(મક્કામાં અવતરિત થઈ * રુકૂઅ ઃ ૧ * આયતો ઃ ૧૫)
અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
૧. સૂર્ય અને તેના તડકાના સોગંદ,
૨. અને ચંદ્રના સોગંદ જ્યારે તે તેના પાછળ આવે છે,
૩. અને દિવસના સોગંદ જ્યારે તે (સૂર્યને) સ્પષ્ટ કરી દે છે,
૪. અને રાત્રિના સોગંદ જ્યારે તે (સૂર્યને) ઢાંકી લે છે,
૫. અને આકાશના અને તે હસ્તીના સોગંદ જેણે તેને સ્થાપિત કર્યો,
૬. અને ધરતીના અને તે હસ્તીના સોગંદ જેણે તેને પાથરી,
૭. અને મનુષ્યની આત્માના અને તે હસ્તીના સોગંદ જેણે તેને ઠીકઠાક કરી
૮. પછી તેની બૂરાઈ અને તેની પરહેજગારી (સંયમ) તેના હૃદયમાં નાખી દીધી,
૯. ખરેખર સફળ થઈ ગયો તે જેણે આત્માને વિશુદ્ધ અને વિકસિત કર્યો,
૧૦. અને નિષ્ફળ થયો તે જેણે તેને દબાવી દીધો.
૧૧. સમૂદે પોતાના વિદ્રોહના જ કારણે ખોટું ઠેરવ્યું.
૧૨. જ્યારે તે જાતિનો સૌથી વધુ દુર્ભાગી માણસ વીફરીને ઊભો થયો
૧૩. તો અલ્લાહના રસૂલે તે લોકોને કહ્યું કે સાવધાન ! અલ્લાહની ઊંટણીને (હાથ ન લગાવતા) અને તેના પાણી પીવામાં (અડચણ ન બનતા).
૧૪. પરંતુ તેમણે તેની વાત ખોટી ઠેરવી અને ઊંટણીને મારી નાખી. અંતે તેમના અપરાધની સજામાં તેમના રબે (પ્રભુએ) તેમના પર એવી આફત મોકલી કે એકી સાથે સૌને માટીમાં ભેળવી દીધા,
૧૫. અને તેને (પોતાના આ કાર્યના) કોઈ ખરાબ પરિણામનો ભય નથી.