વાત જરા સ્પષ્ટ શબ્દોમાં કરવી પડશે. એક હદમર્યાદા ઉપર અટકી ગયેલાં દીમાગો જે સદીઓથી તંદ્રાવસ્થા (Idleness)ની સ્થિતીમાં મુકાઈ ગયાં છે તેને હરકત આપીને સતેજ (જાગૃત) કરવા માટે આમ કરવું અનિવાર્ય બની ગયું છે. શું ઇસ્લામ માત્ર એટલા માટે જ આવ્યો હતો કે તે આદમના સંતાનો પાસે કલમએ તય્યબહનો શાબ્દિક ઉચ્ચાર કરાવી લે? નમાઝો પઢાવી લે? રોજા રખાવી લે? ઝકાત અપાવી દે? અને હજ કરાવી લે? આટલું કરી લીધા પછી તેઓ જેમ વર્તવું હોય તેમ વર્તી શકે ખરા? મનફાવે તેવા વ્યવહારો આચરી શકે ખરા? જમાનાને અનુરૃપ થવા માટે જેવું જીવન ધોરણ અપનાવવું હોય તેવું જીવનધોરણ અપનાવી શકે ખરા? અલ્લાહ રસુલના આદેશોનો અનાદર કરીને જેનું અનુસરણ કરવું હોય તે કરી શકે ખરા? જો વાસ્તવિકતા આ હોત તો કદાચ કુરૈશના લોકોએ પ્યારા નબી સ.અ.વ. અને આપના સાથીઓનો એટલો બધો વિરોધ કર્યો ન હોત જેટલો કે તેમણે કર્યો હતો. તેઓ અલ્લાહના રસૂલ સ.અ.વ. સામે મેદાનમાં ઉતર્યા ન હોત અને આપની સાથે ત્રેવીસ ત્રેવીસ વર્ષો સુધી ટકરાવની પરિસ્થિતિઓ ચલાવી ન હોત. તેઓ અલ્લાહને તો માનતા જ હતા અને પોતાને હઝરતે ઇબ્રાહીમ અ.સ.ના વંશજોમાં ગણતા હતા. ઇસ્લામને આપણે જે રૃપમાં લઈએ છીએ એવું જ જો એનું (ઇસ્લામનું) અસલ રૃપ હોત (કે શાબ્દિક સ્વીકાર પછી મનફાવે તેમ જીવવામાં કંઈ વાંધો નથી) તો કદાચ તેમણે આપ સ.અ.વ. સાથે સમાધાન કરી લીધું હોત અને ભયંકર ટકરાવોને ટાળ્યા હોત. પ્રારંભિક યુગના ઇસ્લામનો ઇતિહાસ કદાચ એવો ન હોત જેવો કે આપણે જાણીએ છીએ.
આ પાંચ પાયાગત બાબતો (કલમએ તૈય્યબહ, નમાઝ, રોઝા, હજ, ઝકાત) એ ઇસ્લામના સ્થંભો છે, બુનિયાદો છે. એના વગર ઇસ્લામનું બાકી રહેવું શક્ય જ નથી. એના બારામાં અનેક હદીષો પ્યારા નબી સ.અ.વ.ના મુખેથી વ્યક્ત થઈ છે કે એ પાંચ પાયાગત બાબતોને છોડનાર માણસ ઇસ્લામના દાયરામાંથી નીકળી જાય છે. આડેધડ ગતિ પકડીને રોડના દાયરામાંથી નીકળી જનાર ગાડી ક્યાં જઈને પડે છે અને કેવું પરિણામ લાવે છે તેની આપણને ખબર છે. ઇસ્લામ સ્વીકારના દાવા પછી એના દાયરામાંથી નીકળી જનાર માણસની વિશ્વસનિયતા અલ્લાહ રસૂલ સામે કેટલી કાયમ રહેતી હશે તે આપણે પેલી આડેધડ ચાલતી ગાડીના દ્રષ્ટાંત ઉપરથી સમજી શકીએ છીએ.
મુસ્લિમ અને મોમિન રહેવા માટે આપણે આ પાંચ બાબતોને જીવનમાં અતુટ રીતે વણી લેવી પડશે. ખુરશીનો એક પાયો દોહરો (નબળો) થઈ જાય તો એવી ખુરશી ઉપર બેસવામાં ભય છે. આ પાંચ બાબતો માંથી કોઈ એકના પણ ભંગ પછી એવી વ્યક્તિનો ઇસ્લામ એ જ રીતે ખતરામાં મુકાઈ જાય છે.
