આરએસએસના કાર્યકરો આજકાલ એવી મુસ્લિમ સ્ત્રીઓને શોધી રહ્યા છે જેમના પતિઓએ તલાક આપીને તેમને નિઃસહાય છોડી મૂકી છે જેથી તેમના પાસે નિવેદનો લેવડાવીને ત્રણ તલાકના અમલ વિરુદ્ધ વાતાવરણ ઊભું કરવામાં આવે. આ કામ આરએસએસની સહયોગી સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મોરચાએ પોતાના હાથમાં લીધું છે. જેણે તાજેતરમાં દાવો કર્યો હતો કે તેણે દેશભરમાં એક મેમોરેન્ડમ પર દસ લાખ મુસલમાનોની સહી પ્રાપ્ત કરી લીધી છે જેઓ ત્રણ તલાકની પ્રથાને નાબૂદ કરવા ઇચ્છે છે પરંતુ મંચ દ્વારા એ ખુલાસો કે વિગતો આપવામાં આવી નથી કે તે કયા મુસલમાનો છે અને કયાં રહે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની રિપોર્ટ મુજબ સંઘે ત્રણ તલાક વિરુદ્ધ પોતાની મુહિમ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના તે સોગંધનામા પછી તેજ કરી દીધી છે કે ત્રણ તલાકના અમલને નાબૂદ કરવો જાણે કુર્આનને નવેસરથી લખવા બરાબર છે. સંઘે તલાકના વિરુદ્ધ મુસ્લિમ સ્ત્રીઓને તૈયાર કરવા માટે ટેલીફિલ્મોનો મનસૂબો પણ બનાવ્યો છે. ટેલીવીઝન પર આ સંક્ષિપ્ત ફિલ્મો દેશભરમાં મોટાપાયે બતાવવામાં આવશે. સંઘના એક પ્રવકતા અજય મિત્તલનું કહેવું છે કે આ પ્રયત્નોનો મકસદ મુસ્લિમ સ્ત્રીઓને સંગઠિત કરીને તેમને જુલ્મ અને શોષણથી મુક્તિ અપાવવાનો છે. એક બીજા આગેવાન મેનક મયૂર કહે છે, ‘આ કંઈ ધાર્મિક સમસ્યા નથી, અમે મુસ્લિમ સ્ત્રીઓને માત્ર તેમના બંધારણીય હક્કો અપાવવા માંગીએ છીએં… વાહ ભાઈ વાહ..!!
તેઓ જ્યારે આ કહે છે-
વિખ્યાત છે કે સંઘ પોતાના પ્રોગ્રામ અને પોલીસીને સુંદર શબ્દોમાં શણગારીને ચાતુર્યપૂર્વક રજૂ કરે છે એ રીતે કે લોકો છેતરાઈ જાય છે અને તેમને એહસાસ પણ નથી થતો. પરંતુ મુસ્લિમ સ્ત્રીઓથી હમદર્દીનો પ્રશ્ન એવો પ્રશ્ન છે જે બાબતે તેણે છૂપાવવાનો પ્રબંધ કયારેય કર્યો નથી. સંઘના લોકો જ્યારે એમ કહે છે કે તેઓ મુસ્લિમ સ્ત્રીઓને ખાનગી અને સામાજિક અત્યાચાર તથા શોષણથી છુટકારો અપાવવા ચાહે છે કેમ કે તેઓ પણ દેશના સમાન નાગરિક છે, દેશના બંધારણે તેમને પણ તે જ અધિકારો આપ્યા છે જે પુરૂષોને પ્રાપ્ત છે તો કોણ તેમની આ વાતો ઉપર વિશ્વાસ્ કરી લેશે ? પરંતુ તેમ છતાં તેઓ વારંવાર આ વાત કહે છે. તેઓ એ દાવો પણ કરે છે કે જો મુસ્લિમ સ્ત્રીઓને બોલવાની સ્વતંત્રતા આપી દેવામાં આવે તો તલાક જેવા આદેશો વિરુદ્ધ વિદ્રોહ કરશે. હવે ખબર નથી કે આ સંઘનો પ્રપંચ છે કે શ્રદ્ધા. જો કે સારૂં છે કે જો કયારેક આ કસોટી પણ થઈ જાય ! મુસ્લિમ રાષ્ટ્રીય મંચે દસ લાખ મુસલમાનોનો દાવો કર્યો છે જેઓ ત્રણ તલાક સહિત ઇસ્લામી આદેશોથી છુટકારો ઇચ્છે છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ કરોડ મુસ્લિમ સ્ત્રીઓને અત્યંત સરળતાથી દેશના સમક્ષ રજૂ કરી દેશે જેમને ઇસ્લામી આદેશો પ્રિય છે. પરંતુ બોર્ડ સરકાર કે કોઈ પણ સમૂહ સાથે આ પ્રકારનો સંઘર્ષ નથી ઇચ્છતું. મુસ્લિમ જમાઅતો માત્ર એ ઇચ્છે છે કે આપણા દેશબંધુઓ તલાક અને તેના જેવા આદેશોને ચોખ્ખા મન-માનસિકતા સાથે સમજવાનો પ્રયત્ન કરે.
