સેમેસ્ટર પદ્ધતિનાં અમલીકરણને ત્રણ વર્ષ પૂરા થઇ રહ્યા છે. તે નિમિત્તે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ડૂડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન (ઓલ ઇન્ડિયા ડી.એસ.ઓ.) ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજોના ૧૦૦૦ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનાં મંતવ્યો એક પ્રશ્નાવલિ તૈયાર કરી તેનો જવાબ રૃપે લેવામાં આવ્યા હતાં.
પૂર્વ ભૂમિકા :
ગઇ સદીના છેલ્લા દાયકાથી વૈશ્વિકિરણ ઉદારીકરણની નીતિઓ શિક્ષણક્ષેત્રે લાગુ કરવાની શરૃઆત થઇ. આ સદીની શરૃઆતમાં તો આ નીતિઓને વધુ વેગ આપવામાં આવ્યો. પહેલા શિક્ષણમાં વેપારીકરણ-બજારૃકરણની નીતિઓ દાખલ કરવામાં આવી. વાત એટલીથી ન અટકતાં ત્યારબાદ અમલમાં આવેલી નીતિઓને ધ્યેય શિક્ષણના માળખાને તોડી-મરોડી ખતમ કરવાનો રહ્યો હોય એવાં જ પરિણામો આવ્યાં. ખાસ કરીને જનરલ એગ્રિમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસીસ (GATS) કરારના પગલે આવી નીતિઓને પ્રોત્સાહન મળ્યું. ઉપરાંત તેને સ્વીકાર્ય બનાવવા નેશનલ નોલેજ કમિશન (NKC) અને પ્રો. યશપાલ કમિટીની રચના કરવામાં આવી. તેમણે શિક્ષણમાં જે સુધારા (?) સૂચવ્યા, તેમાંની જ એક આ સેમેસ્ટર પ્રથા છે. આમ, તો સેમેસ્ટર પ્રથા વર્ષોથી એન્જિનિયરીંગ, કાયદાશાસ્ત્ર, એમ.બી.એ., એમ.સી.એ., વગેરે જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં તો હતી જ પરંતુ હવેથી આ પદ્ધતિ વિજ્ઞાન, વાણિજ્ય અને વિનયન પ્રવાહમાં પણ દાખલ કરવામાં આવી. કોઇપણ પ્રકારની માળખાકીય સુવિધા વગર અને અધ્યાપકો, શિક્ષણશાસ્ત્રીઓ, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓના અભિપ્રાય લીધા વગર જ રાતોરાત અમલમાં આવેલી સેમેસ્ટર પદ્ધતિથી એવી સ્થિતિ સર્જાઇ છે કે સંપૂર્ણ જ્ઞાનલક્ષી શિક્ષણ મળવાના બદલે માત્ર ઉપરછલ્લી અને ખંડિત માહિતી મળી રહી છે. રશિયન લેખક ટોલ્સટોયે કહ્યું છે, ‘શોષણખોર સત્તાની તાકાત લોકોની અજ્ઞાનતામાં છે.’ લોકોને અજ્ઞાન રાખવા માટેની જ આ નીતિ હોય એ સ્પષ્ટ છે. સરકારે તો એવી દલીલ રજૂ કરી હતી કે સેમેસ્ટર પ્રથા દાખલ થવાથી વિદ્યાર્થીઓનું માનસિક ભારણ ઘટશે, વિદ્યાર્થીઓ સીમિત વિષયો પૂરતા મર્યાદિત ન રહેતા અન્ય વિષયોનું જ્ઞાનને મેળવી શકશે, તેમને માત્ર ગોખણિયા જ્ઞાનને બદલે વિવિધ પ્રવૃત્તિઓ થકી જ્ઞાન મેળવવાની તક મળશે, વગેરે… આજે આ તમામ દલીલો ખોટી પુરવાર થઇ છે.
ઑલ ઇન્ડિયા ડી.એસ.ઓ. શરૃઆતથી જ સેમેસ્ટર પ્રથાના મૂળ ઉદ્દેશને સમજીને તેનો વિરોધ કરતું આવ્યું છે. સેમેસ્ટર પ્રથા લાગુ થઇ, તે અગાઉથી જ સરકારની આ પોકળદલીલને ખુલ્લી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જાગૃતિ અભિયાનના ભાગરૃપે પત્રિકા વિતરણ, પુસ્તિકા પ્રકાશન, શેરી મીટિંગ, સભા સંમેલન વગેરે આયોજીત કરી ચૂક્યાં છીએ. આ નીતિ અંગે શરૃઆતમાં લોકો એટલા અંધારામાં હતા કે જ્યારે અમે પ્રચારમાં જતા તો ઘણા લોકો અમને પૂછતાં કે “આ ‘સેમેસ્ટર’ શું કોઇ નવો વિષય છે?” સતત પ્રચાર અભિયાન બાદ જ્યારે હવે આ નીતિને ત્રણ વર્ષ પૂરાં થઇ રહ્યાં છે, ત્યારે અમે એક સેમ્પલ સર્વે હાથ ધરવાનો નિર્ણય કર્યો. જેથી આ ત્રણ વર્ષના અંતે વિદ્યાર્થીઓ-વાલીઓ શું અનુભવી રહ્યાં છે, તે જાણી શકાય. સર્વે માટેની પ્રશ્નાવલિમાં નીચે મુજબના પ્રશ્નો મૂકવામાં આવ્યા.
