ઇસ્લામ એક પ્રાકૃતિક ધર્મ છે. માનવને પ્રેમ કરવું એ પ્રકૃતિનો તકાદો છે. એટલા માટે જ ઇસ્લામે પ્રેમ કરવાથી રોકયો નથી, બલ્કે પ્રેમ કરવાવાળા લોકોને ક્યામતના દિવસે અલ્લાહના અર્શનો પડછાયામાં જગ્યા આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. પણ ઇસ્લામે પ્રેમની સીમાઓ અને મર્યાદાઓ નક્કી કરી છે. પ્રેમ અલ્લાહ અને એના રસૂલ (ઈશદૂત) સાથે હોય અને એમના આદેશાનુસાર મા-બાપ, ભાઇઓ, બહેનો, પત્ની, સંતાન અને બધા લોકો સાથે હોય. ઇસ્લામી શિક્ષણ અને માર્ગદર્શન હોવા છતાં બીજા લોકોનું અનુકરણ કરવું એ મુસલમાનોને શોભતું નથી.
સૌથી વધુ અલ્લાહને પ્રેમ કરવાવાળા. એવો પ્રેમ જેની તુલના ન થઇ શકે અને તે બધી જ સીમાઓ અને બંધનોથી પર હોય. તેઓ સૌથી વધુ અલ્લાહને પ્રેમ કરે છે. તેઓ અલ્લાહ સિવા બીજા કોઇને અલ્લાહથી વધુ પ્રેમ કરતા નથી. અલ્લાહ સાથે સંબંધનો મહિમા અલ્લાહ સાથે પ્રેમના શબ્દોમાં વર્ણવામાં આવ્યું છે. આ એક સાચું વર્ણન જ નથી પણ અત્યંત સુંદર વર્ણન છે. ખરા મો’મિન અને ખુદા વચ્ચે ખરો સંબંધ પ્રેમનો જ સંબંધ છે. હૃદયના નજીકનો સંબંધ આત્મીયતાનો સંબંધ, મિત્રતાનો સંબંધ શું સહાબાએ કિરામ નબીએ કરીમ (સ.અ.વ.) અને નબી (સ.અ.વ.) સહાબાએ કિરામ જેવી જ મુહબ્બત કરતા હતા જેવી આજે આપણે વેલેન્ટાઇન ડેના સ્વરૃપમાં જોવા મળે છે. જો આપણે સહાબાએ કિરામના જીવન વિશે વિચારીશું તો માલૂમ પડશે કે હઝરત અબૂબક્ર (રદી.) આપ (સ.અ.વ.)ને એટલો પ્રેમ કરતા હતા કે હિજરતમાં પણ તેઓ આપ (સ.અ.વ.)ની સાથે જ હતા. જ્યારે પણ અધર્મીઓ આપ (સ.અ.વ.)ને ત્રાસ આપતા હતા તેઓ નબીએ કરીમ (સ.અ.વ.)ને એમના ત્રાસથી બચાવતા હતા. આ આપ (સ.અ.વ.)ના પ્રેમનો જ પ્રભાવ હતો કે જંગે તબૂક વખતે એક જ અપીલ ઉપર પોતાના ઘરનો બધો જ માલ સામાન આપ (સ.અ.વ.)ની સેવામાં હાજર કરી દીધા. હઝરત ઉમરે (રદી.) પણ પોતાના ઘરનો અડધો સામાન આપ (સ.અ.વ.)ની સેવામાં અર્પણ કરી દીધો. આ જ સમયે એક સહાબી જેમની પાસે કશું જ ન હતું. તેઓએ એક યહૂદીના ખેતરમાં આખી રાત મજૂરી કરી અને મજૂરીના બદલામાં એમને જે ખજૂરો મળી એ નબી (સ.અ.વ.)ની સેવામાં હાજર કરી દીધી.