ગેરસમજણોનું વર્તુળ-
ઇસ્લામી આદેશો અને મુસ્લિમ મહિલાઓ વિશે આ ગેરસમજણો ભારતમાં જ નહીં, પશ્ચિમના દેશો સુધી ફેલાયેલ છે. અમેરિકાના એક શહેરમાં એક પર્દાવાળી મુસ્લિમ મહિલા એક મોલમાં દાખલ થઈ તો કાઉન્ટર પર બેસેલી લેડીએ હમદર્દી દર્શાવતાં તેનાથી કહ્યું, ‘આ બુરખો હટાવી દો, અહીં તમે સ્વતંત્ર છો.’ મહિલાએ ગર્વ સાથે કહ્યું, ‘ના, આ બુરખાનું મારી મરજીથી ઉપયોગ કરૂં છું. મારા પતિ તો નથી ઇચ્છતા કે હું તે પહેરૂં પણ તેઓ મને રોકતા પણ નથી.’ તે રિસેપ્શનિસ્ટ તો આશ્ચર્યચકિત થઈને તે મહિલાનું મોઢું જ જોવા લાગી. એટલે કે બિનમુસ્લિમ મહિલાઓ ભલે અહીંની હોય કે ત્યાંની, અંદાજ લગાવી જ શકતી નથી કે મુસ્લિમ સ્ત્રીઓ પોતાના દીનથી, પોતાના રસૂલ સ.અ.વ.થી, પોતાના ગ્રંથથી, પોતાના પાલનહારના આદેશોથી કેટલો ઊંડો સંબંધ ધરાવે છે. અહીંના સંઘના લોકો કારણ વગર પરેશાન-વ્યગ્ર થઈ રહ્યા છે. જો તેઓ સમજે છે કે આ રીતે તેઓ પોતાના તર્કોથી મુસ્લિમ સ્ત્રીઓને ઇસ્લામની વિદ્રોહી બનાવી દેશે તો તેઓ ભીંત ભૂલે છે. દેશના ન્યાયપ્રિય લોકોએ એ હકીકત પણ સામે રાખવી જોઈએ કે ત્રણ તલાક તો માત્ર એક બહાનું છે. જો મુસલમાનોમાં તલાકનો કોઈ પ્રશ્ન જ ન હોત તો આ સમૂહ મુસલમાનોને વિચલિત કરવા કોઈ નવો પ્રશ્ન ઊભો કરી દેતા જેમ કે આઝાદી પછીથી સતત થતું આવ્યું છે. મુસ્લિમ નેતાગીરી તલાકના પ્રશ્નને પરિદૃશ્યથી અલગ કરીને ન જુએ, સંપૂર્ણ માનસિકતા અને તેના પાછળ છૂપાયેલ ચાલાકી અને ધ્યેય- હેતુ પણ તેમના સામે રહેવા જોઈએ. તેનો ગહન અભ્યાસ થવો જોઈએ. ભૂતકાળ અને વર્તમાનની પશ્ચાદ્ભૂમિ તપાસવી જોઈએ. વળી વધારે સારૂં તો એ છે કે અમુક મુસ્લિમ બૌદ્ધિકો સંઘના જવાબદારોને દીને ઇસ્લામને ખુલ્લા મનથી સમજવાની દા’વત આપે… / (દા’વતઃ મુ.અ.શે.)