(૧) સેમેસ્ટર પ્રથા લાગુ થઇ તે પહેલાં તમે તેના વિશે જાણતા હતા?
(૨) સેમેસ્ટર પ્રથામાં લાગુ થવાથી તમારો ખર્ચ વધ્યો છે?
(૩) સેમેસ્ટર પ્રથામાં તમને ભણવામાં પૂરતાં દિવસો મળે છે?
(૪) અભ્યાસક્રમ, પુસ્તકો વગેરે સરળતાથી મળે છે?
(૫) તમને સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, NSS વગેરેમાં ભાગ લેવાનો પૂરતો મોકો રહે છે ?
(૬) એસાઇન્મેન્ટ, પ્રોજેક્ટવર્ક, સેમિનાર વગેરેથી તમને કંઇ વધુ જાણવા મળે છે ?
(૭) એસાઇન્મેન્ટ, પ્રોજેક્ટ વર્ક, સેમીનાર વગેરેના કારણે તમારો ખર્ચ વધ્યો છે?
(૮) પરીક્ષાનું ભારણ વધ્યું છે કે ઘટ્યું છે ?
(૯) સોફટ સ્કીલ, ફાઉન્ડેશન વગેરે વિષયોના વર્ગો નિયમિત લેવાય છે ?
(૧૦) ચોઇસ બેઝ કોર્સ ક્રેડિટ સિસ્ટમ દાખલ થયા પછીતમને તમારા મનપસંદ વિષયો નક્કી કરવાનો પૂરતો મોકો મળે છે?
(૧૧) શું તમને લાગે છે કે સેમેસ્ટર પ્રથા લાગુ થયા બાદ શિક્ષણનું સ્તર ઉન્નત થયું છે ?
આ પ્રશ્નના હા/ના સ્વરૃપમાં જવાબો મેળવવામાં આવ્યા. આ મુજબના કુલ ૧૦૦૦ ફોર્મ અમે ભરાવ્યા, જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ અને અમુક વાલીઓનો સમાવેશ થાય છે. આ પ્રશ્નો જવાબોનું પૃથ્થકરણ કરતાં નીચે મુજબ તારણો મળે છે.
* સેમેસ્ટર પ્રથા લાગુ થયા પહેલા તેના વિશે માત્ર ૩૪.૮૯% વિદ્યાર્થીઓ-વાલીઓ જાણતા હતા.
* કુલ ૮૭.૮૬% લોકોનું કહેવું છે કે સેમેસ્ટર પ્રથા લાગુ થયા બાદ તેમનો ખર્ચ વધ્યો છે.
* ૮૨.૦૯% લોકોએ અનુભવ્યું છે કે સેમેસ્ટર પ્રથામાં તમને ભણવાના પૂરતા દિવસો મળતાં જ નથી.
* ૭૯.૮૧% વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું છે કે તેમને અભ્યાસક્રમ, પુસ્તકો વગેરે મળતાં નથી.
* માત્ર ૧૯.૧૫% વિદ્યાર્થીઓ કહે છે કે તેઓને રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, એન.એસ.એસ. વગેરેમાં ભાગ લેવાનો મોકો મળે છે, જ્યારે ૮૦.૮૪% વિદ્યાર્થીઓ માને છે કે સેમેસ્ટર પ્રથામાં અન્ય પ્રવૃત્તિઓ માટે કોઇ તક નથી.
* ૮૪.૦૫% લોકોએ અનુભવ્યું છે કે એસાઇમેન્ટ, પ્રોજેક્ટ વર્ક, સેમિનારના કારણે તેમનો ખર્ચો વધ્યો છે. ઉપરાંત માત્ર ૪૩.૩૭% વિદ્યાર્થીઓ માને છે કે આ બધાથી કંઇ વધુ જાણવા મળે છે. જ્યારે ૫૬.૬૨% વિદ્યાર્થીઓ માને છે કે એસાઇન્મેન્ટ, પ્રોજેક્ટ વર્ક, સેમિનારથી કંઇ વિશેષ જાણવા મળતું નથી.
* ભાર વગરના ભણતરની દલીલથી સાવ વિપરિત ૮૦.૪૩% વિદ્યાર્થીઓ અનુભવે છે કે પરીક્ષાનું ભારણ વધ્યું છે.