નબી (સ.અ.વ.) સાથે પ્રેમનો અર્થ એ હતો કે સહાબાએ કિરામ આપ (સ.અ.વ.)ના એક ઇશારા ઉપર પોતાના પ્રાણોનું બલિદાન આપવા તૈયાર થઇ જતા હતા. આપ (સ.અ.વ.)ની સાથે વફાદારીનું પ્રમાણ આપતા અને આપ (સ.અ.વ.)ના આદેશોનુસાર પોતાનું જીવન વ્યતીત કરતા હતા. મુસીબતના સમયમાં આપ (સ.અ.વ.)નું દરેક રીતે રક્ષણ કરતા હતાં. ઇસ્લામના પ્રભુત્વ માટે દરેક મુસીબતને સહન કરવાની ભાવના એમનામાં હતી.
આજે આપણે આપણા સમાજ ઉપર નજર નાખીને જોઇએ કે પશ્ચિમની અસરથી ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કેટલી અનૈતિક અને અશ્લીલ રસમ મનાવવામાં આવે છે. અને હવે તો આ નિર્લજ્જ અને અશ્લીલ રસમ મુસ્લિમ સમાજમાં પણ પ્રવેશી ચૂકી છે અને આપણી સોસાયટીનું અંગ બની રહી છે. જેમાં મુસ્લિમ છોકરા અને છોકરીઓ ખૂબ જ શોખથી ભાગ લે છે અને તેને યૌવન ભાગ સમજે છે. જોકે આ બધુ બીજા લોકોની નકલ છે. પ્રચલિત વાર્તાઓમાંની એક આ છે કે આવો સંબંધ પ્રાચીન મૂર્તી પૂજકો (રોમીઓે)ના દેવતાના એક પર્વના દિવસે સાથે છે. આ તહેવાર પ્રતિ વર્ષ ફેબ્રુઆરીની વચ્ચે ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉપર કુંવારી કન્યાઓ પ્રેમ પત્રો લખીને એક મોટા ફ્લાવર પોર્ટમાં નાખી દેતી હતી. પછી નવયુવાન યુવકો એમાંથી પસંદ કરતા હતાં. પછી તે યુવકો અને યુવતિઓ લગ્ન પહેલા એક બીજાથી પરીચિત થવા માટે મુલાકાતો કરતા હતા અને એક બીજાને ફૂળ અને બીજી ભેંટ સોગાદો આપતા હતા. ખ્રિસ્તી ધર્મ ગુરૃઓએ આ નૈતિક રસમ ઉપર પ્રતિબંધ લાદવાની જગ્યાએ આને ધાર્મિક સ્વરૃપ આપવા માટે ‘સેન્ટ વેલેન્ટાઇન’ નામના તહેવારમાં બદલી નાખ્યું. દુઃખની વાત આ છે કે આજે મુસ્લિમ સમાજમાં પણ આ નિર્લજ રસમ એટલી બધી લોકપ્રિય થઇ રહી છે કે ભણેલા ગણેલા લોકોના સંતાન પણ આનો ભોગ રહ્યા ગયા છે. અને લાજ-શરમ અને પવિત્રતા જે પાપથી બચવા માટેનું એક અસરકારક શસ્ત્ર હતું તેનો જનાઝા (નનામી) નિકળવા લાગ્યો છે. લગ્નના પવિત્ર બંધન વગર આજના યુવકો જેટલો પ્રેમ એ યુવતીઓને કરે છે એટલો જ પ્રેમ જો પોતાની માતા સાથે કરતા તો તેઓને માતાના ચરણે નીચે સ્વર્ગ મળત. એટલો જ પ્રેમ જો એમની બહેનો સાથે કર્યા હોત તો તેમને અલ્લાહના નબી (સ.અ.વ.) તરફથી જન્નતના શુભ સમાચાર મળ્યો હોત. શું એક મુસ્લિમ અપરિણીત યુવક કે યુવતીને આ શોભે છે કે તેઓ ગેરમહેરમ સાથે સંબંધ બાંધીને અલ્લાહ અને તેના રસૂલ (સ.અ.વ.)ને નારાઝ કરે અને શેતાનને ખુશ કરે. આ ક્યાંનો ન્યાય છે. જો આપણે નબીએ કરીમ (સ.અ.વ.)ની શિક્ષાઓને અને સંસ્કૃતિને મોટા પાયે અને વ્યાપક રીતે ફેલાવ્યા હોત તો બીજી કોમો આપણું અનુકરણ કરવા માટે મજબૂર થઇ ગઇ હોત. શું ઇસ્લામી સંસ્કૃતિમાં કોઇ કમી હતી કે આપણે એને સમાજમાંથી કાઢી મુક્યા? અને નબીએ કરીમ (સ.અ.વ.)ના દુશ્મનોની સંસ્કૃતિને પસંદ કરી. શું મુસલમાન નબીએ કરીમ (સ.અ.વ.)ને તકલીફ નથી પહોંચાડી રહ્યા? શું ઇમાનનો આ જ તકાદો છે? અજાણ્યા પુરૃષ અને સ્ત્રીનો મેલ મિલાપ કેટલું જોખમકારક છે? આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે જો બે અજાણ્યા પુરૃષ અને સ્ત્રી એક જગ્યાએ ભેગા થશે તો ત્યાં ત્રીજો શેતાન હશે જે એમના પાસે ગુના કરાવશે.
મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે એક ભૂંડ જે અપવિત્ર છે જો એ કાદવમાં લતપત થઇને આવે અને એક વ્યક્તિના શરીરને આભડીને જતો રહે તો આ એટલું ખતરનાક અને ખોટું નથી જેટલું એક અજાણી સ્ત્રીનું એક અજાણ્યા પુરૃષના શરીર સાથે અડવું ખતરાનું કારણ બને છે. આજે કાકા, મામા, માસી અને ફોઇના દીકરી અને દીકરાઓ જેમનું પરસ્પર ભાઇ-બહેનનો સંબંધ છે એમને શેકહેન્ડ કરવું આને સારા એટીકેટ્સ માનવામાં આવે છે. અલ્લાહના નબી (સ.અ.વ.) જે અમારા માટે કૃપાળુ છે તેઓ આ ખતરાથી અમોને ચેતવી રહ્યા છે. શું ઈમાનવાળા અને હયા રાખવાવાળા યુવકો અને યુવતીઓનું આ જ કામ હોય છે. આજની યુવાન પેઢી નબીએ કરીમ (સ.અ.વ.)ના ફરમાનથી ગાફેલ કેમ છે? આપે (સ.અ.વ.) ફરમાવ્યું, નિઃશંક શરમ અને શિલની પવિત્રતા ઇમાનનો ભાગ છે. જ્યારે જીવનમાં શિલ ન રહ્યું તો ઇમાન ક્યાંથી સલામત રહ્યું? શું કોઇ હયા રાખવાવાળો ભાઇ આ કલ્પના કરી શકે છે કે કોઇ ખરાબ હૃદયવાળી વ્યક્તિ તેની બહેન સાથે આવી રીતે પ્રેમનું નાટક કરે અને તેને પ્રેમનું ફુલ આપે? જ્યારે ઇચ્છતે નથી તો તેણે વિચારવું જોઇએ કે જે છોકરી સાથે આવું વર્તન કરશે તે પણ કોઇની બહેન છે.
હે મુસ્લિમ યુવકો! અમારા વ્હાલા નબીએ ફરમાવ્યું છે કે શરમ અને ઈમાન બે જોડકા ભાઇઓની માફક છે. જ્યારે એ જીવનથી નીકળી જાય તો બીજો પણ નીકળી જશે. અર્થાત જો શરમ ન હોય તો ઇમાન નહી હોય અને ઇમાન ન હોય તો લજ્જા પણ ન હોય.
હે ઉમ્મતે મુસ્લિમાના યુવકો! સાંભળી લ્યો તમારા રસૂલે (સ.અ.વ.) ફરમાવ્યું જેમાં હયા નહીં એમાં ઇમાન પણ ન રહ્યું. જ્યારે અલ્લાહ તઆલા કોઇ બંદાને હલાક કરવા ઇચ્છે છે તો ઇમાન એની પાસેથી ખેંચી લે છે.
ખબરદાર! હયા ઇમાનનો ભાગ છે. આવો, આપણે ઇમાનવાળા અને હયાવાળા હોવાના તકાદાને સામે રાખીને આ મોટો ગુનાથી પોતાને તથા આવનારી પેઢીઓને બચાવવાની ચિંતા કરીએ. અલ્લાહ અમલની તૌફીક અતા ફરમાવે.