તો જયલલિતાએ પાંચ રૃપિયામાં લોકોને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી હતી.
અબ્દુલલતીફ શેઠે કહ્યું કે દેશમાં કેરળથી કાશ્મીર સુધી ને ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધી વિવિધતામાં એકતા ફેલાયેલ છે. પરંતુ ગાયને લઈને વાતાવરણને ડહોળવાની ચેષ્ટા થઈ રહી છે અને આપણે સંયમ રાખી ટકરાવને ટાળવું જોઈએ. કાયદો હાથમાં લેવાની કોઈ પણ ચેષ્ટા ન કરે તે જોવાનું કામ સરકારનું છે. તેમણે કહ્યું કે મત આપવાની પ્રક્રિયાને લઈને સંશોધન કરવાની આવશ્યકતા છે. રાજ્યમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઉત્તરદાયિત્વ વિષે પુછપરછનું માળખું હોવું જોઈએ. લોકશાહી ખતરામાં હોય ત્યારે લોકજાગૃતિ જરૂરી છે.
શમ્સુદ્દીન પીરઝાદાએ કહ્યું, અંગ્રેજોના શાસનમાં જૈનો પર્યુષણ પર્વ નિમિત્તે બળજબરીપૂર્વક માંસાહારને રોકતાં ન હતાં. માંસનો વેપાર કરનારાને રોકડ વળતર આપીને વિનંતી પૂર્વક તેને માંસનો વેપાર ન કરવા માટે રાજી કરી લેતા હતા. પરંતુ આજે જૈનો સહિત સરકારી તંત્ર સાથે મળીને માંસાહાર ન કરવા માટે બળજબરી કરતા દેખાઈ રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું, ન્યાયતંત્ર તદ્દન સ્વતંત્ર હોવું જોઈએ, નિષ્પક્ષ હોવું જોઈએ. ન્યાયતંત્રનું માળખું અંગ્રેજોએ રોમન લૉથી ઘડેલું છે. પોલીસ અને ન્યાયતંત્ર ઈમાનદારી પૂર્વક કામ કરે તો ગુનેગાર છુટી ન શકે. તેમણે વધુમાં કહ્યું કે ન્યાયતંત્રે સમાજોની અંગત બાબતોમાં દખલ ન કરવી જોઈએ. તલાક વિશે તાજેતરમાં થઈ રહેલ ચર્ચાઓનો ઉલ્લેખ કર્યો. પ્રો. મહેરૃન્નિસા દેસાઈએ પણ કાર્યક્રમમાં મહિલાઓને લગતી બહુપત્નિત્વની બાબતો વિશે ચર્ચા કરી હતી. ***