* માત્ર ૨૯.૬૦% વિદ્યાર્થીઓના કહેવા મુજબ સોફ્ટ સ્કીલ કે ફાઉન્ડેશન વર્ગો લેવાય છે. જ્યારે ૭૦.૩% વિદ્યાર્થી -ઓએ તે નકાર્યું છે.
* ૬૮.૧૧% લોકોનું કહેવું છે કે ચોઇસ બેઝ કોર્સ ક્રેડિટ સિસ્ટમ દાખલ થવાથી મનપસંદ વિષયો નક્કી કરવાની તક મળતી નથી.
* જેને સૌથી અગત્યનું કહી શકાય કે ૬૯.૯૭% લોકો અનુભવી રહ્યા છે કે સેમેસ્ટર પ્રથાથી શિક્ષણનું સ્તર કોઇ જ રીતે ઉન્નત થયું નથી.
આ પ્રશ્નાવલિના અંતે આ પ્રશ્નોના ઉત્તર ઉપરાંત અન્ય કોઇ મંતવ્ય હોય તો પણ જણાવવા અપીલ કરાઇ હતી. વિદ્યાર્થીઓ, વાલીઓએ આપેલા અમુક મંતવ્યો નીચે મુજબ છે;
* સેમેસ્ટર પ્રથાથી વિદ્યાર્થીઓની સારી આવડત, ટેલેન્ટ બહાર આવતા નથી અને પરીક્ષાનું ભારણ વધી જાય છે.
* સેમેસ્ટર પ્રથા બિનજરૂરી છે. તે શિક્ષણને વધુ ભારરૃપ બનાવે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી પડે છે, ખર્ચા વધે છે.
* સેમેસ્ટર પ્રથા બંધ કરવી જોઇએ. તેનાથી અભ્યાસનો સમય મળતો નથી. સમયસર પુસ્તકો મળતા નથી અને વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડે છે.
* બી.એસ.સી.ના ત્રીજા સેમેસ્ટર સુધી પુસ્તક વગર પરીક્ષાઆપી છે. પરીક્ષા સુધી બજારમાં પુસ્તકો આવ્યાં જ ન હતા.
* વર્ષોથી ચાલી આવતી નોન સેમેસ્ટર પ્રથામાં એવા કોઇ દોષ ન હતા જે સેમેસ્ટર પ્રથાથી દૂર થાય. અકારણ પરિવર્તન અનાવશ્યક જ ગણાય. તે કરતા જૂની પ્રથાને થોડી જ બદલી ઘણું બધું ફાયદાકારક બની શકે. જૂની પ્રથામાં આવશ્યક ફેરફારો માટે વાલીઓના મંતવ્યો માંગી શકાય.
* ભણવાના કોઇ concept સ્પષ્ટ નથી થતા. ઝડપથી ભણવું પડે છે. ફીસ વધી ગઇ છે.
* સેમેસ્ટર પદ્ધતિ દાખલ થવાની આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ વધારે આર્થિક બોજો પડવાથી પાર્ટટાઇમ નોકરી તરફ દોરવાયા છે. જેથી તેમનું ભણવાનું અદ્યોગતિ તરફ જઇ રહ્યું છે.
આમ, અનેક રૃપાળી દલીલો હઠળ અમલમાં આવેલી આ સેમેસ્ટર પદ્ધતિ કઇ રીતે શિક્ષણને ખતમ કરી રહી છે, તે આ સર્વેક્ષણમાંથી સ્પષ્ટ થાય છે. વિદ્યાર્થીઓ તો કેવા માનસિક તણાવમાંથી પસાર થતાં હશે, તેની શાબ્દિક રજૂઆત કરવી અઘરી છે. વિવેકાનંદની વ્યાખ્યા મુજબ ‘Man making character building process’ મુજબનું શિક્ષણ હોવું જોઇએ તેના બદલે ‘પરીક્ષાલક્ષી – ડિગ્રીલક્ષી – સંવેદનહીન’ શિક્ષણ બનાવાઇ રહ્યુ છે. સેમેસ્ટર પદ્ધતિ તેને વેગ આપવાનું જ કામ કરી રહી છે. તેના તમામ પાસાઓનો સંપૂર્ણ અભ્યાસ કરી, તેના મૂળ ઉદ્દેશોને સમજી તેના વિરૂદ્ધ અસંમતિનો અવાજ ઊભો કરવો સમયની અનિવાર્યતા છે. ભાવનગર યુનિવર્સિટીએ સેમેસ્ટર પ્રથાની હાલાકીઓ સ્વીકારી અને આખેઆખી પદ્ધતિ જ સ્નાતક કક્ષાએ દૂર કરી છે જે એક સારા સમાચાર છે. એ જ પગલે રાજ્યની તમામ યુનિવર્સિટીમાંથી સેમેસ્ટર પ્રથા દૂર કરી વિદ્યાર્થીઓ, અધ્યાપકો, વાલીઓને રાહત આપવામાં આવે, એવો સૂર ઉવેખી શકાય તેમ નથી.