આ પાંચ બાબતોને મજબૂત રીતે પકડી રાખ્યા પછી ઇસ્લામી જીવનધારાની અસલ યાત્રા શરૃ થાય છે. હવે જીવન અંગેના તમામ ધારાધોરણો, તમામ ગતિવિધીઓ તેજ અપનાવવી પડશે જેના માપદંડ ઇસ્લામ બતાવે છે. ભલે આપણને એ આકર્ષક કે મનભાવન લાગે યા ન લાગે (સાચા હૃદયથી ઇસ્લામને વરેલા માણસને તો એ જરૃર મનભાવન લાગશે, એમાં જ એનો આનંદ આવશે.) આપણે એના દાયરામાં રહીને જ જીવવું પડશે. યાદ રાખો, મ્હોં બોલીનો ઇસ્લામ નહીં ચાલે. વફાદારી તો ધારણ કરવી જ પડશે. ઇજ્જત અને સન્માન તો જ મળશે અને અલ્લાહની મદદ તો જ નસીબ થશે. વફાદારીપૂર્વકનું વલણ વિશ્વસનીયતા કાયમ કરવા માટે અનિવાર્ય છે. અને એવી વિશ્વસનિયતા મૃત્યુપર્યંત ટકી રહેવી જોઈએ. એમાં જરાય ઘાલમેલ કે બાંધછોડને કોઈ અવકાશ નથી. આપણે તો શું, મહાન હસ્તીઓ, જેમને અલ્લાહની બારગાહમાં માનભર્યું સ્થાન છે તેઓ પણ એનાથી મુક્ત નથી હઝરત યુનુસ અ.સ.એ અલ્લાહની આજ્ઞાાની એક જરાક અનદેખી કરી તો તેમને માછલીના પેટમાં જવું પડયું. જંગે ઓહદમાં સહાબા રદી.ની એક જમાઅતે (જેમને પહાડી ઉપર ચોકીદારી માટે નિયુક્ત કર્યા હતા) પ્યારા નબી સ.અ.વ.ની તાકીદની સૂચનાને ભુલાવી દીધી અને પોતાનું સ્થાન છોડી દીધું તો જીતની બાજી હારમાં પલટાઈ ગઈ અને ૭૦ જેટલા માનવંત સહાબા રદી.ને શહાદત વહોરી લેવી પડી અને કુઆર્નમાં અલ્લાહતઆલાએ પોતાના નબીના આદેશની અવગણના કરનારા માનવંત સહાબાઓને ઠપકો આપ્યો.
ઉમ્મતે મુસ્લિમાની આજની અત્યંત દુઃખદાયક હાલતનું મુળ કારણ બસ આ જ છે કે આપણે આ મુદ્દા ઉપર ગંભીરતાપૂર્વક વિચાર કરવાની માનસિકતા કેળવતા જ નથી. એ તરફ આગળ વધવા જ માંગતા નથી. દુનિયા માટે બધી જ મહેનતો કરવી છે. આલમે બરઝખ (કબ્રની જીંદગી) અને આલમે આખેરત માટે વધુ વિચાર કરવા અને એ દુનિયાંઓ માટે રાહતની સામગ્રી કરવાની આપણે ઝાઝી દરકાર કરતા નથી. એના કારણે આપણા જીવન વ્યવહારોમાં ઇસ્લામી પ્રાવધાનોનો ભંગ વ્યાપક બની ગયો છે. સેંકડો નહીં બલ્કે હજારો એવી પદ્ધતિઓ આપણે સ્વીકારી લીધી છે જેને ઇસ્લામ હદમર્યાદા બહારની વસ્તુ કહે છે. આપણી કેટલીએ પ્રવૃત્તિઓ ઇસ્લામથી સાવ વિરુદ્ધની પદ્ધતિઓ છે જેનાં ભયસ્થાનોને જોવા જાણવાની આપણે કોઈ દરકાર લેતા નથી. કારણ એ જ છે કે ઇસ્લામ વિષે ચિંતનની આપણી ક્ષમતા જકડાઈ ગઈ છે. અટકી ગઈ છે. આપણે આ હાલતને બદલવી પડશે. દિમાગોને સતેજ કરવાં પડશે. ઇસ્લામનાં સાચાં મૂલ્યોને જીવનધારામાં કાયમ કરવા (Restoration of True Values) માટે બંધ દરવાજા ખોલીને આગળ ચાલવું જ પડશે. બચાવ માટે અન્ય કોઈ બીજો માર્ગ છે જ નહીં. વધુ ચર્ચા ઇન્શાઅલ્લાહ આગલાં એપીસોડમાં કરીશું. /